Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:મંદિરમાં કેદ ભગવાન છે કે ભાગી છૂટ્યા?

    9 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ કુંભારિયાનાં જૈન મંદિરોના નિર્માણનો સંબંધ સોલંકી રાજા ભીમદેવ પ્રથમના સમય સાથે જોડાય છે. એ જ યુગમાં મંત્રી વિમલ શાહે માઉન્ટ આબુ પર પ્રસિદ્ધ ‘વિમલ વસાહી’ જૈન મંદિરનું નિર્માણ ઈ.સ. 1032માં કરાવ્યું હતું. વિમલ શાહ અત્યંત સમૃદ્ધ અને પ્રભાવશાળી જૈન શ્રેષ્ઠી હતા. તેઓ આરાસુરી મા અંબાના પરમ ભક્ત હતા. કહેવાય છે કે તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈ માતા અંબાએ તેમને દર્શન અને આશીર્વાદ આપ્યાં હતાં. એક દિવસ વિમલ શાહ પોતાના રસાલા સાથે મા અંબાના દર્શને જઈ રહ્યા હતા. રસ્તામાં ઘેઘૂર વડલાઓથી છવાયેલી એક વાવ આવી. થોડો વિરામ લેવા માટે વિમલ શાહનો કાફલો ત્યાં રોકાયો. વાવમાંથી પાણી લેવા માટે તેમના બે સેવકો આગળ વધ્યા, પરંતુ વાવમાં ઊતરવાના પ્રથમ પગથિયાં પાસે જ એક નાનકડો છોકરો બેઠો હતો. તેણે સેવકોને રોક્યા અને પાણી લેવા બદલ પૈસા માગ્યા. દૂર ઊભેલા વિમલ શાહ આ દૃશ્ય જોઈ રહ્યા હતા. તેઓ છોકરા પાસે ગયા અને પૂછ્યું: ‘અરે બાળક! લોકો તો તરસ્યાંને પાણી પીવડાવવા માટે પરબ બંધાવે છે. અમને પણ તરસ લાગી છે. આ વાવનું પાણી પીવા માટે અમારે પૈસા શા માટે આપવા પડે? આ વાવ તો જાહેર ઉપયોગ માટે જ હશે ને?’ છોકરાએ જવાબ આપ્યો: ‘આ વાવ મારા દાદાએ બંધાવી હતી. તેઓ અત્યંત સમૃદ્ધ વણજારા હતા, પરંતુ વેપારમાં મોટી ખોટ જતા અમારા કુટુંબની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. સારા સમયમાં મારા દાદાએ આ વાવ બંધાવી હતી. હવે ખરાબ સમયમાં તેમના વારસદાર તરીકે હું અહીં પાણી પીવા આવતા મુસાફરો પાસેથી પૈસા વસૂલ કરું છું. એમાંથી મારા કુટુંબનું ભરણપોષણ થાય છે.’ છોકરાની વાત સાંભળીને વિમલ શાહ વિચારમાં પડી ગયા. તેમના મનમાં એક સવાલ ઊભો થયો: ‘આજે હું ધર્મ અને લોકહિત માટે મંદિરો બંધાવું છું, પરંતુ કાલે જો મારી આવનારી પેઢી લોભી અને અધર્મી બની જાય તો? શું મારા વારસદારો પણ આ છોકરાની જેમ મંદિરોમાં આવતા લોકો પાસેથી પૈસા વસૂલવા લાગશે? શું તેઓ ધર્મસ્થાનોને આવકનું સાધન બનાવી દેશે? શું ગરીબ માણસ માત્ર પૈસાના અભાવે ભગવાનનાં દર્શન અને આ અદ્વિતીય કળાનો આનંદ માણવાથી વંચિત રહી જશે? જો એવું બને, તો શું એ ધર્મનું અપમાન નહીં ગણાય?’ વિમલ શાહનો કાફલો આગળ વધ્યો, પરંતુ આ પ્રસંગ તેમના મનમાં ઊંડો પડઘો પાડી ગયો. વિમલ શાહ અંબાજી પહોંચ્યા. સ્નાન વગેરે કરીને પવિત્ર થયા અને મા અંબાના ગોખ સમક્ષ ઉપસ્થિત થયા. વિમલ શાહે ધ્યાનમગ્ન થઈ માતાનું આહ્વાન કર્યું. લોકકથા અનુસાર તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મા અંબાએ દર્શન આપ્યાં અને કહ્યું: ‘દીકરા, તારે શું જોઈએ છે? હું તારી બધી મનોકામનાઓ પૂર્ણ કરીશ.’ વિમલ શાહે માથું નમાવ્યું અને કહ્યું: ‘મા, તેં મને ઘણું આપ્યું છે. આજે હું તારી પાસે અંતિમ વરદાન માગું છું. મારા પછી મારો વંશ ન રહે. મારું નખ્ખોદ જાય.’ (‘નખ્ખોદ જવું’ એટલે વંશનો અંત થવો અથવા નિર્વંશ થવું.) મા અંબાએ પૂછ્યું: ‘દીકરા, અહીં આવતા લોકો સંતાન, સંપત્તિ, રાજ્ય, વૈભવ અને સાત પેઢી સુધી ન ખૂટે એવી સમૃદ્ધિ માગે છે. તો પછી તું નિર્વંશ થવાનું વરદાન શા માટે માગે છે?’ વિમલ શાહે જવાબ આપ્યો: ‘મા, તારી કૃપાથી આજે મને કોઈ ખોટ નથી. તારી પ્રેરણાથી હું વિવિધ સ્થળોએ મંદિરો તથા દેરાસરો બંધાવું છું, પરંતુ મારા પછી જો મારા વંશજો લોભી, અધર્મી કે દુષ્ટ નીકળે તો તેઓ આ પવિત્ર ધર્મસ્થાનોમાંથી પૈસા કમાવાના માર્ગો શોધી શકે છે. તેઓ ભગવાનનાં સ્થાનોને પણ વેપારનું સાધન બનાવી શકે છે. એવું ન બને, એ ભાવનાથી મેં ઘણો વિચાર કરીને આ વરદાન માગ્યું છે કે મારા પછી મારો કોઈ વંશ જ ન રહે.’ આપણે આ પ્રસંગ વાંચીએ છીએ, ત્યારે આજનાં ઘણાં ધર્મસ્થાનોનું ચિત્ર આંખ સામે ઊભું થાય છે. કેટલાક ધનવાન લોકો પોતાના વિશાળ દાન અને આર્થિક પ્રભાવના આધારે ધર્મસ્થાનોમાં વિશેષ સ્થાન મેળવે છે. તેઓ ભગવાનના દરબારમાં સામાન્ય ભક્ત તરીકે નહીં, પરંતુ સત્તા, સંપત્તિ અને સામાજિક પ્રભાવના પ્રતિનિધિ તરીકે પ્રવેશતા હોય તેવું જોવા મળે છે. બીજી તરફ, સામાન્ય ભક્ત ભગવાનનાં દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઊભો રહે છે, ધક્કામુક્કી સહન કરે છે, સુરક્ષાની કડક વ્યવસ્થા વચ્ચે આગળ વધે છે અને અંતે ભગવાનની માત્ર બે-પાંચ ક્ષણની ઝાંખી મેળવી શકે છે. ક્યારેક તો તે ભગવાનનાં દર્શન કરી શક્યો કે નહીં, એ સમજાય એ પહેલાં જ તેને બહાર મોકલી દેવામાં આવે છે. ત્યારે મનમાં એક સવાલ ઊભો થાય છે: જો ભગવાનના દરબારમાં બધા ભક્તો સમાન છે, તો પછી પૈસા અને સત્તાના આધારે કેટલાક ભક્તોને વિશેષ સુવિધા શા માટે મળે છે? શું ગરીબ ભક્તની શ્રદ્ધા ધનવાન ભક્તની શ્રદ્ધા કરતાં ઓછી છે? શું ભગવાન સુધી પહોંચવા માટે આર્થિક શક્તિ જરૂરી બની ગઈ છે?
    Click here to Read More
    Previous Article
    કેળવણી:યુવાધનને ઘરઆંગણે રાખવા શિક્ષણનું રાષ્ટ્રીયકરણ જરૂરી!
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:એક નૂર આદમી હજાર નૂર સર્વિસિસ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment