Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલમાં આરોગ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટ:મૃતદેહ સોંપવામાં ભૂલ અને ગંદકી મુદ્દે અધિકારીઓનો કલાસ લીધો, ઇમરજન્સીમાં તૂટેલી ખુરશીઓ અને ગંદી ચાદરો જોઈ હાઉસકિપિંગ સ્ટાફને ખખડાવ્યો

    7 hours ago

    ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ તાજેતરમાં બનેલી ડેડબોડી બદલાઈ જવાની દુઃખદ ઘટના તથા અસ્વચ્છતા મુદ્દે સત્તાધીશોનો આકરો કલાસ લીધો હતો. તેમણે તૂટેલી ખુરશીઓ, ખરાબ ચાદરો અને અસ્વચ્છતા અંગે કડક ટકોર કરી કામગીરી સુધારવા નિર્દેશ આપ્યા હતા. સાથે દવાઓની અછત નિવારવા, MRIની કામગીરી ઝડપી કરવા તેમજ પાન-માવાની પિચકારી મારનારાઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલવા આદેશ કર્યા હતા. મૃતદેહોની ઓળખ માટે નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો અમલ કરવા તથા રૂ. 3.5 કરોડના ખર્ચે નવી મોર્ચ્યુઅરી અને ફ્રીઝર પ્લાન્ટ 15થી 30 દિવસમાં કાર્યરત કરવા સૂચના આપી હતી. રાજકોટ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ અને સુવિધાઓમાં રહેલી ખામીઓને પગલે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં પ્રવર્તતી વિવિધ ખામીઓ, તાજેતરમાં બનેલી ડેડબોડી બદલાઈ જવાની શરમજનક ઘટના અને ટોયલેટમાં અસ્વચ્છતા તેમજ સફાઈના અભાવ મુદ્દે હોસ્પિટલના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓનો જોરદાર કલાસ લીધો હતો. તાજેતરમાં જ સિવિલમાંથી મૃતદેહ બદલાઈ જવાની બનેલી દુ:ખદ ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ચોકસાઈભરી બનવી જોઈએ. આ માટે નંબર, કોડ સિસ્ટમ અને યોગ્ય સ્ક્રીનિંગ સાથે વૈજ્ઞાનિક એસઓપી (SOP) તૈયાર કરી આવતીકાલથી જ તેનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યા હતા. ઉપરાંત દર્દીઓના મૃતદેહો સાચવવાની વ્યવસ્થામાં કાયમી સુધારો કરવા માટે રૂ. 3.5 કરોડના ખર્ચે નવી મોર્ચ્યુઅરી અને ફ્રીઝર પ્લાનિંગ આગામી 15 થી 30 દિવસમાં પૂર્ણ કરી તેને કાર્યરત કરી દેવાની સૂચના આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્રના ધાંધિયા સામે કડક વલણ અપનાવતા તમામ ક્ષતિઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા અને દર્દીઓની સુવિધામાં કોઈ પણ જાતની બેદરકારી ન દાખવવા માટે આકરા આદેશો આપવામાં આવ્યા હતા. ઓચિંતી મુલાકાતે પહોંચીને પ્રફુલ પાનશેરીયાએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં વિવિધ વિભાગોનું રૂબરૂ અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન ઇમરજન્સી વિભાગમાં તૂટેલી ખુરશીઓ જોઈને તેમણે જવાબદારો સામે કડક શબ્દોમાં ટકોર કરી હતી. આ ઉપરાંત વોર્ડમાં બેડ પર રાખવામાં આવેલી ચાદરોની ખરાબ અને ગંદી સ્થિતિ જોઈને તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને હાઉસકિપિંગ સ્ટાફને પોતાની કામગીરીમાં તાત્કાલિક ધોરણે સુધારો લાવવા માટે કડક આદેશો આપ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતાની પરિસ્થિતિ અત્યંત નબળી હોવાનું જણાઈ આવતા હોસ્પિટલમાં સ્વચ્છતા બાબતે વધુ ગંભીરતાથી અને સઘન કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ હોસ્પિટલમાં દવાની અછત નિવારવા, તેમજ દર્દીઓને સમયસર દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તથા એમ.આર.આઈ. (MRI) ની કામગીરીમાં થતો વિલંબ અટકાવી તેને અત્યંત ઝડપી બનાવવા માટે સ્થળ પર જ સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી. તેમજ દર્દીઓ સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં આવતા ગરીબ અને સામાન્ય દર્દીઓ અંગે સંવેદનશીલતા દાખવતા પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગરીબ દર્દીઓ હોસ્પિટમાંથી સંપૂર્ણ સાજા થઈને અને ખુશખુશાલ થઈને પોતાના ઘરે પાછા ફરે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. હોસ્પિટલ કેમ્પસમાં પાન-માવા ખાઈને પિચકારી મારનાર કે ગંદકી કરનાર કોઈપણ સામાન્ય વ્યક્તિ અથવા હોસ્પિટલના જ કર્મચારી સામે સિક્યોરિટી સ્ટાફ દ્વારા સ્થળ પર જ આકરી દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો. આ દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, મેડિસિન, જનરલ સર્જરી તથા ટી.બી. અને છાતીના રોગો સહિતના તમામ મહત્વપૂર્ણ વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત હોસ્પિટલના અદ્યતન એમ.આર.આઈ. સેન્ટર અને ડાયાલિસિસ યુનિટમાં જઈને ડાયગ્નોસ્ટિક તથા ક્રિટીકલ કેર સુવિધાઓની ઝીણવટભરી વિગતો મેળવીને ચકાસણી કરી હતી. આ તકે સિવિલનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. કમલસિંહ ડોડીયાએ સિવિલ હોસ્પિટલની કામગીરી અને સુવિધાઓથી વાકેફ કર્યા હતા. નિરીક્ષણ પૂર્ણ થયા બાદ તમામ વિભાગીય વડાઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં ઇમરજન્સી સેવાઓ, સ્ટ્રેચરની ઉપલબ્ધતા, એમ.આર.આઈ. સુવિધા, ટી.બી.ના દર્દીઓને આપવામાં આવતી સારવાર, સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી વ્યવસ્થા તથા ખાસ કરીને માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટેના પગલાંઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓનો કલાસ લેવાની સાથે જ હોસ્પિટલમાં ચાલતી સારી કામગીરીને મંત્રીએ બિરદાવી પણ હતી. જેમાં ડાયાલિસિસ સેન્ટર દ્વારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકની સેવાઓની વિશેષ પ્રશંસા કરી સમગ્ર ટીમને કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠક દરમિયાન સિવિલ અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ, આર.એમ.ઓ. ડો. હર્ષદ દૂસરા સહિત સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના તમામ વડા અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ આકસ્મિક મુલાકાત અને કડક વલણને પગલે હોસ્પિટલ તંત્ર અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એનિમિયા જાગૃતિ કાર્યક્રમ:'સેવા મેરા યોગદાન' અભિયાન હેઠળ ધારાસભ્ય વી.ડી. ઝાલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો
    Next Article
    લેભાગૂ વિઝા એજન્ટની કરતૂત:કલોલના યુવકને કેનેડા-ન્યુઝીલેન્ડના વર્ક પરમીટના નામે જાળમાં ફસાવી 30.18 લાખ પડાવ્યા, એમ્બેસીમાંથી લેટર આવતા ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment