Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:આજના લગ્નઃ ફૂદડીવાળી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય

    16 hours ago

    દીકરો કે દીકરી લગ્ન કરવાની ના પાડે ત્યારે, જીવનસાથી પસંદ કરવામાં સમય કાઢે કે પસંદ કર્યા પછી પણ ‘નથી ફાવતું’, ‘નથી ગમતા’ કહીને એન્ગેજમેન્ટ તોડવાની, રિલેશનશિપ છોડવાની વાત કરે ત્યારે જૂનવાણી માતા-પિતા બેચેન થઈ જાય છે. એમને માટે લગ્ન એ સેટલમેન્ટ છે. જીવનસાથી મળી જાય એટલે છોકરાંઓ ‘થાળે પડ્યા’ એમ માનીને માતા-પિતા પોતાનું અલગ વિશ્વ રચવા ઉત્સુક હોય છે. પરંતુ આજના સમયમાં જ્યારે કારકિર્દી જ સર્વસ્વ બની ગઈ છે ત્યારે મોટાભાગના યુવાનો લગ્ન કરવાની યોગ્ય ઉંમર પસાર કરી જાય છે. ભણતા, નોકરી કરતા કે પ્રવાસમાં એમને જે પ્રકારના છોકરા કે છોકરીની મુલાકાતો અને અનુભવ થાય છે એના ઉપરથી હવે ‘લગ્ન કરવા માટે યોગ્ય જીવનસાથી’ કોણ અને કેવા હોવા જોઈએ એ વિશેના એમની પસંદગી વધુને વધુ ઊંચી, વધુને વધુ ગૂંચવણભરેલી થતી જાય છે. માતા-પિતા પોતાના ઓળખીતા સગામાં જ્યારે મેચ બતાવે ત્યારે યુવક અને યુવતીઓને ‘કંઈક હજી વધુ’ જોઈતું હોય છે. માર્કેટિંગની દુનિયાએ યુવા પેઢીને પ્લસ પ્લસ પ્લસની એક વિચિત્ર માનસિકતા આપી દીધી છે. સાદું, સરળ, બેઝિક હવે કોઈને જોઈતું નથી. ઘર, ગાડી, માતા-પિતા સાથે ન રહેતા હોય એવો છોકરો કે કરિયર સાથે ઘર પણ સંભાળે એવી છોકરી... જેવી અનેક શરતો સાથે જ્યારે બે જણાં મળે છે ત્યારે એ સંબંધ લગ્નને બદલે ‘એમઓયુ’ જેવો બની જાય છે. પોતાના સંબંધોમાં જે અનુભવમાંથી પસાર થયા હોય એમાં હિંમતવાળી, બિન્દાસ્ત, સિગરેટ પીતી, શરાબ પીતી છોકરી અને મમ્મા’ઝ બોય, પોતાના સ્કૂલના કે જૂના મિત્રોને ખૂબ સમય આપતો, ભણ્યો કઈ જુદું હોય, પણ બનવા કંઈ જુદું માગતો હોય એવો છોકરો બંનેને પરસ્પર એટલા બધા અનુભવો આપે છે કે સ્ત્રી અને પુરુષ બંને અતિશય સાવચેત અને સાવધ થઈ જાય છે. પઝેસિવ પ્રેમિકા, શંકાશીલ પ્રેમી, ચીટર, ટુ ટાઈમર જેવા અનેક અનુભવોમાંથી પસાર થયેલા બે જણાં એકબીજા પર વિશ્વાસ કરતાં અચકાય છે. બધું જાણતા-સમજતા જોઈ સમજી ચૂકેલા, બિન ધેર-ડન ધેટ, કરી ચૂકેલા બે જણાંને હવે ગેરંટી-વોરંટી સાથે સંબંધમાં પ્રવેશવું હોય છે. નવી પેઢી પ્રેમને હૃદય સાથે નહીં પણ સિરોટીનીન અને ડોપામાઈન જેવા કેમિકલ સાથે જોડે છે. હવે, લગ્ન કરતાં પહેલાં જ, ‘જો લગ્ન નહીં ચાલે તો?’ ના ઓપ્શન્સ શોધી લેવા માગતા લોકો કેવી રીતે લગ્ન ટકાવી શકે એ સવાલ નવી પેઢીએ પોતાની જાતને પૂછવો જોઈએ. હવેની પેઢી મહિનાઓ સુધી ફોન ઉપર ચેટ કરે છે પછી ડેટ કરે છે અને છેલ્લે વીંટી લઈને પ્રપોઝ કરે કે ન ય કરે એ વિશે એમના માતા-પિતા સતત ચિંતિત રહે છે. છોકરી કરતાં પણ વધારે હવે છોકરાઓ કમિટમેન્ટથી ડરે છે. કારણ કે, એમની આસપાસના સંબંધોમાં લગ્ન તૂટે ત્યારે માત્ર ઈમોશનલ કે માનસિક જ નહીં, આર્થિક ખુંવારી પણ એમણે જોઈ લીધી હોય. કોર્ટ કેસ, ભરણપોષણ, એલિમની અને પોલીસ કેસ સુધીનો ટ્રોમા સહન કરવાને બદલે ‘લિવ ઈન’ કે ‘રિલેશનશિપ’માં રહેવાનું આ પેઢીને વધારે અનુકૂળ પડવા લાગ્યું છે. માતા-પિતા ઈચ્છે છે કે એમના સંતાન લગ્ન કરે. ‘સેટલ’ થાય, પરંતુ આ એ જ માતા-પિતા છે જે પોતાના સંતાનને પોતાના લગ્ન વિશે સતત ફરિયાદ કરતાં આવ્યા છે. સંતાન મોટેભાગે માતા-પિતાના લગ્નને એક અડજેસ્ટમેન્ટ, બોજ, પીડાદાયક અનુભવ તરીકે જોતાં આવ્યા હોય ત્યારે કમિટમેન્ટ કરતા એને અચકાટ થાય એ સહજ અને સ્વાભાવિક છે. સામાન્ય રીતે હવે પરિવારો એક સંતાન ધરાવે છે એટલે જે યુવાનો હવે (મિલેનિયલ અને જેન ઝી) લગ્નની ઉંમરમાં પ્રવેશી રહ્યા છે એમણે કોઈ દિવસ જોઈન્ટ ફેમિલી કે ભાઈ-બહેન સાથેનું સમૂહ જીવન જોયું નથી. રમકડાંથી માંડીને શેમ્પૂ, પિત્ઝા કે પથારી અને રૂમ એમના એકલાના જ હોય. (બંને પક્ષે આવું હોય) ત્યારે એક રૂમ, એક બાથરૂમ શેર કરવાથી શરૂ કરીને એકબીજાની તકલીફ, આનંદ કે સફળતા શેર કરવા સુધીનો પ્રવાસ બહુ લાંબો અને અઘરો બની જાય છે... નાની નાની વાતમાં ઈગો પ્રોબ્લેમ થવા, વાંધા પડવા, જૂની પેઢીને ન સમજાય એવા અણગમા અને અભિવ્યક્તિઓ સાથે એમના સંતાનો છૂટાછેડાનો નિર્ણય કરે ત્યારે માતા-પિતાને આઘાત લાગે છે, પરંતુ મહત્ત્વનો મુદ્દો એ છે કે જૂની પેઢીએ સ્વીકારી લેવું જોઈએ કે, નવી પેઢીને પોતાના સિવાય કોઈની સાથે જીવતાં આવડતું જ નથી. ‘સહજીવન’ (કોએક્ઝિસ્ટન્સ) કે સ્વીકાર, સમજણ, અડજેસ્ટમેન્ટ જતું કરવું, માફ કરવું કે માફી માગવી જેવી બાબતો માતા-પિતાએ જ પોતાના સંતાનને શીખવાડી નથી. ત્રણ વર્ષનું બાળક જ્યારે કોઈને મારે કે વસ્તુ ઝૂંટવે ત્યારે માતા-પિતા જ ગર્વથી કહે છે, ‘એ કોઈને સોરી નથી કહેતો...’ બસ! આ જ... માતા-પિતાએ શીખવેલી વાત સંતાન જીવનભર યાદ રાખે છે. ‘અમારી દીકરી તો બોલ્ડ છે. સાચું મોઢે જ કહી દે’ કહેતાં માતા-પિતા એ વખતે તો ખૂબ ખુશ થાય છે, પરંતુ સમય જતાં એ જ બોલ્ડનેસ, તોછડાઈ, ઉદ્દંડતામાં ફેરવાય છે ત્યારે એમણે જ દીકરીને સમજાવવું પડે છે, ‘આવું ન કરાય...’ જે પોતાને નથી મળ્યું એ સ્વાતંત્ર્ય, સંપત્તિ, સગવડો સંતાનને આપવાની લહાયમાં 60ના દાયકામાં જન્મેલા માતા-પિતા ન મોર્ડન રહી શક્યા, ન જૂનવાણી! એમને લાગે છે કે, લગ્ન જરૂરી છે, પણ લગ્ન કઈ રીતે ટકાવવા એ શીખવવાનું ભૂલાઈ ગયું છે, જે હવે શીખવી નહીં શકાય એવું એમને પણ સમજાય છે! સૌથી ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે, જ્યારે નવી પેઢીના લગ્ન તૂટે છે કે રિલેશનશિપ છુટે છે ત્યારે એની જવાબદારી માતા-પિતા પર નાખી દેતા પણ આ પેઢી અચકાતી નથી... લગ્ન બે આત્માનું મિલન છે, બે બુદ્ધિની હરીફાઈ નહીં, આમાં પ્રમોશન કે પગારની સરખામણી નથી, પ્રેમ અને પરિપૂર્ણતાનો અનુભવ છે. આ વાત જે માતા-પિતા પોતાના સંતાનોને સમજાવી શકશે એમના સંતાનોના લગ્ન સુખી અને સ્નેહપૂર્ણ બની શકે, કદાચ!
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:દીકરીને મોડલિંગના ક્ષેત્રમાં આગળ વધવું છે, પરંતુ અમારું મન નથી માનતું
    Next Article
    સજાવટ:કિચનમાં કઈ વસ્તુ છુપાવવી અને કઈ દેખાડવી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment