Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:‘લિવ ઈન’ એટલે લફરાબાજી નહીં જ…

    10 hours ago

    આ દેશનું નામ ભારત, શકુંતલા અને દુષ્યંતના પુત્ર ‘ભરત’ના નામ પરથી પડ્યું છે. શિકારે નીકળેલા એક રાજાને વનમાં રહેતી એક કન્યા સાથે પ્રેમ થાય, એ ગાંધર્વ લગ્ન કરે, છોકરીને પ્રેગ્નન્ટ કરે અને ચાલી જાય... એની ગર્ભવતી પત્ની જ્યારે એની પાસે પહોંચે ત્યારે રાજા એને કન્વિનિયન્ટલી ભૂલી જાય! એ દુર્વાસાનો શાપ હતો એમ ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ની કથા કહે છે, પરંતુ આજના સમયમાં આવાં ગાંધર્વ લગ્નો, લિવ-ઇન અને પ્રણય સંબંધો પછી પ્રેગ્નન્ટ થયેલી છોકરીને ભૂલી જનારા પ્રેમીઓની સંખ્યા ઓછી નથી. છેલ્લા થોડા સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે કે નાના ગામમાં કે બી-સી ટાઉનમાં રહેતા પરિવારની દીકરીઓ જ્યારે ભણી-ગણીને મેટ્રોમાં નોકરી કરવા જાય છે ત્યારે એમના પ્રેમસંબંધો ઝડપથી લિવ-ઇનમાં પરિણમે છે. માતા-પિતા જાણતા પણ ન હોય કે એમનો દીકરો કે દીકરી મેટ્રોમાં કોઈની સાથે એક જ ફ્લેટમાં-એક જ ઘરમાં રહે છે. જૂનવાણી કે રૂઢિચુસ્ત માતા-પિતાને જ્યારે આ સત્યની જાણ થાય ત્યારે પરિવારમાં ધરતીકંપ આવે, રડારોળ થાય, દીકરી કે દીકરાના ચારિત્ર્ય પર આક્ષેપો થાય, ક્યારેક પરિવાર સાથેનો સંબંધ પણ તૂટી જાય. લિવ-ઇનમાં રહીને છૂટી પડેલી છોકરીના ચારિત્ર્ય વિશે જાતભાતની ચર્ચા થાય છે, પરંતુ પુરુષ તો પોતાના હાર્ટ બ્રેક અને છેતરપિંડીની કથાઓ કહીને ‘નિર્દોષ’ નીકળી જાય છે. સ્ત્રીના ચારિત્ર્યનો સીધો સંબંધ વર્જિનિટી સાથે છે એવું માનતા લોકો આજે પણ ઓછા નથી, જ્યારે પુરુષ જેટલી વધુ ગર્લફ્રેન્ડ્સ બનાવે-સંબંધો (લગ્ન પહેલાં કે પછી) બાંધે એ કોઈ મોટા અચીવમેન્ટની જેમ પોતાના સંબંધોની ચર્ચા કરે છે અને લોકો એને બિરદાવે છે. શારીરિક આકર્ષણ, ઇન્ફેચ્યુએશન, વિદ્રોહ કે કશું સાબિત કરવાના વિચારથી લિવ-ઇન રિલેશનશિપમાં દાખલ થનારા અંતે ઇમોશનલ અપસેટ અને ડિપ્રેશનની પરિસ્થિતિમાં ધકેલાઈ જાય છે એવું અનેક સર્વેમાં સાબિત થયું છે. આજના સમયમાં હવે આ વાત માત્ર સ્ત્રી-પુરુષના સંબંધો પૂરતી મર્યાદિત નથી રહેતી, બલ્કે ગે સંબંધ કે લેસ્બિયન સંબંધમાં પણ પ્રામાણિકતા અને વફાદારી અનિવાર્ય બનતી જાય છે ત્યારે જે બે વ્યક્તિઓ પોતાનું જીવન સાથે વિતાવવાનું નક્કી કરે એમણે આવનારી જવાબદારીઓ, તકલીફો કે એકમેક સાથે ઊભા થનારા પ્રશ્નો વિશે પણ સભાન રહીને વિચારવું જોઈએ. ફિલ્મોમાં દેખાતા ‘લિવ-ઇન’ અને રિયાલિટી બે તદ્દન જુદી બાબતો છે, આ વાત આજના યુવાનો જાણતા નથી અથવા સમજવા તૈયાર નથી. લગ્ન નહીં કરવાનાં અનેક કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ એ છે કે, પોતાનાં માતા-પિતાનાં લગ્ન જોઈને નવી પેઢી એટલું તો સમજી જ ગઈ છે કે લગ્ન કરવાથી સંબંધ દૃઢ, નિષ્ઠાપૂર્ણ કે પ્રેમાળ બનશે એવું કોઈ વચન સમાજ આપી શક્યો નથી. એકબીજા પરત્વે ફરિયાદ કરતા, લડતા, ઝઘડતા અને ક્યાંક લગ્નેતર સંબંધો બાંધતાં માતા-પિતાનાં લગ્નને ભલે 25 કે 30 વર્ષ થયાં હોય, પરંતુ એ બંને એકબીજા સાથે સુખી નથી એ વાત બાળકો ટીનએજમાં આવતાં જ સમજી જતા હોય છે. છૂટાછેડા ન લઈ શકેલાં માતા-પિતા એકબીજા સાથે પરાણે જીવે છે એ જોઈને મિલેનિયલ કે જેન-ઝી યુવાનો લગ્નને કાયદામાં બાંધીને છૂટાછેડાની અઘરી પ્રક્રિયામાં દાખલ થવાને બદલે લિવ-ઇન પસંદ કરે છે. કદાચ ન ફાવે એવી ધારણા સાથે છૂટા પડવાની બારી ખુલ્લી રાખવા માગતી આખી પેઢી લગ્નસંસ્થા સામે, સમાજવ્યવસ્થા સામે અને લગ્નના દંભ સામે વિદ્રોહ કરે છે. આ વાત સ્વીકારી લઈએ તો પણ એટલું તો સમજવું જ પડે કે સચ્ચાઈ, નિષ્ઠા, જવાબદારી અને પ્રામાણિકતા વગર કોઈ સંબંધ ટકી શકતો નથી. ઓશો કહે છે કે, ‘માણસ ખાતા શીખી ગયો. નહાતા, ધોતા, વસ્ત્રો પહેરતાં અને બે પગે ચાલતા શીખી ગયો કારણ કે આ બધું પ્રાકૃતિક હતું, પરંતુ લગ્નમાં વફાદાર રહેતા કે પૂર્ણપણે સમર્પિત રહેતા માણસજાત શીખી શકી નહીં કારણ કે, લગ્ન અપ્રાકૃતિક વ્યવસ્થા છે.’ ભારતમાં બહુપત્નીત્વ સામાન્ય હતું, દ્રૌપદીના કિસ્સામાં બહુપતિત્વને પણ સ્વીકારવામાં આવ્યું. લગ્નની વિધિમાં ઈશ્વર અને અગ્નિને સાક્ષી માનીને એકમેકને જીવનભર સાચવવાનું, આદર કરવાનું, મિત્ર બનવાનું વચન આપવામાં આવે છે, પરંતુ એકમેકને જીવનભર પ્રેમ કરવાનું વચન સપ્તપદીના સાત વચનોમાં ક્યાંય નથી! આપણાં શાસ્ત્રો ખૂબ સમજદારીથી અને સાઇકોલોજીને સમજીને તૈયાર કરવામાં આવ્યાં છે. બે વ્યક્તિ એકમેકને ચાહે, એકમેક સાથે જીવવા તૈયાર થાય, પરંતુ સહનિવાસથી માંડીને સેક્સ સુધીનું બધું જ સતત એકસરખું ઉત્કટ રહે, પ્રગાઢ અને તીવ્ર રહે એવું જરૂરી નથી એ વાત સૌને ત્યારે પણ સમજાઈ હતી. આ વાત લગ્ન પૂરતી મર્યાદિત નથી, લિવ-ઇનમાં પણ સમય જતાં એકમેક સાથે મતભેદ, મનભેદ અને કંટાળો આવે જ છે. સંબંધમાં આવા પ્રશ્નો માટે ફક્ત લગ્ન જ જવાબદાર છે એવું માનનારા જવાબદારીમાંથી છટકવાના રસ્તા શોધે છે. લિવ-ઇન રિલેશનશિપમાં ‘વિધિ, કાયદા, વડીલોની હાજરી કે ઈશ્વર-અગ્નિ જેવી સાક્ષીમાં અમે માનતા નથી’ એવો દાવો નવી પેઢી કરે છે. આ વિદ્રોહી વિચાર છે, પરંતુ લિવ-ઇન રિલેશનશિપ એ લફરાં કરવાનું લાયસન્સ નથી, આ વાત માતા-પિતાએ પોતાનાં સંતાનોને સમયસર સમજાવવી જોઈએ. સત્ય એ છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા બે જણા જ્યારે છૂટા પડવાનું નક્કી કરે છે ત્યારે એમનાં કારણોની ચર્ચા, સમજાવટનો પ્રયાસ, જવાબદારીની ચર્ચા, વિતાવેલા સમય દરમિયાન જે ઇન્વેસ્ટમેન્ટ થયાં હોય એને કઈ રીતે સમજવા કે છૂટા પાડવા એની ચર્ચા કોણ કરે અને કોની સાથે કરે એ વિશે કોઈ સ્પષ્ટ ઉત્તર મળતો નથી. કાયદો છે, પરંતુ કોર્ટના ધક્કા વ્યક્તિને થકવી નાખે છે. આપણે ત્યાં બ્રહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રાજાપત્ય વિવાહ, ગાંધર્વ વિવાહ, આસુર વિવાહ, રાક્ષસ વિવાહ અને પૈશાચ વિવાહ જેવા વિવાહના આઠ પ્રકારોનો ઉલ્લેખ છે, જેમાં કન્યાના પિતા યોગ્ય વિદ્વાન અને સદાચારી વરને પરંપરા અને શાસ્ત્રાનુસાર પુત્રીનું કન્યાદાન કરે છે, ત્યાંથી શરૂ કરીને ઊંઘતી, બેભાન અથવા નશામાં હોય એવી અસમર્થ સ્ત્રી સાથે વિવાહ કરવો એ અધમ હોવા છતાં એને વિવાહનો પ્રકાર માનવામાં આવ્યો છે. અર્થ એ થયો કે, ભારતીય ધર્મશાસ્ત્રોએ વિવાહને અનેક રીતે સ્વીકાર્યા છે. આપણે જાણ્યા-સમજ્યા વગર ‘લિવ-ઇન’ રિલેશનશિપને માત્ર ફેશન કે પશ્ચિમ તરફથી આવેલો વિચાર માની બેઠા છીએ. લગ્ન કરવા કે ન કરવા એ વ્યક્તિની ઇચ્છા અને માન્યતા પર આધારિત છે, પરંતુ લિવ-ઇન રહેવાનું શરૂ કર્યા પછી છ મહિને, વર્ષે, બે વર્ષે કે પાંચ વર્ષે એ જ વ્યક્તિ બોરિંગ લાગવા માંડે, લિવ-ઇન રિલેશનશિપ પણ બોજ બની જાય અને ત્યાંથી પણ ભાગવાની ઇચ્છા થવા માંડે તો એ વ્યક્તિગત વિકૃતિ છે.
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર:દેશમાંથી ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરી શકાય?
    Next Article
    માનસ દર્શન:શિક્ષકનું ષડ્દર્શન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment