Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:શબ્દ થકી પ્રગટેલી શૂન્યતા-શાશ્વતી: નોબેલ વિજેતા કાર્સન

    20 hours ago

    જયેન્દ્રસિંહ જાદવ શીર્ષક વાંચીને તમને એમ થશે કે શબ્દ થકી વળી શૂન્યતા કેવી રીતે પ્રગટે? એનો ઉત્તર મેળવવા માટે તમારે તાજેતરમાં જ સાહિત્યનું નોબેલ જેમને નામે થયું છે તેવા એન કાર્સનનું સાહિત્ય વાંચવું રહ્યું. કાર્સન એક જગ્યાએ એમ કહે છે કે લોકો પોતાની અંદર રહેલા ખાલીપાને ભરવા કશુંક સર્જે છે તો કોઈ વળી ઠલવાઈ જવા સર્જન કરે છે. તે આવું કશું જ નથી કરતાં પણ તેઓ અતીતને અજવાળે પોતાની અંદર એક જગ્યા બનાવવા ઈચ્છે છે, જેમાં તે પોતે રહી શકે. સાહિત્ય એ માનવસંવેદનાનો એવો અરીસો છે, જેમાં પ્રાચીન સભ્યતાનો શોક અને આધુનિક મનુષ્યની વ્યાકુળતા એકસાથે એકસરખી રીતે પ્રતિબિંબિત થઈ શકે છે. વર્ષ 2026માં સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિકથી વિભૂષિત થનાર કેનેડિયન કવયિત્રી, ગ્રીક સાહિત્યનાં વિદુષી અને નિબંધકાર એન કાર્સનનું સર્જન એ માત્ર કવિતા કે ગદ્ય નથી; તે ઉત્તરાધુનિક યુગમાં માનવઅસ્તિત્વ, વિરહ અને મનુષ્યની અગાધ કામનાનું ગહન દર્શન છે. પ્રખ્યાત કવિ ટી. એસ. એલિયટે કહ્યું છે: ‘કવિતા એ ભાવનાઓને મુક્ત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ભાવનાઓમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ છે; તે વ્યક્તિત્વની અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિત્વથી પર થવાનો પુરુષાર્થ છે.’ કાર્સનની સાહિત્યિક સાધનાનું નિરીક્ષણ કરવાથી જણાય છે કે તેમણે કવિતા અને શાસ્ત્રીય અભ્યાસ વચ્ચેના કૃત્રિમ ભેદને ભૂંસી નાખીને એલિયટના આ વિચારને અક્ષરશઃ ચરિતાર્થ કર્યો છે. વ્યક્તિત્વથી પર થઈ કુદરતે આપેલ ઓલિયાપણું જાળવી રાખવાનું કાર્સનને ગમે છે. 2026માં સ્વીડિશ એકેડેમી દ્વારા નોબેલ પુરસ્કારની ઘોષણા થઈ ત્યારે કાર્સન આઇસલેન્ડમાં માત્ર પવનનો ધ્વનિ સાંભળી રહ્યાં હતાં. આ ઘટના દર્શાવે છે કે સાચો સર્જક જગતના ઘોંઘાટથી દૂર કુદરતના આદિમ મૌન સાથે જોડાયેલો રહે છે. એન કાર્સનનો જન્મ 21 જૂન, 1950ના રોજ કેનેડાના ટોરોન્ટો શહેરમાં થયો હતો. પિતા રોબર્ટ કાર્સન બેંક અધિકારી હતા અને માતા માર્ગારેટ કાર્સન ગૃહિણી હતાં, જેના કારણે તેમનું બાળપણ કેનેડાનાં જુદાં જુદાં નાનાં નગરોમાં વીત્યું હતું. બાળપણની આ અસ્થિરતા અને એકાંતમય વાતાવરણે કાર્સનની ભીતર એક સૂક્ષ્મ ચેતનાનો આવિર્ભાવ થયો. પ્રાચીન ભાષાઓ અને શાસ્ત્રીય ગ્રીક સાહિત્ય પ્રત્યેનો તેમનો અનુરાગ તેમને ‘ટોરોન્ટો યુનિવર્સિટી’ તરફ દોરી ગયો, જ્યાંથી તેમણે ગ્રીક સાહિત્ય વિષયમાં બી.એ., એમ.એ. અને 1981માં ડોક્ટરેટ (Ph.D.)ની પદવી પ્રાપ્ત કરી. અધ્યાપન અને સર્જનને કાર્સને ક્યારેય વિભાજિત કર્યાં નથી. તેમણે ‘પ્રિન્સટન યુનિવર્સિટી’, ‘ઇમોરી યુનિવર્સિટી’, ‘યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા’ (બર્કેલી), ‘મેકગિલ યુનિવર્સિટી’ અને ‘યુનિવર્સિટી ઓફ મિશિગન’ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓમાં ગ્રીક સાહિત્ય અને તુલનાત્મક સાહિત્યનું અધ્યાપનકાર્ય કર્યું છે. આર્જેન્ટિનાના મહાન લેખક હોર્હે લુઇસ બોર્હેસે (Jorge Luis Borges) સાહિત્યનો મર્મ સમજાવતાં લખ્યું હતું: ‘સાહિત્ય એ બીજું કંઈ નથી પણ એક સંચાલિત સ્વપ્ન છે.’ કાર્સને પોતાના એકેડેમિક જ્ઞાનને શુષ્ક પાંડિત્યમાં કે અધ્યાપકીય આળસમાં પરિણમવા દેવાને બદલે તેને એક જીવંત કાવ્યાત્મક સ્વપ્નની જેમ સાહિત્યમાં વણી લીધું. તેમણે હોમર, યુરિપિડીઝ, એસ્કિલસ અને સેફોના પ્રાચીન ગ્રીક ગ્રંથોના અંગ્રેજી અનુવાદો કર્યા અને તે પાત્રોને આધુનિક સંવેદનાઓ સાથે પુનર્જીવિત કર્યાં. એન કાર્સનની લેખનશૈલી સાહિત્યિક વર્ગીકરણની પરંપરાગત વ્યાખ્યાઓમાં બદ્ધ થતી નથી. તેઓ કવિતા, ગદ્ય, વિવેચન અને નવલકથાના સીમાડાઓ ભૂંસીને એક નૂતન સાહિત્યિક પ્રકારની રચના કરે છે. સાથે જ તેમની કલમમાં પાંડિત્ય અને તીવ્ર સંવેદનશીલતાનો એક દુર્લભ સમન્વય જોવા મળે છે. અંગ્રેજી રોમેન્ટિક કવિ જ્હોન કીટ્સનું કાલજયી વિધાન છે: ‘સુંદરતા એ જ સત્ય છે અને સત્ય એ જ સુંદરતા.’ કાર્સન આ સત્યને અને સુંદરતાને ગ્રીક પૌરાણિક ચિંતન અને આધુનિક માનવસંબંધોની જટિલતા વચ્ચે શોધે છે. 1986માં પ્રકાશિત તેમનો પ્રથમ વિવેચનાત્મક ગ્રંથ ‘ઇરોસ ધ બિટરસ્વીટ’ મનુષ્યની ઇચ્છાના સ્વરૂપનું ઊંડું વિશ્લેષણ પૂરું પાડે છે. કાર્સનના મતે પ્રેમ એ માત્ર બે અસ્તિત્વનું મિલન નથી, પરંતુ તેમની વચ્ચે રહેલું એવું અનિવાર્ય અંતર છે જે આનંદ અને પીડા બંને એકસાથે ઉત્પન્ન કરે છે. 1998માં પ્રકાશિત તેમની પદ્ય-નવલકથા ‘ઓટોબાયોગ્રાફી ઓફ રેડ’ સાહિત્યિક જગતમાં એક ક્રાંતિકારી પગલું હતું. પ્રાચીન ગ્રીક કવિ સ્ટેસિચોરસની કાવ્યકડીઓ પરથી પ્રેરણા લઈને તેમણે ગેરિયોન નામના લાલ પાંખોવાળા રાક્ષસને આધુનિક સમયના એક સંવેદનશીલ તરુણ તરીકે આલેખ્યો છે. આ કૃતિ સાબિત કરે છે કે પૌરાણિક વાર્તાઓ એ માત્ર ખંડિત આરસની ખાંભીઓ નથી, પરંતુ વર્તમાન મનુષ્યની વ્યાકુળતાને સમજવાનો અરીસો છે. ત્યારથી અત્યાર સુધી બહુ બધું બદલાયું છે પણ એક જ વસ્તુ શાશ્વત છે અને તે છે મનુષ્યની કામનાઓ અને વ્યાકુળતા. કાર્સન કહે છે કે માનવજીવનનું સૌથી નગ્ન સત્ય મરણ અને વિયોગ છે. જર્મન કવિ રિલ્કેએ પોતાની કૃતિ ‘ડ્યુઇનો એલિજીસ’માં લખ્યું હતું: ‘સુંદરતા એ ભયાનકની શરૂઆત સિવાય બીજું કશું નથી, જેને મનુષ્ય માંડ સહન કરી શકે છે.’ કાર્સનના 2010ના પુસ્તક ‘નોક્સ’ (Nox)માં રિલ્કેની આ સંવેદના અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ‘નોક્સ’ એ કાર્સનના સ્વર્ગસ્થ ભાઈના આકસ્મિક નિધન પર રચાયેલો એક વિશિષ્ટ કાવ્યાત્મક દસ્તાવેજ છે. આ પુસ્તક નોખું છે. તે બાઇન્ડ થયેલું નથી પણ મોટા બોક્સ જેવું છે. જૂનાં ફોટોગ્રાફ્સ, ચિઠ્ઠીઓ, રોમન કવિ કેતુલસ (Catullus)ની કવિતાના અનુવાદો અને કાર્સનની હાથબનાવટનો સંગ્રહ છે. અંદર-બહાર બંને રીતે નોખી એવી આ કૃતિ દર્શાવે છે કે મનુષ્ય જેને પ્રેમ કરે છે તેને ક્યારેય સંપૂર્ણપણે જાણી શકતો નથી; મૃત્યુ વ્યક્તિને છીનવી લે છે અને પાછળ માત્ર અપૂર્ણ સ્મૃતિઓના ટુકડા છોડી જાય છે. સ્મૃતિઓની આ અપૂર્ણતા જ માનવઅસ્તિત્વનું મૂળભૂત લક્ષણ છે. તેમના 2024ના ગદ્ય-કાવ્ય સંગ્રહ ‘રોંગ નોર્મા’ (Wrong Norma)માં પણ વિસંગત વિષયોને એકસાથે મૂકીને ભંગાણની પ્રક્રિયાને વાચા આપવામાં આવી છે. કાર્સન નોંધે છે કે શબ્દો ક્યારેય પાળેલાં સાધનો નથી હોતાં, પરંતુ તે અચાનક વીજળીની જેમ ચમકીને માનવધારણાઓને ભસ્મીભૂત કરી નાખે છે. કાર્સનનું સમગ્ર સાહિત્ય વિશ્વસાહિત્યના મહાન સર્જકો સાથે નિરંતર સંવાદમાં રહે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સાહિત્યના આંતરિક ચૈતન્ય વિશે કહ્યું હતું: ‘સત્ય જ્યારે કવિતાનું રૂપ ધારણ કરે છે, ત્યારે તે પ્રેમ બની જાય છે; અને પ્રેમ જ્યારે કવિતા બને છે, ત્યારે તે આરાધના બની જાય છે.’ બહારથી રોમેન્ટિક લાગતી તેમની કૃતિઓ વાસ્તવમાં જુદી છે. કાર્સનની સાહિત્યિક સાધના એ રવીન્દ્રનાથાયેલી અક્ષર-આરાધના છે, જ્યાં પ્રાચીન ગ્રીક પ્રજ્ઞા અને આધુનિક માનસશાસ્ત્રનો મેળ થાય છે. કોઈ પણ નવા પુસ્તકની રચના માટે કાર્સનનું માર્ગદર્શક સૂત્ર છે: ‘મધ્યમાંથી પ્રારંભ કરો’ (Start in the middle). આ વિચાર સ્થાપિત કરે છે કે માનવજીવન કે સાહિત્યમાં કોઈ નિરપેક્ષ પ્રારંભ કે અંત હોતો નથી; સઘળું સમયના અવિરત પ્રવાહની મધ્યમાં આકાર લે છે. કાર્સનનું સર્જન ભાષાના સંકુચિત અહંકારને ઓગાળીને મનુષ્યને અસ્તિત્વના મૂળભૂત સત્ય સામસામે ઊભો રાખી દે છે – એક એવું સત્ય, જ્યાં પ્રેમ કડવો અને મીઠો બંને છે, જ્યાં વિરહ જ મિલનની પૂર્વશરત છે અને જ્યાં અક્ષર જ શૂન્યનો અંતિમ ઉત્તર છે. અંતે, આપણે તો એટલામાં રાજી આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂંપળ તો તાજી.… આપણે તો એટલામાં રાજી - રમણીક સોમેશ્વર }
    Click here to Read More
    Previous Article
    અપડેટ:સેટેલાઇટ ઇન્ટરનેટ: માર્કેટ-ડેટા પર કબજો જમાવવાની હોડ
    Next Article
    જીવનના હકારની કવિતા:આજની ઘડી... શ્રીહરિએ ઘડી...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment