Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા ચૂંટણી પરિણામનું વોર્ડ વાઈઝ એનાલિસિસ:શહેર કોગ્રેસ પ્રમુખ અને મનપા સ્ટેન્ડિંગ ચેરમેન પોત પોતાના વોર્ડ પણ સાચવી શક્યા નહીં

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આખરી પરિણામો જાહેર થઈ ગયા છે. પાટનગરના રાજકીય સમીકરણોમાં આ વખતે મતદારોએ અત્યંત સ્પષ્ટ પરંતુ વોર્ડ વાઇઝ અલગ-અલગ રાજકીય મૂડ દર્શાવ્યો છે. કેટલાક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરીને કમળ ખીલવ્યું છે.સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મત વિભાજનનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને મળ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.અમુક વોર્ડમાં કોંગ્રેસે શાનદાર વાપસી કરીને ભાજપના ગઢમાં વ્યાપક ગાબડાં પાડ્યા છે.જ્યારે મોટાભાગના આપ અને અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડૂબી ગઈ છે. વોર્ડ નંબર 1 કોંગ્રેસની ટક્કર છતાં ભાજપનો એકચક્રી દબદબો ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ તો ભાજપે કેસરીયાં કર્યું છે તો ક્યાંક પંજો મજબૂત થયો. મનપા ચૂંટણીના આજના પરિણામમાં વોર્ડ વાઇઝ જનાદેશનું રોચક રાજકારણ જોઈએ તો વોર્ડ નંબર 1 કોંગ્રેસની ટક્કર છતાં ભાજપનો એકચક્રી દબદબો રહ્યો છે. ​વોર્ડ નંબર 1માં કુલ 44,358 માન્ય મતો નોંધાયા હતા, જેમાં 115 મતો નોટાને મળ્યા છે. આ વોર્ડમાં ભાજપના ગૌરાંગ સુરેશભાઈ પટેલે સૌથી વધુ 7485 મતો મેળવીને બિન-અનામત બેઠક પર ભવ્ય જીત નોંધાવી છે. ભાજપના જ ઉમેદવાર શિલ્પાબેન કનુજી ઠાકોરે પછાત વર્ગ સ્ત્રી અનામત બેઠક પરથી 6366 મતો મેળવીને વિજય હાસિલ કર્યો છે. આ ઉપરાંત અંજનાબેન સુરેશભાઈ મહેતા સામાન્ય સ્ત્રી બેઠક પરથી 5998 મતો અને મહેશકુમાર નાથુભાઈ ચૌધરી સામાન્ય બેઠક પરથી 5743 મતો મેળવીને ચૂંટાઈ આવ્યા છે. ​બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નંદુભાઈ રમણભાઈ પટેલે 5665 મતો મેળવીને સારી લડત આપી હતી પરંતુ તેઓ જીતથી વંચિત રહ્યા. સુનીતાબેન પટેલ 3774 મતો અને રવીન્દ્રકુમાર ત્રિવેદી 3705 મતો મળ્યા પણ ભાજપના ઉમેદવારો સામે ટકી શક્યા નહોતા. આમ આદમી પાર્ટીના બળદેવભાઈ પટેલ 1595 મતો અને સોનાબેન પટણીને 428 મતો મળતા તેમની ડિપોઝિટ જપ્ત કરવાનો આદેશ થયો છે. ​વોર્ડ નંબર 2 વાઘેલા અને ઠાકોર ફેક્ટર ચાલ્યું, ભાજપ પેનલ વિજય ​વોર્ડ નંબર 2માં કુલ 46926 માન્ય મતો પડ્યા હતા. અહીં ભાજપના અનિલસિંહ મહોબતસિંહ વાઘેલાએ 7768 મતોનો જંગી આંકડો સર કરીને બિન-અનામત બેઠક પોતાના નામે કરી છે. પછાત વર્ગ અનામત બેઠક પર ભાજપના અરવિંદજી ડાહયાજી ઠાકોર 6480 મતો મેળવીને વિજેતા બન્યા છે. આ સિવાય ભાજપના સોનલબેન વાઘેલા 4933 મતો અનુસૂચિત જાતિ સ્ત્રી અને દીપીકાબેન વાઘેલા 4909 મતો - સામાન્ય સ્ત્રી પણ ચૂંટાઈ આવ્યા છે. ​કોંગ્રેસ તરફથી અલ્કેશભાઈ પરમારે 4452 મતો અને ક્રિષ્ણાબેન ઠાકોરે 3760 મતો મેળવીને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈશ્વરસિંહ વાઘેલા 900 મતો, વિલાસબેન મકવાણા 526 મતો અને નિરૂપાબેન માધુ 302 નહિવત મતો મેળવી શક્યા હતા, જેથી નિયત મર્યાદા કરતાં ઓછા મત મળવાથી આ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. ​વોર્ડ નંબર 3: અંકિત બારોટ અને ઉમેશ જહાની આગેવાનીમાં ભાજપ સરસાઈમાં ​વોર્ડ નંબર 3માં 32820 માન્ય મતદાન થયું હતું, જેમાં નોટાના 118 મતો હતા. આ વોર્ડમાં ભાજપના અંકિત અશ્વિનકુમાર બારોટે 5581 મતો મેળવીને પછાત વર્ગ અનામત બેઠક પરથી જીત મેળવી છે. સામાન્ય બેઠક પર ભાજપના ઉમેશભાઈ રમેશચંદ્ર જહા 4920 મતો સાથે વિજેતા બન્યા છે. સોનાલીબેન પટેલ 4538 મતો - સામાન્ય સ્ત્રી અને મિત્તલબેન ખિમસુરીયા 44004 મતો - અનુસૂચિત જાતિ સ્ત્રી પણ વિજેતા જાહેર થયા છે. ​વિપક્ષી કેમ્પમાં કોંગ્રેસના મહેન્દ્રસિંહ ચૌધરી 3143 મતો, શિવાની શાહ 2959 મતો અને માનાજી મોદી 2824 મતો એમ ત્રણેય નોંધપાત્ર મતો મેળવવા છતાં ભાજપના વિજય રથને રોકી શક્યા નથી. આમ આદમી પાર્ટીના પિંકી રાજપુત 485 મતો, ભરતકુમાર જોષી 752 મતો અને શ્રેયા મકવાણા 510 મતો મેળવતા તેઓની ડિપોઝિટ ડૂલ થઈ છે. ​વોર્ડ નંબર 4: જસપાલસિંહ બિહોલા અને જોસનાબેન ઠાકોરનો ભવ્ય વિજય ​વોર્ડ નંબર 4માં 55636 જેટલું ભારે મતદાન નોંધાયું હતું. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર જસપાલસિંહ પ્રવિણસિંહ બિહોલાએ 8177 મતો મેળવીને સામાન્ય બેઠક પરથી શાનદાર જીત મેળવી છે. ભાજપના જોસનાબેન મેલાજી ઠાકોરે 7719 મતો સાથે સામાન્ય સ્ત્રી બેઠક કબ્જે કરી છે. મિત્તલબેન વાઘેલા 7172 મતો - સામાન્ય સ્ત્રી અને રૂપસિંગ રાણાજી ઠાકોર 7006 મતો - પછાત વર્ગ ભાજપની પેનલને વિજયી બનાવવામાં સફળ રહ્યા છે. ​કોંગ્રેસના બાબુસિંહ મકવાણા 5817 મતો, બદિબેન ખાંટ 5677 મતો અને યુનુસભાઈ પરમાર 5319 મતો મેળવીને બહુ નજીકની ટક્કર આપી શક્યા હતા. પરંતુ ભાજપના ઉમેદવારોથી આગળ નીકળી શક્યા નહીં. આમ આદમી પાર્ટીના ઉમેદવારો લાલાજી વણઝારા 1269 મતો, વૈશાલીબેન ડાભી 1041 મતો, શીરિનબાનુ મનસૂરી 1078 મતો તેમજ બસપાના ઉમેદવાર 387 મતો મેળવી શકયા છે. જેથી બસપા ઉમેદવાર નિયત ન્યૂનતમ મતો મેળવી ન શકવાને કારણે ડિપોઝિટ ગુમાવી બેઠા છે. ​વોર્ડ નંબર 5 : કનૈયાલાલ દેસાઈ અને હેમાબેન ભટ્ટનો વિજય, અપક્ષો બિનઅસરકારક ​વોર્ડ નંબર 5 ખાતે 22402 માન્ય મતોનું મતદાન થયું હતું. અહીં પછાત વર્ગ બેઠક પર ભાજપના કનૈયાલાલ ગાંડાભાઇ દેસાઈ 3991 મતો મેળવીને વિજેતા બન્યા છે. સામાન્ય બેઠક પર ભાજપના કિંજલકુમાર દશરથભાઈ પટેલ 3936 મતો સાથે ચૂંટાઈ આવ્યા છે. સામાન્ય સ્ત્રી અનામત બેઠકો પર ભાજપના હેમાબેન ભટ્ટ 3934 મતો અને ધ્વનિ ધવલ શાહ 3893 મતો મેળવી વિજેતા જાહેર થયા છે. ​કોંગ્રેસના ઉમેદવારો જિગ્નાસાબા ચાવડા 1383 મતો, જય વાઘેલા 1274 મતો અને જીતેન્દ્રકુમાર ધરવડીયા 1175 મતો મેળવીને પણ ખાસ અસર છોડી શક્યા નથી. ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડેલા પૂર્વ કોર્પોરેટર નીલાબેન શુક્લએ 1125 મતો મેળવ્યા હતા, જ્યારે પારવતીબેન વાડોદરા 218 મતો , હંસાબેન ગઢવી 212 મતો અને અનિલકુમાર મકવાણાને 80 મતો મળતા આ ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. વોર્ડ નં 6 : કમળના ગઢમાં કોંગ્રેસનું મોટું ગાબડું, ભાજપને મોટો રાજકીય આંચકો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પ્રતિષ્ઠિત વોર્ડ નંબર 6માં સૌથી ચોંકાવનારું રાજકીય પરિણામ સામે આવ્યું છે. આ વોર્ડમાં કોંગ્રેસે જબરદસ્ત પ્રદર્શન કરીને આખી પેનલ પોતાના હસ્તગત કરી લેતા ભાજપ બેકફૂટ પર આવી ગયું છે.​કુલ 38185 માન્ય મતોમાંથી કોંગ્રેસના સામાન્ય બેઠકના ઉમેદવાર કર્મજીતસિંહ વાઘેલાએ 4729 મત મેળવીને સમગ્ર વોર્ડમાં સૌથી વધુ મત સાથે વિજય ડંકો વગાડ્યો છે. વિજેતા બનનારા અન્ય ઉમેદવારોમાં પછાત વર્ગ મહિલા બેઠક પરથી કોંગ્રેસના મેઘનાબેન રબારી 4469 મત, અનુસૂચિત જાતિ બેઠક પરથી કોંગ્રેસના મેહુલકુમાર રાઠોડ 4422 મત અને અનુસૂચિત આદિજાતિ મહિલા બેઠક પરથી કોંગ્રેસના હંસાબેન નિનામા 3957 મત સાથે વિજેતા બન્યા છે. ​બીજી તરફ ભાજપ આ વોર્ડમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ભાજપના નિલેશકુમાર મહેરિયા 4355 મત, રાજદીપસિંહ ગોલ 4711 મત, રીન્કુબા ડોડીયા 3943 મત અને લીલાબેન ચારેલ 3441 મત તો મેળવી શક્યા પણ એકપણ ઉમેદવાર જીતી શક્યો નથી. જ્યારે આપ અને અપક્ષ ઉમેદવારો 1591 મતોનો લઘુત્તમ આંકડો પણ પાર કરી શક્યા ન હોવાથી તેઓની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. ​વોર્ડ નં. 7: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, પેનલ તૂટી ​શહેરી અને ગ્રામીણ મતદારોનું મિશ્રણ ધરાવતા વોર્ડ નંબર ,7 કોલવડા-વાવોલમાં મતદારોએ ખૂબ જ સંતુલિત જનાદેશ આપ્યો છે. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ ખેલાયો હતો, આ વોર્ડમાં કુલ 54636 મતોનું મતદાન થયું હતું.​ભાજપ તરફથી પછાત વર્ગ સ્ત્રી બેઠક પર કિંજલબેન ઠાકોરે 7306 મત મેળવી સમગ્ર વોર્ડમાં સૌથી વધુ મતો સાથે ભવ્ય વિજય મેળવ્યો. આ ઉપરાંત ભાજપના શૈલેશકુમાર પટેલ સામાન્ય બેઠક પરથી 6870 મત મેળવી જીત્યા હતા. સામાન્ય સ્ત્રી બેઠક પરથી સોનલબેન ઘનશ્યામ વાઘેલા 7044 મત સાથે વિજયી તેમજ કોગ્રેસના અનુસૂચિત જાતિ બેઠક પરથી નગીનભાઈ નાડિયા 6130 મત સાથે વિજયી થયા છે.એટલે કે અહીં ભાજપની પેનલ તૂટી છે. આ વોર્ડમાં પણ આપ અને અન્ય ઉમેદવારોની ડિપોઝીટ ડૂબી ગઈ હતી. ​વોર્ડ નં. 8:ભાજપે તમામ 4 બેઠકો પર મેળવ્યો ભવ્ય વિજય ​વોર્ડ નંબર 8માં શાસક પક્ષ ભાજપે પોતાની સંગઠનાત્મક તાકાતનો પરચો બતાવીને ચારેય બેઠકો પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોને ધૂળ ચાટતા કરી દીધા છે. કુલ 62600 મતોનું ભારે મતદાન આ વોર્ડમાં નોંધાયું હતું, જેમાં ભાજપના ઉમેદવારોનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો.​સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપના અમિતાબેન ઉપાધ્યાયે 9405 મત મેળવી વોર્ડમાં સર્વોચ્ચ વિજય નોંધાવ્યો. સામાન્ય બેઠક પરથી ભાજપના મેહુલભાઈ પટેલ 9344 મત, પછાત વર્ગ સ્ત્રી બેઠક પરથી મનીષાબેન પ્રજાપતિ 8763 મત અને પછાત વર્ગ બેઠક પરથી વિષ્ણુજી ઠાકોર 8405 મત મેળવીને વિજેતા બન્યા છે. કોંગ્રેસના આશાબેન ઠાકોર 5754 મત અને ચિરાગ ઠાકોરે 5701 મત મેળવ્યા છતાં ભાજપની આ સુનામી સામે ટકી શક્યા ન હતા. ​વોર્ડ નં. 9 કમળનો દબદબો,વિપક્ષના સૂપડા સાફ ​પાટનગરના વિકસિત અને પોશ ગણાતા સેક્ટર-2, 3 અને કુડાસણ વિસ્તારને આવરી લેતા વોર્ડ નંબર 9 માં પણ ભાજપનું એકચક્રી શાસન બરકરાર રહ્યું છે. કુલ 57481 મતોના આંકડા વચ્ચે ભાજપે આ વોર્ડની તમામ ચારેય બેઠકો પર વિજયપતાકા લહેરાવી છે.​અનુસૂચિત જાતિ બેઠક પરથી ભાજપના જયંતિભાઈ ડાભી (જે.ડી) 8964 મત અને સામાન્ય બેઠક પરથી મહેન્દ્રભાઈ પટેલ (દાસ) 8950 મત મેળવીને આગળ રહ્યા હતા. આ ઉપરાંત સામાન્ય સ્ત્રી બેઠક પર વૈદેહીબેન રાવલ 8930 મત અને પછાત વર્ગ સ્ત્રી બેઠક પર શારદાબેન ઠાકોર 8639 મત મેળવી વિજય થયા છે.જ્યારે કોંગ્રેસના અશ્વિન સુહાન 4803 મત, ધ્રુવ સીતારામ પટેલ 5295 મત, કલ્પના સોલંકી 4672 મત, રંજનબેન રામલાવત 4109 મતો મેળવીને પણ હારી ગયા છે. તો આપના ઉમેદવારો ભાજપના આ ગઢમાં સેંધ મારી શક્યા નથી. ​શહેર કોગ્રેસ પ્રમુખ શક્તિ પટેલ પોતાના જ વોર્ડ નં. 10 માં ભાજપનો વિજયી રથ રોકી શક્યા નહીં ​સેક્ટર-6, 7 અને કોબા વિસ્તારમાં પથરાયેલા વોર્ડ નંબર 10 માં ભાજપે ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસને ફરી એકવાર કારમી હાર આપી છે. આ વોર્ડ ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલનો છે. 59373 કુલ મતો ધરાવતા આ વોર્ડમાં ભાજપે પોતાના પરંપરાગત વોટબેંકને જાળવી રાખી છે.​સામાન્ય બેઠક પરથી ભાજપના ગૌરાંગભાઈ પટેલે 11175 મત મેળવીને સમગ્ર પાટનગરમાં એક વ્યક્તિગત ઉમેદવાર તરીકે સૌથી વધુ મતો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમની સાથે ભાજપના તન્વીબેન પટેલ 10639 મત, પછાત વર્ગ બેઠક પરથી ધર્મેન્દ્રકુમાર નાયી 9827 મત અને વિલાસબા વાઘેલા 9607 મત મેળવી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના ઉમેશકુમાર પટેલ 4241 મત, પલકબા ગોહિલ 3899 મત, રમેશ દેસાઈ 3291 મત, વૈશાલી પરમાર 3276 મત જ મેળવી શક્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના વીણા બેન રાજગોર 477 મત, સંજય સોલંકી 446 મત જ મેળવી સ્પર્ધામાં ઘણા પાછળ રહી ગયા હતા. વોર્ડ 11 માં કેસરિયો લહેરાયો, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતની પેનલ જીતી વોર્ડ નં. 11 નું આ પરિણામ માત્ર વ્યક્તિગત ઉમેદવારોની જીત નથી, પરંતુ યોગ્ય સામાજિક સમીકરણો અને દક્ષિણના સંગઠનાત્મક મજબૂત રાજકારણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પહેલી બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી અનામત માટે અનામત હતી. જેમાં કમુબેન માણેકજી ઠાકોરે 9804 જંગી મતો મેળવીને શાનદાર વિજય હાંસલ કર્યો છે. તેમની સામે ચૂંટણી મેદાનમાં ઊભેલા સોનલબેન તુષારભાઈ ઠાકોરને 7691 મત મળ્યા હતા. આ બેઠક પર ઠાકોર સમાજ અને પછાત વર્ગના મતોનું ધ્રુવીકરણ વિજેતા ઉમેદવારની તરફેણમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે. ​સામાન્ય સ્ત્રી અનામતની બીજી બેઠક પર સેજલબેન કનુભાઈ પરમારે 9271 મતો મેળવીને વિજયનો પતાકા લહેરાવ્યો છે. તેમની સામે મુખ્ય સ્પર્ધક તરીકે રહેલા જ્યોત્સનાબેન જયંતિલાલ સોલંકીને 8711 મત મળ્યા હતા, જ્યારે કૈલાસબેન ભૂપેન્દ્રકુમાર પરમારને માત્ર 894 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલા અનામત બેઠકો પર મતદારોએ અનુભવી અને સ્થાનિક સ્તરે સક્રિય મહિલા નેતૃત્વ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ​સામાન્ય વર્ગની ત્રીજી અને ચોથી બેઠક પર પાટીદાર અને અન્ય સામાન્ય વર્ગના ઉમેદવારો વચ્ચેનો સંગ્રામ અત્યંત રસપ્રદ રહ્યો હતો. ત્રીજી બેઠક પર જશવંતલાલ અંબાલાલ પટેલે 9530 મતો મેળવીને સૌથી મોટો વિજય નોંધાવ્યો છે. તેમની પેનલના સાથી અને ચોથી બેઠકના ઉમેદવાર રવિ દિનેશભાઈ પટેલે 9030 મતો પ્રાપ્ત કરી વિજયી હેટ્રિક પૂર્ણ કરી હતી. આ બેઠકો પર પાર્થ સુરેશભાઈ પટેલ 8260 મત અને સંજયકુમાર અમરાભાઈ ભરવાડ 7636 મત વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી હતી, પરંતુ તે પેનલની સરસાઈ તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. અન્ય અપક્ષ કે નાના પક્ષના ઉમેદવારો જેવા કે દર્શન ભરતભાઈ પટેલ 555 મત અને સચિનકુમાર ભીખાભાઈ પટેલ 581 મત મેળવી પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા.સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરે છે કે ગાંધીનગરના વોર્ડ નં.11 માં પાટીદાર, ઠાકોર અને અન્ય સમાજોનું સંકલિત સમીકરણ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. વિપક્ષો સ્થાનિક મુદ્દાઓને મતદારો સુધી પહોંચાડવામાં અને મજબૂત વિકલ્પ તરીકે ઊભરવામાં નિષ્ફળ રહ્યા છે. ​આ સમગ્ર ચૂંટણી પરિણામમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કુલ માન્ય મતોમાંથી માત્ર 278 મતદારોએ જ 'નોટા' નો વિકલ્પ પસંદ કર્યો છે. ગાંધીનગર મનપાના આ વોર્ડ વાઇઝ પરિણામો દર્શાવે છે કે શહેરી અને શિક્ષિત વિસ્તારોમાં ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે. પરંતુ જ્યાં સ્થાનિક અને ગ્રામીણ સમીકરણો પ્રભાવશાળી છે તેવા મહાત્મા મંદિર અને કોલવડા જેવા વિસ્તારોમાં કોંગ્રેસે વળતો પ્રહાર કરીને શાસક પક્ષને સચેત કરી દીધો છે. આમ આદમી પાર્ટી માટે આ પરિણામો નિરાશાજનક રહ્યા છે કારણ કે મોટા ભાગના વોર્ડમાં તેમના ઉમેદવારોની ડિપોઝિટ ઝબ્બે થઈ ગઈ છે. એકંદરે વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ભાજપનું મજબૂત પેનલ મેનેજમેન્ટ અને પાયાનું સંગઠન વિજય માટે મહત્વનું પરિબળ બન્યું છે. કોંગ્રેસના કેડર બેઝ્ડ મતો જળવાઈ રહ્યા હોવા છતાં મજબૂત વિજય રેખા પાર કરી શક્યા નથી. આમ આદમી પાર્ટીના નબળા દેખાવ અને ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાને કારણે વિપક્ષી મતોનું વિભાજન થયું હતું જેનો સીધો લાભ શાસક પક્ષ ભાજપને મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જુઓ વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:44માંથી 38 સીટ જીતી ભાજપે હેટ્રિક લગાવી, કોંગ્રેસે 5 બેઠક મેળવી લાજ બચાવી, આપના સૂપડા સાફ
    Next Article
    વડોદરામાં સોપાન 'ઐક્યમ 2026' દ્વારા સંસ્કૃતિનો વૈશ્વિક સંગમ:ગત વર્ષે ગુજરાતમાં 12 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા; યુરોપિયન યુનિયન સહિત 10 દેશોની એમ્બેસી આયોજનમાં ભાગીદાર બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment