Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનની બુલેટ ટ્રેનમાં પણ નથી તેવી સુવિધા આપણી વંદે ભારતમાં:સુરતની પહેલી વંદે ભારત રવાના, કેન્દ્રીય મંત્રીએ કહ્યું– જાપાનીઓ પણ આવીને વંદે ભારત ટ્રેન જુએ છે; વેપારીઓ અને મુસાફરો માટે ટ્રેન વરદાનરૂપ સાબિત થશે

    10 hours ago

    સુરત રેલ્વે સ્ટેશન ખાતે સુરતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ઉદ્ઘાટન રનના યોજાયેલા રેલવેના વિશેષ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે વંદે ભારત ટ્રેનની સુવિધાઓ અને ઝડપના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે ભારતીય રેલવેમાં આવેલા પરિવર્તનને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું હતું કે, પહેલા જ્યારે આપણે વિદેશમાં મુસાફરી કરતા હતા, ત્યારે એવું લાગતું હતું કે આપણા દેશમાં આવી ટ્રેન ક્યારે આવશે! આજે જ્યારે જાપાનના લોકો પણ આવીને જ્યારે વંદે ભારત ટ્રેન જુએ છે, ત્યારે તેમને પણ લાગે છે કે તેમની બુલેટ ટ્રેનમાં પણ જે સુવિધા નથી, તે વ્યવસ્થા અને સુવિધા આ વંદે ભારત ટ્રેનમાં અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ હબ સુરતને તેની પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. સુરતથી સીધી રાજસ્થાનના પ્રવાસન ધામ ઉદયપુરને જોડતી આ સેમી-હાઇસ્પીડ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે લીલીઝંડી બતાવી રવાના કરી હતી. 4 ઓક્ટોબરથી આ ટ્રેન નિયમિત સમયપત્રક મુજબ પાટા પર દોડશે, જેનાથી બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 7 કલાક 30 મિનિટમાં કાપી શકાશે. પહેલાં ટ્રેનમાં જવું મુશ્કેલ લાગતું, હવે વિદેશ જેવો અહેસાસ થાય છે સી. આર. પાટીલે ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે રેલવેમાં મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ અને કષ્ટદાયક ગણાતી હતી. ટ્રેનોમાં ભારે ગંદકી રહેતી, સ્પીડ નહોતી અને પ્રવાસ દુષ્કર બની જતો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો અને રેલવે તંત્રને નવો આયામ આપ્યો. આજે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે લોકોને એવો અહેસાસ થાય છે કે તેઓ જાણે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોય. પરિવાર સાથે જ્યારે લોકો આ ટ્રેનમાં બેસે છે ત્યારે એક અનોખો આનંદ અને ગર્વ અનુભવે છે. સુરત, અમદાવાદ અને ઉદયપુરના મુસાફરો માટે આશીર્વાદરૂપ બની ટ્રેન પાટીલે જણાવ્યું હતું કે, સુરતના વેપારીઓ અને નાગરિકો સવારે વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદ, ઉદયપુર જઈ શકે છે અને દિવસભરનું કામ પતાવીને રાત્રે 11 વાગ્યા પહેલાં સુરત પરત ફરી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી અમદાવાદ, ઉદયપુર અને શ્રીનાથજી જવા માંગતા ભક્તો અને મુસાફરો માટે આ ટ્રેન સાચા અર્થમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. આ ઉપરાંત અગાઉ અમદાવાદ સુધી જતી ટ્રેનને રજૂઆત બાદ સુરત સુધી લંબાવવામાં આવી હતી, જેથી દક્ષિણ ગુજરાતના મુસાફરોનો કિંમતી સમય બચી રહ્યો છે. માંગણી વગર જ વડાપ્રધાને ગુજરાતને ભેટ આપી, રેલવે મંત્રીનો માન્યો આભાર તેમણે ઉમેર્યું હતું કે સુરતના લોકોએ ક્યારેય સુરતથી ઉદયપુર માટે વંદે ભારત માંગી નહોતી, તેમ છતાં વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરતાં તેમણે લોકોની જરૂરિયાત સમજીને તાત્કાલિક મંજૂરી આપી હતી. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખાસ આભાર માન્યો હતો. આ સાથે વલસાડથી સુરત વચ્ચે શરૂ થયેલી મેમુ ટ્રેન તેમજ અન્ય સ્ટોપેજ અંગે પણ તેમણે વિગતવાર વાત કરી સ્થાનિક ધારાસભ્યો અને રેલવે અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. ટ્રેન ખાલી ન જાય તે જોવાની જવાબદારી નાગરિકોની: પાટીલની ટકોર પોતાના સંબોધનના અંતે તેમણે જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે વિશ્વસ્તરીય ટ્રેનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, હવે આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવો અને આ ટ્રેનો ક્યારેય ખાલી ન જાય તેની કાળજી રાખવી એ આપણા સૌ નાગરિકોની જવાબદારી છે. મુસાફરો વધુમાં વધુ આ ટ્રેનોનો લાભ લે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી. કોર્પોરેટર રેલવે વિભાગનો કાર્યક્રમ 'હાઈજેક' કરી લીધો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે તમામ નેતાઓ અને રેલવેના અધિકારીઓ સ્ટેજ પર બેસી ગયા બાદ રેલવે તંત્ર પાસેથી આ તમામ આયોજન હાઇજેક કરી લેવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કારણ કે એક સ્થાનિક કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત સ્ટેજ પર પહોંચી ગયા હતા અને માઈક પર અભિવાદન કોણ કરશે તેનું એનાઉન્સમેન્ટ શરૂ કરી દીધું હતું. જેના કારણે સ્ટેજ પર થોડો સમય માટે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. એટલી બધી ભીડ થઈ ગઈ હતી કે ચાલવાની પણ જગ્યા ન હતી. બુકિંગ શરૂ: ચેર કારનું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 ભાડું મુસાફરો માટે સૌથી મહત્ત્વના એવા ટિકિટના દર પણ સામે આવી ગયા છે. આ ટ્રેનમાં બે શ્રેણીના કોચ રહેશે, જેમાં ભાડું નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવ્યું છે: ચેર કાર (CC): ₹1,515 પ્રતિ મુસાફર અને એક્ઝિક્યુટિવ ચેર કાર (EC): ₹2,720 પ્રતિ મુસાફર છે. ટ્રેન નં. 26903 માટેનું નિયમિત ટિકિટ બુકિંગ 1 ઓક્ટોબરથી IRCTCની વેબસાઇટ, મોબાઇલ એપ તથા રેલવે સ્ટેશનના PRS કાઉન્ટરો પર શરૂ કરી દેવામાં આવ્યું છે. સમયપત્રક: સુરતથી સવારે 06:10 વાગ્યે ઊપડશે, બપોરે 01:40 વાગ્યે ઉદયપુર પહોંચશે ટ્રેનના નિયમિત શિડ્યુઅલ મુજબ, ટ્રેન નં. 26903 સુરતથી સવારે 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 01:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચાડશે. જ્યારે પરત ફરતી વેળા ટ્રેન નં. 26904 ઉદયપુરથી બપોરે 03:35 વાગ્યે ઊપડીને રાત્રે 11:00 વાગ્યે સુરત સ્ટેશને આવી પહોંચશે. અઠવાડિયામાં મંગળવાર સિવાયના બાકીના છ દિવસ આ ટ્રેનની નિયમિત સેવા મળશે. ગુજરાત-રાજસ્થાનના 9 મુખ્ય સ્ટેશને સ્ટોપેજ આ મુસાફરી દરમિયાન ટ્રેનને બંને રાજ્યોના મહત્ત્વના વેપારી અને ધાર્મિક કેન્દ્રો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવર સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ સ્ટોપેજના કારણે વેપારી વર્ગની સાથે-સાથે શામળાજી જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સીધો ફાયદો મળશે. વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ અને ઝડપી કનેક્ટિવિટી આધુનિક કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક દરવાજા, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઉત્કૃષ્ટ બેઠક વ્યવસ્થાથી સજ્જ આ સ્વદેશી ટ્રેન શરૂ થવાથી સુરત અને રાજસ્થાન વચ્ચે બિઝનેસ તેમજ ટૂરિઝમ કનેક્ટિવિટીને નવો વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ચોટીલામાં મહાઆરતી:174થી વધુ મુસાફરોના પ્રાણ બચાવનાર કેપ્ટન માટે પ્રાંત અધિકારીની હાજરીમાં વિશેષ પ્રાર્થના
    Next Article
    ભવનાથ અશોક શિલાલેખ પાસે ફરી સાત સિંહોની શાહી લટાર.:ભવનાથ જતા રસ્તા પર વહેલી સવારે સાત સિંહોનો પરિવાર શાહી લટાર મારતો નજરે પડ્યો, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, વન વિભાગે સિંહોને સલામત સ્થળે ખસેડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment