Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભેળસેળિયાઓ બેફામ:પનીરમાં મિલ્ક ફેટ ઓછું, ઘીમાં ભેળસેળ, આઇસ્ક્રીમમાં દુધ ઓછું મળતા તમામ ધંધાર્થી સામે કેસ થશે, કમિશ્નર બંગલા સામેથી ફુગવાળી ડુંગળી-સમોસા ફેંકી દેવાયા, રાસોત્સવમાં સઘન ચેકીંગ

    1 day ago

    રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા તહેવારોની મોસમમાં શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો અને ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાસ ડ્રાઇવ યોજીને અંદાજે 78 સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 49 નમૂનાઓ લઇને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તાજેતરમાં લેવામાં આવેલા પનીર, શુદ્ધ ઘી અને આઇસ્ક્રીમના સેમ્પલના રિપોર્ટ્સ ફેલ સાબિત થતા જવાબદાર ધંધાર્થીઓ સામે એજ્યુડિકેશન કેસની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન બજરંગવાડી ચોક ખાતે આવેલ શ્રી અમૃત ડેરી ફાર્મમાંથી લેવાયેલ પનીરનો લૂઝ નમૂનો અને કોટેચા ચોક સ્થિત જય ધારેશ્વર ડેરી ફાર્મમાંથી લેવાયેલ પનીરના પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેડનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં ઓછું મળી આવ્યું હતું અને તેમાં ફોરેન ફેડની હાજરી પણ જણાઈ હતી. આ કારણોસર આ બંને પનીરના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ અર્થાત ફેઇલ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મવડી મેઈન રોડ પર આવેલા ઉદયનગર-1ના જલારામ ઘી ડેપોમાંથી લેવાયેલ નમિત ગાયના ઘીના સેમ્પલમાં પણ વેજીટેબલ ફેડની હાજરી મળી આવી હતી, જેને પગલે ઘીનો નમૂનો પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. તેવી જ રીતે, આજી ચોકડી દિનદયાળ ઇન્ડસ્ટ્રીઝ-1માં આવેલ કનૈયા ડેરીમાંથી લેવાયેલા શુદ્ધ ઘીમાં ફોરેન ફેડ અને તલના તેલની મિલાવટ પકડાઈ હતી. અંબિકા ટાઉનશીપ વસંત વાટિકા સામેના શ્રી બાલાજી કોઠી આઇસ્ક્રીમની શ્રદ્ધા કોઠી આઇસ્ક્રીમ (મેંગો)માં પણ ટોટલ સોલિડ્સ અને મિલ્ક ફેડનું પ્રમાણ માપદંડો કરતાં ઓછું જણાતા આ પાંચેય ધંધાર્થીઓ વિરુદ્ધ કાયદેસરની એજ્યુડિકેશન કેસની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજે શહેરમાં અખાદ્ય અને વાસી સામગ્રીના વેચાણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હનુમાન મઢી પાસે આવેલ પ્રેરણા કોમ્પ્લેક્ષના દાસ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી એક્સપાયરી ડેટ થયેલું ફરસાણ અને ચીયા સીડ્સ તથા મીઠાઈઓ મળીને કુલ 16 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, રામકૃષ્ણનગરમાં કમિશનર બંગલાની સામે આવેલા જાની લોચો એન્ડ ખમણ હાઉસમાંથી ફૂગવાળી ડુંગળી, વાસી તથા પડતર સમોસા અને ખમણ મળીને કુલ 17 કિલોગ્રામ જેટલો જોખમી માલ સ્થળ પર જ ફેંકી દેવામાં આવ્યો હતો અને બંને સંસ્થાઓમાંથી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યોતિનગર ચોક પર આવેલ જી.જે.-5 સેન્ડવિચ પીઝાની દુકાનમાં અનિયમિતતા જણાતા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને ત્યાંથી બટર અને પનીરના નમૂનાઓ લેવાયા હતા. દશેરા અને તહેવારોના પર્વને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટિમો દ્વારા અસંખ્ય નામાંકિત ડેરીઓ, સ્વીટ માર્ટ અને ફરસાણની દુકાનોમાંથી નમૂના લેવાની વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત બાલમુકુંદ સોસાયટીના જય સિયારામ ફરસાણ, મઢી પાસે આવેલ હરભોલે ડેરી ફાર્મ, નિર્મલા રોડ પરના શ્રી હરિ નમકીન, પારસ સ્વીટ માર્ટ, મુરલીધર ફરસાણ, કચ્છ ખાવડાવાળા, રૈયા રોડના સદગુરુ સ્વીટ તથા ઠક્કર સ્વીટ, ગાંધીગ્રામના ઠક્કર ગૃહ ઉદ્યોગ, ચંદ્રેશનગર ખીજડાવાળા રોડના યોગી ફરસાણ, હરભોલે ફરસાણ અને પટેલ ડેરીમાંથી સેમ્પલ લેવાયા હતા. વધુમાં, અંબાજી ટાઉનશીપ-4ની ન્યુ શ્રીજી ડેરી, બજરંગ ફરસાણ, જીવરાજ પાર્કનું શ્રી મહાજન ફરસાણ એન્ડ નમકીન, અંબિકા ટાઉનશીપની શ્રી રાધેકૃષ્ણા ડેરી, પુનિતનગરની ઘનશ્યામ ડેરી, સોમનાથ ફરસાણ, લક્ષ્મીવાડી-14નું શ્રી શક્તિરાજ નમકીન, સરદારનગર-12નું કૈલાસ ફરસાણ, સદરનું પંચનાથ નમકીન, કોટેચાનગરનું બજરંગ ફરસાણ તથા ગાયત્રીનગરના જલિયાણ ફરસાણમાંથી વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ જેવા કે ગાંઠિયા, જલેબી, સાટા, પાપડી, બુંદી, તીખી પાપડી, માખણીયા ગાંઠિયા, માર્શલ બરફી, મોહનથાળ, ટોપરા પાક, મેસુબ, ફરાળી બાઇટ, કેસર પેંડા, કાજુ કતરી, મીઠા સાટા, રતલામી સેવ, માંડવી પાક, ઘારી, પિસ્તા લાડુ અને રાજગરાના ચેવડાના સેમ્પલ મેળવીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નગરના ગોંડલ રોડ, અટીકા ફાટક, ખોડિયારનગર, આંબેડકરનગર, માલવિયા કોલેજ રોડ, મવડી સિમેન્ટ રોડ, મોટા મવા, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ અને નાના મવા સર્કલ વિસ્તારમાં પણ સઘન ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી અને જ્યોતિનગર મેઈન રોડ પર આવેલા નેશનલ ચાઈનીઝ એન્ડ પંજાબીને નોટિસ ફટકારવામાં આવી છે. નવરાત્રીમાં શહેરમાં યોજાઈ રહેલા રાસોત્સવો અને ગરબા મહોત્સવો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ કેન્ટીનો અને ફૂડ સ્ટોલનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિરાણી ગ્રાઉન્ડ ખાતેના રોયલ રજવાડી રાસોત્સવ, કુવાડવા રોડના ખોડલધામ ઇસ્ટ, રેસકોર્સના સહિયર રાસોત્સવ, માલવિયા કોલેજ સામેના વિશ્વકર્મા રાસ ગરબા, ડી.એચ. કોલેજના ગોપી રાસોત્સવ, મવડી હેડ ક્વાર્ટરના રાધે રાસોત્સવ, નાના મવા ચોકના વૃંદાવન રાસોત્સવ અને મવડી મેઈન રોડ પર આવેલા સરદાર પટેલ ગ્રુપના રાસોત્સવની કેન્ટીનોમાં વેચાતા ખાદ્ય પદાર્થોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટીદારોમાં ભાગલા?:સુરતમાં બીજા ખોડલધામની જાહેરાત, MLA ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ, સરકારી શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
    Next Article
    રાજકોટમાં નવી ફૂડ લેબોરેટરી બનશે:મનપા જેટકોને જમીન ફાળવીને 85 કરોડની આવક મેળવશે, વ્યાજમાફી યોજના 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment