Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંકી વાર્તા:અમૃતનો પ્યાલો

    1 day ago

    ચાંદની એસ. ભટ્ટ ગોરીની આંખો એકદમ ખૂલી ગઈ. નીચેના રૂમમાંથી કોઈ મોટેથી બોલતા હોય એવું લાગ્યું. હજુ કાલે રાતે તે લગ્ન કરીને શ્વસૂરગૃહે પધારી હતી. રાતે પતિ હિરેન સાથે મદહોશભરી સુહાગરાત વિતાવી હતી. તે હજુ તેનાં સંસ્મરણો વાગોળવાના મૂડમાં હતી. પરંતુ ઝઘડવાના શોરબકોરથી તે વિચલિત થઈ ગઈ. નીચે જવું કે ન જવું તેમાં તે દ્વિધામાં હતી. ઝઘડો બંધ થવાનું નામ જ નહોતો લેતો. ગૌરીને અવાજ પરથી ખ્યાલ આવી ગયો કે આ અવાજ હિરેન અને તેનાં સાસુ મીનાબહેનનો છે. તે જલદીથી વોશરૂમમાં જઈ ફ્રેશ થઈ આવી. નીચે જઈ થોડીવાર શાંતિથી ઊભી રહી. તેણે જોયું કે રાતે જે બધા મહેમાનો હતા તે કોઈ દેખાતા નથી. તેણે શાંતિથી હિરેનને પૂછ્યું, ‘શી વાત છે? મમ્મી સાથે કેમ આવી રીતે વાત કરે છે?’ મીનાબહેન તરત બોલ્યાં, ‘આ અમારા મા-દીકરા વચ્ચેની વાત છે. તું વચ્ચે ન આવ.’ ગૌરી છોભીલી પડી ગઈ, તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેને થયું પપ્પાના ઘરે બધા કેટલા વિનયથી વાતો કરે છે અને અહીં? હિરેન ગૌરીની આંખોમાં આંસુ જોઈ શાંત થઈ ગયો. મીનાબહેન બબડતાં-બબડતાં રસોઈઘર તરફ ગયાં. ગૌરી તરત તેની પાછળ ગઈ. ‘મમ્મી, લાવો હું ચા બનાવું છું.’ મીનાબહેન છણકો મારીને દૂર જતાં રહ્યાં. લગ્નના પહેલા જ દિવસે આવો કડવો અનુભવ થશે એવી ગૌરીને કલ્પના જ નહોતી. ગૌરીએ ધીમેથી હિરેનને પૂછ્યું, ‘ઘરમાં કોઈ મહેમાન કેમ દેખાતું નથી? મોટીબહેન, ભાઈ-ભાભી, ફૈબા બધાં જતાં રહ્યાં?’ ‘પૂછ તારા સાસુને! તેમની કૃપાથી ઘરમાં કોઈ ટકતું નથી.’ આ સાંભળીને ફરી મીનાબહેન તાડૂક્યાં. હિરેને ગૌરીને ઇશારો કરી ઉપર જવાનું કહ્યું. ગૌરી તો સવારનું આ દૃશ્ય જોઈ ગભરાઈ ગઈ હતી. તેણે તેની નણંદ માયાને ફોન કર્યો. ‘દીદી, તમે કેમ જતાં રહ્યાં?’ માલાએ હસીને કહ્યું, ‘મારે ઘરે કામ આવી ગયું એટલે જલદી આવી જવું પડ્યું. સાંજે ઘરે આવું છું.’ ગૌરી કશું બોલી નહીં. બીજો ફોન તેની જેઠાણી ચેતનાને કર્યો, ‘ભાભી, તમે અને મોટાભાઈ કેમ જતાં રહ્યાં? મારે તમારી પાસે કેટલું શીખવાનું છે?’ ચેતના વ્યંગમાં બોલી, ‘આપણાં સાસુજી ઘરમાં શાંતિથી રહેવા દે તો રહીએ ને!’ ગૌરીને સવારથી નિતનવા આઘાત મળવા લાગ્યા. કેટલી હોંશથી આ ઘરમાં પ્રવેશ કર્યો હતો! કેટલા અરમાન લઈને આવી હતી! હિરેન ત્રણેય ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો, તેથી ગૌરીને હતું મને બહુ જ લાડ મળશે. બપોર સુધી ઘરનું વાતાવરણ શાંત રહ્યું. રસોઈવાળા શાંતાબહેન રસોઈ કરીને જતાં રહ્યાં. ગૌરીનાં લગ્ન ‘ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ’ ની જેમ થયેલાં. ગૌરીના પપ્પા કિશોરભાઈના મિત્ર મારફત વાત ચાલેલી. ઘરમાં બધા ગરમ સ્વભાવના છે એમ જાણવા મળેલું. રાતે માલા અને ચેતના કુટુંબ સહિત જમવા આવ્યાં. તેમને જોઈ મીનાબહેન ભડક્યાં, ‘કોને પૂછીને બધાને જમવા બોલાવ્યા છે? કોઈએ મને લગ્નમાં મદદ નથી કરી. બધા તૈયાર માલે જમવા આવ્યા છે!’ તેણે ગૌરીને ઉદ્દેશીને કહ્યું, ‘તું આ ઘરની મહારાણી નથી થઈ ગઈ. હજુ આ ઘર મારું છે.’ માલા ગૌરીને એક બાજુ લઈ ગઈ. ‘ગૌરી, મમ્મીનો સ્વભાવ ગરમ છે. તે બોલે છે ત્યારે તેને કશું ભાન નથી રહેતું. તું ખરાબ નહીં લગાડતી. મમ્મીને લીધે હિરેનને નહીં છોડતી. તે પણ ગરમ સ્વભાવનો છે. મોટાભાઈ-ભાભી પણ ગુસ્સાવાળાં છે એટલે જુદાં થઈ ગયાં છે.’ ગૌરી સમજી ગઈ કે આ ઘરમાં સંપ નથી. લગ્ન થવાથી ગૌરીનું બેંકમાં ટ્રાન્સફર થઈ ગઇ હતી અને ત્યાં કેશિયર તરીકે જોબ હતી. સાસુ મીનાબહેન સ્કૂલમાં પ્રિન્સિપાલ હતાં. તેમના પતિ હરીભાઈ ગવર્નમેન્ટમાં ક્લાસ-1 ઓફિસર હતાં. તેમનું પાંચેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. હિરેનને તેની જગ્યાએ સર્વિસ મળી ગઈ હતી. ગવર્ન્મેન્ટમાં રહેલા તેથી બંને મા-દીકરાનો રૂઆબ બહુ જ વધી ગયો હતો. ગૌરી પણ સ્વતંત્ર મિજાજની અને અલ્લડ હતી. સવારના ત્રણેયને જોબ પર જવાની દોડાદોડી રહેતી, તેથી નાની-મોટી ચડભડ થયા કરતી. મીનાબહેન પ્રિન્સિપાલ હોવાથી કડક શિસ્તપાલનમાં માનતાં, જ્યારે ગૌરી અલ્લડ હોવાથી તેનું કામ પણ અવ્યવસ્થિત રહેતું. આના લીધે બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા. તેમાં હિરેન પણ ભાગ ભજવતો. આમ લડતાં-ઝઘડતાં છ મહિના થયા હશે ત્યારે એક દિવસ બેંકમાં છૂટવાના સમયે કેશની ગણતરી કરતાં બે લાખ રૂપિયાની ઘટ નીકળી. ગૌરીએ તેના સહાયકને મદદ માટે બોલાવ્યા. પરંતુ તેમને પણ ગણતરી કરતાં બે લાખની ઘટ દેખાઈ. ચારે બાજુ તપાસ કરી, પરંતુ કોઈ મેળ ન પડ્યો. ગૌરી ટેન્શન સાથે ઘરમાં દાખલ થઈ. મીનાબહેન અને હિરેન વચ્ચે દલીલો ચાલતી હતી. પરંતુ ગૌરીએ તેમાં રસ ન લીધો. મૂંગી મૂંગી ખાધું ન ખાધું કરીને ઉપર રૂમમાં જતી રહી. મીનાબહેનને થયું ગૌરી કોઈ ટેન્શનમાં છે, પૂછીશ તો જવાબ નહીં આપે. બે-ત્રણ દિવસ ગૌરી વહેલી બેંકમાં જતી રહે અને મોડેથી સાંજે આવે. ગુમસૂમ થઈ ફર્યા કરે. હિરેન પણ ટેન્શનમાં રહેતો હતો. તેણે હિરેનને પૂછ્યું એટલે હિરેને હકીકત જણાવી. એકાદ દિવસ પછી તેના સહાયકે કહ્યું, ‘ગૌરીમેમ, તમે તમારા બાજુના ડ્રોઅરમાં ચેક કર્યું? જોઈ જુઓ ને!’ ગૌરીએ કહ્યું, ‘મેં બે વખત ચેક કર્યું છતાં જોઈ જોઉં.’ જોયું તો એક પેકેટ નીકળ્યું અને તેમાં બે લાખ પૂરા હતા. તેને નવાઈ લાગી, પણ તેને થયું કે ‘હું થોડી અવ્યવસ્થિત છું તેનું પરિણામ છે. હવે મારે આ પોસ્ટને લાંછન ન આપવું જોઈએ. હવે હું જવાબદાર અને વ્યવસ્થિત થવાનો અભિગમ શરૂ કરીશ.’ પહેલી વખત સાંજે ઘરે પહોંચીને બધા માટે ભાવતી વાનગી બનાવી અને ખુશખુશાલ થઈ આગ્રહ કરી બધાને જમાડ્યા. ગૌરીને છતાં ચેન નહોતું પડતું કે 3 દિવસ સુધી એ પેકેટ મને કેમ દેખાયું નહીં? બીજે દિવસે ફરી તેના સહાયક મનોજને બેંકમાંથી છૂટીને કોફી પીવા આમંત્રણ આપ્યું. કોફી પીતાં-પીતાં ગૌરીના અતિશય દબાણને લીધે મનોજે કહ્યું, ‘મેમ, મારી પાસે મીનામેડમ આવેલાં. હું તેમના હાથ નીચે ભણ્યો છું. તેમણે મને પ્રોમિસ લેવડાવ્યું છે કે હું તમને આ વાત ન જણાવું. પરંતુ તમારા અતિ આગ્રહથી કહું છું કે મીનામેડમ વહેલી સવારે મારા ઘરે બે લાખ રૂપિયાનું પેકેટ લઈને આવેલાં. મને આપતી વખતે તમને નહીં જણાવવાનું પ્રોમિસ લીધેલું. મેમ, મીનામેડમ ગુસ્સાવાળાં છે, પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક મદદરૂપ બહુ જ થતાં. તેમના દિલમાં ભારોભાર પ્રેમ હોય છે.’ આ સાંભળીને ગૌરીને ક્ષોભ થયો કે તે તેનાં સાસુ માટે કેવું વિચારતી હતી! હજુ આ વાત થાય છે ત્યાં શાંતાબહેનનો ફોન આવ્યો, ‘મેડમ બાથરૂમમાં પડી ગયાં છે, ઊભા નથી થઈ શકતાં.’ ગૌરી મારતી ગાડીએ ઘરે પહોંચી. એ પહેલાં તેણે 108માં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી લીધી. તે ઘરે પહોંચી એ દરમિયાન એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. તેમના સ્ટાફે મીનાબહેનને ઊંચકીને એમ્બ્યુલન્સમાં ગોઠવ્યાં અને હોસ્પિટલ પહોંચાડ્યાં. ગૌરી પણ મારંમાર હોસ્પિટલ પહોંચી. તેણે હિરેનને ફોન કર્યો, પણ તે સાઇટ પર હતો તેથી ત્યાંથી નીકળી શકે એમ નહોતો. ગૌરીએ માલા અને ચેતનાને ફોન કરી દીધો. થાપા પરનો બોલ તૂટી ગયો હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી હતું. થોડીવારમાં ઘરના બધા ભેગા થઈ ગયા. ઓપરેશન સરસ રીતે થઈ ગયું. હવે રાતે મમ્મી પાસે કોણ સૂએ એ ચર્ચા શરૂ થઈ. ચેતનાએ કહ્યું, ‘હું સર્વિસ કરું છું. મારે બહુ રજાઓ પડી છે. હવે હું રજા નહીં લઈ શકું.’ ચેતનાએ હાથ ઊંચા કરી દીધા. માલાએ કહ્યું, ‘મને પણ રજા મળી શકે એમ નથી.’ છેવટે રાતે સૂવાની જવાબદારી ગૌરી પર આવી ગઈ. મોડી રાતથી એનેસ્થેશિયાની અસર ઓછી થતાં મીનાબહેનને દુખાવો વધી ગયો, તેથી ગૌરી પણ સૂઈ ન શકી. બીજે દિવસે સવારે ગૌરીએ માલા અને ચેતનાને ફોન કર્યો, ‘તમે કોઈ હોસ્પિટલ આવો તો હું ઘરે ફ્રેશ થઈ આવું.’ પરંતુ બંને કંઈ બહાનું કાઢી છટકી ગયા. હિરેન હોસ્પિટલ આવ્યો એટલે ગૌરી ફ્રી થઈ. દરમિયાન મનોજનો ફોન આવ્યો, ‘મેમ, બે લાખ રૂપિયા મળી ગયા છે. જે પાર્ટી બે લાખ ભરવા આવેલી તેનો ફોન આવેલો કે ઉતાવળમાં મેમને એ બંડલ આપેલું તે બારી પાસે મારાથી ભૂલમાં મારા પાઉચમાં મૂકી દીધું હતું. એ પાઉચ ઘરે કબાટમાં મૂકી બહારગામ જતો રહ્યો હતો. બેંકમાંથી ફોન આવ્યો ત્યારે હું જાણતો નહોતો તેથી મેં ના કહી. ઘરે આવીને પાઉચ જોયું ત્યારે ખબર પડી. મારે ગૌરીમેમની માફી માગવી છે.’ ગૌરીની ખુશીનો પાર ન રહ્યો. તે મીનાબહેનના પગ પકડીને રડતી રહી. મીનાબહેને કહ્યું, ‘ગાંડી, આટલું રડ નહીં. હું તારી મા છું. તને દુઃખી ન જોઈ શકું.’ ગૌરી બોલી, ‘મમ્મી, તમે મારી લાજ રાખી, નહીં તો હું બેંકમાં શું મોં દેખાડત!’ ત્રણ દિવસ ફોન પર માલા અને ચેતના ખબર પૂછી લેતાં. કોઈ મીનાબહેનની સેવા કરવા ન આવ્યાં. ઘરે આવીને મીનાબહેન બોલ્યાં, ‘જોયું, કોઈ મારી પાસે આવ્યું નહીં. હું પાંચ વર્ષથી એકલી ઝઝૂમી છું. બધાને મારા પૈસામાં રસ છે. બંનેને ઘર બનાવી આપ્યા એટલે જુદા થઈ ગયા. છેલ્લાં પાંચ વર્ષથી ત્રણેય સંતાનોએ મારી સંભાળ નથી લીધી. તેથી મારા મનમાં બધા પ્રત્યે કડવાશ આવી ગઈ છે.’ ગૌરી બોલી, ‘મમ્મી, એક વિનંતી કરું? તમે હવે કડવાશ ભૂલીને બધાને માફ કરી દો.’ ‘મને બીક હતી કે તું પણ હિરેનને લઈ જુદી થઈશ. પણ મેં જોયું કે તું અલ્લડ છે, પણ દિલની સારી છે. તું મારા માટે અમૃતનો પ્યાલો બનીને આવી છે. તું બધાને સાથે ચાલીને માનવાવાળી છે. તેં મારી દિલથી સેવા કરી એટલે ખુશ છું.’ બંને એકબીજાને વળગી વહાલ વરસાવી રહ્યાં.
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:હુતુતુતુ : જામી સ્મરણની ઋતુ…
    Next Article
    અપડેટ:એમેઝોન પર ‘ક્રિએટર્સ’ અને ફ્લિપકાર્ટ પર ‘ડ્રામા’: ઓનલાઇન શોપિંગની દુનિયા બદલાઇ રહી છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment