Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:મોટાસાહેબ આવેલા બદલાવને ખુરશીની અસર કહેવી કે આડઅસર?

    1 day ago

    ધ્રુવ બોરીસાગર ઓફિસમાં કામ કરવાની ક્ષણો જ આમ તો ઓછી હોય છે છતાં, ઑફિસમાં વિતાવેલા સમયને પણ આપણે ત્યાં લાયકાત ગણવામાં આવે છે. સિનિયોરિટીનું જેટલું મહત્ત્વ ઑફિસમાં આપવામાં આવે છે, એનું પા ભાગનું મહત્ત્વ પણ ઘરમાં આપવામાં આવે તો ઘર વનમાંથી પાવન બની જાય! એકમાત્ર લાયકાત – સિનિયોરિટીના આધારે બનેલા મોટાસાહેબનાં વાણી-વર્તનમાં આવેલા બદલાવની વાત... હોદ્દો સંભાળતાંની સાથે જ મોટાસાહેબે નવાં ટેબલ-ખુરશીઓનો ઑર્ડર આપી દીધો, કારણ કે અગાઉના મોટાસાહેબે જે ટેબલ-ખુરશીઓ પર બેસીને ખાધું હોય એ ટેબલ-ખુરશીઓ પણ ખવાઈ જતી હોય છે! (નંદીએ આપેલી ત્રણ ટાઇમ ખાવાની સૂચનાનું ચુસ્ત પાલન સરકારી ઑફિસોમાં પણ થતું હોય છે!) મોટાસાહેબની ચાલ તો એવી બદલાઈ જાય છે કે કોઈ ધારી ન શકે કે તેઓ કઈ ચાલ ચાલશે! ડાઘ પડી જવાની પૂરી શક્યતા હોવા છતાં, મોટાસાહેબ બન્યા પછી એ સફેદ રંગનાં કપડાં જ પહેરવાનું પસંદ કરે છે, જેમાં દરજીને કહીને ખાસ કિસ્સા તરીકે વધારાનાં બે ચોરખિસ્સાં મુકાવે છે! કારણ અને પરિણામ વગરની કુંવારી મિટિંગ (ટાઇમ પાસ) દરમિયાન વચ્ચે વચ્ચે મોટાસાહેબમાં દુષ્યંતકુમાર પ્રગટ થતા રહે છે – ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહિ, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહિએ, મેરે સીને મેં નહિ તો તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ’. કર્મચારીને આગ લાગે કે ન લાગે પણ, મોટાસાહેબને સાંભળીને સાથીકર્મચારીઓનાં શરીરમાં લાય ચોક્કસ લાગે છે! નોકરીમાં નિષ્ઠા, ગ્રાહકોની સેવા કરવાની ઉચ્ચ ભાવના, ઈમાનદારી સાથે જવાબદારી નિભાવવાની વાતો તો સમજ્યા કે એની વાતો તો કરવી પડે, પરંતુ મિટિંગમાં મોટાસાહેબ ‘બાબુ’માંથી ‘બાબા’ બનીને પોતાના વક્તવ્યમાં શુદ્ધ અને સાત્ત્વિક જીવન જીવવા માટે મોહમાયાનો ત્યાગ કરી, ફળની ચિંતા કર્યા વિના કર્મ કર્યે જવાની વાતો કરે ત્યારે ઑફિસ આશ્રમમાં પરિવર્તિત થઈ જાય છે! ક્યારેક મોટાસાહેબ આક્રોશમાં આવીને ‘ભ્રષ્ટાચાર નાબૂદી’ની એજન્ડા બહારની વાતો પણ મિટિંગમાં કરે ત્યારે કર્મચારીઓને વૈરાગ અને મોક્ષની લાગણી એકસાથે થાય છે! મોટાસાહેબને ‘એથિક્સ’ નામની કામચલાઉ ઊગેલી પૂંછડી કૂતરાની પૂંછડીની જેમ દાટો એટલી વાર જ સીધી રહેશે-વાળો ભરોસો સાથીકર્મચારીઓને ગળા સુધી હોવાથી કાન આડી આંખ કરીને ફરજના ભાગ રૂપે સાંભળતા હોય છે! આવેલા બદલાવને ખુરશીની અસર કહેવી કે આડઅસર? મોટાસાહેબની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ ક્યારેય ‘હા’ કે ‘ના’ નથી કહેતા. એમનાં ઉચ્ચારેલાં વિધાનોમાં રહેલો એમનો હૃદયનો સદ‌ભાવ અને મગજનો વ્યવહારુ ભાવ કામ લઈને આવનાર ભાવકે સમજવો પડે છે. ‘નિયમમાં આવતું હશે તો કામ થઈ જશે.’ – અર્થ : કામને નિયમમાં લાવવા ભાવકે નિયમની બહાર જઈને કંઈક સમજવું પડશે. ‘ફાઈલ મૂકી રાખો, વિચારશું.’ – અર્થ : સાહેબે નહીં, ભાવકે વિચારવાનું કે કામને કેવી રીતે પતાવવું. ‘કામ પાઇપલાઇનમાં છે.’ – અર્થ : પાઇપલાઇનના બ્લૉકેજને દૂર કરવાનું કામ ભાવકનું છે! ‘ઘટતું કરીશું.’ – અર્થ : હજુ કંઈક ઘટે છે તો સાહેબના અભાવને ભાવકે ભાવપૂર્વક (નક્કી થયેલા) દૂર કરવો પડશે! આ બધું સમજવામાં અને સમજીને વિચારવામાં, ભાવક જેટલું મોડું કરશે એટલું કામ વધુ કિંમતી બનતું જતું હોય છે! એકવાર કામ હાથ પર લીધું એટલે કામને પતાવ્યે છૂટકો, પરંતુ આ છૂટકાનો આધાર સામેવાળાના હાથ કેટલા ખૂલે છે એના ઉપર રહેલો છે. મોટાસાહેબ બન્યા પછી ‘એકના બે’ નથી થતા, પણ વ્યવહારની ‘દો ઔર દો પાંચ’ થિયરી સામેવાળાને બરાબર ગળે ઉતારી દે છે. નેટવર્થનો આધાર નેટવર્કની મજબૂતાઈ પર હોવાથી દરેક મોટાસાહેબને જમણા હાથ બહુવચનમાં મળી રહે છે, જેના પર મોટાસાહેબના ચારેય હાથ (આમ તો પગ) હોય છે. મોટાસાહેબની સતત રહેતી ગેરહાજરીમાં પણ કામ ન અટકવાનું કારણ જમણા હાથમાં કરેલું કામ અને દામનું વિકેન્દ્રીકરણ હોય છે! ધરાયેલી પ્રસાદી વહેંચીને જ ખવાય-વાળો નિયમ ઑફિસમાં પણ મોટાસાહેબ ચુસ્ત પાળતા હોવાથી દિલ અને ઘર પછી મોટાસાહેબ ઑફિસને પણ એક મંદિર જ ગણે છે! ‘ઊતર્યો અમલદાર કોડીનો’ આ સત્યની જાણ હોવાથી દરેક મોટાસાહેબ સાત પેઢીને પણ ન ખૂટે એટલું પુણ્ય કમાઈ લેતા હોય છે! આઇસ ક્યૂબ: મોટાસાહેબ બન્યા એટલે અંદરનો દલા તરવાડી જીવતો થાય છે. ‘રીંગણાં લઉં એક-બે?’ તરત એનો અંતરાત્મા જવાબ આપે છે – ‘આપણું જ ખેતર છે, લે ને દસ-બાર!’
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:ભોગવે તેની ભૂલ?
    Next Article
    જીવનના હકારની કવિતા:હુતુતુતુ : જામી સ્મરણની ઋતુ…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment