Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ મહિનાથી ચાલતી તપાસનો અંત આવશે:રાજકોટનાં જંગલેશ્વર ખર્ચકાંડની તપાસનો રિપોર્ટ થોડા દિવસોમાં જાહેર થશે, બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાશે : મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

    1 day ago

    રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 7 મહિના પહેલાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશન બાદ રજૂ કરાયેલા રૂ. 27 લાખથી વધુના ખર્ચના વિવાદમાં હવે મોટો વળાંક આવ્યો છે. આ સમગ્ર મામલે ગેરરીતિ અને અનિયમિતતાની તપાસ કરી રહેલી ખાસ તપાસ સમિતિ (એસઆઈટી)નો રિપોર્ટ આગામી થોડા દિવસોમાં જ જાહેર થવાની શક્યતા છે. એટલે કે ત્રણેક મહિનાથી ચાલતી તપાસનો અંત આવશે. આ રિપોર્ટમાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાની ખાતરી પણ મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવી છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ ટેલિફોનિક વાતચીતમાં મનપા કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અંગે સવાલો ઉઠ્યા હતા, જેને લઈને મેયર દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવા જણાવાયું હતું. જે અંતર્ગત એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ થોડા દિવસોમાં આવે તેવી પુરી શક્યતા છે. આ રિપોર્ટમાં કોઈપણ ગેરરીતિ કે કોઈની પણ બેદરકારી હોવાનું સામે આવશે તો નિયમ મુજબની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ડિમોલિશન બાદ રૂ. 27 લાખના ફૂડ બિલનો વિવાદ ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં 15 મીટરના ટીપી રોડ અને નદીના પટમાં આવેલા 1400થી વધુ ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે તંત્ર દ્વારા વ્યાપક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના ભોજન, નાસ્તા, પાણીની બોટલો તેમજ ફોટોગ્રાફી સહિતના રૂ. 27 લાખથી વધુના ખર્ચની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે મુકવામાં આવી હતી. જોકે, નવા શાસકોએ પૂર્વ શાસકોના સમયમાં થયેલી આ કામગીરીના બિલમાં ટેન્ડર પ્રક્રિયાના નિયમભંગ અને ઊંચા રેટ કોન્ટ્રાક્ટનો મુદ્દો ઉઠાવીને દરખાસ્તને નામંજૂર કરી દીધી હતી. ટેન્ડર વગર કરવામાં આવેલા આ ખર્ચને અસ્વીકાર કરાતાં સમગ્ર વિવાદ વકર્યો હતો અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ પણ આ મામલે મોરચો માંડ્યો હતો. તટસ્થ તપાસ માટે ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના આ વિવાદને પગલે રાજકોટના મેયરે કમિશનરને પત્ર લખીને સમગ્ર મામલે તટસ્થ અને પારદર્શી તપાસ કરવાની માંગ કરી હતી, જેના આધારે કમિશનર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. શરૂઆતમાં આ તપાસ સ્થાનિક ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને સોંપવામાં આવી હતી. પરંતુ તપાસની નિષ્પક્ષતા પર સવાલો ઊભા થતાં મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ તટસ્થ તપાસ સુનિશ્ચિત કરવા માટે કોર્પોરેશનના ડે. કમિશનરના બદલે ઇન્ચાર્જ નાયબ કમિશનર અને પીજીવીસીએલના એમ.ડી.ને આ જવાબદારી સોંપી હતી. અગાઉ પીજીવીસીએલના એમ.ડી. કેતન રાઠોડના હસ્તે અડધી તપાસ પૂર્ણ થયા બાદ તેમની બદલી થતાં, હાલ વીજ કંપનીના નવા એમ.ડી. અને ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ચુડાસમાના અધ્યક્ષસ્થાને 6 સભ્યોની કમિટી આ તપાસ કરી રહી છે. આ કમિટીમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કાથરોટીયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી અને ટેકનિકલ સિટી એન્જિનિયર પરેશ અઢીયાનો સમાવેશ થાય છે. દોષિત અધિકારીઓ સામે કડક પગલાંના સંકેત છેલ્લા એક મહિના દરમિયાન સમિતિ દ્વારા મોટાભાગની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. દરમિયાન ડિમોલિશન વખતે અનિવાર્ય રહેલા ખર્ચ તેમજ ભોજન, નાસ્તા, ફોટોગ્રાફી અને પાણીના ઊંચા રેટ અંગે ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં બેદરકારી કે બદઈરાદો સ્પષ્ટપણે દેખાઈ આવે તો બે થી ત્રણ જવાબદાર અધિકારીઓ દોષિત ઠરે તેવી શક્યતા છે. અને તેની સામે કડક પગલાં લેવાઈ શકે છે. જોકે રેટ કોન્ટ્રાક્ટ મુજબ થયેલા વાજબી ખર્ચને મંજૂરી યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. નિયમોમાં ફેરફાર: હવે શોર્ટ ટેન્ડર ફરજિયાત ઉલ્લેખનીય છે, જંગલેશ્વર ખર્ચકાંડના આ વિવાદમાંથી પાઠ ભણીને મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે. હવેથી નાનામાં નાના કામ માટે પણ શોર્ટ ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. હાલ વહીવટી કક્ષાએ તપાસ રિપોર્ટ આખરી તબક્કામાં છે અને કમિશનર પાસે રિપોર્ટ રજૂ થયા બાદ તેને શાસકો સમક્ષ મૂકવામાં આવશે. કમિટીનો સત્તાવાર અહેવાલ આવતાં જ આગળની તમામ કાનૂની અને શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટ પર માથુરભાઈ સવાણીનો ટોણો:'40 વટાવી ગયેલા વાંઢાના લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલ ગાંધી, શક્તિસિંહ જેમ દેશ સેવા કરો; બીજો કોઈ રસ્તો નથી'
    Next Article
    ઓઢવમાંથી બ્રાન્ડના નામે નકલી વાયર બનાવતું કારખાનું ઝડપાયું:શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં વાયર બનાવી પોલીકેબ અને ફિનોલેક્સ કંપનીનું પ્રિન્ટિંગ કરાતું, રૂ. 40.62 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment