Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:એશિયન ગેમ્સની યજમાની કરતું શહેર

    19 hours ago

    નિતુલ ગજ્જર જાપાનના ચોથા સૌથી મોટા શહેર નાગોયામાં તાજેતરમાં એશિયન ગેમ્સ 2026નું સમાપન થયું છે. ઈવેન્ટ દરમિયાન થોડા દિવસ માટે આ શહેર ઘણું ચર્ચામાં રહ્યું હતું. જોકે, નાગોયા માત્ર એશિયન ગેમ્સને કારણે જ નહીં, પરંતુ ત્યાંનાં રસપ્રદ પ્રવાસન સ્થળો માટે પણ પ્રખ્યાત છે. ટોક્યોના ઝડપી જીવન અને ક્યોટોનાં પૌરાણિક મંદિરો વચ્ચે સ્થિત નાગોયા રસપ્રદ સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક સ્મારકોનું મિશ્રણ છે. માટે અહીં પ્રવાસીઓને ફરવામાં મજા આવે છે. ઉપરાંત હવે તો એશિયન ગેમ્સની યજમાની બાદ વધુ લોકો આ શહેરના પ્રવાસે આવતા થયા છે. નાગોયા શહેરનું મુખ્ય આકર્ષણ ત્યાંનો ભવ્ય કિલ્લો છે. 1610માં નિર્માણ પામેલું આ ભવ્ય પરિસર નાગોયા કેસલ તરીકે પ્રખ્યાત છે. અહીં લાકડાના બનેલા બહુમાળી મહેલ અને તેના પર મૂકવામાં આવેલા શાચીહોકો (પૌરાણિક ડોલ્ફિન આકારની સજાવટ) જોવાલાયક છે. કેસલની અંદરના ભાગમાં રાજપરિવાર દ્વારા વપરાતી વસ્તુઓને સજાવીને મૂકવામાં આવી છે. સાથે અહીં કિલ્લા ઉપર ચડીને શહેરનો અદ્ભુત નજારો પણ જોઈ શકાય છે. આ કિલ્લાના પરિસરમાં હોનમારુ પેલેસના પુનઃસ્થાપિત કરેલા અવશેષો અને ચેરી બ્લોસમના ફૂલોનો વિશાળ બગીચો પણ સ્થિત છે. ભારતની જેમ જાપાનમાં પણ મંદિરોનું આગવું મહત્ત્વ છે. અહીં નાગોયામાં પણ એવું જ એક મંદિર છે. જાપાનના સૌથી પવિત્ર ગણાતા શિંતો મંદિરોમાંનું એક એવું અત્સુતા મંદિર શહેરના દક્ષિણમાં સ્થિત છે. જાપાનના ત્રણ શાહી રાજચિહ્નોમાંથી એક કુસાનાગી તલવાર પણ આ મંદિરમાં હોવાનું કહેવાય છે. જોકે શહેરથી અડીને સ્થિત હોવા છતાં આ મંદિર શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય વિતાવવાનો મોકો આપે છે. સાયપ્રસ વૃક્ષોના બગીચાથી ઘેરાયેલી આ જગ્યાએ નાનકડું સંગ્રહાલય પણ છે, જેમાં રસપ્રદ વસ્તુઓ જોવા મળે છે. જાપાનીઝ કલાકૃતિઓ વિશ્વપ્રખ્યાત છે. તેમાં પણ સમુરાઈ યુગની કૃતિઓને તો સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આવી જ ઘણી વસ્તુઓનો સંગ્રહ નાગોયાના ‘તોકુગાવા આર્ટ મ્યુઝિયમ’માં જોવા મળે છે; જેમાં તલવારો, બખ્તર, રોગાનનાં વાસણો, ચા સમારંભની વસ્તુઓ, નોહ થિયેટરના પરિધાન વગેરે સામેલ છે. જાપાનનો રાષ્ટ્રીય ખજાનો ગણાતા ‘ધ ટેલ ઑફ ગેન્જી’નાં હાથે બનાવેલાં ચિત્રોને પણ આ આર્ટ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. જોકે નાજુક કલાકૃતિઓ સાચવવામાં આવી હોવાથી આ સંગ્રહાલયનો મર્યાદિત વિસ્તાર જ મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જાપાનનો સૌથી જૂનો ટીવી ટાવર ‘ચુબુ ઈલેક્ટ્રિક પાવર’ મીરાઈ નાગોયા શહેરનો સુંદર નજારો જોવાનો મોકો આપે છે. નાગોયા અને આસપાસના પર્વતોનાં મનોહર દૃશ્યો જોવા માટે ટાવર પર 90 મીટરની ઊંચાઈએ ઈન્ડોર સ્કાય ડેક આવેલું છે. આ ટાવર પરથી દેખાતા રાતના દૃશ્યને માટે તો આ જગ્યાને સત્તાવાર રીતે ‘જાપાન નાઈટ વ્યૂ હેરિટેજ સાઈટ’ તરીકે માન્યતા મળી છે. જેમને ખુલ્લી હવામાં ઊભા રહેવું હોય તેમના માટે 100 મીટર પર આઉટડોર સ્કાય બાલ્કની પણ છે, જે શહેરનો અવરોધરહિત નજારો આપે છે. સિટી સાયન્સ મ્યુઝિયમ નાગોયાના ‘સિટી સાયન્સ મ્યુઝિયમ’માં વિશ્વનો સૌથી મોટો પ્લેનેટેરિયમ ડોમ ‘બ્રધર અર્થ’ રાખવામાં આવ્યો છે. અહીં વાસ્તવિક ટોર્નેડો સિમ્યુલેટર અને અત્યંત ઠંડા પ્રદેશની પ્રયોગશાળાનો સમાવેશ થાય છે જે શૂન્યથી નીચે તાપમાનમાં જીવન કેવું હોય તે સમજાવે છે. કિલર વ્હેલ, ડોલ્ફિન શો અને દરિયાઈ જીવોના વિશાળ સંગ્રહ માટે નાગોયા પોર્ટ એક્વેરિયમની મુલાકાત લઈ શકાય. શોપિંગ કરવા માટે નાગોયાની ‘ઓસુ શોપિંગ સ્ટ્રીટ’ વખણાય છે. નાગોયા જાપાનીઝ સ્ટ્રીટ ફૂડ માટે પણ જાણીતું સ્થળ છે. નાગોયા કેસલ અને તેની નજીકના ઉદ્યાનોમાં પુષ્કળ માત્રામાં ચેરીનાં વૃક્ષો છે. જેમાં વસંતઋતુ દરમિયાન જ્યારે ફૂલ આવે ત્યારે ચેરી બ્લોસમનો અવિસ્મરણીય નજારો ઉદભવે છે. માટે માર્ચના અંતથી એપ્રિલ મધ્ય સુધીમાં જો નાગોયા જવાનું પ્લાનિંગ કરો તો ચેરી બ્લોસમનો લાભ મળશે. નાગોયા સુધી પહોંચવા ભારતથી કનેક્ટિંગ ફ્લાઈટ્સના ઘણા વિકલ્પો છે. જોકે જાપાન ભારતથી ઘણું દૂર હોવાને કારણે પ્રવાસ થોડો લાંબો લાગી શકે. ઉપરાંત એરપોર્ટ પણ શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર છે. અહીં શહેરમાં ફરવા કાર્યક્ષમ સબવે સિસ્ટમ છે જે મોટાભાગનાં મુખ્ય આકર્ષણો સુધી ઝડપથી પહોંચાડી દે છે. અહીં શહેરમાં કેસલ, ઓસુ શોપિંગ સ્ટ્રીટ, સાયન્સ મ્યુઝિયમ વગેરે સ્થળો નજીકમાં જ આવેલાં છે. માટે એ બધી જગ્યાઓ તો ચાલીને પણ ફરી શકાય.
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:પહેલીવાર હિઝબુલ્લાહે પૂરવાર કર્યું કે ઝનૂની આત્મઘાતી હુમલા સામે તમામ સતર્કતા નકામી
    Next Article
    અપડેટ:સેટેલાઇટ ઇન્ટરનેટ: માર્કેટ-ડેટા પર કબજો જમાવવાની હોડ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment