Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:સેટેલાઇટ ઇન્ટરનેટ: માર્કેટ-ડેટા પર કબજો જમાવવાની હોડ

    20 hours ago

    કેવલ ઉમરેટિયા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક અને ભારત સરકાર વચ્ચે અત્યારે એક એવી ટક્કર ચાલી રહી છે, જેના પર આખી દુનિયાની નજર છે. ઈલોન મસ્ક તેમની કંપની ‘સ્ટારલિંક’ દ્વારા ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટની સર્વિસ શરૂ કરવા માગે છે. જોકે, આ વાત આજકાલની નથી. છેલ્લાં 5 વર્ષથી આ માટે વાટાઘાટો ચાલી રહી છે. એટલું જ નહીં, માર્ચ 2025માં સ્ટારલિંકે જિયો અને એરટેલ સાથે કરાર પણ કર્યા હતા. હવે કદાચ ઈલોન મસ્કની ધીરજ ખૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે તેમણે સીધું જ ભારત સરકાર અને ભારતના ઉદ્યોગપતિઓ પર જાહેરમાં નિશાન સાધવાનું શરૂ કર્યું છે. સ્પેસ ઓર્બિટનું ગણિત 140 કરોડથી વધુની વસ્તી ધરાવતું ભારત આજે વિશ્વમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ડિજિટલ ડેટાનું સૌથી મોટું અને આકર્ષક માર્કેટ છે. આ જ કારણ છે કે ઈલોન મસ્કની સ્ટારલિંક, એમેઝોનનો પ્રોજેક્ટ કુઇપર અને બ્રિટનની વનવેબ જેવી વૈશ્વિક કંપનીઓ ભારતના આકાશી માર્ગેથી અહીંના ટેલિકોમ માર્કેટ પર કબજો જમાવવા ઉત્સુક છે. આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા ફોન કે છત પર લાગેલા એન્ટેના પર પહોંચે તે વિચાર જ રોમાંચક છે. પરંતુ પ્રશ્ન માત્ર કનેક્ટિવિટી કે સ્પીડનો નથી, પણ કિંમત, ડેટા સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષાનો છે. સેટેલાઇટ ઇન્ટરનેટ શું છે? અવકાશમાં તરતા ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ દ્વારા સીધું જ તમારા સુધી પહોંચતું ઇન્ટરનેટ એટલે સેટેલાઇટ ઇન્ટરનેટ. સામાન્ય રીતે ઇન્ટરનેટ માટે ફાઇબર ઓપ્ટિક્સ કેબલ્સ, મોબાઇલ ટાવર અને બ્રોડબેન્ડ નેટવર્કની જરૂર પડે છે. જ્યારે સેટેલાઇટ ઇન્ટરનેટ માટે આમાંના કશાની જરૂર નથી. જંગલ, પહાડ, સમુદ્ર, રણ જેવી જગ્યાઓ કે જ્યાં પરંપરાગત ઇન્ટરનેટ પહોંચાડવું શક્ય નથી, તે તમામ જગ્યા પર સેટેલાઇટથી ઇન્ટરનેટ પહોંચી શકે છે. એટલા માટે જ તેને ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી’ કહેવામાં આવે છે. સેટેલાઇટ ઇન્ટરનેટ કઇ રીતે કામ કરે છે? સેટેલાઇટ ઇન્ટરનેટની કાર્યપદ્ધતિને સમજવા માટે તેના ત્રણ મુખ્ય ભાગો વિશે જાણવું પડે: યુઝર ટર્મિનલ: આ નાનકડી ડિશ કે એન્ટેના છે, જેને ઘર કે ઓફિસની છત પર લગાવી શકાય. જે તમારા રાઉટર સાથે જોડાયેલું હોય છે. સેટેલાઇટ: પૃથ્વીની કક્ષામાં ફરતા ઉપગ્રહો ગ્રાઉન્ડ સ્ટેશન: પૃથ્વી પર આવેલા મોટા એન્ટેના અને સર્વર્સનું નેટવર્ક. જ્યારે તમે તમારા ફોન કે લેપટોપમાં ‘યૂ-ટ્યૂબ’ પર કોઇ વીડિયો સર્ચ કરો છો, ત્યારે તમારા રાઉટરથી સિગ્નલ છત પર લાગેલા ‘યુઝર ટર્મિનલ’ (ડિશ) પર જાય છે. ત્યાંથી આ સિગ્નલ સીધો આકાશમાં રહેલા સેટેલાઇટને મળે છે. સેટેલાઇટ આ રિક્વેસ્ટને પૃથ્વી પર રહેલા ‘ગ્રાઉન્ડ સ્ટેશન’ને મોકલે છે. ગ્રાઉન્ડ સ્ટેશન ફાઇબર કેબલ મારફતે ‘યૂ-ટ્યૂબ’ના સર્વરમાંથી ડેટા મેળવે છે અને ફરી સેટેલાઇટને મોકલે છે. સેટેલાઇટ એ ડેટા પાછો તમારી ડિશ પર મોકલે છે અને તમારા ફોનમાં વિડીયો ચાલુ થઈ જાય છે. આ પ્રક્રિયા અમુક મિલિ-સેકન્ડ્સમાં પૂરી થઈ જાય છે! સ્ટારલિંક કઈ રીતે અલગ છે? પરંપરાગત સેટેલાઇટ (જેમ કે ટાટા સ્કાય કે ડીશ ટીવી) પૃથ્વીથી લગભગ 36,000 કિલોમીટર દૂર જિયોસ્ટેશનરી (GEO) ઓર્બિટમાં હોય છે. આટલા દૂર હોવાથી ડેટાને આવવા-જવામાં સમય લાગે છે, જેને ટેકનિકલ ભાષામાં ‘લેટન્સી’ (Latency) કહેવાય છે. જ્યારે ‘સ્ટારલિંક’ કે ‘એમેઝોન કુઇપર’ જેવા નવા પ્રોજેક્ટ્સ ‘લો અર્થ ઓર્બિટ’ (LEO - Low Earth Orbit) નો ઉપયોગ કરે છે. આ સેટેલાઇટ પૃથ્વીથી માત્ર 500 થી 1,200 કિલોમીટર જ દૂર હોય છે. અંતર ઓછું હોવાથી લેટન્સી ઘટી જાય છે અને ફાઇબર બ્રોડબેન્ડ જેવી જ હાઇ-સ્પીડ મળે છે. ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને લઇને હાલ મુખ્ય બે મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા કંટ્રોલ સૌથી મોટો મુદ્દો સુરક્ષાનો છે. સ્ટારલિંક જેવી કંપનીઓનો ડેટા સીધો આકાશમાંથી આવે છે અને જાય છે. ભારત સરકારની (અને RAW, IB જેવી એજન્સીઓની) સ્પષ્ટ શરત છે કે ભારતીયોનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ. તમામ કમ્યુનિકેશન ભારતમાં સ્થિત ગેટવે અથવા સર્વરમાંથી પસાર થવું જોઈએ, જેથી જરૂર પડ્યે સુરક્ષા એજન્સીઓ તેને મોનિટર કરી શકે. વિશ્વના અન્ય દેશોના ઉદાહરણો જોઈએ તો, યુક્રેન યુદ્ધમાં સ્ટારલિંકનો લશ્કરી ઉપયોગ થયો હતો. શ્રીલંકા અને ફિલિપાઇન્સ જેવા દેશોએ પણ વિદેશી સેટેલાઇટ સેવાઓ પર ડેટા શેરિંગ અને સુરક્ષાના કડક નિયમો લાદ્યા છે. ભારતીય સરહદો (જેમ કે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ) ની સંવેદનશીલતા જોતાં, સરકાર કોઈ વિદેશી પ્રાઇવેટ કંપનીને અનિયંત્રિત ડેટા એક્સેસ આપવા માંગતી નથી. સ્ટારલિંકની કિંમત ભારતમાં આપણે મહિનાના માત્ર ₹300-400 માં હાઈ-સ્પીડ અને અનલિમિટેડ 5G ઇન્ટરનેટ વાપરીએ છીએ. જ્યારે સેટેલાઇટ ઇન્ટરનેટ અત્યંત મોંઘું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ‘સ્ટારલિંક’ના માત્ર હાર્ડવેર (ડિશ અને રાઉટર) ની કિંમત ₹34,000 ની આસપાસ છે. તેનું માસિક ભાડું પણ ₹8,000 આસપાસ આવે છે. ભારતીય ગ્રાહકો માટે આ કિંમત વ્યવહારુ નથી. જ્યાં સુધી આ સેવા સસ્તી ન થાય, ત્યાં સુધી તે માત્ર હોટેલ્સ, મોટી કંપનીઓ કે અંતરિયાળ વિસ્તારોમાં સરકારી પ્રોજેક્ટ્સ પૂરતી જ મર્યાદિત રહેશે. આ સિવાય આટલો ખર્ચ કોઈને પોસાય તેમ નથી. સેટેલાઇટ ઇન્ટરનેટની રેસમાં કોણ કોણ છે? SpaceX Starlink: ઈલોન મસ્કની કંપની, જે અત્યારે આ રેસમાં સૌથી આગળ છે. OneWeb: બ્રિટિશ કંપની, જેને ભારતીય ટેલિકોમ દિગ્ગજ એરટેલનું પીઠબળ છે. Amazon Project Kuiper: એમેઝોનનો મહત્ત્વાકાંક્ષી LEO સેટેલાઇટ પ્રોજેક્ટ. Jio SpaceFibre: રિલાયન્સ જિયો પણ SES નામની કંપની સાથે મળીને સેટેલાઇટ ઇન્ટરનેટની રેસમાં ઉતરી ચૂક્યું છે. ભવિષ્ય શું છે? ભારતમાં 5G અને બ્રોડબેન્ડનું નેટવર્ક પહેલેથી જ ખૂબ મજબૂત છે. લગભગ 95% કરતાં વધારે ગામડાંઓ સુધી મોબાઇલ ઇન્ટરનેટ પહોંચી ગયું છે. આમ છતાં, પૂર્વોત્તરના પહાડી રાજ્યો, આંદામાન-નિકોબાર, લદ્દાખ, જંગલ વિસ્તારો અને દરિયામાં કામ કરતા માછીમારો માટે સેટેલાઇટ ઇન્ટરનેટ આશીર્વાદ સમાન સાબિત થશે. કુદરતી આફતો વખતે જ્યારે મોબાઇલ ટાવર પડી જાય છે, ત્યારે આ સેટેલાઇટ નેટવર્ક તારણહાર બની શકે છે. ભારત તેના ડિજિટલ સાર્વભૌમત્વ સાથે બાંધછોડ કરવા તૈયાર નથી. મસ્ક હોય કે બેઝોસ, ભારતના વિશાળ બજારમાં પ્રવેશવા માટે તેમને ભારતના સુરક્ષા નિયમો અને કિંમતના માળખામાં ફિટ થવું જ પડશે.
    Click here to Read More
    Previous Article
    સફર:એશિયન ગેમ્સની યજમાની કરતું શહેર
    Next Article
    અક્ષરનો અજવાસ:શબ્દ થકી પ્રગટેલી શૂન્યતા-શાશ્વતી: નોબેલ વિજેતા કાર્સન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment