Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:ચિત્તને ઉજાળે એવો પ્રકાશ

    1 day ago

    એક જણે એના મોટાભાઈને મેસેજ કર્યો: ‘તમારી સાથે વાત કરવી છે.’ બપોર સુધી જવાબ ન આવ્યો. નાનાભાઈના મગજમાં ધારણાઓનું યુદ્ધ શરૂ થઈ ગયું: એ જવાબ કેમ આપતા નથી? મેં એમની પાસેથી ઉધાર લીધેલા પૈસા પાછા આપી શક્યો નથી એ કારણે નારાજ છે? ભાભીએ ભરમાવ્યા હશે? સાંજ સુધીમાં બધાં અનુમાનો એના મગજમાં સત્ય બની ગયાં. રાતે ભાઈનો ફોન આવ્યો, ‘આખો દિવસ ઑફિસમાં બહુ વ્યસ્ત રહ્યો. તારો મેસેજ હમણાં જોયો,’ પરંતુ ત્યાં સુધીમાં નાનાભાઈના મનમાં ગેરસમજનું ભૂત ભરાઈ ગયું હતું. મોટી ઉંમરની એક મહિલાને લાગ્યું કે એની પુત્રવધૂ એની સાથે અગાઉ જેમ ખૂલીને વાત કરતી નથી. ઑફિસ વહેલી ચાલી જાય છે, સાંજે મોડી આવે છે. એણે માની લીધું કે પુત્રવધૂ એને ટાળે છે, દરેક સલાહ એને કચ-કચ લાગે છે અને વહુ એને ઘરમાં નડતરરૂપ માનવા લાગી છે. એણે પુત્રવધૂની મર્યાદાઓ પર જાતજાતના વિચારો કરી પોતાનાં અનુમાનો પર મહોર મારી દીધી. ખરેખર તો પુત્રવધૂ એની ઑફિસનાં કામના પ્રેશરને લીધે ઘરમાં સાહજિકતાથી વર્તી શકતી નહોતી. એણે પણ સાસુનાં વાણી-વર્તનમાં આવેલો ફેરફાર નોંધ્યો. એના મનમાં પણ અનુમાનોના વંટોળ ફૂંકાવા લાગ્યા. પરિણામે એમના સંબંધમાં તિરાડ પડવા લાગી અને ઘરમાં અસ્વસ્થતાભર્યું મૌન છવાઈ ગયું. વાસ્તવમાં બંનેના મનમાં પરસ્પર કોઈ વિરોધ નહોતો, માત્ર ધારી લેવાની મર્યાદા એમના અંટસનું કારણ બની હતી. અકારણ ખોટું ધારી લેવાની મર્યાદા વ્યક્તિને તો દુ:ખી કરે છે, બીજાંને પણ દુ:ખી કરે છે. તેઓ કોઈ પણ બાબત વિશે ધીરજપૂર્વક તટસ્થતાથી વિચારી શકતાં નથી. એમનાં મન-મગજમાં ગેરસમજનાં જાળાં બાઝી જાય છે. તેઓ બનેલી ઘટનાની સાથે એમની ખોટી ધારણાને પોષણ આપે એવા અર્થ જોડી કાઢે છે. ત્રણ મિત્રો દર રવિવારે સાંજે એક કાફેમાં નિયમિત મળતા. એક રવિવારે બે મિત્રો અચાનક એ જ કાફે પાસે ભેગા થઈ ગયા અને સાથે બેસી કૉફી પીધી. પછી સાંજે આવ્યા નહીં. ત્રીજા મિત્રને આ વાતની ખબર પડી ત્યારે એ નારાજ થઈ ગયો. એણે ધારી લીધું કે મિત્રો એને દૂર રાખે છે. એણે એમને મળવાનું બંધ કરી નાખ્યું, મિત્રોએ બે-ત્રણ વાર પ્રયત્ન કર્યા, પછી એમણે પણ એને બોલાવવાનું બંધ કરી નાખ્યું. મિત્રતા તોડી નાખવી પડે એવું કશું બન્યું નહોતું, છતાં એમના સંબંધો પૂરા થઈ ગયા. અંગત સંબંધથી માડી કામકાજના સ્થળે એમ લગભગ દરેક જગ્યાએ અનુમાનો બાંધીને ગેરસમજ કરવાની ઘટનાઓ બનતી રહે છે. ખોટાં અનુમાન કરવાની આદત ધરાવતી વ્યક્તિ વર્તમાનમાં બનતી ઘટનાને ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના જોડે છે. એ ધારી લે છે કે એને હંમેશની જેમ અન્યાય જ કરવામાં આવશે, એની વાત કોઈ સ્વીકારશે નહીં અને એને ઉતારી પાડવામાં આવશે – અને પછી એ તારણ કાઢે છે કે બીજાની નજરમાં એનું કોઈ સ્થાન જ નથી. એ કારણે એની પૂર્વાધારણાઓ ઘણી વાર સજ્જડ બની જાય છે. એવા લોકો માત્ર અનુમાન કરતા નથી, એને દૃઢ કરતા રહે છે – ‘મને બધી ખબર છે કે મારી સાથે એવું શા માટે કરવામાં આવે છે.’ એ પ્રકારે વિચારવું કોઈ પણ સંબંધ માટે સૌથી જોખમી બાબત છે. માણસ પોતે જ સાચો છે એવું સાબિત કરવામાં બહુ માહેર હોય છે. ધારો કે કોઈએ નક્કી જ કરી લીધું હોય કે એનો પાડોશી એને પસંદ કરતો નથી, પછી એનું ધ્યાન એનાં અનુમાનને સમર્થન આપે એવી બાબતો તરફ જ ખેંચાય છે. પાડોશી એની સાથે સહજતાથી વર્તે તો પણ એને ફરક પડતો નથી. એ એમાંથી પણ પાડોશીનો કોઈ સ્વાર્થી હેતુ શોધી કાઢે છે. આ પ્રકારની મનોવૃત્તિ માટે મનોવૈજ્ઞાનિકો એક વિશિષ્ટ શબ્દ પ્રયોજે છે – ‘કન્ફર્મેશન બાયસ’. એનો અર્થ છે, પોતાની પૂર્વધારણાને સમર્થન આપતી બાબતો જ ધ્યાનમાં લેવાની અને પોતાનાં અનુમાનને ખોટા પાડે એવા પુરાવાને નકારવાની વૃત્તિ. બિનજરૂરી અનુમાન કરવાની મર્યાદાવાળા લોકો નાની બાબતને કોઈ કારણ વિના વધારે પડતી મોટી કરીને જુએ છે. તેઓ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં હકીકત જાણવા તૈયાર હોતા નથી, એથી એમને સત્ય જાણવા મળતું નથી અને તેઓ ગેરસમજના અંધારામાં ભટકતા રહે છે. આપણે દરેક ગેરસમજને દૂર કરી શકીએ નહીં, પરંતુ દરેક જણનાં વલણને મોટો પ્રશ્ન બનાવવાની આદત છોડી શકીએ. કોઈના વિશે ગેરસમજ કરતાં પહેલાં ચોખવટ કરીએ, તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડી રાહ જોઈએ અને કોઈનાં વાણી-વર્તન વિશે ધારણા બાંધતાં પહેલાં સત્ય હકીકત જાણવાની કોશિશ શકીએ. આ જગત આપણે માની લઈએ છીએ એટલું આપણું વિરોધી હોતું નથી. દૃષ્ટિ સાફ થશે તો એ પણ સમજાશે કે આપણે આપણી અંદર કેટલાં બધાં માની લીધેલાં દુઃખોનો ભાર લઈને જીવી રહ્યા છીએ. ડોન મિગેલ રુઈસ નામના મેક્સિકન લેખક અને આધ્યાત્મિક વિચારકનું એક પુસ્તક છે ‘ધ ફોર એગ્રીમેન્ટ્સ’. એ પુસ્તક વાચકોને બહુ ગમ્યું છે. રુઈસ કહે છે: ‘પ્રશ્નો પૂછવાની હિંમત ધરાવો અને તમારા મનમાં ખરેખર જે હોય એને નિખાલસપણે વ્યક્ત કરો. ગેરસમજ, દુઃખ અને અનાવશ્યક ગૂંચવણોથી બચવા માટે બીજા લોકો સાથે બને તેટલી સ્પષ્ટ અને પ્રામાણિકપણે વાત કરો. માત્ર આ એક સંકલ્પને જીવનમાં ઉતારીને પણ તમે તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાની શરૂઆત કરી શકો છો.’ એક વિચારકે પાયા વગરનાં અનુમાનોને સંબંધોને કોરી ખાતી ઊધઈ સાથે સરખાવ્યાં છે. અમેરિકાના લેખક એલન ઓલ્ડાએ કહ્યું છે – ‘આપણાં સાચાં કે ખોટાં અનુમાનો જગતને જોવાની એક બારી સમાન છે. એ બારીના કાચ નિયમિત સાફ કરવા જોઈએ, જેથી આપણા ચિત્તને ઉજાળી શકે એવો પ્રકાશ આપણા સુધી પહોંચી શકે.’
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:રાજધાનીનું કર્તવ્ય
    Next Article
    મૉન્ટાજ:‘મિર્ઝાપુર’ના ચાર કિંગની વાત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment