Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:છાપ બનીને છૂટી ગયું છે વરસો પહેલાં,કોઇ સ્વયંને ભૂલી ગયું છે વરસો પહેલાં

    2 days ago

    મા -બાપ મધ્યમવર્ગીય હોય, મકાન ભાડાનું હોય, વસ્ત્રો સસ્તાં અને સાદાં હોય અને ચંપલને બદલે સ્લીપર પહેરીને પગે ચાલીને કોલેજમાં જવાનું હોય એનો અર્થ એવો નહીં કે એ છોકરીનો દેખાવ પણ સામાન્ય હોય. શ્રેણી સામાન્યતાઓના સરવાળામાં જીવતી એક અસામાન્ય યુવતી હતી. દાયકાઓ પહેલાંની આ સત્ય ઘટના છે. સૌરાષ્ટ્રનું એક નવાબી શહેર. આઝાદી પછી નવાબ તો ગાયબ થઈ ગયા હતા પણ શહેરની હવામાં હજુ નવાબિયત રહી ગઈ હતી. મર્યાદાના પડીકામાં કેદ પુરાયેલી મસ્તી જુવાનિયાઓના દિમાગમાં સાપની જેમ ફૂંફાડા મારી જતી હતી. જાહેર માર્ગ પરથી કોઈ જુવાન, ખૂબસૂરત છોકરી પસાર થતી દેખાય તો નાકા ઉપર ઊભેલા નવરા યુવાનો સીટી વગાડીને એનું ધ્યાન ખેંચવાની નિષ્ફળ કોશિશ કરતા, દુકાનોના પાટિયે બેઠેલા આધેડો ખોંખારો ખાઈને પોતાની હાજરી પુરાવતા અને ટેસ્ટોસ્ટેરોનથી પરવારી ચૂકેલા વૃદ્ધો ‘નવી પેઢી વંઠી ગઈ છે’ એવું બોલીને ભૂતકાળમાં પોતે કેવા સંસ્કારી હતા એ સાબિત કરવાનો પ્રયાસ કરતા. અને પેલી છોકરી શું કરતી? ચૂપચાપ, નીચું માથું કરીને, આજુબાજુની તમામ હરકતોને નજરઅંદાજ કરતી, દ્રુત ગતિએ ત્યાંથી પસાર થઈ જતી હતી. શ્રેણીની સાથે આવું રોજ બનતું હતું, દિવસમાં જેટલી વાર એ ઘરની બહાર પગ મૂકે ત્યારે આ જ ઘટનાક્રમ સર્જાતો હતો. શિખર એ જ કોલેજમાં ભણતો હતો, જ્યાં શ્રેણી ભણતી હતી. શિખર પણ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારનો ફરજંદ હતો. શિખર અને શ્રેણી બંને એક બાબતમાં નસીબદાર હતાં; શિખર અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતો હતો અને શ્રેણી અસાધારણ સૌંદર્ય ધરાવતી હતી. અઢાર વર્ષની ઉંમર સપનાં જોવાની ઉંમર હોય છે. શિખરે સપનું જોયું, ‘શ્રેણીની સાથે હું લગ્ન કરીશ. હું ખૂબ મોટો માણસ બનીશ. મારી શ્રેણીને સુખ, સમૃદ્ધિ અને ખુશીઓનાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવીશ.’ એક દિવસ શ્રેણીની ખાસ બહેનપણી માલુએ એનાં કાનમાં ગણગણાટ કર્યો, ‘શ્રેણી, તને ખબર છે કે નહીં? પેલો શિખર નામનો સ્ટુડન્ટ તારી પાછળ પાગલ થયો લાગે છે. આખો દિવસ પ્રોફેસરની તરફ ધ્યાન આપવાને બદલે તને જ જોયા કરે છે.’ ‘મને ખબર છે. એ કોલેજમાં ચાલુ ક્લાસમાં જ આવું કરે છે એવું નહીં, જ્યારે હું ઘરેથી નીકળું છું ત્યારથી છેક કોલેજ આવતાં સુધી એ મારો પીછો કરતો હોય છે... સાંજે છૂટ્યા પછી પણ એ મને છેક મારા ઘર સુધી મૂકી જાય છે.’ શ્રેણીની વાત પરથી જણાઈ આવ્યું કે એનું માથું ભલે નીચેની દિશામાં ઢળેલું રહેતું પણ એની નજર 360 ડિગ્રીના ઘેરાવામાં ઘૂમતી રહેતી હતી. એ કોઈ ખાડામાં પડતી ન હતી પણ એનાં સૌંદર્યના ખાડામાં કેટલા પડે છે એનો પાકો હિસાબ એ રાખતી હતી. માલુએ પૂછ્યું, ‘એ ખાલી તને જોયા જ કરે છે કે બીજું કંઈ...?’ ‘ના, એ બીજું-ત્રીજું કંઈ જ કરતો નથી. એમ તો એ સંસ્કારી લાગે છે. કદાચ મને સાચો પ્રેમ કરતો હશે. પણ એના હાલહવાલ તું જુએ છે ને? એની પાસે બે પેન્ટ અને બે જ શર્ટ છે. એક જોડી ચંપલમાં એ આખું વરસ ખેંચી કાઢે છે અને તેં ક્યારેય કેન્ટીનમાં બેઠેલો જોયો છે? હા, એ ભણવામાં હોશિયાર છે પણ એનાથી શું વળે? બહુ બહુ તો એ બી. એસસી. થઈને ટીચર બનશે અથવા કોલેજમાં ટ્યૂટર. પોતાની માલિકીનું મકાન બનાવતાંય પચાસ વર્ષનો થઈ જશે. મારું રૂપ એટલું સસ્તું નથી કે એને બાંધેલા પગારથી ખરીદી શકાય.’ શ્રેણીની વાત પરથી માલુને પહેલી વાર જાણવા મળ્યું કે શ્રેણીનું ‘ગણિત’ બહુ પાકું હતું. શિખર એવું વિચારીને જીવતો હતો કે પહેલાં ભણી-ગણીને કારકિર્દી બનાવી લઉં, પછી શ્રેણીને પ્રપોઝ કરીશ, એ ક્યાં નાસી જવાની છે! અને એક દિવસ સવારે સાડા દસ વાગે જ્યારે શિખર કોલેજ તરફ જવા નીકળ્યો ત્યારે એણે ન ધારી હોય એવી ઘટના બની ગઈ. શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈને શ્રેણી જઈ રહી હતી, એનાથી દસેક ડગલાંનું અંતર જાળવીને પાછળ પાછળ શિખર ચાલી રહ્યો હતો, ત્યાં એક કાર આવી અને શ્રેણીની સાવ પાસે આવીને ઊભી રહી ગઈ. કારનું બારણું ખૂલ્યું, અંદરથી અવાજ આવ્યો, ‘હાય, શ્રેણી! તારે કોલેજમાં જવું છે ને? હું પણ ત્યાં જ જઈ રહ્યો છું. આવ, બેસી જા કારમાં.’ અને શ્રેણી જરા પણ આનાકાની કર્યા વગર કારમાં બેસી ગઈ. શિખર જાણતો હતો કે કારની અંદર કોણ બેઠું હતું. કોલેજમાં જ્યારે એક પણ સ્ટુડન્ટ પાસે મોપેડની લક્ઝરી પણ ન હતી ત્યારે એકમાત્ર શૈવાલની પાસે એની પોતાની કાર હતી. શૈવાલ ગર્ભશ્રીમંત હતો. એના પપ્પા શેરદલાલ હતા. એ જમાનામાં જ્યારે નેવું ટકા લોકો એક રૂમ, રસોડું, ઓસરીવાળાં મકાનોમાં રહેતા હતા ત્યારે શૈવાલના પપ્પાનું તેર ઓરડાવાળું વિશાળ મકાન હતું. શૈવાલ છૂટા હાથે પૈસા વાપરતો હતો. ક્લાસરૂમ કરતાં વધુ સમય એ કેન્ટીનમાં વિતાવતો હતો. એના પોકેટમાં રહેલા રૂપિયા ગોળનાં દડબાં સમાન હતા જેની ઉપર મંકોડાની જેમ મિત્રો ચોંટેલા રહેતા હતા. શૈવાલને વળગેલા મંકોડામાં એક મંકોડીનો ઉમેરો થયો જેનું નામ હતું શ્રેણી. શિખર અવાક બનીને જોતો રહ્યો અને સપનાનું રેશમ એની હથેળીમાંથી સરી ગયું. શૈવાલ અને શ્રેણીની નિકટતા વધતી ગઈ. માલુને શિખરની દયા આવતી હતી. એ નિયમિત રીતે શ્રેણીનાં સમાચાર આપ્યા કરતી, ‘બે દિવસ પહેલાં શ્રેણી અને શૈવાલ કેન્ડલ લાઈટ ડિનર પર ગયા હતાં. ગઈ કાલે મેટિની શોમાં શિખર શ્રેણીને અંગ્રેજી એડલ્ટ ફિલ્મ જોવા લઈ ગયો હતો. લાસ્ટ સેટરડે અમે એ બંનેને રાતોનાં અંધારામાં ગર્લ્સ હોસ્ટેલની પાછળની સૂમસામ ગલી પર એકબીજાને ચિપકીને લટાર મારતાં જોયા હતાં. શિખર, તું કેમ કંઈ કરતો નથી? તારી દુનિયા લૂંટાઈ રહી છે. તું એકવાર શ્રેણીને મળીને વાત તો કર.’ શિખર તૈયાર થયો. તક જોઈને એણે શ્રેણીને આંતરી, ‘મારે તને કંઈક કહેવું છે. હું તને ચાહું છું, શ્રેણી. હું તને દુઃખી નહીં થવા દઉં.’ શ્રેણી હસી પડી, ‘પહેલાં તું તારી જાતને તો સુખી કરી બતાવ. ડિગ્રી મેળવ્યા પછી તું દર મહિને જેટલો પગાર પાડીશ એના કરતાં વધુ તો શૈવાલનું અત્યારે કેન્ટીનનું માસિક બિલ આવે છે. હવે પછી ફરીથી ક્યારેય મને મળવાની હિંમત ન કરતો.’ મનુષ્યના મુખેથી નીકળેલા અહંકારભર્યા શબ્દો સૃષ્ટિમાં સચવાઈ રહેતા હશે, એટલા માટે કે સમય આવ્યે તે પાછા ફરી શકે. ઉપરની ઘટના પર 32 વર્ષનાં થર ચડી ગયા. શિખર ફિઝિક્સના વિષયમાં ડોક્ટરેટ કરીને ભારત સરકારના એક અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટમાં જોડાઈ ગયો અને પોતાના બુદ્ધિબળથી રાષ્ટ્રીય સ્તર પર ઉચ્ચ ગણાતી બે-ત્રણ પોઝિશન્સમાંની એક પર પહોંચી ગયો. શ્રેણી કરતાં સો ગણી સુંદર પત્ની અને શૈવાલના બંગલા કરતાં વધુ પ્રતિષ્ઠિત મકાનમાં ગોઠવાઈ ગયો. શ્રેણીનું શું થયું? એ શૈવાલને પરણી ગઈ અને તેર ઓરડાના બંગલામાં જીવવા લાગી. સમયનું ચક્ર બહુ ઝડપથી ફર્યું. શેરબજારની ઉપરાછાપરી આઠ-દસ લપડાક અને શૈવાલનો બંગલો, કાર, સોનું-ચાંદી, ધન આ બધું પગ કરી ગયું. શૈવાલે મામૂલી નોકરી કરવી પડે એવો સમય આવી ગયો. બરબાદીની આ વસમી હાલત શ્રેણી માટે ત્યાં સુધી તો સહન થઈ શકે તેવી રહી, જ્યાં સુધી એનો પતિ શૈવાલ જીવિત રહ્યો. એક દિવસ આવી જિંદગીથી હતાશ થઈને શૈવાલે આત્મહત્યા કરી લીધી. ચાળીસની થવા આવેલી શ્રેણી પાસે હવે માત્ર મજબૂરી નામનું ઉધારપાસું રહ્યું હતું અને જમા પક્ષે બચ્યું હતું એનું શરીર. વધારે ખુલ્લા શબ્દોમાં વાત નથી લખવી, વર્ણનને મર્યાદાનાં વસ્ત્રો પહેરાવીને કહું તો એની આથમતી જુવાનીના જોર ઉપર શહેરના એક ધનવાન, શોખીન પુરુષનું એ ઉપવસ્ત્ર બની ગઈ. પછી એ વ્યવસ્થાનો પણ અંત આવ્યો. ધનવાન બિઝનેસમેને બીજો ‘ધંધો’ ખોળી લીધો. શ્રેણી પાસે હવે જમા ખાતે શૂન્ય જ રહ્યું હતું. આખરી ઉપાય લેખે શ્રેણી એક દિવસ શિખરની ઓફિસમાં પહોંચી ગઈ. રડી-રડીને વિનવી રહી, ‘શિખર, મને માફ કરી દો. મારા દીકરા ખાતર મારે જીવવું પડે છે. મને જીવવાનો આધાર જોઈએ છે.’ શિખરે કહ્યું, ‘તું અને તારો દીકરો અમારી સાથે રહેવા આવી શકો છો. હું તો મહિનામાં પચ્ચીસ દિવસ બેંગ્લુરુ, દિલ્હી અને મુંબઈમાં હોઉં છું. તું મારી પત્નીનાં ઘરકામમાં મદદ કરજે. તને રહેવા માટે બંગલાની બહાર એક આઉટ હાઉસ આપી દઈશ. મારા દીકરાનો દીકરો દોઢ વર્ષનો છે, એને તું સાચવજે. ક્યારેક એવાં અરમાનો હતાં કે હું મારાં અને તારાં સંતાનને ઊછેરીશ, સંજોગોએ તને એ જગ્યા પર લાવી મૂકી છે જ્યાં તું મારાં સંતાનને...’ } (શીર્ષકપંક્તિ: બાબુલાલ ચાવડા ‘આતુર’)
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:સમયરેખામાં આગળ કે પાછળ જવું શક્ય છે?
    Next Article
    અમલપિયાલી:પ્રાપ્તિનાં સુખ કરતાં અપ્રાપ્તિનું દુ:ખ હંમેશાં મોટું લાગે છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment