Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:બે વ્યક્તિ વચ્ચે શું છે, એ આપણો વિષય કેમ?

    15 hours ago

    તમે કોઇ સ્ત્રી અને પુરૂષને સાથે જુઓ તો તમારા મનમાં સૌથી પહેલો સવાલ શું આવે? આ બંને એકબીજાનાં કોણ થાય? આ બંને એકબીજા સાથે શું કરે? આ બંને વચ્ચે શારીરિક સંબંધો હશે? આ બંનેનાં ઘરે એની ખબર હશે? આમ તો આદર્શ વાત એ છે કે સ્ત્રી અને પુરૂષ સાથે હોય તો જરૂરી નથી કે એમની વચ્ચે કંઇ હોય જ…..પણ ધારો કે એમની વચ્ચે કંઇ હોય-લાગણીનાં સંબંધો હોય, શરીરનાં સંબંધો હોય, અફેર હોય-એકબીજાનાં પતિ-પત્ની-મા-બાપથી છૂપાઇને મળતા હોય તો એમાં મારુ-તમારું-આપણું શું જાય છે? આપણે અજબ છીએ.કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ સાથે ઊભાં હોય એટલે પહેલાં એમનો સંબંધ નક્કી કરી લઇએ છીએ, એ પછી એમનું ચારિત્ર્ય નક્કી કરી લઇએ છીએ-અને પછી કહીએ છીએ કે અરે-બાપ રે….આપણી સંસ્કૃતિ જોખમાઇ ગઇ!!! બિહારના જામુઈમાં બે બાળકો સાથે જે બન્યું એમાં સવાલ એ નથી કે બંને મિત્રો હતા કે પ્રેમી હતા. સવાલ એ છે કે તેઓ મિત્રો હતા કે પ્રેમી હતા એ જાણવાનો અધિકાર ટોળાને આપ્યો કોણે? ધારો કે બંને પ્રેમી જ હતા તો બે જણાએ ભેગા મળી સંસ્કૃતિને જોખમમાં મૂકી દીધી? કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે વાત કરે, ફરે, બેસે, હસે કે સંબંધમાં હોય એટલે આપણા સંસ્કાર પર ભૂકંપ આવી જાય? આપણે સંસ્કૃતિને આટલી નબળી કેમ માની લીધી છે? સંસ્કૃતિ જો બે માણસોની મુલાકાતથી જોખમમાં પડી જતી હોય તો એ સંસ્કૃતિ નથી. એ કાચની બંગડી છે. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ ગમે તે હોય. મિત્રતા હોય. પ્રેમ હોય. અફેર હોય. લગ્ન બહારનો સંબંધ હોય અથવા એવો સંબંધ હોય જેને એ બંનેએ પણ હજી નામ ન આપ્યું હોય. એ સંબંધ એમનો છે. આપણો નહીં. પણ આપણે દરેક સ્ત્રી-પુરુષની વચ્ચે એવા ઘૂસી જઈએ છીએ જાણે તેમના સંબંધનો રિપોર્ટ આપણા ઘરે આવવાનો હોય! બંને ક્યાં મળ્યાં? કેટલા સમયથી ચાલે છે? ઘરે ખબર છે? લગ્ન થયાં છે? એ તો પરણેલી છે ને? એને બાળકો પણ છે ને? સવાલો એવી રીતે પૂછાય કે સામે કોઇ માણસ નહીં-આરોપી ઊભો હોય. સૌથી મોટું દુઃખ એ છે કે આપણે સ્ત્રી અને પુરુષને સાથે જોઈને એમની ખુશી, એમની પસંદગી કે એમની સ્વતંત્રતા નથી જોતા. આપણે સીધું ચારિત્ર્ય જોઈએ છીએ. કોઈ સ્ત્રી પુરુષ સાથે કૉફી પીતી હોય એટલે તેનો સ્વભાવ નક્કી થઈ જાય. કોઈ સ્ત્રી રાત્રે કોઈ પુરુષ સાથે વાત કરતી હોય એટલે એ કેરેક્ટર લેસ થઈ જાય છે. કોઈ સ્ત્રી લગ્ન પછી કોઈ બીજા પુરુષ સાથે હસતી હોય એટલે તેનું આખું જીવન નક્કી થઈ જાય. મજાની વાત એ છે કે-આવા સ્ટેટમેન્ટ આપનારા એવા લોકો હોય જેમનાં ઘરે એમનાં પતિ કે પત્ની એમની સાથે વાત નહીં કરતા હોય. ચારિત્ર્ય કોઈના કપડાંથી નક્કી થતું નથી. કોઈની સાથે ઊભા રહેવાથી નક્કી થતું નથી. કોઈના ફોનમાં કોણ છે એનાથી નક્કી થતું નથી. ચારિત્ર્ય નક્કી થાય છે માણસ બીજા માણસ સાથે કેવું વર્તે છે એનાથી. પણ આપણને એમાં રસ પડતો નથી, કોઈ વૃદ્ધ માતા-પિતાને એકલા મૂકી દે તો સંસ્કૃતિ જોખમમાં નથી આવતી. કોઈ પત્નીને અપમાનિત કરે તો સંસ્કૃતિ જોખમમાં નથી આવતી. કોઈ પત્ની પતિને પ્રતાડિત કરે તો સંસ્કૃતિ જોખમમાં નથી આવતી. કોઈ દીકરો માતા-પિતાને પૈસા માટે કોર્ટ સુધી ખેંચી જાય તો સંસ્કૃતિ જોખમમાં નથી આવતી. કોઈ મિત્ર મિત્રને છેતરે તો સંસ્કૃતિ જોખમમાં નથી આવતી. પણ એક સ્ત્રી અને એક પુરુષ સાથે બેસે એટલે આપણને લાગવા માંડે કે સંસ્કૃતિ મરી રહી છે! આપણી સંસ્કૃતિ ખરેખર બહુ નબળી છે! ભ્રષ્ટાચારથી નહીં તૂટે. હિંસાથી નહીં તૂટે. અપમાનથી નહીં તૂટે. ઘરમાં થતા અન્યાયથી નહીં તૂટે. પણ બે વ્યક્તિના સંબંધથી તૂટી જાય! હવે જ્યારે પણ કોઇ છોકરા કે છોકરીને-કોઇ સ્ત્રી કે પુરૂષને સાથે જુઓ અને બંને વચ્ચેનાં સંબંધો વિશે સવાલો થાય ત્યારે સૌથી પહેલા પોતાના સંબંધો ચકાસી લેજો, જોખમ ત્યાં તો નથી ને? દરેક સંબંધને નામ આપવું જરૂરી નથી અને દરેક સંબંધને મંજૂરી આપવી પણ જરૂરી નથી. જો તમારે સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો સ્ત્રી-પુરૂષનાં ચારિત્ર્યનું ઓડિટ બંધ કરો અને સૌથી પહેલાં પોતાની નજરનું ચારિત્ર્ય સુધારો.
    Click here to Read More
    Previous Article
    સજાવટ:કિચનમાં કઈ વસ્તુ છુપાવવી અને કઈ દેખાડવી?
    Next Article
    પરખ:સંબંધમાંથી ડિલિટ કરો... આ સાત આદત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment