Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:ટુકડા ટુકડામાં અધૂરું જીવી જવું

    12 hours ago

    એક ઑફિસમાં સાથે કામ કરતા થોડા મિત્રો રોજ સાંજે ઘેર જતા પહેલાં ગલીના નાકે આવેલી ચાની રેકડી પાસે ઊભા રહેતા. ચા પીતાંપીતાં એ લોકો ઑફિસમાં ચાલતી ખટપટની, રાજકારણની, શેર બજારની, ક્રિકેટના સ્કોરની, સામાજિક પરિસ્થિતિની, કૌભાંડોની, ભ્રષ્ટાચારની અને ક્યારેક એમના અંગત જીવનની વાતો કરતા. એમની મોટા ભાગની વાતોમાં અસંતોષ, ફરિયાદ અને હતાશાનો સૂર વધારે રહેતો. ચાની રેકડીનો વૃદ્ધ માલિક એમની વાતો ચુપચાપ સાંભળ્યા કરતો. એક દિવસ એનાથી રહેવાયું નહીં. એણે પૂછ્યું: ‘તમે બધાં ક્યાં જવા માગો છો?’ બધા હસી પડ્યા, પરંતુ પાછળથી એમને સમજાયું કે એણે ખૂબ ગંભીર અને ગહન સવાલ પૂછ્યો હતો – તમારા જીવનની દિશા શી છે? એ સવાલ દરેક વ્યક્તિએ પોતાને પૂછવા જેવો છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આજે માનવજીવન સુવિધાવાળું, કાર્યક્ષમ અને ઝડપી બની ગયું છે. લોકો જીવનમાં શ્રેષ્ઠ પામવા માટે પ્રયત્નો કરે છે. તેમ છતાં એની સમાંતરે ન સમજાય એવી બેચેની પણ અનુભવી રહ્યા છે. એમને થાય છે કે જીવનમાં બધું બરાબર છે, છતાં કશુંક ખૂટે છે, કશુંક અધૂરું રહી જાય છે એ શું છે? એ ‘અધૂરાપણા’ને ચોક્કસ નામ આપવું મુશ્કેલ છે. મોટા ભાગના લોકો એમના જીવનમાં શું ખૂટે છે તે પકડી શકતા નથી. ક્યારેક તો એ લાગણી માત્ર અહેસાસ બનીને રહી જાય છે. વાસ્તવમાં એ અધૂરપ કે કોઈ કમી જીવનમાં હોતી નથી, વ્યક્તિની અંદર હોય છે અને એને સમજવાની એની તૈયારી હોતી નથી. કદાચ કમી એટલા માટે લાગે છે કે આપણું જીવન અલગ અલગ ટુકડામાં વિભાજિત થઈ ગયું છે. એક ટુકડો આપણા વ્યવસાયનો છે, બીજો ટુકડો આપણા પરિવારનો છે અને અન્ય ટુકડાઓમાં આપણી મહત્ત્વાકાંક્ષાઓ, આપણા ડર, આપણી સામાજિક છબી, આપણી નિરાશાઓ અને વર્ષો પહેલાં અધૂરાં છોડી દીધેલાં સપનાંનો કાટમાળ પડ્યો હોય છે. એ બધું સાથે મૂકીને જોવાની આવડત અને તૈયારી આપણે ચૂકી જવા લાગ્યા છીએ. દેખીતી રીતે કશું બનતું ન હોય, છતાં દરેક વ્યક્તિના ટુકડાઓમાં વહેંચાયેલા જીવનમાં સતત ચાલતી રહેતી નાની-મોટી બાબતોમાં એ દેખાઈ આવે છે. મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ પદવીની જવાબદારી સંભાળતી એક મહિલા ઓફિસના કોલની સાથે રાતનું ભોજન બનાવે છે. એક દીકરો એના પિતાની વાત સાંભળતાં સાંભળતાં માથું હલાવીને હા પાડે છે, પરંતુ એનું ધ્યાન એના મોબાઇલના સ્ક્રીન પર જ હોય છે. મિત્રો મહિનાઓ પછી મળે છે, છતાં તેઓ એમનો મોટા ભાગનો સમય મુલાકાતનો આનંદ માણવાને બદલે ફોટા પાડવામાં વિતાવી દે છે. સાથે હોઈએ, છતાં જોડાયેલા ન હોઈએ એ આજના સમયની વિડંબના છે. એકબીજા સાથે જોડાયેલા રહેવાની આટલી બધી સુવિધાઓ આપણી પાસે પહેલાં ક્યારેય નહોતી, છતાં લોકો પોતાની જાતથી પણ કપાયેલા અનુભવે છે. લોકો એમની દરેક જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવાની કોશિશ કરે છે, છતાં અંદરની જીવંતતા જાણે કરમાતી જાય છે. આપણે બીજાની નજરે શ્રેષ્ઠ બનવાના પ્રયત્નોમાં જાતથી વધારે દૂર થતા જઈએ છીએ. આપણે બીજા લોકોને જોઈને વધારે પૈસા કમાવાના, સ્પર્ધા કરવાના, લોકોને પ્રભાવિત કરવાના નુસખા શીખવવા પાછળ શક્તિ ખરચી નાખીએ છીએ અને પોતાને વેરણછેરણ કરતા રહીએ છે. પરિણામે આપણી ઓળખ ટુકડા ટુકડામાં વિખેરાઈ જાય છે અને અધૂરું અધૂરું જીવવું પડે છે. હિન્દીના સુપ્રસિદ્ધ લેખક સ્વ, મોહન રાકેશનું નાટક ‘આધે-અધૂરે’ યાદ આવે છે. એ નાટકનાં પાંચે પાંચ પાત્રો એમનામાં ઘર કરી ગયેલાં અસંતોષ, એકલવાયાપણું, તણાવ અને તૂટેલા સંબંધોના ટુકડા શોધે છે. પતિ મહેન્દ્ર પાસે નોકરી નથી અને એ જીવનમાં કશું પણ કરવા માટે જરૂરી આત્મવિશ્વાસ ખોઈ બેઠો છે. આખા પરિવારનો આર્થિક બોજ પત્ની સાવિત્રી પર આવી પડ્યો છે. એ બીજા પુરુષોમાંથી પૂર્ણ પુરુષ શોધવાની નિષ્ફળ કોશિશ કરતી રહે છે. મોટી દીકરી એના લગ્નજીવનમાં સુખી નથી. મોટો દીકરો દિશાહીન થઈ ગયો છે. સૌથી નાની દીકરી ઘરના નકારાત્મક વાતાવરણમાં મૂંઝાય છે. આ નાટકનું દરેક પાત્ર અંદરથી અધૂરું છે અને તેઓ પોતાની અધૂરપને સમજ્યા વિના ઘરનાં બીજાં લોકોમાં પૂર્ણતાની અપેક્ષા રાખે છે. કદાચ પૂર્ણતાની શોધ ક્યારેય પૂરી થતી નથી. આપણે ભ્રમમાં જીવીએ છીએ કે હજી એક વધારે સફળતા મેળવ્યા પછી કાયમી ખુશી મળી જશે. જીવન આપણને વારંવાર યાદ અપાવે છે કે બહારની સફળતાઓ જીવનને સમૃદ્ધ બનાવી શકે છે, પરંતુ અંદરથી જોડી શકતી નથી. ટુકડા જોડી દેવાથી કશું પણ પૂર્ણ બનતું નથી. વાયોલિનના બધા જ તાર સૂરમાં હોય ત્યારે જ એમાંથી મધુર સંગીત પ્રગટે છે. જો એક પણ તાર બેસૂરો રહી જાય તો સંગીતની સમગ્ર અસર ઊભી થતી નથી. માનવ જીવન પણ કંઈક એવું જ છે. કામ, સંબંધો, સ્વાસ્થ્ય, સપનાં, મૂલ્યો, નવરાશનો સમય, શાંતિ અને પ્રેમ – એ બધા અલગ અલગ હિસ્સા નથી. જીવનરૂપી વાજિંત્રના સૂરીલા તાર છે. ચાની રેકડીના ચલાવતા પેલા વૃદ્ધે સાદો-સરળ સવાલ પૂછ્યો હતો – તમે ક્યાં જવા માગો છો? એ મંજિલ વિશે પૂછતો નહોતો. એ જણાવતો હતો કે સંપૂર્ણ જીવનની શોધમાં આપણે પોતાની જાતથી દૂર થઈ ગયા છીએ. કોઈનું પણ જીવન ખામીઓ, નુકસાન કે અધૂરાં સ્વપ્નોથી મુક્ત હોતું નથી. એ સ્થિતિ માણસ હોવાનો એક ભાગ છે. જીવન આધું-અધૂરું રહી જાય છે એ દુર્ઘટના નથી. એમાં રહેલી અધૂરપને પૂરી કરવાના પ્રયાસો જ જીવનનું બીજું નામ છે. અધૂરા જીવન અને અધૂરી વ્યક્તિ વચ્ચે મોટો તફાવત હોય છે. જીવન આપણને બહુ ઓછું આપતું હોય તો એ મોટી અધૂરપ નથી, આપણને પોતાને જ ટુકડા ટુકડામાં અધૂરું જીવી જવું કોઠે પડી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:શિક્ષકનું ષડ્દર્શન
    Next Article
    મૉન્ટાજ:યશની સફર અને ‘ટૉક્સિક’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment