Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખબરનામા:આદિવાસી ગ્રામ પંચાયતોમાં ‘નારી અદાલત’ શરૂ થશે

    13 hours ago

    લજ્જા દવે પંડ્યા ગુજરાતની આદિવાસી મહિલાઓને પોતાની સમસ્યાઓ અને ફરિયાદોનો સ્થાનિક સ્તરે સરળતાથી ઉકેલ મળી રહે તે માટે એક પહેલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની મિશન શક્તિ યોજના હેઠળ ગુજરાતની 10 આદિવાસી ગ્રામ પંચાયતોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ‘નારી અદાલત’ શરૂ કરવામાં આવશે. આ માટે નર્મદા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વાવ-થરાદ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચો છે. તેમના નેતૃત્વમાં નારી અદાલત મહિલાઓની ફરિયાદો સાંભળશે અને શક્ય હોય ત્યાં સુધી વાતચીત, મધ્યસ્થી અને પરસ્પર સંમતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં હાલમાં જિલ્લા અને તાલુકા સ્તરે તો નારી અદાલતો કાર્યરત જ છે. હવે તેને ગ્રામ પંચાયતના સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટના અનુભવના આધારે આગામી સમયમાં રાજ્યના અન્ય ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પણ નારી અદાલતનો વ્યાપ વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. ‘બેટા, હવે તારું જીવન જીવ…’: જજનો ભાવુક સંદેશ દિલ્હીની રોહિણી કોર્ટના એડિશનલ સેશન્સ જજ રજની રંગાએ 10 વર્ષની રેપ પીડિતા બાળકીને લખેલો એક ભાવુક પત્ર હાલમાં ચર્ચામાં છે. દોષિતને સજા ફટકારતા આદેશમાં જ ન્યાયાધીશે બાળકીને સંબોધીને અત્યંત સંવેદનશીલ શબ્દોમાં કહ્યું હતું કે, ‘હવે તું તારું જીવન જીવ, શાળાએ જા, મિત્રો બનાવ, હસ, રમ અને સપનાં જો.’ તેમણે બાળકીને ખાતરી આપી હતી કે તેનું શોષણ કરનાર નરાધમ હવે ક્યારેય મુક્ત વ્યક્તિ તરીકે સૂરજની રોશની નહીં જોઈ શકે. દિલ્હી હાઈકોર્ટે પણ જજના આ સંદેશને અત્યંત પ્રેરણાદાયક ગણાવીને આદેશની નકલ બાળકી અને તેના પરિવાર સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટના વર્ષ 2023ની છે, જ્યારે માત્ર 7 વર્ષની વયે બાળકી પર તેના જ એક પરિચિત ‘અંકલે’ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં આરોપી સુમિત શાક્ય કોર્ટમાં દોષિત ઠર્યો છે અને ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. સુનાવણી દરમિયાન, હાલ 10 વર્ષની થઈ ચૂકેલી આ બાળકીએ કોર્ટને વિનંતી કરી હતી કે તે ‘અંકલ’ને ત્યાં સુધી જેલમાં જ રાખવામાં આવે જ્યાં સુધી તે વૃદ્ધ ન થઈ જાય. બાળકીની આ માસૂમ પણ મક્કમ રજૂઆતનો ઉલ્લેખ કરતાં જજ રજની રંગાએ પોતાના આદેશમાં લખ્યું કે, ‘કોર્ટે તારી વાત સાંભળી છે અને તારી વિનંતી સ્વીકારી છે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે આરોપી આજીવન જેલના સળિયા પાછળ રહેશે અને ક્યારેય બહાર નહીં આવે. તેમણે ભાવુક થતાં લખ્યું કે, ‘કોર્ટ તારી પાસેથી છીનવાઈ ગયેલું બાળપણ તો પાછું નથી આપી શકતી, પરંતુ તારી વાત ચોક્કસ સાંભળવામાં આવી છે. કોર્ટ તારી આ હિંમતને હંમેશા યાદ રાખશે.’ આ કેસમાં દોષિતે ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેની સજા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ને આદેશ આપ્યો છે કે જજના આ સંદેશની પ્રિન્ટેડ નકલ અને ₹10.50 લાખના વળતરની રકમ બે અઠવાડિયાની અંદર બાળકી અને તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવે. ડુંગળીનો પાક બચાવતું ડીવાઈસ બનાવ્યું નાસિકમાં આવેલું લાસલગાંવ એશિયાના સૌથી મોટા ડુંગળી બજારોમાંનું એક છે. ત્યાં જ જન્મેલા કલ્યાણી શિંદેએ ગોડાઉનમાં સ્ટોરેજ દરમિયાન થતા બગાડને કારણે ખેડૂતોને વેઠવા પડતા નુકસાનને નજીકથી નિહાળ્યું છે. પરંતુ એક વખત જ્યારે તેમના પિતાએ ભારે મહેનતથી પકવેલો ડુંગળીનો મોટા ભાગનો પાક ગોડાઉનમાં જ સડી ગયો. તે જોઈ કલ્યાણીએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો નિશ્ચય કર્યો. કલ્યાણી વર્ષ 2018માં TCS Foundation ના ‘Digital Impact Square’ પ્રોગ્રામ સાથે જોડાયાં. શરૂઆતમાં તેમણે અને તેમની ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી સમજવા માટે ખેડૂતો, ગોડાઉન માલિકો અને વેપારીઓ સાથે ચર્ચા કરી તેમની તકલીફ સમજી. આ સંશોધન દરમિયાન તેમને સમજાયું કે ગોડાઉનમાં ડુંગળી અંદરથી ધીમે ધીમે સડવાની શરૂઆત થાય છે. ખેડૂતોને તેની જાણ થાય ત્યાં સુધી ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. કલ્યાણીએ ‘Godaam Sense’ નામની એક IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સ્માર્ટ સિસ્ટમ વિકસાવી. જો ગોડાઉનમાં માત્ર 2થી 3 ટકા ડુંગળી પણ બગડવાની શરૂઆત કરે, તો આ સિસ્ટમ તરત જ ખેડૂતના મોબાઈલ પર એલર્ટ મોકલી દે છે. આથી ખેડૂતો સમયસર બગડેલી ડુંગળીને અલગ કરીને બાકીના પાકને બચાવીને યોગ્ય સમયે બજારમાં વેચી શકે છે. આ નાનકડું ડિવાઇસ લગભગ 10થી 15 મેટ્રિક ટન ડુંગળી ધરાવતા એક કમ્પાર્ટમેન્ટ પર નજર રાખી શકે છે. મોટા ગોડાઉનમાં એકથી વધુ ડિવાઇસ લગાવીને ખેડૂતો મોબાઈલ ડેશબોર્ડ પરથી જ અલગ-અલગ જગ્યાએ રાખેલી ડુંગળીની સ્થિતિ જાણી શકે છે. કલ્યાણીની આ ટેક્નોલોજી અનેક ગોડાઉનોમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાઈ રહી છે. તેમની ટીમને આ આધુનિક સિસ્ટમ માટે ‘પેટન્ટ’ પણ મળી ચૂકી છે. પાયલ કાપડિયાને શનેલ નેક્સ્ટ પ્રાઈઝ એવોર્ડ આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલના ક્રિટિક્સ વીકની 65મી આવૃત્તિમાં જ્યુરી પ્રેસિડેન્ટનું પદ સંભાળી રહેલા ફિલ્મ સર્જક પાયલ કાપડિયાએ કળા અને સિનેમા ક્ષેત્રે કંઈક નવું કરી રહેલા દુનિયાના માત્ર 10 શ્રેષ્ઠ કલાકારોમાં સ્થાન મેળવીને ‘શનેલ નેક્સ્ટ પ્રાઇઝ 2026’ એવોર્ડ જીત્યો છે. એવોર્ડ સાથે તેમને 1,00,000 યુરોની ધનરાશિ અને 2 વર્ષની આંતરરાષ્ટ્રીય મેન્ટરશિપ મળશે. 2024માં તેમની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ મળ્યો હતો તેમજ ગોલ્ડન ગ્લોબ અને બાફ્ટામાં નોમિનેશન મળ્યું હતું. તેમની શોર્ટ ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ જીતી ચૂકી છે. બોલાયેલા શબ્દોને બ્રેઈલમાં છાપતું સાધન બનાવ્યું બી ટેકમાં ભણતી હિમજા લિંગમ્પલ્લીએ દ્રષ્ટિ વિહિન લોકો માટે સ્પીચ ટુ બ્રેઈલમાં લખે તેવું ઉપકરણ વિકસાવ્યું છે. કોલેજ નજીકની એક દૃષ્ટિ વિહિન લોકો માટેની શાળાની મુલાકાત વખતે હિમજાએ જોયું કે બ્રેઇલમાં લખવું કેટલું અઘરું છે. લગભગ બે વર્ષના પ્રયોગો બાદ તેણે ‘રુદ્રા’ નામનું વૉઇસ-એનેબલ્ડ બ્રેઇલ પ્રિન્ટર બનાવ્યું છે. આ ઉપકરણ બોલાયેલા શબ્દોને બ્રેઇલમાં ફેરવે છે અને કાગળ પર બ્રેઇલ ડોટ્સ ઉપસાવે છે. આ શોધ માટે હિમજાને 2026 James Dyson Awardમાં ભારતના વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે. તેને આશરે ₹6 લાખનું ઇનામ મળ્યું છે. હવે તે આંતરરાષ્ટ્રીય રાઉન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. MMAમાં દેશનો પ્રથમ મેડલ જીતી ગૌરવ અપાવ્યું હરિયાણાના રોહતક જિલ્લાની સુચિકા તારીયાલે એશિયન ગેમ્સમાં મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલોગ્રામ MMA એટલે કે મિક્સ્ડ માર્શલ આર્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મેડલ જીત્યા પછી તેણે જણાવ્યું કે, ‘આ મેડલ પછી હવે હું ખુશીથી મરી શકું છું.’ વર્ષોની મહેનત પછી સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ જ આવા શબ્દો બોલી શકે. તેણે 2023ની એશિયન ગેમ્સમાં કુરાશ રમતમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તે વખતે તે મેડલ મેળવી શકી નહોતી. તે કહે છે કે, ‘હું મારા દેશ માટે મેડલ જીતવા માગતી હતી, જેથી લોકો મને ઓળખે.’ આ વખતે તેણે પોતાની જાતને સાબિત કરી બતાવી છે.
    Click here to Read More
    Previous Article
    રંગ-રાસ-સ્ટાઇલ:નવરાત્રિ પહેલાંની સંપૂર્ણ તૈયારી
    Next Article
    રસથાળ:ઓઈલ-ફ્રી રેસિપી! ખરેખર?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment