Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ

    8 hours ago

    ડૉ.ઐલેષભાઈની પરેશાનીનો પાર ન હતો. એમની ટીનેજર દીકરી છેલ્લાં પાંચેક વર્ષથી દર મહિને ચોક્કસ દિવસો દરમિયાન અસહ્ય વેદનાથી પીડાઈ રહી હતી. પેટના નીચેના ભાગમાં એવી તીવ્ર વેદના ઊઠતી હતી કે શૈલી પથારીમાં પડ્યે-પડ્યે પણ ચીસો પાડતી, વાળ ખેંચતી, બે હાથ નાભિ ઉપર દબાવીને ઊંહકારા ભરતી, રડતી અને ઉછળતી રહેતી હતી. આ તકલીફની શરૂઆત જ્યારે શૈલી અગિયાર વર્ષની હતી ત્યારે થઈ હતી. ડૉ. ઐલેષભાઈ પોતે ફિઝિશિયન હતા, એમનાં પત્ની ડૉ. નીનાબેન એનેસ્થેટિસ્ટ હતાં. બંને જણાં એટલું તો સમજી ગયાં હતાં કે એમની લાડકી દીકરીને જે તકલીફ થઈ હતી તેને તબીબી પરિભાષામાં ‘પ્રાઈમરી’ અથવા ‘સ્પાસ્મોડિક ડિસમેનોરિયા’ કહે છે. પણ જ્યારે તબીબી વિજ્ઞાનનાં પુસ્તકોમાં વર્ણવાયેલી બીમારી ઘરનાં સભ્યમાં જોવા મળે છે ત્યારે ડૉક્ટર ‘ડૉક્ટર’ નથી રહી શકતો, એ પરિવારનો ‘માણસ’ બની જાય છે. ડૉ. નીનાએ પ્રથમ એપિસોડ વખતે જ પતિને કહ્યું હતું, ‘આપણી દીકરીને હવે પિરીયડ્ઝ આવવાની શરૂઆત થઈ છે. આજે ફર્સ્ટ સાઈકલનો ફર્સ્ટ ડે છે. બટ શી ઈઝ સિક વિથ પેઈન. એને પેઈન કિલર ટૅબ્લેટ આપવી પડશે.’ ડૉ. ઐલેષ પોતે આખી જિંદગી અસંખ્ય દર્દીઓને દુ:ખાવો ડામવાની ગોળીઓ આપી ચૂક્યા હતા, પણ અત્યારે એ મૂંઝાઈ ગયા. તેમણે પત્નીને કહ્યું, ‘ડૉ. સગુણાબહેનને ફોન કર, એમને પૂછી લે કે શૈલીને શું આપીએ?’ ડૉ. સગુણાબહેન એ શહેરનાં સીનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ. એમણે બધી વાત શાંતિથી સાંભળી, પછી સલાહ આપી, શૈલીને માઈલ્ડ પેઈન કિલર, એન્ટી સ્પાઝમોડિક ટૅબ્લેટ આપી જુઓ. મોટા ભાગે સારું થઈ જશે. સાવ સારું તો ન થયું પણ ગોળી આપ્યા બાદ એનું પથારીમાં ઉછળવાનું અને રડવાનું બંધ થઈ શક્યું. એ આખી રાત એણે ઊંઘ્યા વિના પસાર કરી. બીજા દિવસે ફરી પાછી મૂળ હતી એવી જ હાલત. ગોળીની અસર ઓસરી ગઈ એટલે દુ:ખાવાનું જોર વધી ગયું. ડૉ. સગુણાબહેને સૂચના આપી: ‘પિરીયડ્ઝના પહેલા-બીજા દિવસે દુ:ખાવો વધારે રહેશે. દિવસમાં ત્રણ વાર ટૅબ્લેટ્સ આપવાનું રાખો. પછી ત્રીજા દિવસથી બ્લડ ફ્લો સ્મૂધ થતો જશે તેમ દર્દ ઘટતું જશે.’ ડૉ. નીનાએ પૂછ્યું, ‘આવું આ ફર્સ્ટ સાઈકલ વખતે જ થશે કે દર મહિને?’ ‘કંઈ કહી ન શકાય.’ જવાબ મળ્યો, ‘ક્યારેક શરૂઆતના ત્રણ-ચાર મહિના સુધી આવી અસહ્ય પીડા જોવા મળે છે, ક્યારેક આવું લગ્ન થતાં સુધી ચાલુ રહે છે. કેટલાક કિસ્સાઓમાં લગ્ન પછી પણ…’ શૈલી અભ્યાસમાં તેજસ્વી હતી. શાળામાં ભણવા બેઠી તે પછી જેટલી પરીક્ષાઓ આપી તે બધીમાં શૈલી પ્રથમ નંબર લઈ આવતી હતી, પણ જ્યારથી આ તકલીફ શરૂ થઈ ત્યારથી એની માનસિકતા ભયથી ઘેરાઈ ગઈ. દર મહિને ત્રણ-ચાર દિવસ એ સ્કૂલમાં જઈ ન શકતી, એના કારણે એ અભ્યાસમાં પાછળ રહેવા લાગી, જે છોકરાઓ સાથે એની ગળાકાપ હરીફાઈ રહેતી હતી એ બધા તો હસતા-રમતા-ભણતા હતા, પોતે છોકરી છે એ જ કારણે એને આવું વેઠવું પડતું હતું એ વિચારથી ધીમે ધીમે એ ડિપ્રેશનથી ઘેરાવા માંડી. મેં મારી મેડિકલ પ્રેક્ટિસમાં આવી હજારો શૈલીઓને પરેશાન થતી જોયેલી છે. ક્યારેક તો આવી ટીનેજર દીકરીઓને ઈન્જેક્શનો આપવા પડ્યાં છે. કુમળી વયના કારણે વધુ ‘હાઈ-ફાઈ’ સારવાર કે શારીરિક તપાસ થઈ શકે નહીં. દીકરીને અને તેનાં મમ્મી-પપ્પાને કાઉન્સેલિંગ દ્વારા હિંમત આપીને જ ચલાવવું પડે. શૈલી બારમા ધોરણમાં આવી. ડૉ. ઐલેષભાઈના ડૉક્ટર મિત્રો મોટી સંખ્યામાં હતા. એમાંના કેટલાકનું માનવું આવું હતું, ‘તમે શૈલીને ફર્સ્ટ નંબર લઈ આવવાનું એટલું બધું દબાણ કરો છો કે એના સ્ટ્રેસના કારણે શૈલીને આ તકલીફ રહે છે. તમે તમારી અપેક્ષાઓ હળવી કરી નાખો, દીકરી સાજી થઈ જશે.’ બારમાના બોર્ડની અને પછી નીટની પરીક્ષાઓ પતી ગઈ. હવે તો કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ ન હતું. એ પછીની સાઈકલમાં પણ શૈલી અસહ્ય વેદનાથી તરફડી ઊઠી. હવે વેકેશનના દિવસો આવ્યા. શૈલીની બહેનપણીઓએ દક્ષિણ ભારતના પ્રવાસમાં જવાનું આયોજન કર્યું. એક છોકરીનાં મમ્મી-પપ્પા પણ સાથે જવાનાં હતાં. ડૉ. નીનાબહેને પતિને કહ્યું, ‘શૈલીને જવા દઈશું ને? બારમા ધોરણના બારેય મહિના બાપડી ઊંધું માથું કરીને ભણતી રહી છે. હવે એને રિલેક્સ થવાનો હક્ક છે.’ ‘હા, પણ મને એક બાબતની ચિંતા છે. શૈલીનું ગ્રૂપ પંદર દિવસની ટૂર પર જઈ રહ્યું છે. જો એ દિવસોમાં શૈલીને…’ ડૉ. ઐલેષભાઈના મનમાં ઘરથી દૂર વેદનાથી પડખાં ઘસતી, ચીસો પાડતી, પેટ દબાવીને ઉછળતી દીકરીનું ચિત્ર ઊભરી આવ્યું. આ વાતનો પણ ઉપાય શક્તિ કાઢવામાં આવ્યો. પાંચ દિવસ ચાલે એટલી ગોળીઓ અને જરૂર પડે તો પેઈન કિલર ઈન્જેક્શનો અને એ આપવા માટેની ડિસ્પોઝેબલ સિરીન્જો અને નીડલ્સ પણ બૅગમાં મૂકી દેવામાં આવી. સાઉથ ઈન્ડિયાના કોઈ પણ શહેરમાં ઈન્જેક્શન આપી શકે તેવા ડૉક્ટર કે નર્સ તો મળી જ આવે. શૈલી ઉત્સાહભેર પ્રવાસે ઉપડી ગઈ. ત્યાંથી રોજ સવારે અને સાંજે ભૂલ્યા વગર એનો ફોન આવે. દિવસ દરમિયાન તેઓ ક્યાં ગયાં, શું જોયું એની વિગતવાર વાતો શૈલી મમ્મી-પપ્પાની સાથે ‘શેર’ કરે. પપ્પા પૂછે, ‘બેટા, તને ત્યાં ગમે છે ને?’ શૈલીએ એક સાંજે ફરિયાદ કરી, ‘પપ્પા, અહીં બધું સરસ છે, પણ એક વાતની ખોટ સાલે છે. અહીંના લોકો રોટલી, પરોઠા કે ભાખરી ખાતાં નથી. જ્યાં જમવા માટે જઈએ ત્યાં ઈડલી-સંભાર અને મસાલા-ઢોંસા જ ખાવા મળે છે. બે-ત્રણ દિવસ તો ભાવ્યું, પણ હવે મમ્મીના હાથની ફુલકા રોટલી બહુ યાદ આવે છે.’ ‘એ બધી વાતો જવા દે. એ કહે કે આ મહિને તને મેન્સિઝ...?’ કૉન્ફરન્સ કૉલ પર વાત સાંભળી રહેલાં મમ્મીએ પૂછ્યું. જે જવાબ સાંભળવા મળ્યો તે અનપેક્ષિત હતો, ‘મમ્મી, તું માનીશ? આ મહિને પિરીયડ્ઝ દરમિયાન મને જરા પણ પેઈન થયું નહીં.’ શૈલીના અવાજમાં રાહત વરતાઈ રહી હતી. ડૉક્ટર મમ્મી-પપ્પાએ માની લીધું કે શૈલીનું મન હરવા-ફરવામાં અને બહેનપણીઓ સાથે જલસા કરવામાં વ્યસ્ત રહ્યું હશે એટલે મેન્સ્ટ્રુઅલ પેઈન તરફ એનું ધ્યાન નહીં ગયું હોય. શૈલી બે અઠવાડિયાં પછી ઘરે આવી ગઈ. બીજા મહિનાથી ફરી પાછો દુ:ખાવો શરૂ થઈ ગયો. ડૉ. ઐલેષભાઈના તેજસ્વી દિમાગમાં એક પછી એક શક્યતાના સરવાળા-બાદબાકી થઈ રહ્યા હતા. એમણે એક તારણ શોધી કાઢ્યું: ‘સાઉથ ઈન્ડિયામાં દીકરીને એક પણ ટંક દરમ્યાન ઘઉંની વાનગી ખાવા નથી મળી. તો આ દુ:ખાવાના મૂળમાં ઘઉં હોઈ શકે?’ આ માત્ર અનુમાન હતું, તર્ક હતો, ધારણા હતી પણ એ ધારણાના માર્ગ પર બે-ચાર મહિના આગળ વધવામાં નુકસાન શું થવાનું હતું? એમણે શૈલીના ભોજનમાંથી ઘઉંની રોટલી અદૃશ્ય કરાવી દીધી. દીકરીને બાજરાના રોટલા પર મૂકી દીધી. આશ્ચર્યજનક રીતે એ મહિનાઓ પેઈન ફ્રી રહ્યા. ડૉ. ઐલેષભાઈની કાચી ધારણા ઉપર બીજી એક ઘટનાએ પાક્કી મહોર લગાવી દીધી. શૈલી એની ફ્રેન્ડઝની સાથે મનાલી ખાતે યોજાયેલા ટ્રેકિંગ કૅમ્પમાં ગઈ. ત્યાં જમવામાં માત્ર ઘઉંના પરોઠા અને પંજાબી સબ્જી જ આપવામાં આવતાં હતાં. એ મહિને શૈલીને મેન્સ્ટ્રુઅલ સાઈકલ શરૂ થયું અને એ દિવસે શૈલી ઉપર કહેર વરસ્યો. એ ત્રણ દિવસો દરમિયાન એણે નર્કની યાતના ભોગવી. દક્ષિણ ભારતના ખોરાકે ચોર પકડ્યો હતો, ઉત્તર ભારતના ખોરાકે એ ચોરને અપરાધી સાબિત કરી દીધો. ડૉ. નીનાબહેને ડૉ. સગુણાબહેનની સાથે આ વિષયની ચર્ચા કરી. ડૉ. સગુણાબહેને કહ્યું, ‘ઘઉંમાં ‘ગ્લુટેન’ નામનું તત્ત્વ રહેલું છે જે ગર્ભાશયના તેમજ આંતરડાના ચૂંક જેવા દર્દને ઉત્તેજન આપે છે, માટે જે દીકરીઓને માસિકસ્રાવ દરમિયાન અસહ્ય દુ:ખાવો થતો હોય તેમણે ઘઉંમાંથી બનતી તમામ વાનગીઓથી દૂર રહેવું સારું.’ પ્રાઇમરી ડિસમેનોરિયા નામથી ઓળખાતી આ તકલીફનાં બીજાં પણ કેટલાંક કારણો છે, બીજાં નિવારણો પણ છે. ઘઉં એમાંનું એક બચવા જેવું કારણ છે. - શીર્ષકપંક્તિ : અનિલ ચાવડા
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:વિઝિટર વિઝા પૂરા થઈ જાય તો?
    Next Article
    સચિન-કોહલીના ક્લબમાં સામેલ થઈ શકે છે રોહિત શર્મા:વન-ડેમાં 12 હજાર રનથી 73 રન દૂર; આજે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી મેચ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment