Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:આજની ઘડી... શ્રીહરિએ ઘડી...

    21 hours ago

    જી રે આજની ઘડી તે રળિયામણી રે; મારો વા’લોજી આવ્યાની વધામણી રે. જી રે આજની. જી રે તરિયાં તોરણ તે બંધાવિયાં રે; મારા વા’લાજીને મોતીડે વધાવિયા રે. જી રે આજની. જી રે કંકુ કેસરની ગાર કરાવી મેં રે; ઝીણી કસ્તૂરીની ચોકડી પડાવિયે રે. જી રે આજની. જી રે લીલા-પીળા તે વાંસ વઢાવિયે રે; મારા વા’લાજીનો મંડપ રચાવિયે રે. જી રે આજની. જી રે પૂર્યો પૂર્યો સુહાગણ સાથિયો રે; વા’લો આવે મલપતો હાથિયો રે. જી રે આજની. જી રે ગંગા-જમુનાનાં નીર મંગાવિયે:રે; મારા વા’લાજીના ચરણ પખાળિયે રે. જી રે આજની. જી રે સોનારૂપાની થાળી મંગાવિયે રે; માંહે ચમકતો દીવડો મેલાવિયે રે. જી રે આજની. જી રે તન મન ધન ઓવારિયે રે; મારા વા’લાજીની આરતી ઉતારિયે રે. જી રે આજની. જી રે રસ વાધ્યો જે અતિ મીઠડો રે; મે’તા નરસૈંયાનો સ્વામી દીઠડો રે. જી રે આજની. - નરસિંહ મહેતા ઘડિયાળમાં હોય તે સમય જેની સાથે જીવવામાં વીતી જાય એની ખબર ન પડે તે ઘડી! નરસૈંયો એમ કહે છે આજની ઘડી તે રળિયામણી! આજની એટલે? વર્તમાનમાં જીવતી પ્રત્યેક ઘડી. કેમ? ‘મારો વા’લોજી આવ્યાની વધામણી’... હું એટલે કે નરસૈંયો એટલે કે પ્રત્યેકમાં જીવતો નરસૈંયો એમ કહે છે કે હું રાહ માત્ર નથી જોતો! મારો વા’લો-પ્રભુજી આવે પણ છે. એના આગમનથી મારા જીવતરની પ્રત્યેક ઘડી રળિયામણી છે. ઈશ્વરની પ્રતીતિ સાબિતી અને ખુલાસાથી પર છે. ઘડી રળિયામણી જ છે. પ્રત્યેક ઘડી રળિયામણી છે. ઈશ્વરની રાહ જોતી પ્રત્યેક ઘડીમાં મિલનની સુગંધ છે. રાહ જોયા વગરની આંખો ગમે તેટલી સુંદર હોય પણ એમાં નજાકત નથી હોતી! એમાં આર્તપણું હોય અને એ પણ ફરિયાદ વગરનું. પૂર્ણ ભરોસા સાથેનું આર્તપણું હોય ત્યારે આપણી ઈચ્છાના આકારમાં શ્રીહરિ એ ઢળવું પડે છે. આવવું પડે છે. આવે છે ત્યારે માત્ર આગમન જ હોય છે. વિદાય હોતી જ નથી. એટલે એવું કહેવાની નરસિંહને જરૂર નથી પડી કે આ વાત માત્ર આજ પૂરતી જ છે. એતો હવે પછીના દરેક સમયને આત્મવિશ્વાસથી અજવાળે છે. જેમણે શ્રીહરિને પામ્યા છે એમના અનુભવમાં ઘડી રળિયામણી અને જિંદગી સ્વયં વધામણી જ લાગે. જે આવ્યાં છે એમને આવકારવાં છે. એ આવકાર બાહ્ય દેખાવ પૂરતો નથી. અંદરથી એકાકાર છે. આંસુનાં મોતીથી માત્ર વહાલાને ખબર પડે એમ આંખોની બારસાખે તોરણ બંધાવ્યાં છે. કંકુ શ્વાસમાંથી ઝરે છે એની ખબર ટેરવા ઉંબરા પર ઝીણી કસ્તૂરીની ચોકડી કરે છે ત્યારે પડે છે. સુહાગણનો સાથિયો ચિરંજીવ રહે એમ શ્રદ્ધાને નરસિંહ ચિરંજીવ માનીને ભરોસાને ભાવથી આગળ વધારે છે. પ્રથમ બે પંક્તિ પછીની બધી જ સ્થૂળ પ્રક્રિયા વાસ્તવમાં તો સૂક્ષ્મ પ્રક્રિયા છે, ભક્તના એકાગ્ર ચિત્તથી સહજ રીતે વ્યક્ત થયેલો ઉમળકો છે. જીવનમાં શ્રીહરિ આવે એ પહેલાંનો સમય અને અચાનક જ શ્રીહરિના આગમન પછીનો શુકનવંતો સમય એ બંને વિશે એ જ વિભૂતિ વિચારી શકે જેમણે દુનિયામાં રહીને ફરિયાદ કરી નથી અને દુઃખને અકારણ નિમિત્ત બનાવ્યું નથી. આખું પદ જેમ જેમ આગળ વધે છે એમ એમ નરસિંહ મહેતાની જેમ આપણને પણ શ્રીહરિ આપણી ભીતરમાં જ દેખાય છે, એ દેખાય ત્યારથી અને એ પછીની બધી જ ક્ષણો રળિયામણી!
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:શબ્દ થકી પ્રગટેલી શૂન્યતા-શાશ્વતી: નોબેલ વિજેતા કાર્સન
    Next Article
    પ્રકૃતિ, પ્રણય અને કવિતાથી વિમુખ થતું માનવજીવન:નિસર્ગના સૌંદર્યમાં ખીલતું જીવનવૃક્ષ…!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment