Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેળવણી:યુવાધનને ઘરઆંગણે રાખવા શિક્ષણનું રાષ્ટ્રીયકરણ જરૂરી!

    9 hours ago

    અંકુર પી. મોર સૌરાષ્ટ્રમાં બે તેજસ્વી વિદ્યાર્થીઓ મોટા થાય છે. એક વિજ્ઞાન પ્રવાહ પસંદ કરી જેઈઈ એડવાન્સ્ડ (JEE Advanced)માં શ્રેષ્ઠ રેન્ક મેળવે છે, જ્યારે બીજી વિદ્યાર્થિની સીયુઈટી-યુજી (CUET-UG) ક્રેક કરીને કોમર્સમાં ટોચનું સ્થાન હાંસલ કરે છે. બંને સાબિત કરે છે કે સ્થાનિક પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે છે. પરંતુ પછી બંને સામે એક જ વિવશતા ઊભી થાય છે: સૌરાષ્ટ્ર છોડ્યા વિના રાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવવું? મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, સેપ્ટ, એસવીએનઆઈટી અને આઈઆઈઆઈટી, સુરત જેવાં મજબૂત શૈક્ષણિક કેન્દ્રો વિકસ્યાં છે. ત્યાંના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ અભ્યાસ, ઇન્ટર્નશિપ, નેટવર્ક અને નોકરીનું સર્વગ્રાહી તંત્ર મળે છે. તેની સરખામણીએ સૌરાષ્ટ્રમાં સેંકડો કોલેજો અને લાખો વિદ્યાર્થીઓ હોવા છતાં એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટમાં એકપણ રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા નથી. પરિણામે, પ્રદેશ દર વર્ષે તેની શ્રેષ્ઠ પ્રતિભાનું પલાયન જોતો રહે છે. શિબપુર મોડેલ: નવી શરૂઆત માટે નવું કેમ્પસ નહીં બંગાળ એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ યુનિવર્સિટી (BESU)નું ઉદાહરણ આપણી સામે છે. આનંદકૃષ્ણન સમિતિની ભલામણો અને 2014ના કાનૂની સુધારા બાદ, આ ઐતિહાસિક સંસ્થાને ‘આઈઆઈઈએસટી શિબપુર’ (IIEST Shibpur) તરીકે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મળ્યો. આ ઉદાહરણ બતાવે છે કે ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ્ય શૈક્ષણિક ભાગીદારી અને લાંબા ગાળાના રોકાણ દ્વારા પણ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઊભી થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ આ મોડેલની વ્યવહારુ શક્યતા તપાસી શકાય. ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (GEC), રાજકોટને આઈઆઈટી બોમ્બેના શૈક્ષણિક માર્ગદર્શન અને કેન્દ્ર-રાજ્યના સહયોગથી સમય સાથે આઈઆઈઈએસટી રાજકોટમાં વિકસાવવાનો માર્ગ શોધી શકાય. તે જ રીતે, પડધરી સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) જેવા શૈક્ષણિક સહયોગ સાથે સેન્ટ્રલ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના પાયા તરીકે વિચારવામાં આવી શકે. આ પ્રવેશ પ્રક્રિયા રાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો પર આધારિત રહેવી જોઈએ, પણ સ્થાનિક પ્રતિભાને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવો મોડેલ વિચારવા યોગ્ય છે. ત્યારે સૌરાષ્ટ્રના યુવાનોને ઘરઆંગણે જ વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગોના સંપર્કથી સાચું રાષ્ટ્રીય વાતાવરણ મળશે. આ સંસ્થાઓ કેવી રીતે ગેમ-ચેન્જર બનશે? રાજકોટના MSME અને મેન્યુફેક્ચરિંગને ટેક્નોલોજીકલ બૂસ્ટ: મશીન ટૂલ્સ, ઓટો-પાર્ટ્સ, ડીઝલ એન્જિન, કાસ્ટિંગ-ફોર્જિંગ અને પંપ ઉદ્યોગોને અદ્યતન RD, મટીરિયલ ટેસ્ટિંગ લેબ્સ તથા ટેકનિકલ કન્સલ્ટન્સી ઘરઆંગણે મળી શકે. મોરબી અને જામનગરના ક્લસ્ટર્સને વૈશ્વિક બળ: સિરામિક, પેકેજિંગ, બ્રાસ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રો માટે નવી સામગ્રી, ઊર્જા-કાર્યક્ષમ ઉત્પાદન, ઓટોમેશન અને ગુણવત્તા-નિયંત્રણનું સ્થાનિક સંશોધન ખર્ચ ઘટાડીને સ્પર્ધાત્મકતા વધારી શકે. નિકાસ અને ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ: કપાસ, મગફળી, જીરું અને મરીન ફૂડ જેવાં એગ્રી-એક્સપોર્ટ ક્ષેત્રોને ઇન્ટરનેશનલ ટ્રેડ, ફોરેક્સ, સપ્લાય ચેઈન, ફિનટેક અને કોર્પોરેટ ફાઇનાન્સમાં તૈયાર થયેલું કુશળ માનવબળ મળી શકે. બ્રેઈન ડ્રેઈન ઓછું થશે, સ્ટાર્ટઅપ કલ્ચર પાંગરશે: શ્રેષ્ઠ એન્જિનિયરો અને મેનેજરો પ્રદેશમાં રહે કે પાછા ફરે તો ટેક-આધારિત સ્ટાર્ટઅપ, પેટન્ટ, ઇન્ક્યુબેશન અને સ્થાનિક રોકાણની નવી તકો ઊભી થશે. આ પરિવર્તન એક જ દિવસે શક્ય ન બને. પ્રથમ તબક્કામાં આધુનિક લેબોરેટરી, ફેકલ્ટી ડેવલપમેન્ટ, ઉદ્યોગ સાથે MoU અને નવા અભ્યાસક્રમો જરૂરી છે. પછી સંશોધન ગ્રાન્ટ, હોસ્ટેલ, રાષ્ટ્રીય ફેકલ્ટી ભરતી અને ઇન્ક્યુબેશન સેન્ટર જેવા પગલાં આવી શકે. આ લાભ માત્ર મોટાં શહેરો સુધી સીમિત નહીં રહે. સારી સંસ્થા આસપાસ હોસ્ટેલ, પરિવહન, કૌશલ્ય-તાલીમ, ઇન્ટર્નશિપ અને સેવા-વ્યવસાયની નવી તકો ઊભી કરે છે. નાનાં શહેરો અને ગામડાંના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બહાર રહેવાના ભારે ખર્ચ વિના ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને માર્ગદર્શન મળવાનો માર્ગ ખૂલે છે. કોમર્સ અને મેનેજમેન્ટની સંસ્થા સ્થાનિક પરિવાર-વ્યવસાયો માટે પણ વિશેષ ઉપયોગી બની શકે. એકાઉન્ટિંગ, ડિજિટલ પેમેન્ટ, નિકાસ દસ્તાવેજીકરણ, બ્રાન્ડિંગ અને જોખમ-વ્યવસ્થાપનની નવી સમજ વેપારને વધુ પારદર્શક, સંગઠિત અને વૈશ્વિક બજાર માટે તૈયાર બનાવી શકે. સક્ષમ શૈક્ષણિક ધુરીની જરૂર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે સૌરાષ્ટ્રના સ્થાનિક એમએસએમઈ સેક્ટરને હવે ઘરઆંગણે જ અદ્યતન સંશોધન અને વિકાસ નો સપોર્ટ, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને આધુનિક કોમર્સ-મેનેજમેન્ટ નેતૃત્વની તાતી જરૂર છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે પ્રદેશમાં એન્જિનિયરિંગ અને કોમર્સ બંને પ્રવાહમાં રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ સ્થપાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે તટસ્થ મૂલ્યાંકન કરી તાકીદે નક્કર પગલાં ભરવા જોઈએ, જેથી શિક્ષણ અને ઉદ્યોગના વૈશ્વિક સ્તરની એક મજબૂત ઇકોસિસ્ટમ ઊભી થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:મુંબઈની ફૅશન સ્ટ્રીટ
    Next Article
    આંતરમનના આટાપાટા:મંદિરમાં કેદ ભગવાન છે કે ભાગી છૂટ્યા?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment