Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:યશની સફર અને ‘ટૉક્સિક’

    12 hours ago

    પાર્થ દવે હવે ‘ટૉક્સિક’ ફિલ્મ મિક્સ રિવ્યૂથી આગળ નેગેટિવ રિવ્યૂઝની દિશામાં આગળ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ ટ્રોલ થઈ રહી છે. ‘કેજીએફ’ના બંને ભાગ પછી સુપરસ્ટાર યશની ફિલ્મ, 500 કરોડ ઉપરનું બજેટ, ટિકિટના મોંઘા ભાવ, પાંચ હિરોઇન અને અલ્ટ્રા મસાલાથી ભરપૂર લાઉડ અનાઉન્સમેન્ટ, ટીઝર અને ટ્રેલરઃ આ બધાના કારણે દર્શકોને, ટુ બી પ્રિસાઇસ, યશના ચાહકોને જે અપેક્ષા હતી તે 194 મિનિટની ફિલ્મમાં પૂરી નથી થતી અને તેના કારણે તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ‘ટૉક્સિક’ની રાહ જોતા આ સિવાયના દર્શકો એ હતા જેઓ ફિલ્મના લેખક-ડિરેક્ટર ગીતુ મોહનદાસને ઓળખતા હતા. બાળ કલાકાર તરીકે શરૂઆત કરનાર ગાયત્રી ઉર્ફે ગીતુ મોહનદાસે અભિનેત્રી તરીકે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં અઢળક કામ કર્યું છે. ડિરેક્ટર તરીકે તેમની ‘લાઅર્સ ડાઇસ’ નામક ફિલ્મને 2 નેશનલ એવૉર્ડ મળ્યા છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં બની હતી, જેમાં ગીતાંજલિ થાપા અને નવાઝુદ્દીન સિદ્દીકી હતા. બીજી તેમની ‘મૂથોન’ નામક મલયાલમ ફિલ્મ પણ સનડાન્સ સહિતના ફેસ્ટિવલ્સ ફરી ચૂકી છે. તેમાં જાણીતા મલયાલમ અભિનેતા નિવિન પોલી હતા. ગીતુ મોહનદાસની આ બંને ફિલ્મો લેયર્ડ હતી. કંઈક તત્ત્વ હતું ફિલ્મમાં. હવે ગીતુ મોહનદાસ જેવાં ડિરેક્ટર અને યશ જેવા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા સ્ટાર ઍક્ટર જ્યારે ભેગા થાય ત્યારે ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ચર્ચા રહેવાની. તો કેવી છે પુખ્ત વયના લોકો માટેની પરીકથા ‘ટૉક્સિક’? ફિલ્મ વિશે ચર્ચા કરીએ એ પહેલાં તમને એક રસપ્રદ વાત કહું. આજથી માત્ર 10 વર્ષ પહેલાં કોઈ એમ કહેત કે કન્નડ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે 100 કરોડનો બિઝનેસ કરશે તો આપણા સહિત કર્ણાટકના લોકો પણ તેના પર હસ્યા હોત. તેની વાતને હસી કાઢત. પણ ‘લાલો’ બાદ જેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફ જોવાની (બહારના) લોકોની દૃષ્ટિ બદલાઈ છે તેમ ‘કેજીએફ’ બાદ કન્નડ ઇન્ડસ્ટ્રી તરફ લોકો જુદી નજરે જોતા થયા છે. તમિલ સિનેમામાં રજનીકાંત સહિતના સુપરસ્ટાર્સની બદૌલત પૈસા હતા. મુંબઈની અઢળક ફિલ્મોનું ડબિંગ, મ્યુઝિક, એડિટિંગ વગેરે ચેન્નઈમાં થતું અને હજુ પણ થાય છે. પરંતુ યશની ‘કેજીએફ’ આવી એ પહેલાં કન્નડ સિનેમા માટે 20 કરોડનું બજેટ પણ વધારે માનવામાં આવતું. લોકોને ડાઉટ હતો કે તે પૈસા પાછા નહીં આવે. 2018ના ડિસેમ્બર મહિનામાં એક બસ ડ્રાઇવરના દીકરાની, 80 કરોડમાં બનેલી કન્નડ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં ડબ્ડ વર્ઝનમાં રિલીઝ થઈ. તેના ડિરેક્ટર પ્રશાંત નીલ અને નિર્માતા વિજય કિરાગંદુરને લોકો મૂર્ખ કહી રહ્યા હતા. પણ તેમની પાસે વિઝન હતું. તેમણે ‘એક દિવસ હું ગ્લોબલ સ્ટાર બની શકું છું’ કહેતા અભિનેતા ઉપર દાવ લગાવ્યો હતો અને તે દાવ ખરો ઊતર્યો. ‘કેજીએફ’ બ્લૉકબસ્ટર રહી. (પછી તો ‘કાંતારા’, ‘કેજીએફ ચેપ્ટર 2’, ‘વિક્રાંત રોણા’, ‘સુ ફ્રોમ સો’, ‘777 ચાર્લી’ અને ‘કુરુક્ષેત્ર’ સહિતની બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવનારી કન્નડ ફિલ્મો આવી.) નવીન કુમાર ગૌડા ઉર્ફે યશની વાર્તા પરીકથા સમી છે. બાળપણમાં તોફાની અને જિદ્દી. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં નોકરી કરતા પિતાનો દરરોજ માર ખાવો. એક દિવસ ભણવાનું છોડી દેવું. ઘરેથી ભાગવાની ધમકી આપવી. પ્રોવિઝન સ્ટોરમાં કામ કરવું. એક દિવસ પપ્પાએ કહી દીધું કે ઘરેથી નીકળ પછી પાછો આવતો નહીં! અને એક દિવસ ઘરેથી ભાગી જવું! મોટા શહેર બેંગ્લુરુમાં રહેવું. થિયેટરમાં બૅકસ્ટેજ કામ કરવું. દિવસના 50 રૂપિયાનો પગાર. ધીમે-ધીમે ટીવી સિરિયલ સુધી પહોંચવું. ફિલ્મોમાં સાઇડ રોલ કરવો. 2008માં ‘રૉકી’ નામની ફિલ્મમાં લીડ રોલ કરવો. યશનું નામ થઈ રહ્યું હતું અને ત્યારે પણ તેના પિતા અરુણ કુમાર બસ ચલાવીને ખુશ હતા. તેમનું માનવું હતું કે તું તારું કામ કર, ઇજ્જત કમા; હું મારું કામ કરીને ઇજ્જત કમાઈશ! અને સોનાની ખાણની કાલ્પનિક વાર્તા કહેતી પ્રશાંત નીલની ‘કેજીએફ’માં રૉકીભાઈનું કૅરેક્ટર ભજવવું અને પછી કહે છે તે થયું: રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અધધધ બજેટમાં બનેલી ‘ટૉક્સિક’ પહેલા દિવસના બમ્પર ઓપનિંગ બાદ નિષ્ફળ પુરવાર થઈ છે. બની શકે કે વર્ષો પછી ફિલ્મ ચોક્કસ લોકોને કલ્ટ લાગે. અત્યારે તો લોકોને ફિલ્મની લાઉડનેસ, તદ્દન બિનજરૂરી સેક્સ્યુઅલ દૃશ્યો, ભંગાર કક્ષાનું ડબિંગ અને ક્યાંક ક્યાંક વાર્તા નથી ગમી. લોકો એન્ગેજ નથી થઈ શક્યા ફિલ્મ સાથે. એકસાથે ઘણુંબધું ઘટે છે, ભવ્યતા સાથે અને તેમાં કનેક્શન ફેક્ટર ખોવાઈ ગયું છે. આટલા બધા તામજામ ને લાર્જર ધેન લાઇફ ગૅન્ગસ્ટરની વાર્તા પાછળ ગીતુ મોહનદાસ મૂળ વાત, માનવમનના બે સૌથી જટિલ પાસાંની કરે છે. એક તો ગિલ્ટ—અપરાધભાવ. બંદૂકથી લોકોની કતલેઆમ કરતા ગૅન્ગસ્ટર રાયાનું બાળપણ સારું નથી રહ્યું. આમ તો બાળપણ જ નહોતું તેનું! રાયા અને તેની બહેન સીધાં મોટાં થયાં છે. રાયાને તેનાં માતા-પિતા માટે, મોટા થયા પછી બહેનને લઈને, પોતાની પત્ની અને દીકરાને લઈને અપરાધભાવ છે અને તે સામાન્ય પીડા નથી. એટલી પીડા છે કે તેના કારણે તે પોતાનાથી ભાગી રહ્યો છે. બીજી વાત એ છે કે તેના કારણે તે પોતાની સાથે લડી રહ્યો છે. તેને પોતાને માફ કરવો છે, પણ કરી નથી શકતો. તેને પોતાની ભૂલ સુધારવી છે, પણ સુધારી નથી શકતો. આ બાબત ફિલ્મમાં છેલ્લા કલાકમાં ઊઘડે છે, પણ ત્યાં સુધી દર્શકોની ધીરજ ખૂટી ચૂકી છે! દીકરો અને પિતા બંને પાત્ર યશે મજબૂતાઈથી ભજવ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:ટુકડા ટુકડામાં અધૂરું જીવી જવું
    Next Article
    વિકાસની વાટે:ટેક્નોલોજીની સરહદો અને માણસના આત્માનો સાદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment