Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું? પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે

    9 hours ago

    ડૉ. શરદ ઠાકર જિદગીના કેન્વાસ ઉપર સર્જનહાર જ્યારે કોઈ પણ માણસનું પેઇન્ટિંગ બનાવે છે ત્યારે એક જ રંગનું નથી બનાવતો. કોઈ પણ મનુષ્ય શત પ્રતિશત શ્વેત રંગનો કે આખેઆખો શ્યામ રંગનો નથી હોતો. ભગવાન નામનો ચિત્રકાર પવિત્રતાની, અપવિત્રતાની, સજ્જનતાની, દુષ્ટતાની, ભલાઈની, પ્રપંચની, પ્રામાણિકતાની કે છેતરપિંડીની જુદી જુદી પીંછીઓ, અલગ-અલગ રંગોમાં ઝબોળીને ચિત્રમાં પૂરે છે. માટે જ વિશ્વનો મહાનતમ મનુષ્ય સો એ સો ટકા સારો નથી હોતો અને જગતનો મોસ્ટ વૉન્ટેડ ક્રિમિનલ પૂરેપૂરો ખરાબ નથી હોતો. આશાબહેન અને સુરેશભાઈ બે આવાં જ પાત્રો. બંને મૃત્યુ પામ્યાં છે. આશાબહેન એંશીનાં અને સુરેશભાઈ પંચોતેરના થઈને ગયા. એ બંનેનાં એકમેકની સાથે લગ્ન નહોતાં થયાં. આશાબહેન અનંતભાઈનાં પત્ની અને સુરેશભાઈ સરોજબહેનના પતિ, પણ કોણ જાણે કઈ તારીખે, કઈ ક્ષણે, કેવી લાગણીના પ્રતાપે આ બંનેનું ક્રોસ કનેક્શન થઈ ગયું! આશાબહેન પોતાની આત્મકથા જેને-તેને કહેતાં ફરે : ‘હું સત્તર વર્ષની હતી ત્યારે મારા બાપે મને પરણાવી દીધેલી. અનંત બહુ સારો માણસ. પતિ તરીકે તો વધારે સારો. ક્યારેય મારી સાથે કડક અવાજે વાત ન કરે. હાથ ઉપાડવાની તો વાત જ નહીં. બે દીકરીઓ અને એક દીકરાનો વસ્તાર થયો, પછી મેં અનંતને કહી દીધું, ‘હવે મારા શરીર પ્રત્યેથી તમારું મન પાછું વાળી લો. મને પ્રભુ-ભક્તિ કરવા દો.’ અનંતભાઈએ પાંત્રીસ વર્ષની ભરી-ભરી પત્નીને માલિકીભાવમાંથી મુક્ત કરી દીધી. આશા હજી પણ જુવાન દેખાતી હતી. એણે ભજનમંડળી ઊભી કરી. પાંત્રીસેક સ્ત્રીઓ અને પંદરેક પુરુષો એમાં જોડાયાં. એમના ટાઉનમાં અને નજીકનાં ગામોમાં ભજન ગાવાનાં આમંત્રણો મળવા લાગ્યાં. આશા જેવું કોઈ ભજન ઉપાડે કે સમો બંધાઈ જાય. મોટા, હલકદાર કંઠે એ ગાતી જાય અને મંડળીના સભ્યો ઝીલે. કોઈની તાકાત નહીં કે આશા ગાતી હોય ત્યાં સુધી એ સ્થાન છોડીને જઈ શકે. આજુ-બાજુના સો-દોઢસો કિ.મી.ના પરિઘમાં ‘આશા-આશા’ થઈ ગયું. આશાને સેંકડો ભજનો, પદો, સ્તોત્રો કંઠસ્થ. બધાંના રાગ-ઢાળ પણ યાદ. ગાતી વખતે લય ન ચૂકે. આશા આ રીતે ભજન-વિશ્વમાં મગ્ન અને મશગૂલ હતી, ત્યારે ત્રણેય સંતાનોને ઉછેરવાની જવાબદારી પતિ અનંતભાઈએ સ્વીકારી લીધી. અને ખૂબ સારી રીતે નિભાવી પણ ખરી. એ જ ટાઉનમાં સુખી પતિ-પત્નીની બીજી એક જોડી હતી. સુરેશભાઈ અને સરોજબહેન પૂરેપૂરાં સંસ્કારી અને સીધાં-સરળ પતિ-પત્ની. સુરેશભાઈ કર્મકાંડનું કામ કરે. રુદ્રાભિષેક, કારજક્રિયા અને બીજાં નાનાં-મોટાં અનેક ધાર્મિક કાર્યો સુરેશભાઈ જે રીતે કરાવે અને બીજા બ્રાહ્મણો કરાવે એમાં હિમાલય અને ટેકરી જેટલો ફરક. સુરેશભાઈ પણ વાત-વાતમાં એમની આત્મકથા પીરસતા રહે : ‘હું દસ વર્ષનો હતો, ત્યારે મારા બાપાનો સ્વર્ગવાસ થયો હતો. સંસ્કૃત પાઠશાળામાં ભણીને આ બધું શીખ્યો. યજમાનોનો સ્નેહ અને વિશ્વાસ પામ્યો એટલે રોટલો રળી શક્યો. મારા કેટલાક નિયમો. ચાનું પણ વ્યસન નહીં. મુખવાસનીય આદત નહીં. રોજ વહેલાં ચાર વાગે ઊઠી જાઉં અને ટાઢા પાણીએ સ્નાન કરીને પછી પૂજા-પાઠ કર્યા પછી જ યજમાનનું કામ કરવા નીકળું. મહિનામાં દસ દિવસ તો મારા એકટાણા કે ઉપવાસ ચાલતા હોય. ઘરની નારીને બાદ કરતાં બીજી કોઈ સ્ત્રીનાં મોં સામે નજર નહીં કરવાની. પાંચ વર્ષની છોકરી હોય કે પંચાસી વર્ષનાં માજી, મારે મન બધાં મા શક્તિનાં જ રૂપો!’ અનંત-આશાની જેમ જ સુરેશ-સરોજ પણ આર્થિક દૃષ્ટિએ મધ્યમ કક્ષાનાં. જેમ-તેમ કરીને ઘરનું ગાડું ચલાવ્યે રાખે. મોજશોખ માટે કોઈ ગુંજાઈશائش નહીં, એ માટેની ઈચ્છા પણ નહીં. પૂર્ણપણે પ્રભુમય જીવન. હવે તમે જ કહો કે ગંગા અને જમુનાનાં નીર જેવી બે પવિત્ર ધારાઓની વચ્ચે કોઈ કેમિકલની ફેક્ટરીમાંથી ઠલવાતું ગંદું પ્રવાહી ભળે તો શું થાય? બરાબર એવું જ થયું. આ ગંદું જળ એટલે વાસનાનું પ્રવાહી. આશાબહેનની ભજનમંડળી સાથે સુરેશભાઈ પણ ક્યારેક ભજનો ગાવા-સાંભળવામાં જોડાતા હતા. કોઈ નબળી ક્ષણે કામનાનો સબળો કરન્ટ બંનેને ધ્રુજાવી ગયો. સતત મળેલો સથવારો અને ભીડની વચ્ચે ક્યારેક સાંપડેલું એકાંત. બંને એકમેકનાં થઈ ગયાં. કદાચ આસમાની ચિત્રકારને થયું હશે કે જો કેન્વાસ ઉપર દોરાયેલાં બે ચિત્રોમાં માત્ર અને માત્ર પવિત્રતાનો, ભક્તિનો, ધર્મનો ગેરુઓ રંગ જ પૂરાય એ કેવું મોનોટોનસ લાગે! એટલે એણે પીંછીને કાળા રંગમાં ઝબોળીને એક-એક લસરકો મારી આપ્યો. આ રંગ ખરેખર કાળો હતો? કે એમાં કાળા ધાબાની ફરતે શ્વેત રંગની કોર પણ હતી? શ્વેત એટલા માટે કે આશાબહેને અને સુરેશભાઈઓએ એમની વચ્ચેનો આ ‘અત્યંત’ ગાઢ સંબંધ કોઈથીય, ક્યારેય સંતાડ્યો નહીં. બેએક વર્ષ પછી ટૂંકી માંદગીના કારણે આશાબહેનના પતિ અનંતભાઈ મૃત્યુ પામ્યા, ત્યારેય સુરેશભાઈ આ પરિવારની સાથે આધારભૂત સ્વજન બનીને ઊભા રહ્યા. અનંતભાઈની અનંતમાર્ગની યાત્રા પછી પણ આશાબહેન-સુરેશભાઈની જોડી અતૂટ બની રહી. આશાબહેનનાં ત્રણેય ટીનેજર સંતાનોએ પણ આ સંબંધને સ્વીકારી લીધો હતો. સુરેશભાઈની પત્ની અને ત્રણેય સંતાનોને પણ બધી જ ખબર હતી. કોઈએ કંકાસ ન કર્યો. બે સ્ત્રીઓએ એકબીજાના ચોટલા ન ખેંચ્યા. પોલીસ સ્ટેશનનું પગથિયું કોઈ ન ચડ્યું. પડોશમાં કે પિયરમાં ફરિયાદ પણ નહીં. સુરેશભાઈનું વર્તન એવું ગૌરવયુક્ત અને વ્યક્તિત્વ એવું પારદર્શક કે આખા નગરમાં એક પણ જણે એમને એવું ન પૂછ્યું, ‘સુરેશભાઈ, ક્યા બાત હૈ? તમારે તો બંને હાથમાં લાડવા છે ને, ભાઈ!’ આશાબહેન પણ આંખો બંધ કરીને, ભાવવિહ્વળ મુખ સાથે, હલકદાર કંઠે ઉત્કટ ભક્તિભાવપૂર્વક ભજનો ગાતાં રહ્યાં. કોઈ કૂથલીખોર બાઈએ એકાદ વાર એમને અડધું-પડધું પૂછ્યું હતું, ‘આશાબહેન, શું આ સાચી વાત છે? હું કંઈ નથી કહેતી, આ તો લોક વાત કરે છે.’ ‘હા, લોકો જે વાત કરે છે તે સાચી છે.’ આટલો ટૂંકો જવાબ આપીને આશાબહેન દત્તબાવની ઉપાડતાં અને સેંકડો શ્રોતાઓ દત્ત ભગવાનની ભક્તિમાં ડૂબી જતા. આશાબહેનના સ્વરમાં દત્તબાવની સાંભળ‌વી એ એક અણમોલ લહાવો મનાતો હતો. બે પરિવારોનાં છ સંતાનો મોટાં થયાં, ભણી-ગણીને પરણાવવાલાયક થયાં. એમાં ચાર તો દીકરીઓ. બધાંનાં મનમાં એવું હતું કે હવે રંગ જામશે. આશાબહેન અને સુરેશભાઈના લગ્નેતર સંબંધથી આખો સમાજ માહિતગાર હતો. આવા ‘કેરેક્ટરલેસ’ સ્ત્રી-પુરુષનાં સંતાનોને કોણ દીકરી આપશે અને કોણ દીકરીઓને લેશે? અહો આશ્ચર્યમ્. સમાજના આબરૂદાર શિક્ષિત પરિવારો સામે ચાલીને આવ્યા અને બે વત્તા બે ચાર દીકરીઓને પોતાનાં ઘરની શોભા બનાવીને લઈ ગયા. બંને દીકરાઓ પણ નોકરી કરતા સંસ્કારી કન્યાઓ સાથે ઠરીઠામ થઈ ગયા. આશાબહેન અને સુરેશભાઈ લગભગ સરખી વયનાં હતાં. દસેક વર્ષ પહેલાં પંચોતેરના થઈને સુરેશભાઈ ગયા, એ પછી પાંચ વરસે એંશી વર્ષનાં થઈને આશાબહેન ગયાં. પાછળ છોડી ગયા કેટલાક નાના નાના સવાલો અને મસમોટું આશ્ચર્ય. સવાલોમાં ખાસ તો આજથી દાયકાઓ પહેલાં એક જૂનવાણી ગણાતા નાનકડા ટાઉનના સમાજે આ લગ્નેતર સંબંધ વિશે કૂથલી કે પંચાત કેમ ન કરી? જુવાન થયા પછી દીકરાઓએ પોતાનાં બાપ કે માને વારવાની કે મારવાની હિંમત કેમ ન કરી? ઉંમરલાયક થયેલી દીકરીઓએ મા કે બાપને આ સંબંધમાંથી ખાળવાની કે પાછાં વાળવાની ચેષ્ટા કેમ ન કરી? ઊલટું બંને પાત્રોનું જીવ્યાં ત્યાં સુધી અને મર્યાં પછી પણ સમાજમાં ઊજળું નામ કેવી રીતે રહી શક્યું? આશ્ચર્ય એ વાતનું કે આ કક્ષાનાં બે ભક્તિભર્યાં પાત્રો શરીર સંબંધ અને ગુપ્ત જોડાણમાં ન સંડોવાયાં હોત તો કેટલું સારું થાત! બે આત્માઓનું મિલન પૂરતું ન હતું? બંનેએ જે તુલસીનું પાન ખાવું જ હતું તો બીયરમાં ઝબોળીને શા માટે ખાધું? } (શીર્ષકપંક્તિ: હેમેન શાહ)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:ઉત્કટ પ્રેમની અસાધારણ પરંતુ સુરમ્ય લીલા
    Next Article
    એન્કાઉન્ટર:દેશમાંથી ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરી શકાય?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment