Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ-વિદેશ:શું ભારત-ચીન સંબંધોમાં ખરેખર નવા યુગની શરૂઆત થઈ

    1 day ago

    ડૉ. જય નારાયણ વ્યાસ બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઇ સહકાર સંગઠનની (SCO) બેઠક પછી ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે: શું ભારત અને ચીનના સંબંધોમાં પરિવર્તન આવી રહ્યું છે? શું ગલવાન પછી ઊભી થયેલી કડવાશ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે? આ પ્રશ્નો માત્ર ભારત અને ચીન પૂરતા મર્યાદિત નથી; તેના પડઘા સમગ્ર એશિયા, વૈશ્વિક અર્થતંત્ર અને પશ્ચિમ એશિયાની બદલાતી ભૂ-રાજનીતિ પર પડી શકે છે. 2020ના ગલવાન સંઘર્ષે ભારત-ચીન સંબંધોને મોટો આંચકો આપ્યો હતો. સરહદ પર લશ્કરી તણાવ વધ્યો, પરસ્પર વિશ્વાસ લગભગ સમાપ્ત થયો અને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો તેની માઠી અસર હેઠળ આવ્યા. પરંતુ હવે ધીમે ધીમે એક અલગ જ દિશા દેખાઈ રહી છે. 25 ઑગસ્ટે બેઇજિંગમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે 25મી વિશેષ પ્રતિનિધિ સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા તથા સરહદ નિર્ધારણની પ્રક્રિયાને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે આ સરહદ વિવાદનો અંત નથી, પરંતુ સરહદ વિવાદને ઉકેલવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે. વર્તમાન પરિસ્થિતિમાં આ પોતે જ એક મોટી બાબત છે. શું સરહદ વિવાદ હવે ઉકેલાઈ જશે? આ પ્રશ્નનો સીધો જવાબ છે: હમણાં નહીં. ભારત અને ચીન વચ્ચેનો સરહદ પ્રશ્ન અત્યંત જટિલ છે, તેથી એક જ બેઠકમાં અંતિમ સમાધાન થઈ જશે એવી અપેક્ષા રાખવી વાસ્તવિક નથી. જોકે, આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં પ્રશ્ન ઉકેલાઈ જવાને જ સફળતા નથી માનવામાં આવતી. ક્યારેક સૌથી મોટી સફળતા એ હોય છે કે બે દેશો પોતાના મતભેદોને એટલા નિયંત્રિત કરી શકે કે તે લશ્કરી સંઘર્ષમાં ન ફેરવાય. ભારતનું હિત એ છે કે સરહદ પર કાયમી શાંતિ રહે, અને ચીનનું પણ એ જ હિત છે કે ભારત સાથેનો સતત લશ્કરી તણાવ તેના આર્થિક અને વ્યૂહાત્મક હિતોને નુકસાન ન પહોંચાડે. આ કારણસર, બંને દેશો વચ્ચે એક નવી વાસ્તવિકતા ઊભી થઈ રહી છે — સ્પર્ધા ચાલુ રહેશે, પરંતુ સંઘર્ષ ટાળવાના પ્રયાસો પણ અવિરત ચાલુ રહેશે. સૌથી મહત્ત્વનું એ છે કે શું બંને દેશો એ સ્વીકારશે કે સરહદ વિવાદ હોવા છતાં દ્વિપક્ષીય સંબંધોને અટકાવી દેવા બંનેના હિતમાં નથી? 25મી વિશેષ પ્રતિનિધિ બેઠકનાં પરિણામો આ દિશામાં કેટલાક સકારાત્મક સંકેતો અવશ્ય આપે છે. SCOની બેઠક એવા સમયે થઈ જ્યારે પશ્ચિમ એશિયામાં ગંભીર તણાવ પ્રવર્તે છે. ભારતના વડાપ્રધાને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે પણ મુલાકાત કરી છે. ઊર્જા સુરક્ષા, પ્રાદેશિક સ્થિરતા અને દરિયાઈ વેપારના માર્ગોની સુરક્ષા ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ મોરચે ભારત અને ચીનના હિતોમાં કેટલીક નોંધપાત્ર સમાનતાઓ છે: બંને દેશો ઊર્જાના મોટા આયાતકાર છે. બંને માટે દરિયાઈ વેપાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બંનેમાંથી કોઈ દેશ નહીં ઇચ્છે કે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ એટલો વિસ્તરે કે ક્રૂડ ઑઇલ, ગેસ, જહાજી પરિવહન અને વૈશ્વિક પુરવઠા વ્યવસ્થા પર ગંભીર અસર પડે. તેથી, ભારત અને ચીનની વાતચીત માત્ર સરહદ સુધી સીમિત ન રહેતાં પશ્ચિમ એશિયા, ઊર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને ‘ગ્લોબલ સાઉથ’ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ થઈ શકે છે. અહીં બંને દેશો વચ્ચે સંપૂર્ણ સહમતી કદાચ શક્ય નહીં બને, પરંતુ મર્યાદિત સહકારની સંભાવના ચોક્કસપણે રહેલી છે. શી જિનપિંગની સંભવિત ભારત મુલાકાત: આ સમગ્ર ઘટનાક્રમનો સૌથી રસપ્રદ ભાગ સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં યોજાનારી BRICS શિખર બેઠક સાથે જોડાયેલો છે, જેમાં શી જિનપિંગની હાજરીની અપેક્ષા છે. અહેવાલો અનુસાર, તેઓ એક મોટા ચીની પ્રતિનિધિમંડળ સાથે ભારત આવી શકે છે. જો આવું થાય છે, તો તેનું પ્રતીકાત્મક મહત્ત્વ ઘણું મોટું હશે. 2020 પછી ભારત-ચીન સંબંધોમાં જે કડવાશ આવી હતી, તેના પછી ચીનના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત માત્ર એક ઔપચારિક પ્રવાસ બનીને નહીં રહે, પરંતુ તે દ્વિપક્ષીય સંબંધોને એક નવી દિશા આપવાનો મોટો અવસર બની શકે છે. બિશ્કેકની સકારાત્મકતા પછી દિલ્હીની મુલાકાતનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. જોકે ભારતે એક મૂળભૂત વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. રાજદ્વારી સકારાત્મકતા છતાં વ્યૂહાત્મક સાવચેતીમાં ક્યારેય ઘટાડો ન થવો જોઈએ. ભારતે સરહદ સુરક્ષા, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC), અરુણાચલ પ્રદેશ, સરહદી માળખાકીય વિકાસ અને સૈન્ય સજ્જતા અંગે કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરવું જોઈએ. તે જ રીતે, ચીને પણ એ સમજવું પડશે કે ભારત સાથે સ્થિર અને લાંબા ગાળાના સંબંધો માત્ર રાજદ્વારી નિવેદનોથી નહીં, પરંતુ વાસ્તવિક વિશ્વાસ ઊભો કરે તેવા નક્કર અને પ્રામાણિક પગલાંથી જ સ્થાપિત થઈ શકશે. ભારત અને ચીન બંને વૈશ્વિક સ્તરની મોટી મહાસત્તાઓ છે. અનેક ક્ષેત્રોમાં બંને વચ્ચે સહકારની પૂરી સંભાવના છે, પરંતુ અસંખ્ય ક્ષેત્રોમાં તેમની વચ્ચે તીવ્ર વ્યૂહાત્મક સ્પર્ધા પણ ચાલુ જ રહેશે. હિંદ-પ્રશાંત ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય વેપાર, અદ્યતન ટેક્નૉલૉજી, વૈશ્વિક પ્રભાવ અને એશિયામાં નેતૃત્વ જેવા મુદ્દાઓ પર બંને દેશોની સ્પર્ધા અવિરત રહેશે. પરંતુ મિત્રતા અને સંઘર્ષ વચ્ચે એક ત્રીજો વ્યવહારુ રસ્તો પણ છે અને તે છે ‘સ્પર્ધાની સાથે સ્થિરતા’. જો ભારત અને ચીન પોતાના મતભેદોને સંઘર્ષમાં ફેરવવાના બદલે તેમને નિયંત્રિત રાખીને વેપાર, ઊર્જા, પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક પ્રશ્નો પર મર્યાદિત સહકાર વિકસાવી શકે, તો તેનો લાભ માત્ર આ બંને દેશોને જ નહીં, પરંતુ સમગ્ર એશિયા ખંડને થશે. }
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:સપાટ નકશો ક્યારેય સાચો હોઈ જ ન શકે, કારણ કે?
    Next Article
    હિડન ટ્રુથ:સમયરેખામાં આગળ કે પાછળ જવું શક્ય છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment