Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરૂની જેમ ધારિયાં જેવા દાંત:સાપને બે મોઢાં કેમ હોય છે, દાહોદની ઘટનાએ ચોંકાવ્યા; કચ્છના સાપનું પાકિસ્તાન બોર્ડર કનેક્શન

    5 days ago

    દાહોદ નજીકના જંગલોમાંથી બે મોઢાંવાળો સાપ મળ્યો. કચ્છના રણ વિસ્તારમાંથી એક સાપ 154 વર્ષે જોવા મળ્યો. આ બે ઘટનાએ ગુજરાતને ચોંકાવ્યું છે. આખરે સાપને બે મોઢાં કેમ હોય છે, રણ વિસ્તારનો સાપ ભારત- પાકિસ્તાનની બોર્ડર પર જ કેમ રહે છે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં… સવાલ-1 : દાહોદમાં બનેલી ઘટના શું છે? જવાબ : દાહોદ આસપાસ જંગલ વિસ્તાર જ છે. ત્યાં ધાનપુર રેન્જમાં અગાસવણી નામનું ગામ છે. ત્યાંથી સ્થાનિક ગામના વ્યક્તિએ નજીકમાં પેટ્રોલિંગ કરતા બીટ ગાર્ડને કહ્યું કે અહીંયા મેં એવો નાનકડો સાપ જોયો જેને બે માથાં છે. જંગલ ખાતાના બીટ ગાર્ડે જોઈ, કન્ફર્મ કર્યું. પછી તેણે દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળને જાણ કરી. પ્રકૃતિ મિત્ર મંડળની રેસક્યૂ ટીમના મેમ્બર્સ બીટ ગાર્ડ સાથે રેગ્યુલર ટચમાં હોય છે. આસપાસ રેપટાઈલ્સ નીકળે એટલે બીટ ગાર્ડ તરત ફોન કરીને બોલાવતા હોય છે. એક બીટ ગાર્ડે રેસક્યૂ ટીમના મેમ્બર ચિરાગ તલાટીને ફોન કર્યો કે બે મોઢાંવાળો સાપ જોવા મળ્યો છે. નાનો સાપ છે. ચિરાગ તલાટી અગાસવાણી ગામે પહોંચ્યા. તેમણે જોયું તો હકીકતે બે મોઢાંનો સાપ હતો. તેમણે પ્રકૃતિ મંડળની ઓફિસમાં ફોટા મોકલી આપ્યા. પછી બરણીમાં સેફ રહે તે રીતે લઈને દાહોદમાં મંડળની ઓફિસે લઈ આવ્યા. ટીમના સભ્યોએ અભ્યાસ કર્યો ને તપાસ કરતાં ખબર પડી કે આ ઈન્ડિયન વુલ્ફ સ્નેક છે. જેનું ગુજરાતી નામ છે- વરૂદંતી. દાહોદ પ્રકૃતિ મંડળના રેસક્યૂ ટીમ કન્વીનર કિન્નર દેસાઈ કહે છે, સાપને બે મોઢાં હોવા તે રેરેસ્ટ ઓફ રેર છે. ભારતના જંગલોમાં કેટલીકવાર આવા કેસ જોવા મળી જાય પણ બે માથાં હોય તેવો સાપ એક લાખે એક જોવા મળે. ગુજરાતનો આ પહેલો કેસ છે. આ સાપ માંડ 7 ઈંચનો છે. એટલે હથેળીમાં સમાઈ જાય. બે મોઢાં, ચાર આંખ, બે જીભ, બે મગજ અને શરીર એક છે. આ સાપનું ગુજરાતી નામ વરૂદંતી છે. તેના દાંત વરૂની જેમ અંદર તરફ વળેલા હોય એટલે તેને આવું નામ અપાયું છે. જીણા અણીદાર દાંતથી પોતાના શિકારને મજબૂતીથી પકડી રાખે છે. વુલ્ફ સ્નેક બચાવની અનોખી રીત પણ જાણે છે. પોતાના પર જોખમનો અહેસાસ થાય ત્યારે, તે શિકારી પ્રાણીઓને દૂર ભગાડવા માટે તીવ્ર દુર્ગંધ છોડી શકે છે. આ સાપને બે મોઢાં હોવા એ કુદરતની કમાલ તો છે જ, સાથે તેના સાયન્ટિફિક કારણો છે. સવાલ-2 : સાપને બે માથાં કેવી રીતે ઉગી શકે? જવાબ : આ કુદરતી પ્રક્રિયા છે પણ દરેક સાપમાં થતી નથી. ઘણા કેસ એવા જોવા મળે છે જેમાં માણસો પણ બે મોઢાંવાળા હોય અને એક ધડ સાથે જોડાયેલા હોય. આની પાછળ સાયન્સ છે. ગાંધીનગર સ્નેક રેસક્યૂ કલ્બના સ્થાપક ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, માણસોમાં જોડાયેલા બાળકો જોવા મળે છે. ગાય કે વાછડાંમાં પીઠ પર વધારાના બે પગ ટીંગાતા હોય. આ પ્રક્રિયા સાપમાં થાય. સાપના એક ઈંડામાં બે બીજ ફલન થયા હોય તે બીજ જોડાઈ જાય ત્યારે આવું બને છે. ઈંડામાં બે બીજ ફલિત થાય પણ પછી ધીમે ધીમે એક ગર્ભ બીજામાં ભળી જાય. સાંકડી જગ્યામાં બે ડેવલપ થાય એટલે આવું થવાના ચાન્સ ખરા. ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, આવા સાપના બે મગજ હોય. બંને અલગ અલગ વિચારે. પણ ધડ એક જ હોય. આના કારણે થાય છે એવું કે કોઈ શિકારી પક્ષી કે બીજા કોઈ મોટા સાપ આની પાછળ પડે તો ઝડપથી ભાગી શકતા નથી. ક્યાંય સંતાઈ શકતા પણ નથી. એટલે બે મોઢાવાળા સાપનો શિકાર તરત થઈ જાય. ઈન્ડિયન વુલ્ફ સ્નેક એકમાત્ર એવો સાપ છે જે દીવાલ પર ચડી શકે. દીવાલનો ખૂણો પડે ત્યાં છત સુધી જઈ શકે. વરૂદંતી સાપનો મેટિંગ પિરિયડ શિયાળો છે. ઘણીવાર અમને ફોન આવે કે માળિયામાં સાપ બેઠો છે કે પછી કોઈ હાઈટ પર ચડી ગયો હોય ને ફોન આવે તો અમે સમજી જઈએ કે ઈન્ડિયન વુલ્ફ સ્નેક હશે. એ દીવાલો પર કે ઝાડ પર ઝીકઝેક કરતો ચડી જાય. આ તો થઈ સાપની વાત પણ આની પાછળનું સાયન્ટિફિક રિઝન જાણીએ. જેને બે માથાં હોય તેવા જીવ માટે ત્રણ શબ્દો છે. પોલિસેફેલી અથવા બાયસેફેલી, ડાયસેફેલી. કોમન શબ્દ છે- બાયસેફેલી. આમાં બે પ્રકારની પ્રક્રિયા થાય છે. ડાઇસેફેલસ પેરાપેગસ : માણસની વાત કરીએ તો બે માથાં એક ધડ પર બાજુબાજુમાં ચોંટેલા હોય. બે પગ હોય પણ ધડની અંદર અંગો અને રચનાઓનું જોડાણ અલગ-અલગ હોઈ શકે છે. શરીરમાં ચાર હાથ, ત્રણ હાથ અથવા માત્ર બે હાથ હોઈ શકે છે. બંને માથાંમાં સંપૂર્ણ વિકસિત મગજ હોઈ શકે છે, અથવા એક માથું મગજવિહોણું હોઈ શકે છે. બે સંપૂર્ણ હૃદય હાજર હોય તો જીવિત રહેવાની સંભાવના વધી જાય છે. ઓપરેશન કરવાથી એકનું મોત થવાનું જ હોય તો તેવા ઓપેરશન પર પ્રતિબંધ છે. આવું પ્રાણીઓ અને સરીસૃપોમાં પણ હોય છે. ક્રેનિયોપેગસ પેરાસિટિકસ : આ અત્યંત દુર્લભ સ્થિતિ છે, જેમાં બંને માથાં સીધા એકબીજા સાથે જોડાયેલા હોય છે અને ધડ એક જ હોય છે. બે માથાં તદ્દન ચીપકેલા હોય અને ધડ એક જ હોય એવું માણસોમાં જ થાય છે. આવું પ્રાણીઓમાં કે સરીસૃપોમાં થતું નથી. પ્રાણીઓમાં નોંધાયેલી કેટલીક ઘટનાઓ : પુરાતનકાળથી બહુમાથાંનો ઉલ્લેખ છે : હિન્દુ કથાઓમાં નાગને અનેક માથાં બતાવાયા છે. શેષનાગને પાંચ અથવા સાત ફેણ સાથે દર્શાવવામાં આવ્યો છે. સમુદ્ર મંથન દરમિચાન ઉચ્ચૈશ્રવા નામનો સાત મોઢાંવાળો ઘોડો અને સાત સૂંઢવાળો ઐરાવત નામનો દિવ્ય શ્વેત હાથી નીકળ્યાનો ઉલ્લેખ છે. આ બંને રાજા ઈન્દ્રના વાહન રહ્યા છે. એટલે સાપને બે માથાં હોવા તેને સાયન્ટિફિકલી જોવાય છે પણ દેવતાઓ તેના દિવ્ય રૂપને કારણે પૂજાય છે. આ તો થઈ બે મોઢાં વિશેની વાત. પણ કચ્છમાં બનેલી બીજી ઘટનામાં 154 વર્ષ પછી દુર્લભ સાપ જોવા મળ્યો છે. સવાલ-3 : કચ્છમાં બનેલી ઘટના શું છે? જવાબ : વાત છે 6 સપ્ટેમ્બરની. સાંજના સાડા સાત વાગી ચૂક્યા હતા. સમી સાંજનો સમય હતો. અંધારું થવામાં હતું. સૂરજ રણની ક્ષિતિજે ડૂબી રહ્યો હતો ત્યાં ભુજ ઉત્તર રેન્જના RFO જયેશ દુમાદિયા તેની ટીમ સાથે જીપમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ભુજથી થોડે દૂર કાળો ડુંગર છે. અહીંથી ખારું રણ શરૂ થાય ને મોટું તળાવ પણ આવે. સિંગલ પટ્ટી રોડ પર જીપ આગળ વધી રહી હતી ત્યારે એક સાપ રસ્તો ક્રોસ કરતો દેખાયો. જીપ ઊભી રહી. RFO અને સ્ટાફે ઉતરીને જોયું તો રોયલ સ્નેક હતો. એનું ગુજરાતી નામ રજવાડી સાપ. આ સાપ તો કોમન છે. બધે જોવા મળે. પણ થયું એવું કે જંગલ ખાતાની ટીમને જોઈને સાપ ડિફેન્સ મોડમાં આવી ગયો. યુટર્ન લઈને સીધો ટીમ તરફ આવ્યો ને જીપમાં ઘૂસી ગયો. અંધારું થઈ ચૂક્યું હતું. આકાશમાં થોડા તારલા ટમટમતા હતા. ફોરેસ્ટની ટીમ જીપમાં ઘૂસેલા સાપને કાઢવા મહેનત કરી રહી હતી ત્યાં RFO જયેશ દુમાદિયાનું ધ્યાન નજીકમાંથી પસાર થતા બીજા એક સાપ પર પડ્યું. જાણકાર હોવા છતાં જયેશભાઈ પહેલી નજરે સાપને ઓળખી ન શક્યા. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, હું હજી હમણાં જ પંચમહાલથી કચ્છમાં ડ્યૂટી પર આવ્યો છું. મારી કારકીર્દીમાં મેં પહેલીવાર આ પ્રકારનો સાપ જોયો. મારા માટે આ સાપ નવો હતો. અમે તેના ફોટા, વીડિયો કેપ્ચર કરી લીધા. પછી તપાસ શરૂ કરી કે આ સાપ ક્યો હતો? તપાસ કરતાં કરતાં જાણવા મળ્યું કે આ સાપનું નામ આફ્રિકન-એશિયન સેન્ડ સ્નેક છે. ગુજરાતીમાં રેતીયો સાપ કે રેતીનો સાપ કહેવાય. આ સાપની ચોક્કસ ઓળખ મેળવવા અને તેનો અગાઉનો રેકોર્ડ મેળવવામાં ખાસ્સો સમય લાગ્યો ને કન્ફર્મ થયું કે આ આફ્રિકન-એશિયન સેન્ડ સ્નેક છે. પછી સત્તાવાર જાહેરાત થઈ. આફ્રિકન શબ્દને ટૂંકાણમાં એફ્રો બોલાય છે. એટલે આ સાપને એફ્રો-એશિયન સેન્ડ સ્નેક પણ કહેવાય. આ સાપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે રણ વિસ્તારમાં, ખાસ કરીને ભારત- પાકિસ્તાનની બોર્ડર પર જ રહે છે. પણ ગુજરાતમાં 154 વર્ષ પછી જોવા મળ્યો. સવાલ-4 : ભારત- પાકિસ્તાન બોર્ડર પર જ કેમ જોવા મળે છે રેતીયો સાપ? જવાબ : RFO જયેશ દુમાદિયાએ ફોટો, વીડિયો કેપ્ચર કરીને સ્નેક એક્સપર્ટને મોકલ્યા ત્યારે એક્સપર્ટ્સે સર્વસંમતીથી અભિપ્રાય આપ્યો કે અતિ દુર્લભ પ્રજાતિનો એફ્રો-એશિયન સેન્ડ સ્નેક છે. આ એદકમ પાતળો, ઝડપથી સરકનારો સાપ છે. ગુજરાતથી લઈને પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠાના વિસ્તારો સુધી ફેલાયેલા સુકા વાતાવરણમાં રહે છે. RFO દુમાદિયાએ જણાવ્યું, આફ્રિકન-એશિયાઈ રેતીયા સાપનો છેલ્લો રેકોર્ડ 1872નો છે. ત્યારથી તેને બે-ત્રણ વખત જોવામાં આવ્યો છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. 1872 પછી છેક હવે આ સાપ ઓનરેકોર્ડ નોંધાયો છે. જીવાશ્મવિજ્ઞાની (પેલિયોન્ટોલોજિસ્ટ) ફર્ડિનાન્ડ સ્ટોલિક્ઝકાએ 1872માં ગુજરાતમાં એફ્રો-એશિયન સેન્ડ સ્નેક હોવાનું નોંધ્યું હતું. સ્ટોલિક્ઝકા ન માત્ર જીવાશ્મવિજ્ઞાની હતા પણ પ્રકૃતિવાદી, ભૂસ્તરશાસ્ત્રી, સરીસૃપવિજ્ઞાની અને પક્ષીવિજ્ઞાની પણ હતા. 1862માં કલકત્તામાં જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયામાં જોડાયા અને ત્યારપછીના એક ડઝન વર્ષોમાં તેમણે સમગ્ર ભારતીય ઉપખંડ, બર્મા, મલાયા, હિમાલય તથા આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી. સ્ટોલિક્ઝકાએ ઓક્ટોબર 1871થી માર્ચ 1872 દરમિયાન ગુજરાતના કચ્છ પ્રદેશનું સર્વેક્ષણ કર્યું હતું અને સરીસૃપો સહિત અનેક પ્રાણીશાસ્ત્રીય નમૂનાઓ લીધા હતા. સ્ટોલિક્ઝકાએ પોતાના ઓબ્ઝર્વેશન અને ક્લાસિફિકેશન સંબંધિત તારણો કાઢ્યા અને તેને 1872માં જર્નલ ઓફ ધ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલમાં પ્રકાશિત કર્યા હતા. તેમના રિસર્ચ પેપરમાં ગુજરાતના સરીસૃપોના ઉલ્લેખ છે અને ખાસ ઉલ્લેખ છે એફ્રો-એશિયન રેતીયા સાપનો. એટલે 1872માં આ સાપ કચ્છમાં જોવા મળ્યો હતો પછી કોઈએ જોયો નહોતો. છેક હવે 154 વર્ષ પછી 2026માં આ સાપ કચ્છમાં દેખાયો તે જીવસૃષ્ટિની મોટી ઘટના છે. આ સાપની ખાસિયત એ છે કે તે રણના રેતાળ વિસ્તારમાં વધારે રહે છે. કારણ કે સીઝન મુજબ રેતીમાં ઊંડે સરકીને રહેવા ટેવાયેલો છે. બીજું, રણ અને જમીન બંને જ્યાં ભેગા થતા હોય તેવી જગ્યાએ વધારે રહે છે. કારણ કે ત્યાં રેતી પણ હોય અને ખડકાળ જમીન પણ હોય. આવા વિસ્તારમાં તેને ખોરાક સારી રીતે મળી રહે છે અને રણનું વાતાવરણ અનુકૂળ હોય છે એટલે આ સાપ ભારત- પાકિસ્તાન સરહદના વિસ્તારમાં વધારે જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    ‘ધક ધક ગર્લ’ની એવરગ્રીન ફિટનેસ ફોર્મ્યુલા:માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેનું પહેલું પુસ્તક લોન્ચ, કહ્યું- ‘માત્ર બહારથી સારું દેખાવું એ સ્વાસ્થ્ય નથી’
    Next Article
    AIના લીધે કોંગ્રેસના નેતાએ માફી માગવી પડી:નેતાઓનો દાવ થયો, મહેમાનનું સ્વાગત કરવા બે કલાક વહેલા પહોંચ્યા; તેલુગુ શકમંદોની વાત સમજવા પોલીસની મથામણ, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment