Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:હુતુતુતુ : જામી સ્મરણની ઋતુ…

    1 day ago

    હે હુતુતુતુ જામી રમતની ઋતુ, આપોઆપ એકમેકના થઈને ભેરુ. સારું જગત રમતું આવ્યું ને રમે છે. હુતુતુતુ... તેજ ને તિમિર રમે હુતુતુતુ હુતુતુતુ, પાણી ને સમીર રમે હુતુતુતુ હુતુતુતુ, વાદળની ઓથે બેઠા, સંતાયેલા પ્રભુજીને પામવાને સંત ને ફકીર રમે. હુતુતુતુ... એકમેકને મથે પકડવા સારાનરસા સ્વારડ સાટે, ધમ્માચકડી પકડાપકડી અવળેસવળે આટેપાટે, ખમીરથી ખમીરનો ખેલ રે મંડાયો ભાઈ હોય જગ જાગતું કે હોય સૂતું… હે હુતુતુતુ... મનડાની પાછળ મન દોડે, તનડું તનને ઢૂંઢે; ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે, જાતજાત ભાતભાતના વિચારે દાવપેચ, ક્યારે મળે લાગ અને ક્યારે લૂંટું… હે હુતુતુતુ... ભેરુનો દેખાવ કરીને ખેલ ખેલતાં ઊંચે શ્વાસે, પરને કેમ પરાજિત કરવો, અંતર પ્રગટી એક જ આશે; વિધવિધ નામ ધરી સંસારની કેડી માથે, કાચના ખિલોના રમે સાચું અને જૂઠું… હે હુતુતુતુ... - અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતની મહેફિલ આ ગીત વગર પૂરી ન થાય! HMV કંપનીએ અવિનાશ વ્યાસને રમતીયાળ ગીત રેકોર્ડ કરવાનું ઈજન આપ્યું. અવિનાશ વ્યાસે રમતના ગીતમાં જ ફિલસૂફી ઢાળીને આપણને ગીત આપ્યું. મૂળ તો એના સ્વરકાર ગૌરાંગ અવિનાશ વ્યાસ. પહેલાં મુખડું ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કર્યું, પછી એના અંતરા અને આખું ગીત અવિનાશભાઈએ રચ્યું. હુતુતુતુની રમત જેવું જ જીવન છે ને! શ્વાસ છોડીને ઉચ્છવાસને હરપળે મળવાનું અને જીવવાનું બાજુ પર મૂકીને જીતવાનું! હુતુતુતુ આપણે જ રમીએ છીએ એવું ઓછું છે? અંધારું અને અજવાળું પણ રમે છે, પાણી અને પવન પણ રમે છે, વાદળમાં છુપાઈને રહેતા પ્રભુજી અને એ પ્રભુજીને પામવા મથતા સહુ સંત ને ફકીર પણ હુતુતુતુ રમે છે! આખું જગત હુતુતુતુની રમત છે. આ ગીત સાંભળીએ ત્યારે જેટલું ગમે એટલું જ એને વાંચતી વખતે પણ આપોઆપ જ ગવાઈને આંખો સામે ઉજવાતું જાય એવું છે. એ પણ એક પ્રકારનું હુતુતુતુ જ છે. રમતો હવે આંગણામાં ઓછી રમાય છે. આંગણાં પણ રહ્યાં નથી. જ્યાં રમાય છે ત્યાં તો આંગણાની જરૂર પણ નથી! સ્વરકાર અને કવિ એકમેકમાં ઓતપ્રોત હોય ત્યારે ભાષા અને સંગીત સોળે કળાના પોત સાથે પ્રગટે! આ ગીત ન ગમતું હોય એવો એક પણ ગુજરાતી હશે જ નહીં! નોન-ફિલ્મી રેકોર્ડ થયેલાં ગીતોમાં આ ગીત લોકપ્રિયતાને સૌથી વધુ વિશાળતા અને ઊંચાઈ બક્ષે છે. સારા-ખોટા સ્વાર્થથી, અવળા-સવળા હુતુતુતુની રમત જેવા આટાપાટાથી ખમીરના નામે આખું જગત જાગતાં અને ઊંઘતાં ખેલ જ રમે છે! મનની પાછળ મન, તનની પાછળ તન, ધનની પાછળ ધન અને પ્રપંચ દે ધનાધન... જાતભાતના વિચારો અને દાવપેચમાં લાગ મળેથી બધા લૂંટવા ખડેપગે તૈયાર રહે છે. મુખડામાં ‘ભેરુ’નો અર્થ અને છેલ્લા અંતરામાં ‘ભેરુ’નો અર્થ સમજવા જેવો છે. ભાવકના આકાશની સજ્જતા પર એનો દારોમદાર છે. આશા દરેકને હોય છે પણ બીજાને હરાવવાની હરીફાઈમાં દરેકની દોટ આંધળી છે. કાચનાં રમકડાં છીએ તોય અલગ અલગ નામ ધારીને અને ધરીને બસ સાચું-ખોટું રમ્યા જ કરીએ છીએ. જન્મથી મૃત્યુ સુધી અને ગેરહાજરીમાં સ્મરણ સુધી આ રમત રમાતી જ રહે છે. જ્યારે સાચી સમજ પ્રગટશે કે ‘હું’ નહીં, ‘તું’ જ અગત્યનો છે ત્યારે રમતના નિયમો બહાર જિંદગીની સાચી માવજત માલૂમ પડશે! આ ગીત મૂળ તો મન્ના ડેએ ગાયેલું છે પણ ગૌરાંગ વ્યાસ જે સજ્જતાથી એની રજૂઆત કરતા એ સજ્જતા હંમેશાં સ્મરણના પર્વની ચિરંજીવ સુગંધ બની રહેશે. કલા એના ધારણકર્તા કલાકારને અમર બનાવે છે. આખું ગીત માનવમનના સ્વભાવનું રાષ્ટ્રગીત છે.
    Click here to Read More
    Previous Article
    મરક મરક:મોટાસાહેબ આવેલા બદલાવને ખુરશીની અસર કહેવી કે આડઅસર?
    Next Article
    ટૂંકી વાર્તા:અમૃતનો પ્યાલો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment