Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ માઇન્ડ:મજબૂત સ્ત્રીને પણ ક્યારેક કોઈ કહે… ‘હું છું ને’

    17 hours ago

    ડો. સ્પંદન ઠાકર મેઘા ઘરમાં બધાની નજરે એકદમ મજબૂત સ્ત્રી હતી.ઘરમાં કોઈ બીમાર પડે તો મેઘા સંભાળે. બાળકોની કોઈ સમસ્યા હોય તો મેઘા ઉકેલે. પતિને ઓફિસમાં તકલીફ હોય તો મેઘા સાંભળે. ઘરમાં કોઈ મોટો નિર્ણય લેવો હોય તો બધા કહે, ‘મેઘાને પૂછો… એ બધું સંભાળી લેશે.’ અને મેઘા ખરેખર બધું સંભાળી લેતી. પણ એક દિવસ રાત્રે બધાં સૂઈ ગયા પછી મેઘા રસોડામાં એકલી ઊભી હતી. દિવસભરની દોડધામ પૂરી થઈ ગઈ હતી. ઘરમાં શાંતિ હતી… પણ એના મનમાં નહીં.અચાનક એની આંખોમાં આંસુ આવી ગયા. કોઈ મોટી સમસ્યા નહોતી.પણ આખા દિવસમાં કોઈએ એને એક વાર પણ પૂછ્યું નહોતું કે, ‘મેઘા, તું ઠીક છે ને? અને બસ, એ નાનકડો સવાલ જાણે અંદર દબાયેલા દરવાજાને ખોલી ગયો. મનમાં વિચારો દોડવા લાગ્યા, ‘હું બધાનું વિચારું છું… મારું કોણ વિચારે છે? મને પણ ક્યારેક થાક લાગે છે એ કોઈને કેમ સમજાતું નથી? હું રડી પડું તો શું થશે?’ આપણે ઘણી વખત સ્ત્રીને બે જ રીતે જોઈએ છીએ કાં તો તે નાજુક છે, જેને સહારાની જરૂર છે… અથવા તે એટલી મજબૂત છે કે એને કોઈની જરૂર જ નથી. પરંતુ મજબૂત હોવું અને ભાવનાશીલ ન હોવું બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે. જે સ્ત્રી મુશ્કેલીમાં નિર્ણય લઈ શકે છે, તે પણ ક્યારેક કોઈના ખભા પર માથું મૂકીને રડી શકે છે. અને અહીં સાઇકોલોજીનો એક મહત્ત્વનો મુદ્દો છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી પોતાની લાગણીઓ દબાવી રાખે, સતત જવાબદારી નિભાવે અને પોતાની જરૂરિયાતોને છેલ્લે મૂકે, ત્યારે ઈમોશનલ એક્ઝાસ્શન વધી શકે છે. ચીડિયાપણું, અંદરથી ખાલીપો, ઊંઘમાં ફેરફાર, રડવાનું મન થવું, એકલતા અને ક્યારેક હતાશાની લાગણી પણ ઊભી થઈ શકે છે. કારણ કે મન પણ શરીરની જેમ થાકે છે. મજબૂત સ્ત્રીને દરેક વખતે સલાહની જરૂર નથી હોતી. ઘણી વખત એને માત્ર ઇમોશનલ સેફટી જોઈએ છે એવો સંબંધ જ્યાં તે પોતાની ‘મજબૂત સ્ત્રી’ની ભૂમિકા થોડા સમય માટે ઉતારી શકે અને કહી શકે, ‘આજે મને નથી ખબર શું કરવું.’ અને સામેની વ્યક્તિ જવાબ આપે ‘કંઈ નહીં. આજે તું કંઈ ન વિચાર. હું છું ને.’ એટલે તમારા જીવનની મજબૂત સ્ત્રીને માત્ર એટલું ન કહો કે, ‘તું તો બહુ સ્ટ્રોંગ છે.’ ક્યારેક એને એ પણ કહો, ‘સ્ટ્રોંગ બનવાની જરૂર નથી. તું થાકી હોય તો થાકી શકે છે. રડી હોય તો રડી શકે છે. હું તારી સાથે છું.’ કારણ કે પ્રેમનો અર્થ માત્ર મુશ્કેલીમાં સાથ આપવો નથી. ક્યારેક પ્રેમનું સૌથી સુંદર સ્વરૂપ એ છે કે જે વ્યક્તિ આખી દુનિયા સામે મજબૂત રહે છે, એને તમારી સામે થોડા સમય માટે મજબૂત રહેવાની જરૂર ન પડે. મૂડ મંત્ર: મજબૂત હોવાનો અર્થ એ નથી કે સહારાની જરૂર નથી. સાચી મજબૂતી એ પણ છે કે આપણે આપણા પ્રિય વ્યક્તિને કહી શકીએ આજે મને તારી જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    પાંચમો વેદ:6-7 કલાક કમ્પ્યુટર પર કામ કરવું પડે છે, જમણા હાથમાં ખાલી ચઢી જાય છે
    Next Article
    મીઠી મૂંઝવણ:દીકરીને મોડલિંગના ક્ષેત્રમાં આગળ વધવું છે, પરંતુ અમારું મન નથી માનતું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment