Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:રાજધાનીનું કર્તવ્ય

    1 day ago

    મારી દૃષ્ટિએ રાજધાનીનાં ત્રણ સૂત્રો હોવાં જોઈએ. જો કે એ સાવ સ્થૂળ લક્ષણ છે, પરંતુ યાત્રા ત્યાંથી શરૂ થાય છે; રાજધાનીનું એક લક્ષણ છે કે રાજધાનીઓ પ્રચારક હોય છે. એ પ્રચાર કરે છે. કોઈ કહે કે આટલાં વર્ષો થઈ ગયાં, પણ દિલ્હી હરિયાળી નથી થઈ! કોઈ કહે કે તમને ખબર નથી, દિલ્હી પહેલાંથી ઘણી હરિયાળી છે! આવાં નિવેદનો થઈ રહ્યાં છે. બાહ્યરૂપમાં રાજધાનીઓ પ્રચારક હોય છે. સ્થૂળને પ્રચાર કરવો પડે છે. ખુશ્બૂને કોઈ પ્રચાર કરવો પડતો નથી. ખુશ્બૂ આપોઆપ જ ફેલાય છે; પરંતુ રાજધાનીનું એક અંગ છે પ્રચારકતા. માની લીધું કે એ પ્રચારક હોવી જોઈએ, પરંતુ એક સાધુના નાતે વ્યાસપીઠ પર બેસીને બહુ જવાબદારી સાથે કહીશ કે ત્યાં અટકવું નહીં. રાજધાની પ્રચારક તો હોય, પરંતુ રાજધાની ઉદ્ધારક પણ હોય. એ બીજું સોપાન છે. રાજધાની ઉદ્ધારક હોવી જોઈએ. પહેલાં એને સ્થૂળરૂપે સમજી લઈએ. રાજધાની અર્થજગતની ઉદ્ધારક હોય. રાજધાની ધર્મજગતની ઉદ્ધારક હોય. રાજધાની સામાજિક વ્યવસ્થાની ઉદ્ધારક હોય. એ સાહિત્યજગતની પણ ઉદ્ધારક હોય. મારી સમજમાં એ નથી આવતું કે દરેક ચીજને આટલું બધું મહત્ત્વ કેમ આપવામાં આવે છે? એક વ્યક્તિ સેવા કરે છે, કંઈક બિછાવે છે, તો એને સલામ કરો. વાત ખતમ! એ એનું કર્તવ્ય છે. એનાથી વધારે શું? નાનો પદાધિકારી કે ઊંચામાં ઊંચા પદ પર બેઠેલો અધિકારી એ પોતાનું દાયિત્વ નિભાવે, વાત ખતમ! બીજું શું? આદર અને સન્માન તો મજૂરને મળવાં જોઈએ, ખેડૂતને મળવાં જોઈએ, જે સર્જન કરે છે, મહેનત કરે છે. ધર્મજગતના પણ એટલા બધા પગ શું કામ ધોવા? એ એનું દાયિત્વ છે. સ્ટેશન માસ્તર તમને મુંબઈની ટિકિટ આપશે, તો શું તમે એને દંડવત કરશો? એવી રીતે ધર્મપુરુષ પણ કોઈ મંચ પર બેઠા છે. એ મંચોની પણ મોટી બલિહારી છે! કોણ ઉપર બેઠું છે, કોણ નીચે બેઠું છે! સૌથી ઉપર બેસવાની સ્પર્ધા શા માટે? શું ફર્ક પડે છે? મંચોની પોતાની બલિહારી હોય છે. એમાં જિદ્દ શા માટે? રાજધાનીઓનું કર્તવ્ય છે, એ સામાજિક ઉદ્ધારક હોય, આર્થિક ઉદ્ધારક હોય, સાહિત્યિક ઉદ્ધારક હોય. સૌનું પોતપોતાનું દાયિત્વ છે. ધર્મજગત સારું છે. અવશ્ય, એની એક ઊંચાઈ છે; પરંતુ એ પણ એનું એક દાયિત્વ છે. વિશેતઃ સન્માન મળવું જોઈએ મજૂરને, ખેડૂતને કે જે સર્જન કરે છે. અને સર્જન કરનારાઓને સન્માન ઓછું મળે છે! વિશેષતા આપો કોઈ ચિત્રકારને, વિશેષતા મળવી જોઈએ શિલ્પકારોને, જે એક અણધડ પત્થરમાંથી બુદ્ધનું નિર્માણ કરે છે. અલબત્ત મૂર્તિ એક રૂપ છે, એમાં સ્વરૂપનું આરોપણ કરવું પડે છે, પરંતુ રૂપ પણ કંઈ કમ નથી. યાત્રા તો રૂપથી જ શરૂ થશે. સીધા કેવી રીતે કૂદશો? ચિત્રકાર, શિલ્પકાર, સાહિત્યકાર, સંગીતકારનું સન્માન થવું જોઈએ. સાહિત્યકાર સર્જક છે, એ હાથમાં કલમ લઈને દુનિયાને કંઈક નવું આપે છે. તો રાજધાનીઓએ ઉદ્ધારક થવું જોઈએ, પરંતુ એમાં પણ પૂર્ણતા નથી. મને કહેવા દો, આંતરિક હોય કે બાહ્ય હોય, રાજધાનીઓએ પ્રચારક થવું જરૂરી છે, ઉદ્ધારક થવું જરૂરી છે; પરંતુ રાજધાનીઓનું સ્વીકારક થવું નિતાંત આવશ્યક છે. રાજધાની સ્વીકાર કરનારી હોય. સાધુ પણ એવો હોવો જોઈએ. પ્રચારકતા સાધુને સ્પર્શતી નથી; પરંતુ સાધુ ઉદ્ધારક હોવો જોઈએ, સ્વીકારક હોવો જોઈએ. જે ઉદ્ધાર કરે એ સારી વાત છે, પરંતુ સામુદાયિક સાધનાનું શું? સામૂહિક ઉત્થાનનું શું? વિનોબાજી જ્યારે રામકૃષ્ણ પરમહંસ ઠાકુરના સ્થાનમાં કોલકાત્તા ગયા તો એમણે કહ્યું કે શું આ ધ્યાન સામૂહિક ન થઈ શકે? એ મહામુનિ બહુ સારા વિચારો રજૂ કરતા હતા. જેમને કોઈની પાસે કોઈ આકાંક્ષા ન હોય, કોઈના પ્રત્યે ન રાગ કે ન દ્વેષ હોય, પરંતુ કેવળ વિશુદ્ધ અનુરાગ હોય, વિશુદ્ધ ત્યાગ હોય; જે પ્રેમનું અનુગમન કરતા હોય; જે કોઈનો દ્વેષ નથી કરતા; દ્વેષ ભયંકર છે, યાદ રાખજો. એ નિરંતર સાધનાને કાપે છે. એક બાજુ આપણી સાધના વધે છે અને એક બાજુ આપણે કરવત મૂકી રાખી છે, જે નિરંતર કાપે છે! વિનોબાજીએ સારું કહ્યું છે કે, તમે તમારામાં દોષ જ જુઓ છો? ગુણદર્શન કરો. તમારામાં ઘણી સારપ છે. અરે! સારપ શું, દુનિયાની સર્વશ્રેષ્ઠ સારપ કૃષ્ણ બનીને તમારા હૃદયમાં બેઠી છે. એની નિંદા શા માટે? દેહની આટલી બધી નિંદા શા માટે? અને ધ્યાન દેજો, જે બહુ જ દેહવાદી હોય એ જ દેહની બહુ નિંદા કરે છે! મારામાં એક સર્વોત્તમ સારપ છે, એનું ગુણદર્શન થવું જોઈએ. જીવનના એક તબક્કે આકાંક્ષા બંધ થવી જોઈએ. હવે ક્યાં પહોંચવું છે? આપણે જ્યાં પહોંચવાની કામના કરીએ છીએ, ત્યાં ઓલરેડી આપણે હોઈએ છીએ. આપણને જાણ નથી હોતી. તો સામૂહિક સાધના જરૂરી છે. જરૂર વ્યક્તિગત સાધના થઈ શકે, સૌને સ્વતંત્રતા છે; પરંતુ સમયની માંગ છે કે સમૂહને લઈને ચાલો, ‘સંગચ્છધ્વમ્.’ ઉદ્ધાર કરવો એ રાજધાનીનું દાયિત્વ છે; પરંતુ ઉદ્ધારક જો સ્વીકારક ન બને તો? રાજધાનીઓનાં આવાં કેટલાંક લક્ષણો હોવા જોઈએ. આ સૂત્રોને સમજી લો. રાજધાની પ્રચારક હોય એ સ્વાભાવિક છે, ઠીક છે; પરંતુ રાજધાની ઉદ્ધારક હોવી જોઈએ. અને નિતાંત આવશ્યક સૂત્ર છે કે રાજધાની સ્વીકારક હોવી જોઈએ. (સંકલનઃ નીતિન વડગામા)
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:ક્ષમાઃ સ્વયંની મુક્તિનો પરમ માર્ગ
    Next Article
    ડૂબકી:ચિત્તને ઉજાળે એવો પ્રકાશ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment