Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:ક્ષમાઃ સ્વયંની મુક્તિનો પરમ માર્ગ

    1 day ago

    પર્યુષણનું પર્વ ચાલી રહ્યું છે. આખું વર્ષ ધર્મને પ્રાધાન્ય આપી શકાય કે નહીં, પરંતુ આ બધા દિવસ સમગ્ર જૈન સંઘ પર્યુષણના પર્વને પૂરી શ્રદ્ધા અને આસ્થાથી ઊજવે છે. સામાયિક, પ્રતિક્રમણની સાથે સાથે એક અનોખી પ્રથા વ્યાખ્યાનમાળાઓની છે. જાણીતા જૈન કે બિનજૈન વક્તાઓને આમંત્રણ આપીને ધર્મ, જીવન, ફિલસૂફી, દર્શન કે અન્ય વિષયો પર વ્યાખ્યાન સાંભળવાની આ પ્રથા પર્યુષણને એક અલગ જ મહત્ત્વ આપે છે. માત્ર ધર્મનું પાલન નહીં, બલ્કે વિચારોની શુદ્ધિ અને પ્રકૃતિમાં વસતા સમગ્ર જીવોને અભય વચન આપવાની સાથે સાથે સ્વયંની શુદ્ધિ અને મુક્તિ એ પર્યુષણની આગવી ઉજવણી છે. પર્યુષણના અંતિમ દિવસને ‘ક્ષમાપના પર્વ’ તરીકે ઊજવવામાં આવે છે. સૌ એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. જાણતાં-અજાણતાં, મનથી, વચનથી કે કર્મથી મેં તમને દુઃખ આપ્યું હોય તો ક્ષમા કરશો. અહીં જાણતાં કે અજાણતાં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય એવી શક્યતાનો સ્વીકાર છે. ‘મારી ભૂલ નહોતી’ કહીને છટકવાને બદલે ‘મારી ભૂલ હોઈ શકે’, એ વાતનો સ્વીકાર જ આપણને અહંકારથી મુક્ત કરે છે. ક્યારેક આપણે સાચા હોઈએ તેમ છતાં સામેની વ્યક્તિને અપમાનનો અનુભવ થાય, દુઃખ પહોંચે, પીડા થાય ત્યારે આપણે એ બાબતે ક્ષમા માગવાને બદલે સ્વયંને બચાવવાની કે છટકવાની પેરવી કરીએ છીએ. પોતે ખોટા નહોતા કે ઈરાદો ખોટો નહોતો એવું કહીને બચવાને બદલે સામેની વ્યક્તિના દ્રષ્ટિકોણને માન આપવાની આ પ્રક્રિયા ‘ક્ષમાપના’ છે. જૈન દર્શનની એક અદભુત પ્રાર્થના છે-‘ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે; મિત્તિ મે સવ્વ ભૂએસુ, વેરં મજ્ઝ ન કેણઈ.’ હું સર્વ જીવોને ક્ષમા કરું છું. સર્વ જીવો મને ક્ષમા કરે. બધા સાથે મારી મૈત્રી રહે, કોઈ સાથે વેર નહીં. અહીં ક્યાંય એવું નથી કહ્યું કે સાચું શું છે અને ખોટું શું છે, એમ પણ નથી કહ્યું કે સામેવાળી વ્યક્તિ ક્ષમાને લાયક છે કે નહીં... અહીં તો માત્ર સર્વ સાથેની મૈત્રી અને સર્વની ક્ષમા માગવાનો-સૌને ક્ષમા કરવાનો ઉદ્દેશ છે. ક્ષમા માગતી વખતે દલીલ ન હોઈ શકે, પોતાને બદલે સામેની વ્યક્તિની સંવેદનાને સમજવાનો આ પ્રયાસ સાચે જ જૈન ધર્મને એક અલગ કક્ષાએ મૂકે છે. ક્ષમા કરવી એ નિર્બળતા નથી, વેર નહીં લઈ શકવાની અસમર્થતા નથી, બલ્કે મોક્ષ તરફનું પહેલું પગલું છે. ક્ષમા બીજાને આપવાની ભેટ નથી, સ્વયંને મુક્તિ આપવાનો પ્રયાસ છે. ક્ષમા એટલે ભૂલી જવું? ના! ક્ષમા એટલે એ ઘટના, વ્યક્તિ કે વિચાર સાથે જોડાયેલી પીડા, અપમાન અને કટુતાને આપણા મનમાંથી કાઢી નાખવી. આ બહુ મોટી આધ્યાત્મિક સાધના નથી. કોઈ આપણને અપમાનિત કરે, એ વ્યક્તિ તો ભૂલી જાય છે, પરંતુ આપણે એ અપમાનને યાદ કરીને સ્વયંને વારંવાર અપમાનનો અનુભવ તાજો કરાવીએ છીએ. કોઈનો દગો, કોઈની કટુતા યાદ કરી કરીને આપણે એ ઘટના, વ્યક્તિ અને પીડાને સતત જીવંત રાખીએ છીએ. ક્ષમા કરવાનો-માગવાનો ઉદ્દેશ એ કે કોઈએ આપેલા દુઃખને આપણા સુખથી મોટું ન થવા દેવું! ક્ષમા આપવી એટલે ભીતરની અદાલતને કાયમ માટે બંધ કરી દેવી... કેટલાક કેસ જે આપણે સતત ચલાવીએ છીએ અને મનોમન આરોપી, બચાવપક્ષના વકીલ અને ફરિયાદી પક્ષના વકીલ બનીને સતત દલીલો કરીએ છીએ એમાંથી મુક્ત થઈ જવાની પ્રક્રિયા એટલે ક્ષમા. ‘ભૂલ થઈ હોય તો માફ કરજો’, એટલું કહેવાથી કશું બદલાતું નથી, પરંતુ મને જે દેખાયું તે સંપૂર્ણ સત્ય નહોતું એ વાતનો સ્વીકાર છે. આપણા મૌનથી, વાણીથી, અહંકારથી, વર્તનથી ને કદાચ, આપણા વિચારથી પણ જો ભૂલ થઈ હોય તો એનો અર્થ એ થાય છે કે, આપણે પોતાને જેટલા માનીએ છીએ એટલા સાચા અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ ન હોઈએ, તો નિર્ણય લેવાનો અધિકાર આપણી પાસે રહેતો નથી. સ્વયંને, અન્યને માફ કરવાનો અર્થ પોતાની ભૂલથી ભાગવું એવો નથી. એ સમયે આપણી પાસે જેટલી સમજ હતી, જે પરિસ્થિતિ હતી એમાં જે યોગ્ય લાગ્યું તે કર્યું. હવે આજે કદાચ વધુ સમજ છે એટલે સ્વયંના એ સમય અને એ સમયના સ્વયંને કે અન્ય વ્યક્તિને એ સમયમાં જઈને સજા કર્યા કરવી યોગ્ય છે? આ માત્ર જૈનત્વનું સત્ય નથી, ભારતીય દર્શન અને શાસ્ત્રોમાં પણ ક્ષમાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્ર કહે છે, क्षमा बलमशक्तानां शक्तानां भूषणं क्षमा। क्षमा वशीकृते लोके क्षमया किं न सिद्ध्यति॥ ‘નિર્બળ માણસ માટે ક્ષમા બળ પુરવાર થાય છે, જ્યારે શક્તિશાળી માણસ માટે ક્ષમા એનું આભૂષણ છે.’ અર્થ એ છે કે, જે વેર નથી લઈ શકતો એને માટે ક્ષમા એના આત્મવિશ્વાસ અથવા બળનું સાધન બને છે, પરંતુ જે વેર લેવા સક્ષમ છે, સજા કરી શકે છે એ જ્યારે ક્ષમા કરે છે ત્યારે એને માટે એ આભૂષણ બને છે. ક્ષમાથી જગતને જીતી શકાય છે; ક્ષમાથી એવું શું છે જે સિદ્ધ ન થઈ શકે? સાથે જ ભગવદ્ ગીતામાં અધ્યાય 16માં વ્યક્તિના ગુણો વર્ણવતાં કહ્યું છે: क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता। भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ॥ અર્થ: તેજ, ક્ષમા, ધૈર્ય, શુદ્ધતા, દ્વેષનો અભાવ અને અહંકારનો અભાવ—આ દૈવી સંપત્તિ ધરાવતા મનુષ્યના ગુણ છે. ભારતીય પરંપરામાં ક્ષમાને કાયરતા નહીં, પરંતુ મહાન ધર્મ ગણવામાં આવ્યો છે. આક્રમણ કે અપમાન કરનારને સજા આપવી સરળ છે. ક્રોધિત થવું અઘરું નથી, પરંતુ પ્રતિક્રિયા ઉપર સંયમ રાખીને જ્યારે સ્વયંનું નિયંત્રણ પોતાના જ હાથમાં રાખી શકાય ત્યારે આપણે વધુ સ્વતંત્ર અને વધુ મુક્ત છીએ એમ કહી શકાય... પસ્તાવો કે અપેક્ષા, પીડા કે પ્રશ્નો, સૌના ખાતામાં કેટલાય હિસાબો બાકી પડ્યા છે. કેટલાક ઘાનાં નિશાન રુઝાઈ ગયા પછી પણ રહી જાય છે, કેટલીક માફી સામેની વ્યક્તિ સુધી પહોંચતી નથી અને કેટલાક લોકો આપણને જીવનભર ક્ષમા કરતા નથી... એ સત્યને સ્વીકાર્યા પછી જો બીજાએ આપેલી પીડા કે કોઈકે કરેલા અપમાનમાંથી મુક્ત થવું હોય તો ક્ષમા એક સાચો રસ્તો છે. }
    Click here to Read More
    Previous Article
    દિવસભર એમને પેટ ભરીને રમવા દો!:બાળકો રાત્રે સૂએ નહીં, તો શું કરવાનું?
    Next Article
    માનસ દર્શન:રાજધાનીનું કર્તવ્ય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment