Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:સમયરેખામાં આગળ કે પાછળ જવું શક્ય છે?

    2 days ago

    જયેશ દવે એ કથી વધુ સમયરેખાઓ છે અને સમયરેખામાં આગળ કે પાછળ જવું પણ શક્ય છે, આવું વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન સમયને એક પરિમાણ તરીકે જુએ છે અને તેમાં આગળ-પાછળ એવું કશું નથી તેમ જણાવે છે. આઇન્સ્ટાઇનના મિત્ર મિશેલ બેસોનું અવસાન થયું ત્યારે આઇન્સ્ટાઇને મિત્રના પરિવારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘આપણા જેવા ભૌતિકવિજ્ઞાનીઓ માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માત્ર એક ભ્રમ છે; ભલે આ ભ્રમ ગમે તેટલો વાસ્તવિક લાગતો હોય.’ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું એકસાથે મોજૂદ છે તેમ વિજ્ઞાન કહે તો છે, પરંતુ વર્તમાનમાંથી ભૂત કે ભવિષ્યમાં જવું હજુ સુધી અસંભવ છે. આમ છતાં, કેટલીક ઘટનાઓ આ શક્યતાને પુષ્ટિ આપે છે. ઇંગ્લેન્ડના યોર્ક શહેરના ટ્રેઝરર્સ હાઉસમાં બનેલી રહસ્યમય ઘટના પણ આવી જ છે, જે પેરાનોર્મલ કરતાં ‘ટાઇમ સ્લિપ’ની પ્રબળ સાબિતી આપે છે. 1953ની આ ઘટના છે. યોર્ક શહેરના ટ્રેઝરર્સ હાઉસના ભોંયરામાં હેરી માર્ટિન્ડેલ નામનો ઇલેક્ટ્રિશિયન કામ કરી રહ્યો હતો. ભોંયરાના શાંત વાતાવરણમાં તેને અચાનક જમીન સાથે તાલબદ્ધ રીતે ધાતુ અથડાવાનો અવાજ સંભળાવા લાગ્યો. હજુ અડધી મિનિટ વીતી હશે ત્યાં ભોંયરાની બંધ દીવાલ પર પ્રકાશ દેખાયો અને જાણે કે અદૃશ્ય રસ્તો ખૂલી ગયો હોય તેમ દીવાલની પેલે પારથી રોમન સૈનિકોનું એક દળ બહાર આવવા લાગ્યું! ભાલા, ઢાલ અને તલવાર સાથે આશરે 20 રોમન સૈનિકોની એક ટુકડી તે દીવાલમાંથી નીકળી, હેરી પાસેથી પસાર થઈ બીજી બાજુ જઈને અદ્રશ્ય થઈ ગઈ. ઇલેક્ટ્રિશિયન હેરીએ નોંધ્યું કે આ સૈનિકો રોમન સેનાના પરંપરાગત પહેરવેશ અને શસ્ત્રોથી સજ્જ હતા; પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે સૈનિકોના માત્ર ઘૂંટણથી ઉપરનો ભાગ જ દેખાતો હતો. આ દૃશ્ય લગભગ દોઢેક મિનિટમાં હેરીની નજર સામેથી પસાર થઈ ગયું અને ફરી બધું સામાન્ય થઈ ગયું. માર્ટિન્ડેલે આ ઘટના જણાવી ત્યારે શરૂઆતમાં તેને પેરાનોર્મલ ઘટના ગણવામાં આવી; પરંતુ વર્ષો પછી પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું કે ભોંયરાના ફ્લોરની નીચે પ્રાચીન રોમન રસ્તો દટાયેલો હતો. આ રસ્તા વિશે હેરીને લેશમાત્ર જાણ નહોતી. મૂળ રસ્તો વર્તમાન ફ્લોર કરતાં નીચો હોવાને કારણે જ રોમન સૈનિકો ઘૂંટણથી ઉપરના ભાગે ચાલતા દેખાયા હતા. આ પુરાવો સ્પષ્ટ કરે છે કે આ કોઈ મનઘડંત કલ્પના નહોતી. ટાઇમ સ્લિપની મોટાભાગની ઘટનાઓમાં વર્તમાનમાંથી ભૂતકાળ કે ભવિષ્યના કોઈ એક કાળમાં સમય-વિક્ષેપ નોંધાયો છે; પરંતુ 1984થી 1986 દરમિયાન બનેલી એક ઘટનામાં ભૂતકાળ અને ભવિષ્ય બંને તરફથી સંદેશા મળ્યાનું નોંધાયું છે. અહીં માત્ર ટાઇમ સ્લિપ નહીં, પરંતુ ત્રણેય કાળ એકસાથે અસ્તિત્વ ધરાવતા હોવાનો દાવો થયો છે. આ ઘટનાને ઇતિહાસનો સૌથી રહસ્યમય કમ્પ્યૂટર સંદેશવ્યવહાર ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડના ચેશાયર કાઉન્ટીના ડોડલસ્ટન ગામમાં કેન વેબસ્ટર નામનો શિક્ષક એક માઇક્રો કમ્પ્યૂટર ઘરે લાવ્યો હતો. આ એક સાદું કમ્પ્યૂટર હતું, જેમાં ઇન્ટરનેટ કે નેટવર્કની કોઈ સુવિધા નહોતી. કેન, તેની પાર્ટનર ડેબી અને મિત્ર પીટર ટ્રુમેન આ કમ્પ્યૂટર વાપરતા હતા. ડિસેમ્બર, 1984માં કમ્પ્યૂટર શરૂ કરતાં એક અજાણી ફાઇલ મળી આવી. ટેક્સ્ટ ફાઇલ ખોલતાં તેમાં કેન અને ડેબીને સંબોધીને જૂની અંગ્રેજી ભાષામાં એક કવિતા લખેલી હતી. થોડા દિવસ પછી બીજી એક ફાઇલ મળી, જેમાં લખ્યું હતું: ‘તમે મારા ઘરમાં રહો છો, આ પ્રકાશ આપતું બોક્સ શેતાનનું કારસ્તાન છે.’ આ સંદેશો મોકલનાર પોતાને લુકાસ વેઈનમેન તરીકે ઓળખાવતો હતો અને તે 1546ના સમયમાંથી વાત કરી રહ્યો હતો. 1546 આસપાસના સમયગાળામાંથી લુકાસ (જેનું સાચું નામ થોમસ હાર્ડન નીકળ્યું) તરફથી 200થી વધુ સંદેશાઓ મળ્યા. લુકાસે રહસ્ય ખોલતાં જણાવ્યું કે, તેમને ‘2100’ નામના અજાણ્યા સ્ત્રોત દ્વારા આ બોક્સ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ કમ્પ્યૂટરમાં ત્રીજા પક્ષના સંદેશાઓ આવવા લાગ્યા. આ અજાણ્યા સ્ત્રોતે સ્પષ્ટતા કરી કે તેઓ વર્ષ 2100માંથી (21મી સદીના અંત ભાગમાંથી) સમય-પ્રયોગ કરી રહ્યા છે અને 16મી સદીના થોમસ તથા 20મી સદીના કેન વચ્ચે સંચારનું માધ્યમ બન્યા છે. તેમણે ચેતવણી આપી કે સમયનું માળખું ખૂબ જટિલ છે અને તેમાં છેડછાડથી ગંભીર પરિણામો આવી શકે છે. આ તમામ સંવાદ ફ્લોપી ડિસ્કમાં સાચવી લેવાયા હતા. ઐતિહાસિક સંશોધન કરતાં 16મી સદીના થોમસ હાર્ડન અને સ્થળ અંગેની તમામ વિગતો સાચી સાબિત થઈ હતી. આપણે ભૂતકાળમાં પાછા ફરી શકતા નથી કે ભવિષ્યમાં સીધા જઈ શકતા નથી. ‘ભૂતકાળ વીતી ગયો અને ભવિષ્ય માત્ર કલ્પના છે’—આવી આપણી સામાન્ય માન્યતા સામે આ ઘટનાઓ ગંભીર વૈજ્ઞાનિક અને દાર્શનિક પ્રશ્નાર્થ ઊભો કરે છે.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:શું ભારત-ચીન સંબંધોમાં ખરેખર નવા યુગની શરૂઆત થઈ
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:છાપ બનીને છૂટી ગયું છે વરસો પહેલાં,કોઇ સ્વયંને ભૂલી ગયું છે વરસો પહેલાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment