Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:પ્રાપ્તિનાં સુખ કરતાં અપ્રાપ્તિનું દુ:ખ હંમેશાં મોટું લાગે છે

    2 days ago

    વિનોદ જોશી આપણી પાસે નથી દરિયો નથી રેતી, નથી કોઈ વહાણ કે પતવાર જેવું, આપણી પાસે ફક્ત આ પ્રાણ છે ને પ્રાણના ભોગે બધું થઈ જાય છે આ પાર પેલે પાર જેવું. - વિનુ બામણિયા કવિતા ઊંડા તળને તાગતી હોય છે. કોઈવાર જીવનની કોઈ એવી વણકહી કથા તેમાંથી ઉકલતી હોય છે કે આપણને ગજબનો સન્નાટો અનુભવાય. એવું લાગવા માંડે કે જે કહેવાયું હોય તેમાં જાણે પોતાની જ વાત છે. કવિ અનેકનો પ્રતિનિધિ બની સર્વલક્ષી ઉદ્ધાર કરતો હોય તેવે વખતે તેના શબ્દની વિશ્વસનીયતા વધી જાય છે. અહીં જે કહેવાયું છે તે આવું વિશ્વસનીય લાગે છે. વાત સહુ કોઇની છે. વાતના પ્રારંભે અભાવોનો નિર્દેશ થયો છે. દરિયો, રેતી, વહાણ અને પતવાર નથી તેમ કહીને અહીં પહેલેથી જ અભાવનો સંકેત રોપી દેવાયો છે. દરિયો ન હોય તો વહાણનું કોઈ મૂલ્ય નથી. વહાણનું વહાણપણું દરિયાની અપેક્ષાએ જ સિદ્ધ થાય છે. અને વહાણ નથી તો પતવાર પણ નથી. આ બધું નથી એટલે ગતિ નથી. તો પછી દિશા પણ ન હોય. આનો અર્થ એ થયો કે આ બધું નથી તેમ વિચારી તો શકાય છે. પણ તેને મેળવવા માટે કશું કરી શકાતું નથી. જીવનની સૌથી મોટી વિભીષિકા જ આ છે. બધું સામે દેખાતું હોય અથવા વિચારી શકાતું હોય પણ તેને મેળવી શકાતું ન હોય તે પરિસ્થિતિ વેઠવી બહુ કઠિન છે. આપણે જીવી રહ્યાં છીએ તે હકીકતને નકારી શકાતી નથી, કારણ કે આપણો શ્વાસ ચાલે છે તેની આપણને ખબર છે. પણ શ્વાસ ચાલે છે એટલે આપણે જીવી રહ્યાં છીએ તેવું કહી શકાશે ખરું? આપણું શરીર જીવે છે પણ આપણે ખરેખર જીવીએ છીએ ખરાં? જીવવું એટલે શું માત્ર શ્વાસનું ચાલવું? શ્વાસ શરીરને ટકાવી રાખે છે પણ તેમાં જીવનની રચના કરી શકતો નથી. જીવન તો આપણી અભિલાષાઓ અને તેની પરિપૂર્તિઓથી બનેલું છે. વળી, એ પણ સત્ય છે કે આપણી અભિલાષાઓનો કોઈ અંત નથી. એટલે ‘છે-નથી’માં અટવાઈ રહેવું તે આપણી સહુની નિયતિ છે. જેની અભિલાષા કરીએ તે મેળવવાની ઝંખનાનો પિંડ એ જ તો જીવન છે તેવું સામાન્ય રીતે કહી શકાય. પ્રાપ્તિનાં સુખ કરતાં અપ્રાપ્તિનું દુ:ખ હંમેશાં મોટું લાગે છે. તેનો હિસાબ કરવામાં જ આપણે આપણા શ્વાસો ખર્ચવાના હોય છે. બીજી રીતે કહી તો શ્વાસોના બદલામાં જ આપણને સુખ અને દુ:ખ મળતાં હોય છે. શ્વાસથી શરીર ચાલે છે અને શરીર દ્વારા સુખ કે દુ:ખનો અનુભવ થાય છે. અભિલાષાની આ પાર છીએ, પેલે પાર છીએ કે આરપાર છીએ તેની પ્રતીતિ શ્વાસોના બદલામાં મળતી હોય છે. અહીં આપણી પાસે ફક્ત આ શ્વાસ જ છે તેમ કહેવાયું છે તેનો અર્થ જ એ કે જે કશું મેળવ્યું કે ગુમાવ્યું તે તો ભ્રાન્તિ જ છે. માત્ર શ્વાસ જ વાસ્તવિક છે જે આપણી સાથે અનિવાર્યપણે જોડાયેલો છે. કોઈ શ્વાસ ઉચ્છ્વાસ વગરનો નથી. ઉચ્છ્વાસ એ જીવનનો અંત છે. પણ ફરી શ્વાસ લેવાની અને શરીરને જીવાડતી જિજીવિષા જીવનનો ફરીથી થતો પ્રારંભ છે. આપણે શ્વાસેશ્વાસે આ અંત અને આરંભનો સામનો કરીએ છીએ. જે કંઈ આપણે મેળવીએ છીએ કે ગુમાવીએ છીએ તે આ શ્વાસોના બદલામાં. આપણે તેને વેઠીએ છીએ કે વાપરીએ છીએ. ગની દહીંવાલા લખે છે : `ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે, ઊપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે!’ સહુકોઈ આ પાર કે પેલે પાર રહેવાની કે જવાની મથામણમાં હોય છે. પરંતુ જ્યાં સુધી પ્રાણ હોય છે ત્યાં સુધી બધાં અધવચ્ચે જ હોય છે. એક છેડો છૂટી ગયો હોય છે અને બીજો છેડો મળ્યો હોતો નથી. કોઈપણ છેડે પ્રાણનો ભોગ આપવો પડે. આપણા હાથ બહારના અસ્તિત્વનો આ જ તો અર્થ છે. અહીં આપણી પાસે રહેલી આપણા પ્રાણની એકમાત્ર જણસના બદલામાં આ પારનું કે પેલે પારનું સત્ય પામી શકાય છે તે વાત બહુ લાક્ષણિક રીતે થઈ છે. ‘પ્રાણના ભોગે બધું થઈ જાય છે’ તેમ કહેવામાં પ્રાપ્તિનો સંકેત છે. પણ પ્રાણના ભોગ પછી પ્રાપ્તિનો કોઈ અર્થ રહેતો નથી તેવું વ્યંજિત કરતી સ્ફટિક જેવી પારદર્શક પંક્તિઓ અહીં આપણને મળે છે. `બધું થઈ જશે’ તેવી આસ્થા જો જીવનનો ભોગ લઈ લેતી હોય તો પછી આપણી પાસે આપણું રહ્યું શું? આ પંક્તિઓનો અંત પૂર્ણવિરામમાં આવે છે પણ તેમાં રહેલો પ્રશ્નાર્થ સહૃદયને સમજાયા વિના નહીં રહે.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:છાપ બનીને છૂટી ગયું છે વરસો પહેલાં,કોઇ સ્વયંને ભૂલી ગયું છે વરસો પહેલાં
    Next Article
    સરકારી કર્મચારીઓને નવરાત્રિ પર જ દિવાળી!:ઓક્ટોબરમાં થઈ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, જાણો પગાર-પેન્શન કેટલું વધશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment