Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ કપૂરની બીમારીના ડરથી લખાઈ હતી 'આનંદ'ની વાર્તા:ઋષિકેશ મુખર્જીએ અમિતાભ-રાજેશ ખન્નાને સેટ પર પૂરી દીધા, ધર્મેન્દ્રએ દારૂ પીને આખી રાત ફોન કર્યા

    9 hours ago

    ઈ.સ. 1973ની આસપાસનો સમય હતો. ફિલ્મ ‘નમક હરામ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સેટ પર એક ગીતનું ફિલ્માંકન થઈ રહ્યું હતું. સેટ પર હિન્દી સિનેમાના બે મોટા એક્ટર અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના હાજર હતા, પરંતુ શૂટિંગ દરમિયાન બંને ટેલિફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગયા. ડિરેક્ટરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું- “સારું! હવે હું બંનેને જોઉં છું.” ત્યારબાદ તેમણે બંનેને બોલાવ્યા, સામે બેસાડ્યા અને ઠપકો આપતાં કહ્યું- “તમે અહીં કામ કરવા આવ્યા છો કે ફોન કરવા માટે?” ત્યારબાદ ડિરેક્ટરે ચોકીદારને બોલાવીને સ્ટુડિયોનો દરવાજો બંધ કરાવી દીધો. સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે, જ્યાં સુધી ગીતનું શૂટિંગ પૂરું નહીં થાય, ત્યાં સુધી કોઈ બહાર નહીં જાય. રાત્રે લગભગ સાડા બાર વાગ્યા સુધી ગીતનું શૂટિંગ ચાલતું રહ્યું. ન તો કોઈ બહાર ગયું અને ન તો કોઈને અંદર આવવા દેવામાં આવ્યાં. અમે હિન્દી સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર ઋષિકેશ મુખર્જીની વાત કરી રહ્યા છીએ. આજે તેમની 104મી જન્મજયંતી પર જાણીએ તેમની જિંદગી સાથે જોડાયેલા કેટલાક કિસ્સા. ગણિત-વિજ્ઞાન ભણાવ્યું, પછી ફિલ્મ એડિટર બન્યા ઋષિકેશ મુખર્જીનો જન્મ 30 સપ્ટેમ્બર 1922ના રોજ તે સમયના કલકત્તામાં થયો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું. ફિલ્મોમાં પ્રવેશતા પહેલાં થોડા સમય સુધી તેમણે ગણિત અને વિજ્ઞાન પણ ભણાવ્યું હતું. ફિલ્મો તરફનો ઝુકાવ તેમને કલકત્તાના ન્યૂ થિયેટર્સ સુધી લઈ ગયો. અહીં તેમણે કેમેરા અને એડિટિંગનું કામ શીખ્યું. ત્યારબાદ 1951માં મુંબઈ પહોંચ્યા અને બિમલ રૉય સાથે ફિલ્મ એડિટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. પહેલી ફિલ્મ ફ્લોપ, બીજી ફિલ્મે ઓળખ અપાવી ઋષિકેશ મુખર્જીએ 1957માં ‘મુસાફિર’થી દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ફિલ્મ સફળ રહી નહોતી. 1959માં આવેલી ફિલ્મ ‘અનાડી’એ તેમને ઓળખ અપાવી. ફિલ્મને પાંચ ફિલ્મફેર અવોર્ડ મળ્યા અને ઋષિકેશ મુખર્જી પોતે શ્રેષ્ઠ દિગ્દર્શકની દોડમાં હતા, પરંતુ આ પુરસ્કાર તેમના ગુરુ બિમલ રોયને તેમની ફિલ્મ ‘સુજાતા’ માટે મળ્યો. ત્યાર બાદ ઋષિદાએ સતત એવી ફિલ્મો બનાવી જેમાં ન તો વાર્તા માટે મોટા-મોટા સેટ જરૂરી હતા અને ન તો દરેક દૃશ્યમાં સ્ટારનો દબદબો. તેમના સિનેમાને ઘણીવાર ભારતીય મધ્યમ વર્ગના બદલાતા જીવન સાથે જોડીને જોવામાં આવ્યું. તેમની વાર્તાઓમાં મોટા સામાજિક મુદ્દાઓ પણ આવ્યા, પરંતુ તેમની રજૂઆત અત્યંત સામાન્ય અને ઘરેલુ રહી. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘અનુરાધા’, ‘છાયા’, ‘અસલી-નકલી’, ‘અનુપમા’, ‘આશીર્વાદ’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’, ‘આનંદ’, ‘બાવર્ચી’, ‘અભિમાન’, ‘નમક હરામ’, ‘મિલી’, ‘ચુપકે-ચુપકે’, ‘ગોલમાલ’ અને ‘ખૂબસૂરત’નો સમાવેશ થાય છે. ‘આનંદ’માં કિશોર કુમારને લેવા માગતા હતા ઋષિદા ફિલ્મ ‘આનંદ’માં રાજેશ ખન્નાના પાત્રની ગણના આજે હિન્દી સિનેમાના સૌથી યાદગાર પાત્રોમાં થાય છે. જોકે, શરૂઆતમાં આ ભૂમિકા માટે કિશોર કુમારનું નામ સામે આવ્યું હતું. કિશોર કુમાર ફિલ્મનો હિસ્સો કેમ ન બન્યા, તેને લઈને બે અલગ-અલગ કિસ્સા મળે છે. પહેલો કિસ્સો કિશોર કુમારના દીકરા અમિત કુમારે વિક્કી લાલવાની સાથેની વાતચીતમાં જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કિશોર કુમારનો એક બંગાળી ઇવેન્ટ મેનેજર સાથે પૈસાને લઈને વિવાદ થઈ ગયો હતો. ત્યાર બાદ તેમણે પોતાના ગાર્ડને સૂચના આપી હતી કે કોઈપણ બંગાળી વ્યક્તિને અંદર આવવા દેવામાં ન આવે. આ દરમિયાન ઋષિકેશ મુખર્જી કિશોર કુમારને મળવા તેમના ઘરે પહોંચ્યા. ઋષિદા પોતે બંગાળી હતા. ગાર્ડે તેમને એ જ ઇવેન્ટ મેનેજરના માણસ સમજી લીધા અને ગેટ પર જ રોકી દીધા. જેના કારણે ઋષિદા કિશોર કુમારને મળી શક્યા નહીં અને પરત ફર્યા. જોકે, આ અંગે એક બીજું વર્ઝન પણ છે. ગીતકાર ગુલઝારે પોતાની પુસ્તક ‘એક્ચ્યુઅલી... આઈ મેટ ધેમ: એ મેમોયર’માં લખ્યું હતું કે ‘આનંદ’માં કિશોર કુમારને લઈને વાતચીત લગભગ નક્કી થઈ ચૂકી હતી, પરંતુ કિશોર કુમાર કદાચ આ ગંભીર પાત્ર ભજવવાના મૂડમાં નહોતા. ગુલઝારના જણાવ્યા મુજબ, શૂટિંગના થોડા દિવસો પહેલાં કિશોર કુમાર અચાનક સંપૂર્ણપણે ટાલ કરાવીને ઑફિસે પહોંચ્યા. તેઓ ત્યાં ઋષિકેશ મુખર્જીને ચીડવતા નાચવા-ગાવા લાગ્યા અને કહેવા લાગ્યા- “હવે શું કરશો ઋષિ?” આ રીતે ‘આનંદ’માં રાજેશ ખન્નાની એન્ટ્રી થઈ કિશોર કુમાર સાથે વાત ન બની શકી તો ઋષિકેશ મુખર્જીએ ત્યારબાદ શશી કપૂરને લઈને વિચાર કર્યો, પરંતુ તે સમયે શશી કપૂર પાસે ફિલ્મ માટે જરૂરી તારીખો નહોતી. ઋષિદા સામે ફરી સવાલ હતો કે, હવે ‘આનંદ’નું પાત્ર કોને સોંપવું. એ દરમિયાન એક દિવસ રાજેશ ખન્ના તેમની પાસે પહોંચ્યા. તેમણે ઋષિકેશ મુખર્જીને કહ્યું કે, સાંભળ્યું છે કે તમે એક ખૂબ જ શાનદાર વાર્તા પર ફિલ્મ બનાવી રહ્યા છો અને તેઓ તે વાર્તા સાંભળવા માંગે છે. ઋષિદાએ સ્પષ્ટ કહ્યું કે તેઓ પોતાની ફિલ્મોની વાર્તા કોઈને સંભળાવતા નથી, પરંતુ પછી એક શરત મૂકી કે જો રાજેશ ખન્ના ફિલ્મ માટે સતત અને પૂરતી તારીખો આપી શકે, તો તેઓ તેમને વાર્તા સંભળાવવા માટે તૈયાર છે. રાજેશ ખન્નાએ સંમતિ આપી દીધી. તેમણે વાર્તા સાંભળતાં જ તેમને પાત્ર ગમી ગયું અને રાજેશ ખન્ના ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગયા. નોંધનીય છે કે, રાજેશ ખન્નાએ ફિલ્મ માટે પોતાની સામાન્ય ફી લેવાને બદલે કથિત રીતે મુંબઈ વિસ્તારના વિતરણ હક્કો (ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ) લીધા હતા. ધર્મેન્દ્રએ દારૂ પીને આખી રાત ફોન કર્યો ડિરેક્ટર ઋષિકેશ મુખર્જીએ ફિલ્મ ‘આનંદ’માં ધર્મેન્દ્રને પણ ભૂમિકા ઑફર કરી હતી. ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ ખુદ ધર્મેન્દ્રએ કપિલ શર્માના શોમાં સંભળાવ્યો હતો. ધર્મેન્દ્રના જણાવ્યા મુજબ, ઋષિકેશ મુખર્જીએ એક ફ્લાઇટમાં તેમને ‘આનંદ’ની વાર્તા સંભળાવી હતી. ઋષિદાએ તેમને જણાવ્યું હતું કે, ફિલ્મમાં શું થશે અને તેમના પાત્રને કેવી રીતે ભજવવાનું રહેશે. ધર્મેન્દ્રને લાગ્યું હતું કે તેઓ આ ફિલ્મનો ભાગ બનવાના છે. પરંતુ થોડા સમય પછી તેમને જાણ થઈ કે ફિલ્મ રાજેશ ખન્ના સાથે શરૂ થઈ ગઈ છે. ધર્મેન્દ્ર આ નિર્ણયથી એટલા નારાજ થયા કે તેમણે દારૂ પીધા બાદ ઋષિકેશ મુખર્જીને આખી રાત ફોન કર્યા. તેઓ વારંવાર પૂછી રહ્યા હતા કે, જ્યારે તેમને વાર્તા સંભળાવવામાં આવી હતી અને ભૂમિકા વિશે જણાવવામાં આવ્યું હતું, તો ફિલ્મ રાજેશ ખન્નાને શા માટે આપી દેવામાં આવી. ધર્મેન્દ્રએ જણાવ્યું કે, ઋષિદા ફોન પર તેમને કહેતા રહ્યા- ‘ધરમ, સૂઈ જા, સવારે વાત કરીશું.’ પરંતુ ફોન મૂકતાની સાથે જ તેઓ ફરીથી ફોન કરી દેતા હતા અને ફરી એ જ પ્રશ્ન પૂછતા હતા. રસપ્રદ વાત એ છે કે, આ ઘટના બાદ બંનેના વ્યાવસાયિક સંબંધો ખરાબ થયા નહોતા. ધર્મેન્દ્રએ આગળ જઈને ઋષિકેશ મુખર્જી સાથે ‘ગુડ્ડી’, ‘ચુપકે-ચુપકે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ‘ગુડ્ડી’ના 10 દિવસ બાદ અમિતાભ બચ્ચનને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગુડ્ડી’ (1971) જયા ભાદુરી (જયા બચ્ચન)ની લીડ એક્ટ્રેસ તરીકેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો ખુદ અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર સંભળાવ્યો હતો. અમિતાભે જણાવ્યું હતું કે, તેમને ‘ગુડ્ડી’માં જયા ભાદુરી સાથે હીરો તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ લગભગ 10 દિવસ બાદ ઋષિકેશ મુખર્જીએ તેમને ફિલ્મમાંથી હટાવી દીધા. અમિતાભના જણાવ્યા મુજબ, તે સમયે ‘ગુડ્ડી’ની સાથે-સાથે ‘આનંદ’ પર પણ કામ ચાલી રહ્યું હતું. ‘આનંદ’માં રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા અને ઋષિદાને આશા હતી કે આ ફિલ્મ મોટી હિટ સાબિત થશે. ‘ગુડ્ડી’માં જયાનું પાત્ર ધર્મેન્દ્રનું ખૂબ મોટું ફેન હતું. અમિતાભે જણાવ્યું કે, ઋષિકેશ મુખર્જી ઇચ્છતા નહોતા કે તેમની સામે કોઈ એવો જાણીતો ચહેરો હોય, જેની પોતાની સ્ટાર ઓળખ હોય. તેમને ડર હતો કે તેનાથી જયાના પાત્રની નિર્દોષતા અને તેના ધર્મેન્દ્ર-ફેન હોવાની વાર્તા પ્રભાવિત થઈ શકે છે. આથી શૂટિંગના લગભગ 10 દિવસ બાદ ઋષિદાએ અમિતાભને કહ્યું કે, તેઓ ફિલ્મ છોડી દે. સાથે જ તેમણે ખાતરી આપી કે ભવિષ્યમાં તેઓ તેમની સાથે ચોક્કસ કામ કરશે. બાદમાં અમિતાભની જગ્યાએ સમિત ભંજાને કાસ્ટ કરવામાં આવ્યા. બિગ બી અને રાજેશ ખન્નાને સેટ પર બંધ કરી દીધા આ જ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલો એક વધુ પ્રસંગ ઋષિકેશ મુખર્જીની કડક કાર્યશૈલી દર્શાવે છે. એક્ટર રઝા મુરાદે જણાવ્યું હતું કે, ‘સૂની રે સજરિયા’ના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન ફોન કૉલમાં વ્યસ્ત થઈ ગયા હતા. ઋષિ દાએ બંનેને બોલાવીને ઠપકો આપ્યો. ત્યારબાદ તેમણે ચોકીદારને બોલાવ્યો અને સ્ટુડિયોનો ગેટ તાળું મારીને બંધ કરાવી દીધો. કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ગીત પૂરું નહીં થાય, ત્યાં સુધી કોઈ સેટની બહાર નહીં જાય. રાત્રે લગભગ 12:30 વાગ્યે શૂટિંગ પૂરું થયા બાદ જ ગેટ ખોલવામાં આવ્યો. ‘ગોલમાલ’ પોતાના જ ઘરમાં માત્ર 40 દિવસમાં બનાવી દીધી 1979ની ‘ગોલમાલ’ આજે પણ હિન્દી સિનેમાની લોકપ્રિય કોમેડી ફિલ્મોમાં સામેલ છે. અમોલ પાલેકર, ઉત્પલ દત્ત, બિંદિયા ગોસ્વામી અને દીના પાઠક જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મ ઋષિકેશ મુખર્જીએ અત્યંત મર્યાદિત સાધનોમાં બનાવી હતી. ફિલ્મનો લગભગ આખો ભાગ ઋષિકેશ મુખર્જીના બાંદ્રા સ્થિત બંગલા ‘અનુપમા’માં શૂટ થયો હતો. ઘરના હોલને ભવાની શંકરની ઑફિસમાં ફેરવવામાં આવ્યો હતો, ડ્રોઇંગ રૂમનો ઉપયોગ રામ પ્રસાદના ઘર તરીકે કરવામાં આવ્યો હતો અને ગાર્ડનમાં પાર્ટીનું દૃશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. સૌથી રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ માત્ર 40 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. ઋષિકેશ મુખર્જીએ પોતે જણાવ્યું હતું કે તેઓ બજેટ અને કલાકારોની તારીખોને લઈને શિસ્ત જાળવતા હતા, કારણ કે તેઓ કોઈ બીજા માણસના પૈસાથી ફિલ્મ બનાવી રહ્યા હતા. વ્હીલચેર પર બેસીને બે ફિલ્મોનું ડિરેક્શન કર્યું ઋષિકેશ મુખર્જીના જીવનમાં એક એવો સમય પણ આવ્યો, જ્યારે બીમારીએ તેમની શારીરિક ક્ષમતાને અસર કરી. 1961માં તેમને ગંભીર આર્થરાઇટિસનો હુમલો આવ્યો. આ છતાં તેમણે કામ છોડ્યું નહીં. તેમણે ‘અનુપમા’ અને ‘અસલી-નકલી’નું ડિરેક્શન વ્હીલચેર પરથી કર્યું. અમિતાભ-જયાના લગ્નના સમાચાર સૌથી પહેલાં મળ્યા અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીનો સંબંધ પણ ઋષિકેશ મુખર્જીની ફિલ્મો સાથે જોડાયેલો છે. બંને પહેલીવાર ‘ગુડ્ડી’ દરમિયાન મળ્યા હતા. અમિતાભ બચ્ચને બાદમાં પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમણે અને જયાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો, ત્યારે પોતાના માતા-પિતા બાદ જેમને આ સમાચાર આપ્યા હતા, તેમાં ઋષિકેશ મુખર્જી પણ સામેલ હતા. રાજ કપૂર અને ઋષિકેશ મુખર્જીની મિત્રતા ઋષિકેશ મુખર્જી અને રાજ કપૂર ખૂબ જ ખાસ મિત્રો હતા. બંને સોવિયેત સંઘ (હવે રશિયા)ના પ્રવાસ દરમિયાન નજીક આવ્યા હતા. ઋષિદાના જણાવ્યા મુજબ, તેઓ ત્યાં આખી રાત સાથે બેસીને શતરંજ રમતા હતા. ઋષિકેશ મુખર્જીની પહેલી ફિલ્મ ‘મુસાફિર’ સફળ રહી નહોતી. ત્યાર બાદ તેમને કામ મળવામાં મુશ્કેલી પડી રહી હતી. એવા સમયે રાજ કપૂર અને દેવ આનંદે ફિલ્મ નિર્માતા એલ.બી. લછમનને ઋષિકેશને તક આપવાની વાત કરી, જેના પછી તેમને ‘અનાડી’નું ડિરેક્શન કરવાની તક મળી. રાજ કપૂર સાથે જોડાયેલો વધુ એક પ્રસંગ ઋષિકેશ મુખર્જીએ જણાવ્યો હતો. લંડનમાં શૂટિંગ દરમિયાન જ્યારે રાજને ખબર પડી કે ઋષિદા હોટેલમાં રોકાયા છે, ત્યારે તેઓ રાત્રે તેમને મળવા પહોંચ્યા. રાજે તેમને પોતાના ઘરે ચાલવા કહ્યું. તે સમયે ઋષિકેશ ગંભીર સંધિવાથી પરેશાન હતા. રાજ કપૂરે ઘણા દિવસો સુધી તેમની સંભાળ રાખી, તેમને ધાબળો ઓઢાડ્યો, દૂધ આપ્યું અને તેમની સાથે સમય વિતાવ્યો. નોંધનીય છે કે, ‘આનંદ’ ઋષિકેશ મુખર્જી અને રાજ કપૂરની ગાઢ મિત્રતાથી પ્રેરિત હતી. રાજ કપૂરની ગંભીર બીમારી દરમિયાન ઋષિદાને પોતાના મિત્રને ગુમાવવાનો ડર સતાવવા લાગ્યો. આ જ ભાવનાથી તેમણે ફિલ્મની વાર્તા લખી હતી. રાજેશ ખન્નાનું આનંદ સહગલનું પાત્ર રાજ કપૂરના જિંદાદિલ સ્વભાવ પર આધારિત હતું, જે બીમારીમાં પણ બીજાઓને હસાવતા હતા. જ્યારે અમિતાભ બચ્ચનનું ડૉ. ભાસ્કર બેનર્જીનું પાત્ર ઋષિકેશ મુખર્જીથી પ્રેરિત હતું. બીમારી દરમિયાન ઇન્દિરા ગાંધીએ તેમના ઘરે બેઠક યોજી હતી ઋષિકેશ મુખર્જી માત્ર શ્રેષ્ઠ ફિલ્મ ડિરેક્ટર જ નહોતા, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની યોજનાઓ અને નીતિઓ સાથે પણ જોડાયેલા રહ્યા હતા. તેઓ સેન્સર બોર્ડ એટલે કે CBFCના ચેરમેન અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના ચેરમેન પણ રહ્યા હતા. એક્ટર અંજન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઋષિદા આયોજન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પદો પર પણ હતા. એક વખત તેઓ બીમાર પડ્યા ત્યારે ઈન્દિરા ગાંધીએ તેમના ઘરે જ બેઠક યોજી હતી, કારણ કે તેમની હાજરી જરૂરી માનવામાં આવી હતી. ટીવી શો ‘યસ બોસ’ના મોટા ચાહક હતા 'ધુરંધર' એક્ટર રાકેશ બેદીએ વરિન્દર ચાવલાની યુટ્યુબ ચેનલ પર ઋષિકેશ મુખર્જી સાથે જોડાયેલો ભાવુક પ્રસંગ સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઋષિદા તેમના ટીવી શો ‘યસ બોસ’ના મોટા ચાહક હતા અને દર બે મહિને તેમને ફોન કરીને શોની પ્રશંસા કરતા હતા. બીમારી દરમિયાન જ્યારે તેઓ પથારીવશ હતા, ત્યારે પણ ટીવી પર ‘યસ બોસ’ જોતા અને રાકેશને ફોન કરતા હતા. અંતિમ દિવસોમાં તેમણે રાકેશને ફોન કરીને કહ્યું હતું કે આ શો રાત્રે 9થી 9:30 વાગ્યા સુધી આવે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને આ અડધો કલાક ન ઉઠાવવો, લઈ જવું હોય તો આ અડધો કલાક પૂરો થયા પછી લઈ જજો. આ વાત સાંભળીને રાકેશ બેદી આખી રાત રડ્યા હતા. ઋષિકેશ મુખર્જીએ ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં 42 ફિલ્મોનું ડિરેક્શન કર્યું હતું. 27 ઑગસ્ટ 2006ના રોજ મુંબઈમાં 83 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી ભાજપે ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર કરી
    Next Article
    પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત:ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો, ST ડ્રાઈવર ગંભીર; 14 ઈજાગ્રસ્ત; ગીર ગઢડાના બેડીયા ગામે અકસ્માત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment