Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:તારીખ પે તારીખ!

    9 hours ago

    1993માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘દામિની’માં અભિનેતા સની દેઓલ ગોવિંદ નામના એક વકીલની ભૂમિકા ભજવી રહ્યા હોય છે અને ન્યાયમાં થતા વિલંબ સામે કોર્ટ રૂમના એક દૃશ્યમાં આક્રોશપૂર્વક ડાયલોગ બોલે છે: ‘તારીખ પે તારીખ, તારીખ પે તારીખ!’ એ ડાયલોગ સોશ્યલ મીડિયા અગાઉના એ સમયમાં પણ ખૂબ જ વાઈરલ થયો હતો. એ તો હિન્દી ફિલ્મના ડાયલોગની વાત છે, પરંતુ ભારતીય અદાલતોમાં વાસ્તવિકતામાં પણ આવી હાલત જોવા મળે છે. 10 સપ્ટેમ્બર, 2026ના દિવસે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિમલ કે. વ્યાસે એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને અન્ય એક સહઆરોપી પોલીસ કર્મચારીને ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્ત કર્યા. આ બંને પોલીસ કર્મચારીઓ પર 1999માં અકસ્માત સંબંધિત એક કેસમાં 100 રૂપિયાની લાંચ માગવાનો અને સ્વીકારવાનો આરોપ લગાવાયો હતો. 1999માં જ નીચલી અદાલતે તે બંનેને દોષિત ઠેરવીને બે વર્ષની જેલસજા ફટકારી હતી. હવે દાયકાઓના વિલંબ પછી મળેલા ન્યાયનો આ કિસ્સો જાણો: સપ્ટેમ્બર, 2026ના પ્રથમ સપ્તાહમાં મધ્ય પ્રદેશના મુરેના જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક હવાલદારને 27 વર્ષ કાનૂની લડાઈ લડ્યા પછી ન્યાય મળ્યો છે. 1999ના વર્ષમાં સીઆરપીએફમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા ગિરવર સિંહ તોમરને સાઈકલ એક ઉચ્ચ અધિકારીની કાર સાથે અથડાવવાના ખોટા આરોપ હેઠળ નોકરીમાંથી બરતરફ કરી દેવાયા હતા. નોકરી ગુમાવવાને કારણે તોમરને ભારે આઘાત લાગ્યો હતો. અને તેઓ આધ્યાત્મિકતા તરફ વળી ગયા હતા. 2001માં તેઓ નિર્મોહી અખાડા સાથે જોડાઈ ગયા હતા અને ભગવા વસ્ત્ર ધારણ કરી બાબા ગિરવર દાસ નામથી સાધુ બની ગયા હતા. જો કે એ દરમિયાન પોતાને થયેલા અન્યાય સામે તેમણે કાનૂની લડત ચાલુ રાખી હતી. લાંબી કાનૂની લડતને અંતે છત્તીસગઢ હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એ ચુકાદાને કારણે સીઆરપીએફે તેમને ફરીવાર ફરજ પર લેવા પડ્યા છે. ઓગસ્ટ, 2026માં 120 રૂપિયાના લાંચ કેસમાં બે સરકારી કર્મચારીને ત્રીસ વર્ષે નિર્દોષ છોડાયા છે. ફેબ્રુઆરી, 1996માં એક વિદ્યાર્થીએ એન્ટિ કરપ્શન બ્યુરો સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે ‘મેં શૈક્ષણિક રાહત માટે આવકનું પ્રમાણપત્ર મેળવવા આણંદ નજીક બેચરી ગ્રામપંચાયતનો સંપર્ક સાધ્યો હતો ત્યારે એ પ્રમાણપત્ર જારી કરવા માટે કલાર્કે મારી પાસેથી 120રૂપિયા માગ્યા હતા એમાં તેના 100 રૂપિયા અને પટાવાળાના 20 રૂપિયા હતા. મેં 20 રૂપિયા આપ્યા હતા.’ એ પછી ત્રીસ વર્ષ સુધી કેસ ચાલતો રહ્યો હતો. અને છેવટે સુપ્રીમ કોર્ટ સુધી એ કેસ પહોંચ્યા પછી સુપ્રીમ કોર્ટના જજ ઉજ્જલ ભુયાન અને અતુલ એસ. ચંદુરકરની બેન્ચે આ કેસના આરોપી ક્લાર્ક અને પટાવાળાને નિર્દોષ છોડતાં કહ્યું હતું કે ફક્ત 20 રૂપિયા આપ્યા હોવાના આધારે લાંચ લેવાઈ હોવાનું પુરવાર થઈ શકતું નથી અને ફરિયાદીના દાવામાં વિસંગતતા પણ છે એટલે આ બંને સરકારી કર્મચારીઓને નિર્દોષ છોડી મૂકવાનો અદાલત આદેશ આપે છે. સપ્ટેમ્બર, 2025માં પણ આવો જ એક ચુકાદો આવ્યો હતો. મધ્ય પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બિલિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જોગેશ્વર પ્રસાદ અવસ્થી સામે 1985ના વર્ષમાં 100 રૂપિયાની લાંચ લેવાના આરોપ હેઠળ કેસ થયો હતો. એ કેસમાં નીચલી અદાલતે અવસ્થીને એક વર્ષની જેલની સજા કરી હતી. અવસ્થીએ કાનૂની લડાઈ લડતાં-લડતાં છેવટે હાઇકોર્ટમાં ધા નાખી હતી અને 39 વર્ષ પછી છત્તીસગઢ હાઇકોર્ટે અવસ્થીને નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો હતો. આપણા દેશમાં ન્યાય મેળવવા માટે કોઈ વ્યક્તિની આખી જિંદગી પસાર થઈ જાય એવા કેટલાય કિસ્સાઓ બનતા રહે છે. કોઈ વ્યક્તિ કેસ કરે અને એનો ચુકાદો આવે ત્યારે તેના બાળકો વૃદ્ધ થઈ ગયા હોય છે. કેટલાય કિસ્સાઓમાં તો ફરિયાદીઓ, સાક્ષીઓ અને આરોપીઓ ત્રણેયમાંથી કેટલાક માણસો ચુકાદો આવે એ પહેલાં જ મૃત્યુ પામી ચૂક્યા હોય છે. ઘણીવાર તો એક પેઢી કેસ કરે છે અને બીજી પેઢી તેનો અંત જુએ છે તો ક્યારેક ત્રીજી પેઢીને વારસામાં એ કેસ મળે છે! આપણા દેશની અદાલતોમાં કરોડો કેસ લાંબા સમયથી પેન્ડિંગ પડ્યા છે (2025ના આંકડા પ્રમાણે પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે). આપણા દેશના વરિષ્ઠ અને માનનીય ન્યાયમૂર્તિઓ આ મુદ્દે ચિંતા વ્યકત કરતા રહે છે, પણ આપણી અદાલતોમાં દિન-પ્રતિદિન કેસોનો ભરાવો વધતો જ જાય છે. ન્યાયમાં વિલંબનું સૌથી મોટું અને કરૂણ ઉદાહરણ ભોપાલ ગેસ દુર્ઘટના છે. 2 ડિસેમ્બર, 1984ની રાતે ભોપાલની યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી અત્યંત ઝેરી ગેસ લીક થયો હતો. સત્તાવાર આંકડા મુજબ એ દુર્ઘટનામાં 5,479 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં અને પાંચ લાખથી વધુ માણસો શારીરિક રીતે અસરગ્રસ્ત થયા હતા. એ કેસમાં 26 વર્ષ પછી છેક 2010માં ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો, પરંતુ ત્યાર પછી અપીલો અને કાનૂની કાર્યવાહી વર્ષો સુધી ચાલુ જ રહી. આ કેસમાં વિલંબ એટલો લાંબો થયો કે 2025માં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટના સંબંધિત કેસો અંગે અત્યંત કડક શબ્દોમાં કહ્યું કે 40 વર્ષ સુધી કેસ પેન્ડિંગ રહી શકે નહીં. આ આપણા દેશની કડવી વાસ્તવિકતા છે કે લોકો ન્યાયની રાહ જોતાં-જોતાં મૃત્યુ પણ પામે છે. ઉત્તરપ્રદેશમાં 1977ના વર્ષના એક હત્યા કેસમાં છ વ્યક્તિઓને 1981ના વર્ષમાં આજીવન કેદની સજા થઈ હતી. કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને 45 વર્ષ પછી 2026માં સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રોસિક્યુશન આરોપ સાબિત કરવામાં નિષ્ફળ સાબિત થયું હતું. જોકે એ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં છમાંથી ત્રણ આરોપીઓ તો મૃત્યુ પામી ચૂક્યા હતાં! ઝારખંડ હાઈકોર્ટે પણ 1995ના હત્યાકેસમાં બે આરોપીઓને 31 વર્ષ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 2026માં નિર્દોષ જાહેર કર્યા. એ કેસની કાર્યવાહી દરમિયાન પણ કેટલાક સહઆરોપીઓ તો મૃત્યુ પામ્યા હતા! સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ સામે 25, 30 કે 40 વર્ષ સુધી કેસ ચાલે અને અંતે તે નિર્દોષ છૂટે તો તેના જીવનના એ વર્ષો તેને કોણ પાછા આપશે? નોકરી,પ્રતિષ્ઠા ગુમાવવા પડે અને પરિવાર સાથે તણાવભર્યું જીવન વિતાવવું પડે અને માનસિક અશાંતિ ભોગવવી પડે. આ બધાના વળતર માટે કોઈ માણસ કોર્ટમાં અપીલ કરવાનું વિચારે તો તેણે બીજા કેટલા દાયકાઓ સુધી ન્યાય માટે રાહ જોવી પડે!
    Click here to Read More
    Previous Article
    ધમ્મપાલ:ભારતમાં બૌદ્ધધમ્મના પુનરુદ્ધારક અનાગારિક ‘ધમ્મપાલ’
    Next Article
    ઈમિગ્રેશન:શું જર્મનીમાં સ્થાયી થઈ શકાય?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment