Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:એમેઝોન પર ‘ક્રિએટર્સ’ અને ફ્લિપકાર્ટ પર ‘ડ્રામા’: ઓનલાઇન શોપિંગની દુનિયા બદલાઇ રહી છે

    1 day ago

    કેવલ ઉમરેટિયા રાતના લગભગ 10:30 વાગ્યા છે. મોબાઈલ સ્ક્રીન પર અંગૂઠો સતત ઉપરની તરફ સરકી રહ્યો છે. માત્ર 5 મિનિટ માટે મોબાઈલ હાથમાં લીધો હતો અને 30 મિનિટ ઉપર થઈ ગઈ છે. સ્ક્રીન પર ત્રીજી એવી રીલ આવી છે, જેમાં કોઈ ક્રિએટર પોતાના કિચનનું કોઈ ગેજેટ બતાવી રહ્યો છે. ન તો એના માટે સર્ચ કર્યું હતું કે ન તો આ ગેજેટની કોઈ જરૂર હતી. આમ છતાં લિંક પર ક્લિક થાય છે, જે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર લઈ જાય છે. અંતે ગેજેટ કાર્ટમાં આવી જાય છે. આ કોઈ એક વ્યક્તિની વાત નથી, પરંતુ એ બદલાતી આદત છે જેણે છેલ્લાં અમુક વર્ષોમાં ભારતમાં ખરીદી કરવાની રીતને ધરમૂળથી બદલી નાખી છે. આ જ અઠવાડિયે સામે આવેલા બે સમાચાર આ જ બદલાવ તરફ ઈશારો કરે છે. એમેઝોન: ક્રિએટર્સ માટે ખૂલ્યા બ્રાન્ડ્સના દરવાજા એમેઝોને ભારતમાં પોતાની કમાણી વધારવા બ્રાન્ડ્સના દરવાજા ક્રિએટર્સ માટે ખોલી દીધા છે. આ પ્રોગ્રામને તેમણે ‘ક્રિએટર કનેક્શન્સ’ એવું નામ આપ્યું છે, જેના દ્વારા રજિસ્ટર્ડ કન્ટેન્ટ ક્રિએટર્સને હવે 50,000થી વધુ બ્રાન્ડ્સનાં કેમ્પેઇન સુધી સીધી પહોંચ મળી ગઈ છે. યાદ રહે કે આ કોઈ નવો કન્સેપ્ટ નથી. એમેઝોન પહેલેથી જ ઇન્ફ્લુઅન્સર પ્રોગ્રામ દ્વારા ક્રિએટર્સને કમિશન અને એફિલિએટ લિંકની સુવિધા આપે જ છે. તો પછી સવાલ એ છે કે આ પ્રોગ્રામમાં નવું શું છે? આનો અર્થ એ છે કે હવે ક્રિએટર્સે સ્પોન્સરશિપ માટે બ્રાન્ડ્સ પાછળ ભાગવું નહીં પડે. તેઓ એમેઝોનના ઇકોસિસ્ટમમાં રહેલી હજારો બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સને પોતાના કન્ટેન્ટ દ્વારા પ્રમોટ કરી શકશે. અહીં એમેઝોનનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિએટર્સને બ્રાન્ડ્સ અને ગ્રાહકો વચ્ચે ‘ડિસ્કવરી’નું એક નવું માધ્યમ બનાવવાનો છે. જ્યારે કોઈ ક્રિએટર કોઈ પ્રોડક્ટની ભલામણ કરે છે, ત્યારે ગ્રાહકો સામાન્ય જાહેરાતો કરતાં તેના પર વધુ વિશ્વાસ કરે છે. એટલે કે જૂના એફિલિએટ માળખાને મોટા પાયે અને વધુ વ્યવસ્થિત રીતે ફેલાવવાનો આ એક પ્રયાસ છે. ફ્લિપકાર્ટ: શોપિંગ એપમાં માઇક્રોડ્રામા ફ્લિપકાર્ટની રણનીતિ થોડી અલગ, પણ અત્યંત રસપ્રદ છે. ફ્લિપકાર્ટે પોતાની એપ પર યુઝર્સનું એન્ગેજમેન્ટ વધારવા ‘માઇક્રોડ્રામા’ લૉન્ચ કર્યા છે. એપમાં હોમ બટનની બાજુમાં ‘Play’ ટેબની અંદર ‘Drama’ નામનો એક નવો વિભાગ ઉમેર્યો છે, જેમાં રીલ સાઇઝના, નાના અને સ્ક્રિપ્ટેડ શૉ બતાવવાનું શરૂ કર્યું છે; જેને માઇક્રોડ્રામા કહેવામાં આવે છે. ફ્લિપકાર્ટે ટેરિબલી ટાઇની ટેલ્સ (TTT), પ્રતિલિપિ અને પિન્કવિલા જેવાં જાણીતાં પ્લેટફોર્મ્સ સાથે હાથ મિલાવ્યા છે. હવે અહીં પણ સવાલ એ છે કે એક શોપિંગ પ્લેટફોર્મને મનોરંજનની જરૂર કેમ પડી? તેનો સીધો જવાબ છે: હેબિટ ફોર્મેશન એટલે કે આદત પાડવી. ફ્લિપકાર્ટ ઈચ્છે છે કે યુઝર્સ ત્યારે પણ તેમની એપ ખોલે જ્યારે તેઓ કંઈ ખરીદવાના મૂડમાં ન હોય. આ માટેનો સમય પણ ખૂબ વિચારીને પસંદ કરાયો હોય તેવું લાગે છે. તહેવારોની સિઝન પહેલાં દરેક ઈ-કોમર્સ કંપની યુઝરને વધુમાં વધુ સમય એપમાં રોકી રાખવા માંગે છે. આમ પણ ભારતમાં માઇક્રોડ્રામાનું માર્કેટ ખૂબ ઝડપથી વધ્યું છે. કુકુ ટીવી, શેરચેટનું ક્વિક ટીવી જેવાં પ્લેટફોર્મ્સ પહેલેથી જ આ મેદાનમાં છે અને હવે ZEE5 તેમજ JioHotstar જેવાં મોટાં નામ પણ તેમાં ઊતરી ચૂક્યાં છે. જોકે, અહીં એક જરૂરી વાત એ પણ છે કે ફ્લિપકાર્ટે હજુ સુધી મોનેટાઇઝેશન મૉડલ સ્પષ્ટ નથી કર્યું. એવી શક્યતા છે કે માઇક્રોડ્રામામાં પ્રોડક્ટ પ્લેસમેન્ટ, સ્પોન્સર્ડ એપિસોડ્સ અથવા એડવર્ટાઇઝમેન્ટ જેવા વિકલ્પો પર કામ થશે. આમ જોઈએ તો ફ્લિપકાર્ટનો કન્ટેન્ટ સાથેનો સંબંધ નવો નથી. લગભગ એક દાયકાથી આ ક્ષેત્રે ફ્લિપકાર્ટ નવા નવા અખતરા કરતું રહ્યું છે. હવે જોવાનું એ છે કે આ માઇક્રોડ્રામાનો દાવ અખતરો સાબિત થાય છે કે પાવરફુલ સ્ટ્રેટેજી. સર્ચથી ડિસ્કવરી તરફનો મોટો બદલાવ અત્યાર સુધી ઈ-કોમર્સ મુખ્યત્વે ‘સર્ચ-ડ્રિવન’ રહ્યું છે. એટલે કે જો કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો પહેલાં શોપિંગ એપ પર જવાનું, ત્યારબાદ તે વસ્તુને સર્ચ કરવાની અને જે વિકલ્પો મળે તેમાંથી કોઈ પસંદ કરવાનું. તેની સામે હવે આપણે ‘ડિસ્કવરી-લેડ’ કોમર્સ તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે કે તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર કોઈ ક્રિએટરનો વીડિયો જોઈ રહ્યા છો, તેમાં દેખાતી વસ્તુ તમને ગમી જાય છે, તરત તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો છો અને ખરીદી લો છો. પહેલાંમાં તમારે વસ્તુની જરૂર છે એટલે તમે તેને શોધીને ખરીદો છો, એટલે કે તમે વસ્તુ સુધી જાઓ છો; જ્યારે બીજામાં વસ્તુ તમારા સુધી આવે છે. જ્યાં સુધી કન્ટેન્ટ કોઈ પ્રોડક્ટ ન બતાવે, ત્યાં સુધી ગ્રાહકને ખબર જ નથી હોતી કે તેને આ વસ્તુ ખરીદવી છે! જો આંકડાઓ પર નજર કરીએ તો BCGના એક રિપોર્ટ અનુસાર ભારતના 20-25 લાખ એક્ટિવ ક્રિએટર્સ આજે વાર્ષિક લગભગ 350-400 અબજ ડૉલરના કન્ઝ્યુમર સ્પેન્ડિંગ (ગ્રાહકો જે પૈસા ખર્ચે છે તે)ને પ્રભાવિત કરી રહ્યા છે. આ આંકડો 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડૉલરને પાર કરી શકે છે. ગૂગલ અને ડેલૉઇટનો એક રિપોર્ટ એવું પણ જણાવે છે કે 2030 સુધીમાં ક્રિએટર્સ ભારતના કુલ રિટેલ ખર્ચના લગભગ 30% ભાગને પ્રભાવિત કરશે. આ કોઈ સામાન્ય આંકડો નથી. જોકે, બધો આધાર ગ્રાહકો પર રહેલો છે. શું લોકો શોપિંગ માટે ડાઉનલોડ કરેલી એપ પર માઇક્રોડ્રામા જોવાનું પસંદ કરશે? અથવા તો ક્રિએટર્સ કે ઇન્ફ્લુઅન્સર્સની વાત પર લોકોને કેટલો વિશ્વાસ છે? જો દરેક ક્રિએટર માત્ર કમિશન માટે પ્રોડક્ટ્સ વેચવા લાગશે, તો તેમનું કન્ટેન્ટ એક જાહેરાત જેવું લાગવા માંડશે, જેનાથી દર્શકોનો ભરોસો તૂટી શકે છે. અત્યારે તો આ બધા સવાલોના જવાબ કોઈ પાસે નથી, કંપનીઓ પાસે પણ નહીં. એટલું સ્પષ્ટ છે કે જે વસ્તુને શોધવા લોકો ક્યારેક સર્ચ કરતા હતા, તે હવે સામે ચાલીને તેમની સ્ક્રીન પર આવશે.
    Click here to Read More
    Previous Article
    ટૂંકી વાર્તા:અમૃતનો પ્યાલો
    Next Article
    સફર:ઉત્તરાખંડનું છૂપું રતન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment