Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:નીંદર કે આગે જીત હૈ...

    1 day ago

    ચેતન પગી વિશ્વશાંતિના મુદ્દે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય સંમેલન મળી રહ્યું હતું. મોટા દેશોના પ્રમુખો, વડાપ્રધાનો ભાગ લેવાના હતા. તેમને જ્યાં ઉતારો અપાયો હતો એ વૈભવી હોટેલનો શેફ એના રસોઇયાઓને સૂચના આપે છે: ‘સાંભળો, વીવીઆઇપી મહેમાનો માટે એટલું સ્વાદિષ્ટ ભોજન બનવું જોઈએ કે પેટ ભરીને જમ્યા પછી તેમને સરસ મજાની ઊંઘ આવી જાય; કારણ કે વૈશ્વિક શાંતિ માટે આ તમામ નેતાઓ ઊંઘી જાય એ બહુ જરૂરી છે.’ આમ તો આ ઘણી જૂની રમૂજ છે, પણ એમાં ઊંઘનું માહાત્મ્ય સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ‘હું તો 20 કલાક કામ કરું છું અને માત્ર 4 કલાક ઊંઘું છું’ એવી નેતાઓની ડંફાસ સાંભળીને પોરસાવાને બદલે ચિંતા કરવાની જરૂર છે. તમે 8-10 કલાક સારી ઊંઘ લઈને પણ જગતનું ભલું કરી જ શકો છો. કોઈ અકળ કારણોસર આપણે ત્યાં અનાદિકાળથી ‘ઊંઘ’ નામની નૈસર્ગિક, સ્વાભાવિક, રોમાંચક અને તદ્દન આરોગ્યપ્રદ પ્રવૃત્તિને હીણપતભરી નજરે જોવામાં આવે છે. તમે ગહન અભ્યાસ કર્યા વિના એવું તારણ જાહેર કરી શકો છો કે ઊંઘતા માણસો કરતાં જાગતા માણસોએ જ ભારે ત્રાસ વર્તાવ્યો છે (હા, માણસ ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હોય ત્યારે ગરબડ થતી હોય છે). સૂતેલો માણસ ભાગ્યે જ કોઈને નડ્યો છે, સિવાય કે એણે લિફ્ટની અંદર પથારી કરી હોય. જગતમાં જે કંઈ ખુવારી-ખરાબી સર્જાઈ છે એ જાગતા માણસોએ સર્જી છે. કળાના અનેક પ્રકારો છે, પણ એમાં ક્યારેય ઊંઘવાની કળાને સ્થાન અપાયું નથી. પૂરતો અંધકાર ધરાવતા રૂમમાં સફાઈદાર પથારી કરીને એસી કે પંખો ઑન કરી ચાદર ખેંચીને પોઢી જવું કોઈ મોટી વાત નથી. ઑફિસમાં ચાલુ મિટિંગે સગો બૉસ બોલી રહ્યો હોય ત્યારે આંખો ખુલ્લી રાખીને ચપટીક ઊંઘ ખેંચી લેવી એ ખરી કળા છે. બસમાં બારી પાસેની સીટમાં ઊંઘ ખેંચી કાઢવી ઠીક છે, પણ સીટ મળી ન હોય ત્યારે હેન્ડલે લટકીને ઊંઘવું એ ખાવાના ખેલ નથી. આપણે ત્યાં એવો લોકોનો મોટો વર્ગ છે જે કોઈ પણ સિચ્યુએશન, વાતાવરણ, પ્રસંગ કે પરિસ્થિતિમાં ઊંઘી શકે છે. તેમના માટે સમગ્ર વિશ્વ તેમની પથારી છે. ઇન્ડિયાએ જીતવા માટે બે બોલમાં ચાર રન કરવાના હોય ત્યારે પણ તેઓ ઊંઘી શકે છે. આજ સુધી મીઠી નીંદર અને મીઠાં સપનાંથી કોઈને ડાયાબિટીસ થયો નથી. માણસે પ્રગતિ કરવા માટે સપનાં જોવાં જરૂરી છે અને નિદ્રાધીન અવસ્થા સપનાં જોવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ઘણી વાર તમારે અધૂરું સપનું પૂરું કરવા માટે પણ ફરી ઊંઘી જવું પડે છે. ‘પ્રેમ’ને સૌથી સુંદર શબ્દ જાહેર કરનાર ફિલસૂફો, ચિંતકોને બે રાત ઉજાગરા થશે તો ખ્યાલ આવશે કે પૂરતી ઊંઘ એ જાતને પ્રેમ કરવાની સૌથી ઉત્તમ ક્રિયા છે. બપોરે જમ્યા પછી આડા પડવું (વામકુક્ષિ, યૂ નો?) પાચનક્રિયાની સુગમતા માટે ઉત્તમ માનવામાં આવે છે. પણ તેનાથી ઊંઘનારની જ નહીં એના સ્વજનો, સ્નેહીજનો, દર્શનાભિલાષીઓ એમ સૌની તબિયત સારી રહે છે; અને હવે તો ઊંઘનારના મોબાઇલ ફોનને પણ તેનાથી ફાયદો મળે છે. આખો દિવસ આંગળીઓની ઘોંચપરોણથી ત્રાહિમામ્ પોકારી જતા મોબાઇલ ફોનને બપોરે 2-4 કલાકનો આરામ મળે છે. બપોરે સૂવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જ દિવસમાં બે વખત સવાર પડે છે. બપોરની ઊંઘના આટલા વૈવિધ્યસભર ફાયદા હોવા છતાં એ કાયમ વગોવાયેલી રહે છે. ઊંઘની બાબતમાં આપણા સમાજે કાયમ બેવડાં ધોરણો અપનાવેલાં છે. રાતે માણસ જાગતો હોય તો વગોવાય છે અને બપોરે ઊંઘે તો લોકો એને મેણાં-ટોણાં મારે છે (આ વાત રાજકોટને લાગુ પડતી નથી). જે સન્માનનીય દરજ્જો રાતની ઊંઘને મળ્યો છે એ બપોરની ઊંઘને ક્યારેય મળ્યો નથી. રાતની ઊંઘ વિશે ક્યારેય ખુલાસા કરવા પડતા નથી, પણ બપોરની ઊંઘ લીધા પછી કાયમ ‘જરા માથું દુખતું હતું’, ‘તબિયત ઠીક નથી’ કે ‘પેટ ભારે હતું’ જેવાં કોઈ પણ હાથવગાં બહાનાં રજૂ કરવાં પડે છે. આ દર્શાવે છે કે બપોરની ઊંઘને પણ કાયમ તિરસ્કારની નજરે જોવામાં આવે છે. હદ તો એ છે કે બપોરની ઊંઘને એનો ગુમાવેલો—સૉરી, ક્યારેય નહીં મળેલો—દરજ્જો અપાવવા માટે ક્યારેય કોઈએ આંદોલન કર્યું નથી કે વિધાનસભામાં આ વિશે ક્યારેય કોઈ સવાલ પુછાયો નથી. ઇનશૉર્ટ, રાત હોય કે દિવસ, ઊંઘવું જરૂરી છે પણ માપમાં ઊંઘવું વધારે જરૂરી છે. જો ઊંઘ અપૂરતી હશે તો આંખ તળે કુંડાળાં સર્જાઈ શકે છે અને જો માત્ર ઊંઘ્યા જ કરીશું તો બેન્કના ખાતામાં માત્ર કુંડાળાં જોવા મળી શકે છે. ગુડ નાઇટ.
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:શિક્ષક: પ્રલય અને નિર્માણનો શિલ્પી
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, ધન અને મકર રાશિના જાતકોનાં આર્થિક સંકટો દૂર થાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment