Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:શિક્ષકનું ષડ્દર્શન

    11 hours ago

    રામચરિતમાનસ’માં શ્રી હનુમાનજી ઉત્તમ શિક્ષક છે. ભાવની દૃષ્ટિએ, ભાષાની દૃષ્ટિએ, એની ભૂમિકાની દૃષ્ટિએ એમનું જે ભદ્રપણું, એમની જે દક્ષતા એ લક્ષણોમાં મારે હનુમાનજીનાં દર્શન કરવાં હોય તો હું શિક્ષક તરીકેનાં દર્શન કરું. હનુમાનજી શિક્ષક છે. સરસ્વતી તો શિક્ષકોની આરાધ્યા ગણાય. એટલે તો શાળાઓને સરસ્વતીનું મંદિર કહીએ છીએ. પણ એના કોઈ કુળદેવતા હોય તો તે હનુમાનજી છે. હનુમાનજીને એક વાનરનું રૂપ આપીને એક શિક્ષકનું ચરિત્ર દર્શાવ્યું છે. વાનરને એક પૂંછ હોય, પ્રત્યેક શિક્ષકને એક પૂંછ હોવી જોઈએ. શાસ્ત્રોમાં પૂંછનો અર્થ છે પ્રતિષ્ઠા. શિક્ષક પ્રતિષ્ઠિત હોવો જોઈએ. પોતાની પ્રતિષ્ઠાને હાનિ થાય એવું એક પણ કદમ શિક્ષકનું ન હોવું જોઈએ. તો તેની પ્રતિષ્ઠા એ તેની પૂંછ છે. બીજું, હનુમાનજી શિક્ષક એટલા માટે છે કે વાનર એક ડાળ પર ન બેસે, તેમ શિક્ષક એક જ શાખા પર બેસતો ન હોવો જોઈએ. શિક્ષકોએ બધા જ વિષયોને સ્પર્શ કરવાનો છે. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠોમાં દેશ-વિદેશના દસ-દસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા. એક સમયે આ શિક્ષણસંસ્થાઓની વિશ્વમાં આરતી ઊતરતી હતી. એના જે કુલપતિ હોય તેને તમામ વિદ્યાઓનું જ્ઞાન હોય. તેને બધી જ શાખાઓનું જ્ઞાન હોય. ત્રીજું, હનુમાનજીને એટલા માટે શિક્ષક કહું છું કે હનુમાનજી બચપણથી જ સૂર્યને ગળવા માટે ઉડાન ભરે છે. શિક્ષકને નિમણૂક મળે તે તેનું બાળપણ છે. ત્યારથી તેણે પ્રકાશને પકડવા માટે છલાંગ લગાવવાની શરૂ કરવી જોઈએ કે મારે પ્રકાશ, જ્ઞાન, તેજસ્વિતા જોઈએ છે. ચોથું, જેમ હનુમાનજી હંમેશાં પાછળ રહે છે, તેમ શિક્ષકે હંમેશાં પાછળ રહેવું જોઈએ. મારો સમાજ આગળ રહે, મારામાં સામર્થ્ય છે તો હું પાછળ રહીને સમાજની પ્રગતિમાં ધક્કો મારીશ. સમાજમાં પાછળ રહેવાની વૃત્તિ રાખશે તેને અસ્તિત્વ ક્યારેક ખોબો ભરીને દેતું હોય છે. શિક્ષકનું આ એક લક્ષણ છે કે પાછળ રહેવું. ‘સુંદરકાંડ’ના મંગલાચરણમાં લખ્યું છે, ‘અતુલિતબલધામં હેમશૈલાભદેહં.’ શ્રી હનુમાનજીનો વિગ્રહ સોનાનો વિગ્રહ છે. સમાજમાં ઘણા માણસો સોનાના હોય. ગમે તેવી મુશ્કેલી આવે તો તેઓ વધુ તેજસ્વી બને. ગમે તેવી ભીનાશ આવે, ડુબાડી દેવાનો સમય આવે તો પણ તેમના જીવતરને કાટ ન લાગે. એવું એક શિક્ષકનું ગૌરવ છે. મારી પહેલી પસંદગી શિક્ષક થવું તે હતી અને હું શિક્ષક થયો તેનો આનંદ છે. શિક્ષકે પોતાના જીવનમાં છ પ્રકારની નિષ્ઠાનું સેવન કરવું જોઈએ. પહેલી નિષ્ઠા છે સ્વનિષ્ઠા. પોતાને પોતાના પર નિષ્ઠા હોવી જોઈએ. મારા શિક્ષકપણાની નિષ્ઠા હું ખંડિત નહીં થવા દઉં. આપણી સ્વનિષ્ઠા મજબૂત હોવી જોઈએ. બીજું, આપણી પારિવારિક નિષ્ઠા મજબૂત રહેવી જોઈએ. શું કામ ઉપનિષદોએ નિષ્ઠાનું સ્થાપન કર્યું? ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ.’ આ પારિવારિક નિષ્ઠા છે. શિક્ષકમાં પારિવારિક નિષ્ઠા હોવી જોઇએ. માતા-પિતા, ભાઈ-બહેન પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ. ત્રીજી નિષ્ઠા સામાજિક નિષ્ઠા છે. ઘરમાંથી બહાર નીકળી મારે અને તમારે સામાજિક નિસબત દાખવવાની છે. શિક્ષકોએ સામાજિક કામ કર્યું છે તેનો મને આનંદ છે. સમાજમાં મોટા થવું એ સારું છે, સારા થવું એ પણ સારું છે, પણ સારાપણાના ભોગે મોટા ન થવું જોઈએ. સારાપણાનું બલિદાન આપી આપણે મોટા થઈએ એ આપણને દુઃખ આપશે. હું આને શિક્ષકનું ષડ્દર્શન કહું છું. આ છ દર્શન છે. શાળાને પણ તમે પરિવાર માની શકો છો. પોતાના વર્ગને પણ પારિવારિક નિષ્ઠાથી જોવો જોઈએ. ચોથી નિષ્ઠા છે રાષ્ટ્રનિષ્ઠા. શિક્ષકે આ રાષ્ટ્રનિષ્ઠા કેળવીને કેળવણીમાં બાળકો સુધી પહોંચાડવાની છે. આ બહુ જ જરૂરી છે. અભિમાનની નહીં, પણ સ્વાભિમાનની જરૂર છે. પાંચમી નિષ્ઠા છે વૈશ્વિક નિષ્ઠા. આખા વિશ્વ પ્રત્યે આપણી નિષ્ઠા હોવી જોઈએ. છઠ્ઠી નિષ્ઠા છે આધ્યાત્મિક નિષ્ઠા. ધાર્મિક નિષ્ઠા નહીં, આધ્યાત્મિક નિષ્ઠા, કારણ કે હિંદુ, મુસ્લિમ, જેને દરેકને પોતાના ધર્મમાં નિષ્ઠા હોય છે. જેમ દીવામાં દિવેલ ઓછું હોય તો તે ઓછો બળે, ઝાંખો બળે. હવામાં ધ્રૂજતો હોય, પણ એ સત્યનો દીવો હોય તો દૂરથી દેખાય. જેની અધ્યાત્મનિષ્ઠા પરિપક્વ હોય તે શિક્ષક દૂરથી દેખાતો હોય છે. તો સ્વનિષ્ઠા, પારિવારિક નિષ્ઠા, સામાજિક નિષ્ઠા, રાષ્ટ્રીય નિષ્ઠા, વૈશ્વિક નિષ્ઠા, આધ્યાત્મિક નિષ્ઠા એ શિક્ષકનું ષડૈશ્વરીય રૂપ છે. એ આવું ઐશ્વર્ય જેનામાં આવે છે તે હનુમાનજી જેવો શિક્ષક બની શકે છે; સોનાનો શિક્ષક બની શકે છે, જેને સમાજની કોઈ ગરમી મ્લાન નથી કરી શકતી; કોઈ પાણી તેને કાટ નથી લગાડી શકતું. (સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:‘લિવ ઈન’ એટલે લફરાબાજી નહીં જ…
    Next Article
    ડૂબકી:ટુકડા ટુકડામાં અધૂરું જીવી જવું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment