Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:પહેલીવાર હિઝબુલ્લાહે પૂરવાર કર્યું કે ઝનૂની આત્મઘાતી હુમલા સામે તમામ સતર્કતા નકામી

    18 hours ago

    ધૈવત ત્રિવેદી સૂકીભઠ, વેરાન અને તરડાયેલી ધરતી પાણીના એક ટીપા માટેય તલસતી હોય. એટલે જ, લેબેનોનની ભૂમિની આદ્ય રહેવાસી એવી ફોનેશિયન પ્રજાએ ભૂગર્ભજળ જ્યાં વિપુલ માત્રામાં હોય એવા સ્થળોની શોધ આદરી અને તેની આસપાસ શહેર વસાવ્યું. પ્રાચીન ફોનેશિયન ભાષામાં ભૂગર્ભજળ માટે એક શબ્દ હતો, ‘બાયરુત’, જેને પછી આવેલા એલેક્ઝાન્ડરે બેરાયટસ કહ્યું અને ફ્રેન્ચોએ બૈરુત તરીકે ઓળખ્યું. ભૂમધ્ય સમુદ્રના કાંઠે વસેલું આ શહેર ગઈ સદીમાં ‘મધ્ય-પૂર્વનું પેરિસ’ કહેવાતું હતું. સમુદ્ર માર્ગે એશિયા અને યુરોપને જોડતું હોવાથી બંદર તરીકે તેનો વિકાસ થયો. યુરોપ સાથેના સીધા સંસર્ગને લીધે શિક્ષણ, ફેશન, ફૂડ, આલિશાન ઈમારતો જેવી અનેક યુરોપિય શૈલીઓ બૈરુતના માર્ગે એશિયામાં પ્રવેશી. પણ બૈરુતનો એ સુવર્ણયુગ ક્યારનો વીતી ગયો હતો. ગત સદીના ઉત્તરાર્ધ પછીનું બૈરુત દમિયલ, હાંફતા, ખાંસતા મરીઝ જેવું અવાવરું, જીર્ણ થઈ રહ્યું હતું અને તેનું કારણ હતું આંતરવિગ્રહ. લેબેનોનમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને ગ્રીક પ્રજાની હાજરી સ્થાનિક તાણાવાણાને જોડવાને બદલે એવી સૂકી ભેળ બનાવતા હતા જેને રાષ્ટ્રવાદ નામની ચટણી જોડી શકતી ન હતી. પરસ્પર હાવી થઈ જવાના પ્રયાસમાં દરેક સંપ્રદાયના પોતાના સશસ્ત્ર સંગઠનો હતા. મુસ્લિમોમાં વળી શિયા અને સુન્નીનો ભેદ તીવ્ર હતો. સરવાળે, બૈરુતની હવામાં બારુદની ગંધ ન ફેલાતી હોય એવો એકેય દિવસ ભાગ્યે જ જોવા મળતો. જગજમાદાર તરીકે દરેક ધીખતી ધરામાં પહોંચીને પોતાનો ફાયદો અંકે કરવો એ અમેરિકાનો કાયમી ક્રમ અને એ ક્રમનું દોરવાયું અમેરિકા બૈરુતમાં ‘શાંતિ સ્થાપવાના’ નામે સંયુક્ત રાષ્ટ્રના પીસ ફોર્સ તરીકે ધામા નાખી ચૂક્યું હતું. એરપોર્ટથી નજીક સાત માળની એક ઈમારતમાં પીસ ફોર્સના સૈનિકોને નિવાસ અપાયો હતો. તેમાં ત્રીજા અને ચોથા માળે અમેરિકન સૈનિકોનો વસવાટ હતો. અફઘાનિસ્તાન હોય કે ઈરાક કે પછી લેબેનોન, અશાંત ભૂમિ પર જ્યાં પણ અમેરિકા જાય ત્યાં પોતાના સૈનિકોની ફરતે ચોમેર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવે. એક ચકલુંય મંજૂરી વગર ફરકી ન શકે એવી પહેરેદારીના ચાર-પાંચ કોઠા વટાવો પછી ઈમારતની નજીક પહોંચી શકાય, પરંતુ આજે અમેરિકાનું તમામ ગુમાન હાથમાં આવી જવાનું હતું. એ દિવસ હતો 23 ઓક્ટોબર, 1983. નિયત ક્રમ મુજબ, સવારે 7 વાગ્યે સુરક્ષાકર્મીઓની શિફ્ટ બદલાય. અશાંત વિસ્તારમાં રાતભર પહેરો દીધા પછી સૈનિકોનો એક કાફલો નિવાસસ્થાને પાછો ફરે અને તેમની જગ્યા લેવા નવો કાફલો નિવાસસ્થાનેથી નીકળે. આખી રાત નિવાસસ્થાનની પહેરેદારી દીધા પછી સવારે સાડા પાંચ આસપાસ સાર્જન્ટ લોકી તેની કેબિનમાંથી બહાર નીકળ્યો. આખું શરીર ખેંચીને તેણે આળસ મરડી, કમર પર બાંધેલું હોલ્સ્ટર ખોલીને ટેબલના ખાનામાં ગન મૂકી. સૈનિકોને લઈને આવનારી ગાડીના નંબર લોગબુકમાં ચકાસી લીધા. સૈનિકોનું શિફ્ટિંગ પતે પછી તેનેય હવે દિવસભર આરામ મળવાનો હતો એટલે આરામની મુદ્રામાં એ કેબિનની બહાર નીકળ્યો અને ઠંડી, તાજી હવામાં ઊંડો શ્વાસ લીધો. નિવાસસ્થાન તરફ જોયું. ત્યાં સૈનિકો દમામદાર યુનિફોર્મમાં શસ્ત્રસજ્જ થઈને ટ્રકોમાં ગોઠવાઈ રહ્યા હતા. કેટલાંક ટહેલી રહ્યા હતા તો કોઈક ઉત્સાહી વળી ખુલ્લા મેદાનમાં જ પુશઅપ મારીને બાવડાં તંગ કરી રહ્યા હતા. સાર્જન્ટ લોકીએ મેઈન રોડ તરફ જોયું. ત્યાં પણ રોજ જેવી જ શાંત સ્તબ્ધતા હતી. એરપોર્ટ પર ઊતરી રહેલાં વિમાનોની ઘરઘરાટી સિવાય વહેલી સવારનું બૈરુત હજુ સુસ્તાઈ રહ્યું હતું. ટ્રકોની આવ-જા ઝડપી બને એ માટે સાર્જન્ટ લોકીએ કેબિનમાં જઈને દરેક બેરિકેડ ખોલવાનો આદેશ માઈક્રોફોન પર વહેતો કરી દીધો એ સાથે ફટાફટ રેતીની આડશો હટવા લાગી. લોખંડના મજબૂત આડતિયા ખૂલવા લાગ્યા. આરામ માટે ઉતાવળો થયેલો સાર્જન્ટ લોકી લોગબુક પર ઈનકમિંગ, આઉટગોઈંગ ટ્રકની એન્ટ્રી માટેનું પાનું ખોલીને બહાર આવ્યો. હવે બસ, થોડી વારમાં ટ્રકો આવવી જ જોઈએ... ટ્રક આવતી દેખાઈ પણ ખરી. એન્જિનનો ખાસ અવાજ ન થાય એમ ત્રીજા ગિયરમાં એકસરખી સ્પીડે આગળ વધતી ટ્રક પ્રથમ બેરિકેડ પાસે પહોંચી, એ સાથે અચાનક પૂંઠે પૂળો ચંપાયેલી ઘોડીની જેમ તેનું એન્જિન રાઉસ થયું અને પૂરપાટ વેગે ભાગી. બીજો વળાંક વટાવ્યા પછી તમામ બેરિકેડ ખુલ્લાં જોઈને ડ્રાઈવરે ટ્રકને ટોપ ગિયરમાં નાખી, પણ એટલી વારમાં એન્જિનના બદલાયેલા અવાજને લીધે સાર્જન્ટ લોકી ચમકી ચૂક્યો હતો. સૈનિકોને લાવનારી ટ્રક પ્રથમ બેરિકેડ પાસે કેટલાંક સૈનિકોને ઉતારે અને પછી ધીમે ધીમે દરેક બેરિકેડ વટાવીને છેલ્લે નિવાસસ્થાન સુધી પહોંચે. તેને બદલે આ ટ્રક ઊભી રહેવાને બદલે પૂરપાટ વેગે કેમ આગળ જાય છે? ચોંકેલા સાર્જન્ટે તરત ટેવવશ ગન માટે કમર પર હાથ લંબાવ્યો, પણ ગન તો તેણે ક્યારની ટેબલના ખાનામાં જમા કરી દીધી હતી. ‘સ્ટોપ ઈટ... સ્ટોપ ઈટ’ બૂમો પાડતો તે બેરિકેડ બંધ કરવા ઈશારા કરતો રહ્યો પણ બીજી કેબિનના સુરક્ષાકર્મીઓ પણ લોકીની માફક સુસ્તીમાં જ હતા અને છેલ્લી ઘડીએ સતર્ક બન્યા ત્યાં ટ્રક તીવ્ર ઘરઘરાટી સાથે પૂરપાટ વેગે આગળ વધતો છેલ્લી બેરિકેડ સુધી પહોંચ્યો ત્યારે મરણિયો બનેલો સાર્જન્ટ લોકી કેબિનની એક તરફ લપાયો અને જેવો ટ્રક આગળ વધ્યો કે તરત છલાંગ લગાવીને તેની પાછળ ટીંગાઈ ગયો. ઝડપભેર કેબિન સુધી પહોંચીને ડ્રાઈવરને રોકવાનો તેનો પ્રયાસ જોકે પાર પડવાનો ન હતો. નિવાસસ્થાનની સાવ લગોલગ જઈને ટ્રકમાં જાણે વલોપાત પ્રગટ્યો હોય એમ પ્રચંડ ધડાકો થયો. ધરતી રીતસર ધણધણી ગઈ અને કારમા અવાજે ધૂળ, ધુમાડા, બારુદની તીખી ગંધ અને ચિચિયારીઓથી વાતાવરણ છવાઈ ગયું. એ હુમલામાં સાર્જન્ટ લોકી સહિત કુલ 241 અમેરિકન સૈનિકો ફૂંકાઈ ગયા હતા. કોઈ એક દિવસમાં આટલા અમેરિકન સૈનિકો મર્યા હોય એવી બીજા વિશ્વયુદ્ધ પછીની આ પહેલી અને એકમાત્ર ઘટના. પણ આજે બીજીય એક ઘટના થવાની હતી. 6.22 કલાકે અમેરિકન મથક પર પ્રચંડ આત્મઘાતી હુમલો થયો તેની પંદર જ મિનિટ બાદ ત્યાંથી દોઢ કિલોમીટર દૂર ફ્રેન્ચ સૈનિકોના કેમ્પ પર બીજો ટ્રક ધસી ગયો અને એ ઘટનામાં 58 સૈનિકો ફૂંકાઈ ગયા. આ હુમલાએ દુનિયાને પહેલી વાર બતાવ્યું કે ગમે તેટલું તાકાતવર સૈન્ય અને ગમે તેટલી સજ્જડ પહેરેદારી પણ આત્મઘાતી હુમલા સામે પાંગળાં છે. આ હુમલાથી એ પણ ખબર પડી કે આતંકવાદી જૂથો હવે ફક્ત મારવા માટે નહિ, મરીને મારવા માટે પણ તત્પર થઈ ચૂક્યા છે, અને આ હુમલાથી એ પણ ખબર પડી કે અત્યાર સુધી જેને શિયા મુસ્લિમોના પક્ષે અવાજ ઉઠાવતું રાજકીય, સામાજિક સંગઠન માનવામાં આવતું હતું એ હિઝબુલ્લાહ હવે અત્યંત ઘાતક, હિંસક અને ઝનૂની ધર્માંધોનું આતંકી સંગઠન બની ચૂક્યું છે. હિઝબુલ્લાહની આ ઓળખ બદલવા માટે નિમિત્ત બન્યો હતો એક આદમી: હસન નસરલ્લાહ. લેબેનોનના આંતરવિગ્રહમાં શિયા મુસ્લિમોની રક્ષા કાજે ઈરાનના ઈશારે રચાયેલા સંગઠનમાં ઝડપભેર તરક્કી કરીને હસન નસરલ્લાહ તેનો સર્વોચ્ચ વડો બન્યો એ સાથે હિઝબુલ્લાહની કાર્યપદ્ધતિય બદલાઈ. હવે તેને હિંસાનો કે નિર્દોષોનું લોહી વહાવવાનો કોઈ છોછ ન હતો. લેબેનોનમાં શિયાઓની વસ્તી મુખ્યત્વે દક્ષિણ વિસ્તારમાં અને ઉત્તર-પૂર્વમાં નોંધપાત્ર હતી. આરંભે હિઝબુલ્લાહનું મુખ્યાલય ઉત્તર-પૂર્વના બાલ્બેક ખાતે હતું પરંતુ નસરલ્લાહે તેને દક્ષિણ લેબેનોનમાં ખસેડ્યું અને એ સમગ્ર વિસ્તાર પર કબજો જમાવ્યો. જે મદદની જરૂર હતી એ સઘળી ઈરાને પૂરી પાડી. શસ્ત્રો આપ્યાં, તાલીમ માટે કમાન્ડરોને મોકલ્યા, મબલખ ભંડોળ આપ્યું. લેબેનોનમાં રહેવું મુશ્કેલ બને એમને સુરક્ષિત પનાહ પણ આપી. આ રીતે ઘડાયેલું હિઝબુલ્લાહ અમેરિકાને અને ઈઝરાયેલને પોતાના કટ્ટર શત્રુ માનતું હતું કારણ કે ઈરાન પણ એમ જ માનતું હતું. ઈઝરાયેલ લેબેનોનને ગળી જ ગયું હોત, પરંતુ હિઝબુલ્લાહના ભારે ઉગ્ર, હિંસક અને આત્મઘાતી પ્રતિકારને લીધે ઈતિહાસમાં પહેલી અને એકમાત્ર વખત ઈઝરાયેલને પીછેહઠ કરવાનો વારો આવ્યો. એ ઘટના પછી આતંકની દુનિયામાં હિઝબુલ્લાહની તૂતી બોલવા લાગી હતી. મારકણી ફોજ, અત્યાધુનિક શસ્ત્રો, અમેરિકાનું પીઠબળ અને ખેપાની જાસૂસીજાળ છતાં માર ખાઈને પાછા હટવું પડ્યું એનો ડંખ ઈઝરાયેલ ભૂલ્યું ન હતું. હિઝબુલ્લાહ પર મરણતોલ પ્રહાર કરવા માટે તેણે ચોટડૂક પ્લાન બનાવવા માંડ્યો. (વધુ આવતા રવિવારે)
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:1983ના વર્લ્ડ કપમાં મોહિન્દર અમરનાથને મૂછો રાખવા કોણે કહેલું?
    Next Article
    સફર:એશિયન ગેમ્સની યજમાની કરતું શહેર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment