Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:એક નૂર આદમી હજાર નૂર સર્વિસિસ!

    9 hours ago

    નવરાત્રિ આવી રહી છે એ પહેલાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ જાહેરાતને લઈને વિવાદ જાગ્યો છે. 1,000 રૂપિયાથી 6,500 રૂપિયા સુધીનાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પેકેજમાં ગરબા પાર્ટનર આપવાની (એટલે કે યુવક-યુવતીઓ ભાડે આપવાની) જાહેરાતો સામે રાજકીય પક્ષોથી માંડીને મહારાષ્ટ્રના સંભાજી બ્રિગેડ સંગઠને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને ચેતવણી આપી છે કે અમે આ ડિંડક નહીં ચાલવા દઈએ. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી જાહેરાતોમાં ગરબા સાથે રમવા ઉપરાંત મેચિંગ કપડાં પહેરવા, રીલ્સ બનાવવી અને સેલ્ફી લેવા જેવી ‘સર્વિસિસ’ ઓફર કરવામાં આવી રહી છે. આની સામે એવો વિરોધ જાગ્યો છે કે નવરાત્રિની આડમાં સ્ત્રી-પુરુષો વચ્ચે અનૈતિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો ખેલ છે. ગરબાની આડમાં ડેટિંગનું આયોજન થઈ રહ્યું હોય એવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે. ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ ઓફરને મુદ્દે વિવાદ જાગ્યો છે ત્યારે દુનિયામાં મળતી આવી ચિત્રવિચિત્ર સર્વિસિસ વિશે વાત કરવી છે. મુંબઈ અને ગુજરાતમાં તો હમણાં નવરાત્રિમાં ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ની ઓફર સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે, પરંતુ જાપાનમાં ‘રેન્ટ અ બોયફ્રેન્ડ’ કે ‘રેન્ટ અ ગર્લફ્રેન્ડ’ અથવા ‘રેન્ટ અ પાર્ટનર’ જેવી સેવાઓ ઘણાં વર્ષોથી શરૂ થઈ ગઈ છે. ત્યાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ભાડે આપવાની સર્વિસિસ અનેક કંપનીઓ ચલાવે છે. જાપાનની ‘ફેમિલી રોમાન્સ’ નામની એજન્સી બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સિવાય પણ જોઈએ એવી વ્યક્તિઓ ભાડે આપે છે. એ એજન્સી લગ્નમાં પરિવાર કે મિત્રની ભૂમિકા ભજવવાથી માંડીને માતા, પિતા કે જે સગાં ભાડેથી જોઈએ એ હાજર કરી દે છે. એનાથી આગળ વધીને કોઈની માફી માગવા માટે પ્રતિનિધિ આપે છે, કાર્યક્રમો માટે દર્શકો મોકલી આપે છે અને સોશિયલ મીડિયા માટે સાથી પૂરા પાડવા જેવી સોથી વધુ પ્રકારની સેવાઓ આપે છે. આ એજન્સી અત્યાર સુધીમાં એક લાખથી વધુ માણસોને સર્વિસ આપી ચૂકી છે. જાપાનમાં તો લગ્નમાં મહેમાનો ઓછા હોય તો મહેમાન પણ ભાડે લઈ શકાય છે. ‘ધ ગાર્ડિયન’માં અહેવાલ હતો કે ભૂતકાળમાં કેટલા કિસ્સાઓમાં એક પક્ષના તમામ મહેમાનો ભાડે બોલાવવાના બનાવો પણ નોંધાયા છે. એટલે કે કન્યા પક્ષ કે વર તરફથી કન્યા અથવા વર સિવાયના બધા જ મહેમાનો ભાડૂતી હોય! ચીનમાં તો હવે એક વધુ અનોખો વ્યવસાય ઊભો થઈ ગયો છે. એ વ્યવસાય છે ‘સંતાન ભાડે આપવાનો!’ ચીનમાં વૃદ્ધ લોકોના પોતાનાં બાળકો બીજાં શહેરોમાં રહેતાં હોય ત્યારે એજન્સીઝ પૈસા લઈને તેમને યુવક કે યુવતી મોકલી આપે છે, જે સંતાનની જેમ તેમની સાથે સમય પસાર કરે છે. સંતાન તરીકે ભાડેથી આવેલો યુવક (કે યુવતી) તેમની સાથે વાત કરે છે, તેમને ફોનમાં એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાથી માંડીને ફોન ઓર્ગેનાઈઝ કરવામાં મદદ કરે છે, કોઈ વૃદ્ધ હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલમાં સ્વજનની જેમ સાથે રહે છે. ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને ઘણા વૃદ્ધ માણસોનાં સંતાનો રોજગાર માટે દૂરનાં શહેરોમાં રહે છે. એટલે એવા એકલતાથી પીડાતાં વૃદ્ધો માટે એ માત્ર વિચિત્ર વ્યવસાય નથી, પરંતુ અત્યંત ઉપયોગી સર્વિસ છે. અમેરિકાના પ્રખ્યાત અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’માં થોડા સમય પહેલાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. એમાં કહેવાયું હતું કે આવી સેવાઓ ત્રણ કલાક માટે આશરે 29થી 88 ડોલર ખર્ચીને મળી શકે છે. ચીનમાં તો કોઈની અંતિમવિધિ હોય તો એ વખતે આપણે ત્યાં પૈસા ચૂકવીને રૂદાલી બોલાવવાની પ્રથા હતી એ રીતે પ્રોફેશનલ રડનારની સેવા પણ મળી શકે છે (રાજસ્થાનના કેટલાક સમાજમાં ઉચ્ચ વર્ગ કે જમીનદારોના ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે પરિવારની સ્ત્રીઓ જાહેરમાં મોટેથી રડી શકતી નહીં. આ રિવાજ કે સામાજિક મર્યાદાને કારણે ભાડેથી બોલાવેલી સ્ત્રીઓ મોટેથી છાતી પીટીને શોક વ્યક્ત કરતી અને રડતી. મહાશ્વેતા દેવીએ આના પરથી નવલકથા લખી હતી એ પ્રખ્યાત બની હતી અને એના પરથી 1993ના વર્ષમાં કલ્પના લાજમીએ ડિમ્પલ કાપડિયાને નાયિકા તરીકે લઈને હિન્દી ફિલ્મ ‘રૂદાલી’ બનાવી હતી). ચીનમાં ‘કિંગમિંગ’ જેવા પ્રસંગોમાં પ્રોફેશનલ માણસો પરિવાર વતી કબર સાફ કરવા, ફૂલો ચડાવવા અને શોક વ્યક્ત કરવા માટે પૈસા લઈને જાય છે. આવી 40 મિનિટની સર્વિસ માટે આશરે 800 યુઆન સુધીનો ચાર્જ કરાય છે (ચીનમાં કિંગમિંગ એ પૂર્વજોને યાદ કરવાનો અને તેમનું સન્માન કરવાનો એક મહત્ત્વનો પરંપરાગત તહેવાર છે. અમુક સર્વિસ વિષે સાંભળીને તો આશ્ચર્ય થાય. હજી થોડા સમય અગાઉ જ ચીનમાં શેનઝેનના ઝાંગ શિયાઓકિયાઓએ એક સર્વિસ શરૂ કરી છે જે પીઠ ખંજવાળવી આપવાની ઓફર કરે છે! કોઈ ગ્રાહકને પોતાની પીઠ ખંજવાળવાની સેવા લેવી હોય તો તે 300 યુઆન એટલે કે આશરે રૂપિયા 4,200 ચૂકવીને એક કલાકની સેવા લઈ શકે છે. તાલીમબદ્ધ કર્મચારીઓ ગ્રાહકને પીઠમાં જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં ખાસ બનાવેલા નખથી હળવેથી ખંજવાળી આપે છે. ઝાંગના કહેવા પ્રમાણે તેણે ખંજવાળવાની સર્વિસ આપવા માટે બે સેન્ટર શરૂ કર્યાં છે. એમાંથી તેને કુલ મળીને આશરે એક લાખ યુઆન એટલે કે રૂપિયા 14 લાખ, 29 હજાર જેટલી આવક થાય છે. મજેદાર વાત એ છે કે ઝાંગને આ આઈડિયા સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો જોઈને આવ્યો હતો. એ વીડિયોમાં એક મહિલા તેના પતિની પીઠ ખંજવાળી રહી હતી! આપણી જૂની કહેવત છે: ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ એના પરથી નવી કહેવત બનાવી શકાય: ‘એક નૂર આદમી હજાર નૂર સર્વિસિસ!’ દુનિયામાં આવી બીજી પણ ઘણી સર્વિસિસ છે. એના વિષે પછી વાત કરીશું.
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:મંદિરમાં કેદ ભગવાન છે કે ભાગી છૂટ્યા?
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:વિશ્વની અનોખી ચૂંટણી: જ્યાં મતદાનથી નેતા નહીં પણ પક્ષી ચૂંટાયું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment