Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:સદીઓથી જ્યાં વસતા હતા, જ્યાં પેઢીઓ પલોટાઈ હતી ત્યાંથી લાખો રોહિંગ્યા શા માટે ઉખેડાઈ ગયા?

    1 day ago

    ધૈવત ત્રિવેદી ભૂગોળ અને ઇતિહાસને બહુ વિશિષ્ટ સંબંધ હોય છે. ક્યારેક ભૂગોળના કારણે ઇતિહાસ સર્જાય છે તો ક્યારેક ઇતિહાસના કારણે ભૂગોળ બદલાય છે. રોહિંગ્યાની અળખામણા થવાની સમગ્ર કથામાં એ દરેક પરિબળ મોજૂદ છે. આ એક એવી કથા છે જ્યાં ‘દોષિત કોણ’ એ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ જ નથી. ફરજિયાતપણે આંગળી ચિંધવી જ હોય તો છેવટે સમય તરફ જ આંગળી ચીંધી શકાય. સમય કેમ બદલાયો તેનો તાગ મેળવવા ક્રિયા-પ્રતિક્રિયાના દરેક પડળને ધીરજપૂર્વક ઉખેળવા પડે. ગતાંકમાં આપણે મોંગડો ગામના રમખાણોની વાત કરી હતી. એટલે ક્રિયા-પ્રતિક્રિયાના સિલસિલાને સમજવા માટે પાછા પગે આગળ વધવું પડશે. મોંગડોના મુસ્લિમોએ ઉશ્કેરાઈને બૌદ્ધ ધર્મીઓ પર હુમલા કર્યા અને તારાજી વેરી દીધી કારણ કે થોડા દિવસ પૂર્વે બૌદ્ધોએ તાઉગપ કે ટોંગુપ ગામે દસ નિર્દોષ મુસ્લિમોને બસમાંથી ઉતારીને મારી નાખ્યા હતા. એ મૃતકો નિર્દોષ હતા, પરંતુ બૌદ્ધોનો આક્રોશ સાવ વાજબી વગરનો પણ ન હતો. મોંગડોની ઘટના બની એ દિવસ હતો 8 જૂન, 2012 અને એ ટોંગુપની ઘટના બની એ દિવસ હતો 3 જૂન, 2012. આ બંને ઘટનાના મૂળમાં હતી 28 મે, 2012ની ઘટના. એ દિવસે રામરી ગામે થેડા નામની 28 વર્ષની એક મહિલા લાપતા થઈ હોવાની ફરિયાદ નોંધાઈ. બેકરી ચલાવતી એ મહિલા સાધારણ પરિવારની હતી. સ્થાનિક બૌદ્ધ મઠમાં નિયમિત સેવા આપતી હતી. પ્રેમસંબંધ કે ખંડણીખોરી જેવી થિયરી લાગુ થતી ન હતી. તો શું થયું હોઈ શકે તેની ગડમથલ જારી હતી ત્યાં પોલીસને એક નનામો પત્ર મળ્યો જેમાં કહેવાયું હતું કે લાપતા થઈ એ દિવસે થેડા એક આદમી સાથે મોટરસાઇકલ પર તેંથિલ ગામની દિશાએ જોવા મળી હતી. પોલીસે તેંથિલની સીમમાં તપાસ લંબાવી ત્યાં એક ખેડૂતે નહેરના ધોરિયાની પાછળ લાશ પડી હોવાનું કહ્યું. કમનસીબે એ લાશ થેડાની જ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેની સાથે અત્યંત રાક્ષસીપણે દુરાચાર થયો હતો. એ અહેવાલ લીક થયો એટલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો. પોલીસ પર દબાણ વધ્યું એટલે પોલીસે ત્રણ શકમંદોને ઉઠાવી લીધા. એ પૈકી એક મૃતક થેડાની બેકરીમાં માલસામાનનો સપ્લાયર હતો અને બીજા બે તેના નોકરિયાત હતા. કેટલીક ખરીદી માટે થેડાને લઈને પોતે તેંથિલ ગામે ગયો હતો, ત્યાં એક ખેડૂતને ત્યાં જઈને સોદો કર્યો હતો એવું સપ્લાયરે સ્વીકાર્યું. તેની કેફિયતના સમર્થનમાં ખેડૂતની જુબાની સહિતના પુરાવા પણ મળ્યા. પરત ફરતાં તેણે ગામની ભાગોળે થેડાને ઉતારી દીધી હતી. પછી શું થયું એના વિશે પોતે બેખબર હોવાનું સપ્લાયરનું કહેવું હતું. છતાં સપ્લાયર સહિત ત્રણને પોલીસે લોકઅપમાં પૂરી રાખ્યા, જ્યાં કહેવાય છે કે રાત્રે સપ્લાયરને ઢોર માર મારવામાં આવ્યો અને તેણે લોકઅપમાં જ દમ તોડી દીધો. આ ઘટનાએ વિસ્ફોટ સર્જી દીધો કારણ કે થેડા બૌદ્ધ હતી, તો લોકઅપમાં જ માર્યા ગયેલા સપ્લાયર સહિતના ત્રણેય રોહિંગ્યા મુસ્લિમ હતા. આ ઘટનાનો પહેલો પડઘો ટોંગુપમાં પડ્યો, જ્યાં બૌદ્ધોએ નિર્દોષ મુસ્લિમોને મારી નાખ્યા. વળતો પડઘો મોંગડોમાં પડ્યો, જ્યાં રોહિંગ્યાએ અનેક બૌદ્ધોની હત્યા કરી અને લૂંટફાટ મચાવી. પછી તો સમગ્ર વિસ્તારમાં બૌદ્ધો અને રોહિંગ્યા સામસામે આવી ગયા. ગામેગામ હિંસા થવા લાગી. પછી તો જ્યાં જેમનું જોર, એમનું પલડું ભારે. છેવટે સરકારે આખોય પ્રાંત લશ્કરને હવાલે કરી દીધો. પરંતુ લશ્કરે તટસ્થ રહીને કડક હાથે કામ લેવાને બદલે બૌદ્ધોની તરફેણ કરી. સૈન્યે ફક્ત આંખ આડા કાન કર્યા હોત તો પણ બૌદ્ધ આક્રમકોના હુમલા મર્યાદિત રહ્યા હોત, પરંતુ આક્રમકો જ્યારે ઢીલા પડવા લાગ્યા, રોહિંગ્યાઓના મરણિયા પ્રતિકાર સામે મોળા પડવા લાગ્યા ત્યારે સૈન્ય પોતાની ફરજ કોરાણે મૂકીને મેદાનમાં ઊતર્યું અને રોહિંગ્યા વિસ્તારોમાં ઘૂસીને ટોળાશાહીને પણ શરમાવે એવી લૂંટફાટ, એવા અત્યાચાર આચરી બેઠું. પોતાના જ ઘરમાં, પોતાના જ દેશવાસીઓ વચ્ચે રોહિંગ્યા એટલા વિવશ હતા કે હવે રાતોરાત સરકાર તેમની ન રહી હતી, સૈન્ય પરાયું બની ગયું હતું. ન કાયદાની ઓથ હતી, ન કાનૂનનો સધિયારો. એ વખતે પહેલીવાર રોહિંગ્યા ભાગવા લાગ્યા. વતન છોડવા કરતાં જીવ બચાવવો મહત્ત્વનો હતો. ઘર, દુકાન, ધંધાધાપા છોડવા કરતાં જીવતા રહેવું વધુ મહત્ત્વનું હતું. આવું જ દૃશ્ય વિભાજન વેળાએ પંજાબ પ્રાંતમાં ભજવાયું હતું. સદીઓ પહેલાં પેલેસ્ટાઈનની ધરતી પર યહુદીઓ અને આરબો વચ્ચે પણ એ થયું હતું. ત્યારે આતતાયીઓ મુસ્લિમો હતા, આ વખતે એ પોતે જ પીડિત હતા. અને ત્યાંથી શરૂ થઈ એક ત્રાસદાયક કહાની, જે આજે રોહિંગ્યા ઘૂસણખોરોના નામે બંગાળથી લઈને છેક અમદાવાદના ચંડોળા તળાવ અને બિહાર, ઝારખંડથી છેક કાશ્મીર, કેરળ સુધી ભારતને પજવી રહી છે. વર્ષ 2012નો જૂન મહિનો મ્યાનમારના રોહિંગ્યા માટે એટલો ગોઝારો સાબિત થયો કે આશરે 1 લાખ લોકો પહેર્યે લૂગડે, જીવ ટકાવવા પૂરતો સામાન લઈને એ શેરી, એ ફળિયું, એ ઘર છોડવા મજબૂર બન્યા જ્યાં તેમની પેઢીઓ પલોટાઈ હતી. પરંતુ કમનસીબે હજુ આ શરૂઆત હતી. આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં અરાજકતા ઘટી. જનજીવન ધીમે ધીમે થાળે પડશે એવો હાશકારો લોહી રેડાયા પછીની બોઝિલ હવામાં શીળો અહેસાસ કરાવી રહ્યો હતો પરંતુ એ સઘળી દેખીતી શાંતિ હેઠળ અપપ્રચાર ચૂપકીદીપૂર્વક પ્રસરી રહ્યો હતો. પત્રિકાઓ ફેલાતી હતી. ગુનાખોરી, અત્યાચારોના આંકડાઓ અને કહાનીઓ કહેવાતી હતી અને ચોતરફ એક એવી ઘૃણા, એક એવો તિરસ્કાર ઊભો થતો જતો હતો જાણે આખોય પ્રાંત ગટરના કીડાઓથી ખદબદતો હોય! આખરે એ દિવસ પણ આવ્યો. ઓક્ટોબર, 2012માં વળી એક નાનકડી ઘટનાએ ચિનગારી ચાંપી અને હુતાશન ભડકી ઊઠ્યો. જાણે બધું જ સુનિયોજિત હોય તેમ થોડા કલાકોના અંતરે અનેક ગામોમાં હિંસા શરૂ થઈ ગઈ! મિન્બ્યા, રામરી, ક્યુકતાવ, રતિદોંગ, થાંદવે સહિત 21 ગામો એક જ દિવસે એવા અરાજક બન્યા કે આકાશમાં કાળાડિબાંગ ધુમાડા અને હવામાં કારમી ચિચિયારી છવાઈ ગઈ. દિવસો સુધી એ હિંસા જારી રહી. એ પછી સરકારે દાઝ્યા પછીનો ડામ પણ આપી દીધો અને જાહેર કરી દીધું કે, ‘આ દેશમાં રોહિંગ્યાઓ રહી શકશે નહીં. એ દેશ છોડીને ચાલ્યા જાય અથવા તો સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળની નિરાશ્રિત છાવણીમાં બંદી બનીને રહે...!’ ઓક્ટોબરની હિંસામાં કેટલા લોકો માર્યા ગયા, કેટલી સ્ત્રીઓ દાનવી અત્યાચારોનો ભોગ બની, અનેક સપનાંઓ અને શાતાઓ ચાર દીવાલો વચ્ચે લઈને ચણાયેલાં કેટલાં મકાનો જમીનદોસ્ત બન્યાં, કેટલા ધંધા લૂંટાઈ ગયા તેના કોઈ આંકડા કદી મળવાના ન હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર અને ભારત તેમજ બાંગ્લાદેશની સરહદી પહેરેદારીના અંદાજ મુજબ આશરે 7 લાખ લોકો એ હિંસા અને અરાજકતાના કારણે મૂળસોતાં ઊખડી ગયા હતા. બાપદાદાના વતનથી, સદીઓ સુધી જે ભૂમિ સાથે નાતો ધરાવતા હતા ત્યાંથી ઉખેડાઈ જવાની એ આધુનિક કાળની બર્બર પીડા હતી. મ્યાનમારનો માન્ય ધર્મ બૌદ્ધ છે અને ભગવાન ગૌતમ બુદ્ધ કરુણા અને અહિંસાના ઉપદેશક હતા. બૌદ્ધધર્મની કથા અનુસાર, જન્મ, માંદગી અને વૃદ્ધાવસ્થા એમ માનવજીવનની ત્રણ પીડા નિહાળ્યા પછી રાજકુમાર સિદ્ધાર્થની આંખમાં આંસુ આવી ગયાં હતાં અને એ કરુણામાંથી રાજકુમારે સંસારત્યાગ કરીને સમષ્ટિની સુખાકારી માટે જીવન સમર્પિત કરી દીધું હતું. બુદ્ધની આંખમાં આવેલ એ આંસુ ટપક્યાં નહીં, પાંપણો પર અટવાઈ ગયા હતા. જૂન અને ઓક્ટોબર, 2012ના અત્યાચારે કદાચ સદીઓથી પાંપણોમાં ગૂંથાયેલાં રહેલાં એ આંસુને વહાવી દીધા હશે. હવે એક સવાલ થવો જોઈએ: પ્રાણીમાત્ર પ્રત્યે કરુણાને વરેલા બૌદ્ધ ધર્મના ચુસ્ત અનુયાયીઓનો દેશ સદીઓથી પરસ્પર પૂરક બનીને રહેતા રોહિંગ્યા મુસ્લિમો પ્રત્યે આટલા બર્બર, હિંસક અને ઘાતકી કેમ બન્યા? શું થેડા નામની એક સ્ત્રી પર થયેલા અત્યાચારના કારણે? રોહિંગ્યાઓનો કોઈ દોષ જ ન હતો? તેનો જવાબ મેળવવા 1000 વર્ષ પાછા જવું પડશે. }(વધુ આવતા રવિવારે)
    Click here to Read More
    Previous Article
    સફર:ઉત્તરાખંડનું છૂપું રતન
    Next Article
    ટૂંકી વાર્તા:‘પોર્ટ ઑફ સ્પેન’ બન્યું ‘પોર્ટ ઑફ પેઇન’: ગેરી સોબર્સનું ભૂલભરેલું ઐતિહાસિક ડિક્લેરેશન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment