Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:ટેક્નોલોજીની સરહદો અને માણસના આત્માનો સાદ

    13 hours ago

    હસમુખ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીમાં અમારી તાલીમ ચાલી રહી હતી ત્યારે ત્યાં સંસ્થાના વડા તરીકે એક ખૂબ જ પ્રામાણિક અધિકારીની નિમણૂક થઈ હતી. ઘણું સારું કામ કરવાની તેમની કોશિશ હતી. તેમના કાર્યકાળમાં એવું કહેવાતું કે દરેક વર્ગમાં જે પ્રવૃત્તિ થાય તે તેઓ પોતાની કચેરીમાંથી સાંભળી શકતા. જોકે એ સમયે સીસીટીવી કેમેરા જેવી કોઈ ચીજ નહોતી, આથી આવું થતું હતું કે નહીં તેની ખબર નથી; પરંતુ તેઓ તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકો સાથે વિશ્વાસપૂર્વકના સંબંધો બાંધી તેમના આત્માને જગાડવામાં અસફળ રહ્યા હતા. આવી રીતે સિનિયર આઈપીએસ અધિકારીઓ પર નજર રાખવાનો વિચાર માત્ર મારે માટે અસહ્ય હતો. હું તેને અભિવ્યક્તિની આઝાદી તથા વિશ્વાસના મુદ્દા તરીકે જોતો હતો. તેનાં 20 વર્ષ પછી જ્યારે સીસીટીવીનું ચલણ વધી રહ્યું હતું ત્યારે મારી દીકરીની શાળામાં સીસીટીવી કેમેરા મૂકવાની ચર્ચા થઈ રહી હતી ત્યારે પણ મને તે રુચ્યું ન હતું. મારું માનવું હતું કે બાળકોમાં શિસ્ત લાવવા માટે સીસીટીવી ન હોય, એ માટે તેમની સાથે સંબંધ બાંધવો પડે. સીસીટીવીને કારણે શિક્ષકો-બાળકો ગભરાય, મુક્ત મને વિહરી ન શકે. આજે શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં, જીવનનાં અનેક ક્ષેત્રોમાં સીસીટીવી કેમેરા સામાન્ય થઈ ગયા છે. આશા રાખીએ કે તેને લીધે બાળકોની આઝાદીને અસર નહીં થતી હોય અને તેનો ઉપયોગ બાળકો અને સંસ્થાના પ્રાંગણની સલામતી માટે જ થતો હશે. સીસીટીવી અને એવી ટેક્નોલોજીનો ઉપયોગ ખાનગી કંપનીઓ તથા સરકારના વહીવટની અસરકારકતા વધારવા, સેવાની ગુણવત્તા સુધારવા તથા ભ્રષ્ટાચાર ઘટાડવા કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે શાળાકીય શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવા ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ બન્યું છે. આંગણવાડીમાં બાળકોને ખોરાક બરાબર આપવામાં આવે છે તથા બાળકોની હાજરીના પ્રમાણમાં જ ખર્ચ ઉધારવામાં આવે છે કે કેમ તેની ખાતરી કરવા માટે ત્યાંથી ફોટો મગાવવા જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાય છે. એ જ રીતે વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીને મળે તથા કામ થયું હોય તો જ પૈસા ચૂકવાય, કર્મચારીઓ સમયસર કામ પર આવે અને સમય પૂરો થાય ત્યારે જ કાર્યસ્થળ છોડે તે સારું ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. સેવાઓની ગુણવત્તા સુધારવા કે ભ્રષ્ટાચાર નિવારવા ટેક્નોલોજીનો ઉપયોગ ખૂબ સારી બાબત છે, પણ ટેક્નોલોજી માણસની જગ્યા નહીં લઈ શકે. ટેક્નોલોજીથી માણસ ઉપર દેખરેખ રાખી શકાય, ડરાવી શકાય, પણ તેને બદલી ન શકાય. તેને કામ કરવા મજબૂર કરી શકાય, પ્રોત્સાહિત ન કરી શકાય. નિયમો મુજબનું લઘુત્તમ આપવા તેને ફરજ પાડી શકાય, તેને મહત્તમ આપવા પ્રેરિત ન કરી શકાય. જો માણસનો આત્મા જાગે, જો તેને તેનું કામ બદલાવનું કારણ લાગે તો તે દુનિયા બદલી શકે. પોતાના કામ દ્વારા લોકોનાં આંસુ લૂછી શકે, તેમના જીવનમાં અજવાળું કરી શકે. આનાથી ઊંડા સંતોષની લાગણી થાય છે, જીવન સાર્થક બને છે તેવો અહેસાસ થાય ત્યારે વ્યક્તિ ટેક્નોલોજીના ડરથી નહીં, પોતાની ઇચ્છાથી પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશે. કામ નોકરી કે આવકનું માધ્યમ મટી સેવાયજ્ઞ બની જશે. માણસની ભલાઈમાં વિશ્વાસ રાખનાર, તેનો આત્મા જગાડવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ આ કરી શકશે, ટેક્નોલોજી નહીં કરી શકે. ટેક્નોલોજીની બીજી મર્યાદા એ છે કે તે સારા અને ખરાબ બંનેને એક જ લાકડીએ હાંકે છે. આવું કેન્દ્ર શાળામાં સમયસર ન આવનાર શિક્ષકોને સમયસર આવવા મજબૂર કરી શકે, પરંતુ સાથે સાથે પોતાનું શ્રેષ્ઠ આપનાર શિક્ષકોમાં પોતાના કામની કદર ન થતી હોવાની લાગણી જન્માવી શકે. આ લાગણી દૂર કરવા માટે લોકો સાથે સંવાદનો સેતુ બાંધવો પડે. ટેક્નોલોજી પાછળ જેટલું ખર્ચવામાં આવે છે તેનાથી અનેકગણો ખર્ચ સારા કાર્યકર્તાને બિરદાવવામાં, તેમને વધુ સારું વાતાવરણ આપવા અને અન્ય લોકો તેમનાથી પ્રેરિત થાય એવા પ્રયત્નોમાં લગાડવો જોઈએ. સંસ્થાના વડાનું ધ્યાન ટેક્નોલોજીના બદલે માણસ પર હોવું જોઈએ. જો માણસો પોતાના કામમાં ગૌરવ અનુભવશે તો તેમને યંત્રોના નિયંત્રણ નીચે નહીં મૂકવા પડે. માણસો પર યંત્રો રાજ કરતા હોય એ શરમજનક છે. જો આંગણવાડીનાં બહેનને લાગે કે તેમના ખોળામાં બાળકૃષ્ણ, બાળગાંધી કે બાળમહાવીર ઊછરી રહ્યા છે તો તેમની પાસે ફોટા મગાવવાની જરૂર ન પડે. તેઓ દરેક બાળકને ભગવાનની જેમ પૂજશે. આ વાત ટેક્નોલોજીનો વિરોધ કરવાની કે અવગણવાની નથી. તેનો ઉપયોગ કરવો જ પડે, પણ તેને લીધે માણસ પર કામ કરવાનું ભુલાઈ ન જવું જોઈએ. આ વિશે ગાંધીજીનું એક અવતરણ વિચારવા જેવું છે. તેઓ કહે છે, ‘પશ્ચિમના સમાજવાદ અને સામ્યવાદનું મંડાણ જેના ઉપર થયેલું છે તે વિચારો અને આપણા વિચારો પાયામાંથી જુદા પડે છે. તેમનો એક વિચાર એવો છે કે માણસ મૂળે સ્વાર્થી છે. તેમની આ વાત સાથે હું સંમત થઈ શકતો નથી, કારણ કે હું જાણું છું કે મનુષ્ય અને પશુ વચ્ચે જે મૂળ ભેદ છે તે એ છે કે મનુષ્ય તેના આત્માના અવાજનો ઉત્તર આપી શકે છે.’ (અમૃત બજાર પત્રિકા, 2-8-1934)
    Click here to Read More
    Previous Article
    મૉન્ટાજ:યશની સફર અને ‘ટૉક્સિક’
    Next Article
    મજાતંત્ર:મિટિંગમાં છું, પછી કૉલ કરું…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment