Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:સપાટ નકશો ક્યારેય સાચો હોઈ જ ન શકે, કારણ કે?

    1 day ago

    લલિત ખંભાયતા સ્કૂલની દીવાલ પર, ઑફિસના ટેબલ પાસે, ડેસ્ક પર કે ટ્રાવેલ-વિઝા જેવી ઑફિસ હોય તો તેની દીવાલ પર લંબચોરસ નકશો ટિંગાડેલો કે ચોંટાડેલો આપણે જોઈએ જ છીએ. નકશો જો દુનિયાનો હોય અને ભારત સામે નજર રાખીને ઊભા રહીએ તો ઉપર ચીન-રશિયા, ડાબી તરફ મધ્ય પૂર્વ, જરા નીચે આફ્રિકા, મધ્ય પૂર્વથી ઉપરવાસમાં યુરોપ, છેડે અમેરિકા-દક્ષિણ અમેરિકા, પૂર્વમાં જાપાન અને દક્ષિણ-પૂર્વમાં નીચે ઑસ્ટ્રેલિયા નજરે પડે છે. સપાટ નકશામાં એ બધાં સ્થાનો જ્યાં દેખાય છે ત્યાં જ છે તેમ આપણે માની લેતા હોઈએ તો આપણે ભૂલ કરીએ છીએ. માત્ર આપણે જ નહીં, જગતની મોટા ભાગની વસ્તી દીવાલે ટાંગેલા કાગળ પરના સપાટ નકશાને સાચો માનીને ચાલે છે. એ નકશો બિલકુલ સાચો નથી અને ક્યારેય સાચો બની પણ ન શકે. કારણ? કારણ કે પૃથ્વી ગોળ છે અને નકશો સપાટ છે. નકશામાં ભારતની ડાબી તરફ જે સ્થળ કે પ્રદેશ દેખાય છે, તે પૃથ્વીના ગોળા પર જરા અલગ જગ્યાએ દેખાશે. એટલે કે દુનિયાનો સાચો નકશો સમજવો હોય તો કાગળ પરનો નહીં, પણ પૃથ્વીના ગોળા પરનો નકશો જોવો અને સમજવો પડે. એ ગોળા પરનો નકશો પણ 100 ટકા સાચો હોય એવું નથી. એટલે જ તો આફ્રિકા ખંડને તેના અસલ કદ મુજબ દર્શાવતો નકશો રાષ્ટ્રસંઘે ફરીથી રજૂ કરવો પડ્યો. ઘટના શું બની? 4 સપ્ટેમ્બરે રાષ્ટ્રસંઘે જગતનો નવો નકશો જાહેર કર્યો. નવો એટલે એમાં કોઈ ખંડ ઉમેરાયો કે કોઈ દેશની સીમામાં વધ-ઘટ થઈ એવું ન હતું. નકશામાં જે ખંડો, પ્રદેશો અને મહાસાગરો છે, તેના માત્ર કદ અને માપમાં ફેરફાર કરાયો હતો. નકશાને જાહેર કરતાં રાષ્ટ્રસંઘે કહ્યું કે અત્યારે વ્યાપકપણે વપરાતા ‘મર્કેટર મેપ’માં કેટલાક ખંડો, ખાસ કરીને આફ્રિકાને અન્યાય થાય છે. સદીઓથી આ અન્યાય થતો આવ્યો છે. હવે આપણે નવા નકશા દ્વારા એ અન્યાયને ઓછો કરીએ છીએ અને અત્યાર સુધીના અન્યાયનું પ્રાયશ્ચિત્ત પણ કરીએ છીએ. રાષ્ટ્રસંઘે સ્વીકાર કર્યો એટલે દુનિયાના બધા દેશો એ નવો ‘ઇક્વલ અર્થ’ (એકસમાન ધરતી) નામનો નકશો સ્વીકારે જ એવું જરૂરી નથી, પરંતુ રાષ્ટ્રસંઘે પોતાની પહેલ જરૂર કરી. નવા નકશામાં આફ્રિકા ખંડ જેવડો હોવો જોઈએ તેવડો, એટલે કે મોટો દર્શાવ્યો છે, કેમ કે એ ખંડ વાસ્તવમાં ઘણો મોટો છે. આફ્રિકા ખંડ શા માટે નાનો દેખાતો હતો? નકશામાં આફ્રિકા ખંડ નાનો દેખાવા પાછળ મુખ્ય બે કારણો હતાં: 1569માં બેલ્જિયમના નકશાશાસ્ત્રી ગેરાર્ડસ મર્કેટરે બનાવેલો નકશો જગતના રાજકીય ઉપયોગ માટે હતો જ નહીં. એ નકશો માત્ર નાવિકો માટે હતો. એ જમાનો સમુદ્રી ખેડાણનો અને નવી નવી ભૂમિ શોધવાનો હતો. નાવિકોને ખબર પડવી જરૂરી હતી કે પોતાનું જહાજ જે દિશામાં જાય છે ત્યાં જમીન આવવાની છે કે માત્ર પાણી જ છે. એ હેતુથી નકશો બન્યો, વપરાતો થયો અને આખી દુનિયાએ તેને રાજકીય સંદર્ભે પણ સ્વીકારી લીધો. નકશા છાપતી કંપનીઓ એ જ નકશાને આખરી માનીને વેચવા લાગી અને શાળાઓ-ઑફિસોની દીવાલો પર એ જ નકશો ટિંગાવવા લાગ્યો. બીજું કારણ એ હતું કે નકશા બનાવવાનો ઇજારો યુરોપ અને અમેરિકાના દેશો પાસે રહ્યો હતો. પરિણામે પોતાના દેશ-પ્રદેશ પહેલવાનની જેમ વિશાળ પથરાયેલા દેખાય અને અન્ય દેશોને અનુકૂળતા મુજબ નાના દર્શાવાય એવો પક્ષપાત રહ્યો. આફ્રિકા ખંડની તો સદીઓ સુધી ઉપેક્ષા જ થઈ. ઓળખ આપવાની શરૂ થઈ ત્યારે પણ તેને ‘અંધારિયો ખંડ’ જેવી અન્યાયકારી ઓળખ મળી. એ પૂર્વગ્રહ નકશાઓમાં પણ પ્રતિબિંબિત થયો. નકશામાં ગ્રીનલેન્ડ જેવડો દેખાતો આફ્રિકા ખંડ વાસ્તવમાં ગ્રીનલેન્ડ કરતાં 14 ગણો મોટો છે. જગતે સ્વીકારી લીધેલું અર્ધસત્ય ‘ગૂગલ મેપ્સ’ જેવી આધુનિક ડિજિટલ સેવાઓ આવી ત્યારે તેમણે પણ 16મી સદીથી ચાલ્યા આવતા ‘મર્કેટર પ્રોજેક્શન’ આધારિત નકશાનો જ સહારો લીધો. આફ્રિકા ખંડે થોડાં વર્ષો પહેલાં આ ભૂલ સામે અવાજ ઉઠાવ્યો અને ‘કરેક્ટ ધ મેપ’ નામની ઝુંબેશ શરૂ કરી. પરિણામે રાષ્ટ્રસંઘને નકશો સુધારવા તરફ આગળ વધવું પડ્યું. રાષ્ટ્રસંઘે ‘ઇક્વલ અર્થ પ્રોજેક્શન’નો સ્વીકાર તો 2018માં જ કરી લીધો હતો, પરંતુ તેનો વ્યાપક અમલ થતાં થતાં 2026નું વર્ષ આવી ગયું. દુનિયાભરની અનેક સંસ્થાઓ, કંપનીઓ, ઑફિસો અને શાળાઓમાં વર્ષો જૂનો પરંપરાગત નકશો જ વપરાય છે અને હજુ વર્ષો સુધી કદાચ વપરાતો રહેશે; કેમ કે રાતોરાત બધા પોતાની સામગ્રી બદલી શકતા નથી. દુનિયાના સૌથી મોટા ‘ફેક ન્યૂઝ’ આફ્રિકાએ નકશો સુધારવાની ઝુંબેશ શરૂ કરી ત્યારે જણાવ્યું હતું કે આ દુનિયામાં સૌથી લાંબા સમયથી ચાલતી ખોટી માહિતી (‘ફેક ન્યૂઝ’) અટકાવવાનો પ્રયાસ છે. સાડા 4 સદીથી આ નકશો પ્રચલિત રહ્યો છે અને જગતે કોઈ પણ વાંધા વિના તેને અપનાવી લીધો હતો, પરંતુ આફ્રિકાને આ ગેરરજૂઆત સામે સ્પષ્ટ વાંધો હતો. રાષ્ટ્રસંઘે પણ સ્વીકાર્યું છે કે નવો નકશો વાસ્તવિકતાની વધુ નજીક છે અને દેશ-પ્રદેશોના કદને વધારે ચોકસાઈપૂર્વક રજૂ કરે છે. અલબત્ત, 100 ટકા ચોકસાઈનો દાવો કોઈ સપાટ નકશા માટે ક્યારેય થઈ ન શકે, કેમ કે પૃથ્વી ગોળ છે અને નકશો સપાટ કાગળ પર હોય છે. સફરજનની છાલ ઉતારીને કાગળ પર સીધી પાથરી દેવાથી સફરજનનું સાચું સ્વરૂપ સમજી શકાતું નથી; બરાબર એ જ મર્યાદા સપાટ નકશાની છે. નકશો બદલવાના અગાઉના પ્રયાસો 1973માં જર્મન ફિલ્મકાર અને પત્રકાર આર્નો પિટર્સે જાહેર કર્યું હતું કે દુનિયા જે મર્કેટર નકશો વાપરે છે તે ભ્રામક છે. તેમણે ‘ગલ-પિટર્સ પ્રોજેક્શન’ નામનો નવો નકશો રજૂ કર્યો. તેમાં 19મી સદીના સ્કોટિશ નકશાશાસ્ત્રી જેમ્સ ગલના મૂળ કામ સાથે પિટર્સે પોતાનું સંશોધન જોડ્યું હતું. એ નકશામાં આફ્રિકા સહિતના વિકાસશીલ દેશોનું કદ મોટું દર્શાવાયું હોવાથી ઘણા દેશોએ તેને આવકાર્યો હતો. નકશા ક્ષેત્રે મોટી ક્રાંતિ લાગવા છતાં વ્યવહારમાં જૂનો નકશો જ ચાલુ રહ્યો અને સમય જતાં ‘ગલ-પિટર્સ પ્રોજેક્શન’ વિસરાઈ ગયું. આ સિવાય 14મી-15મી સદીના ચીની પ્રવાસી ઝેંગ હે દ્વારા નિર્મિત મનાતો એક નકશો 2001માં ચીનમાંથી મળી આવ્યો હતો. તે મર્કેટર પહેલાંનો હતો અને તેમાં પ્રદેશો અલગ રીતે અંકિત હતા, પરંતુ ભૌગોલિક ક્ષતિઓ વધુ હોવાથી તેને વૈશ્વિક સ્વીકૃતિ ન મળી. આજે ઉપગ્રહોની મદદથી અત્યંત સચોટ નકશા બની શકે છે, પરંતુ મોટા ભાગે દરેક દેશ પોતાના ભૌગોલિક હિત અનુસાર તે તૈયાર કરતો હોય છે. જ્યારે રાષ્ટ્રસંઘ જેવી વૈશ્વિક સંસ્થા કોઈ માળખું સ્વીકારે ત્યારે તેને સાર્વત્રિક વજન મળે છે. તેમ છતાં, સાડા 4 સદી જૂની ટેવ છોડીને સમગ્ર વિશ્વ તાત્કાલિક નવો નકશો અપનાવી લેશે તેવી અપેક્ષા રાખવી ઉતાવળ ગણાશે. ગેરાર્ડસ મર્કેટર : કોઈ જાણતું નથી એવો હીરો નકશો જોઈએ ત્યારે ખૂણામાં સામાન્ય રીતે તેનું પ્રકાશન કરનાર એજન્સી કે કંપનીનું નામ હોય છે, પરંતુ નકશાનો ઉપયોગ કરનારા 99 ટકા લોકો એ નથી જાણતા કે આ પ્રચલિત રચના મર્કેટરની દેન છે. જર્મનીથી આવીને બેલ્જિયમના ફ્લેન્ડર્સ પ્રાંતમાં વસેલા મોચી પરિવારમાં 1512માં જન્મેલા ગેરાર્ડસ મર્કેટરે ગણિત, ખગોળશાસ્ત્ર અને ભૂગોળનો ઊંડો અભ્યાસ કરીને તત્કાલીન જરૂરિયાત મુજબ નકશાનિર્માણ શરૂ કર્યું હતું. આ કળા તેમને તેમના ગુરુ અને જાણીતા ગણિતજ્ઞ-નકશાશાસ્ત્રી ગેમ્મા ફ્રિઝિયસ પાસેથી શીખવા મળી હતી. નકશાઓની માગ વધતાં તેમણે નાવિકોની સગવડ માટે દ્વિ-પરિમાણીય (‘ટૂ-ડાયમેન્શનલ’) નકશો તૈયાર કર્યો. અક્ષાંશ અને રેખાંશની સીધી રેખાઓને લીધે દરિયાઈ મુસાફરીમાં દિશાસૂચન ખૂબ સરળ બની ગયું. નકશા ઉપરાંત દિશાશોધનનાં વૈજ્ઞાનિક સાધનો બનાવવાનું કામ પણ મર્કેટર કરતા હતા. એ યુગમાં યુરોપમાં ચર્ચનું વલણ સર્વોપરી ગણાતું હતું અને વિજ્ઞાન કે તર્કની નવી વાતો સહજ સ્વીકારાતી નહોતી. મર્કેટરે પણ ચર્ચના કેટલાક રૂઢિચુસ્ત વિચારો સામે અસંમતિ દર્શાવતાં તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. જેલમુક્ત થયા પછી પણ તેમણે નકશા નિર્માણનું કાર્ય નિષ્ઠાપૂર્વક ચાલુ રાખ્યું. મર્કેટરનો નકશો જમીનનું ક્ષેત્રફળ કે વિવિધ ખંડોનું સાપેક્ષ કદ દર્શાવવા માટે ક્યારેય બનાવાયો જ નહોતો; તેનો એકમાત્ર હેતુ યુરોપિયન નાવિકોને સાચી દિશા બતાવવાનો હતો. પાછળથી આખી દુનિયાએ તેને સામાન્ય ભૂગોળ માટે પણ પ્રમાણભૂત માની લીધો, જેનાથી ભૌગોલિક વિસંગતતાઓ ઊભી થઈ. આજે નકશાસંગ્રહ માટે વપરાતો જાણીતો ‘એટલસ’ શબ્દ પણ મર્કેટરે જ આપેલો છે, છતાં એટલસ વાપરનારા મોટા ભાગના લોકો તેના સર્જક મર્કેટરના નામથી અજાણ રહે છે.
    Click here to Read More
    Previous Article
    ટૂંકી વાર્તા:‘પોર્ટ ઑફ સ્પેન’ બન્યું ‘પોર્ટ ઑફ પેઇન’: ગેરી સોબર્સનું ભૂલભરેલું ઐતિહાસિક ડિક્લેરેશન
    Next Article
    દેશ-વિદેશ:શું ભારત-ચીન સંબંધોમાં ખરેખર નવા યુગની શરૂઆત થઈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment