Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:શિક્ષકની ઘડતરકથા

    19 hours ago

    અજયસિંહ ચૌહાણ કાલે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિન ગયો. મોટા ભાગની શાળા-કૉલેજોમાં એક વિધિ રૂપે એની ઉજવણી થાય છે. હા, શાળા કે કૉલેજમાં જે વિદ્યાર્થીઓ શિક્ષક બને છે; એમના માટે એ જીવનભરનું સંભારણું બની જાય છે. પણ, ગુજરાતમાં જે તેજસ્વી શિક્ષકો થયા, એમને કવચિત જ યાદ કરવામાં આવે. આજે વાત કરવી છે ગુજરાતના એવા તેજસ્વી શિક્ષકની જેમનું જીવન અને કાર્ય દીવાદાંડી રૂપ અજવાળું પાથર્યા કરે. એ શિક્ષક એટલે ગુજરાત જેમને પ્ર. ચૂ. વૈદ્ય નામે ઓળખે છે; તે પ્રો. પ્રહલાદ ચૂનીલાલ વૈદ્ય (1918-2010). પ્ર. ચૂ. વૈદ્યસાહેબે ગુજરાત ગણિત મંડળની સ્થાપના કરી. એના ઉપક્રમે ‘સુગણિતમ્’ નામે ગણિતકેન્દ્રી સામયિક ગુજરાતી ભાષામાં શરૂ કર્યું. એમાં ‘ચૉક અને ડસ્ટર’ લેખમાળામાં પોતાની શિક્ષણયાત્રાને હપ્તાવાર આલેખી. જે પાછળથી ‘ચૉક અને ડસ્ટર’ (1993) નામે જ પુસ્તક રૂપે પ્રગટ થઈ. લેખમાળાની શરૂઆત માર્મિક છે. વૈદ્યસાહેબ લખે છે, ‘1940માં ગણિત-શિક્ષકના વ્યવસાયમાં જોડાયો ત્યારથી ચૉક અને ડસ્ટર સાથે સતત સંબંધ રહ્યો છે. અત્યાર સુધી ચોકથી કેટકેટલું લખ્યું અને જેટલું લખ્યું તે બધુંય ડસ્ટરથી ભૂંસી નાખ્યું છતાં તેમાંનું જે થોડુંક વણભૂંસાયેલું સ્મૃતિમાં જળવાઈ રહ્યું છે તે આ લેખમાળામાં લખવા ધાર્યું છે.’ વૈદ્યસાહેબે ચાર વર્ષની વયે માતાની અને તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર રાજ્યમાં લીધું. મુંબઈની પ્રખ્યાત ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’માં ગણિત વિષય સાથે બી.એસસી. થયા. 1938માં વૈદ્યસાહેબે ડિસ્ટિંક્શન સહિત પ્રથમ વર્ગ સાથે બી.એસસી. પાસ કરીને સિંધથી કર્ણાટક સુધી પથરાયેલી મુંબઈ યુનિવર્સિટીમાં બીજું અને 1940માં એમ.એસસી.માં પ્રથમ સ્થાન મેળવ્યું. તરત જ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં ગણિતના અધ્યાપક થયા. પણ, હોળીના દિવસે રાજકોટ ઠાકોરસાહેબના મનોરંજન માટે અધ્યાપકોનો ઉપયોગ થતો જોઈ, સ્વાભિમાન ખાતર નોકરીમાંથી રાજીનામું આપ્યું. બાળપણમાં ભાવનગર નિવાસ દરમિયાન ક્રાંતિવીર સરદાર પૃથ્વીસિંહ (સ્વામીરાવ)ના અખાડામાં વૈદ્યસાહેબનું ઘડતર થયું. એ દસ-બાર વર્ષની ઉંમરે તો પચાસ દંડ અને સો બેઠક કરતા. ધર્મેન્દ્રસિંહજી કૉલેજની નોકરી છોડી મુંબઈ ખાતે પૃથ્વીસિંહના અહિંસક વ્યાયામ સંઘમાં આચાર્ય તરીકે જોડાયા. ’42ની લડતમાં વ્યાયામ સંઘ બંધ થતાં પત્ની અને એક બાળક સાથે ‘બનારસ હિન્દુ યુનિવર્સિટી’ના પ્રોફેસર વી. વી. નારલીકર (વિખ્યાત વિજ્ઞાની જે. વી. નારલીકરના પિતાજી) પાસે સાપેક્ષતા વિશે સંશોધન કરવા ગયા. યાદ રહે કે એમણે યુનિવર્સિટીમાં વિધિસર પ્રવેશ નહોતો લીધો. મહાન ગણિતજ્ઞ પાસે શીખવા માટે એ બનારસ ગયા. પરિવાર સાથે હોવાથી અનેક મુશ્કેલીઓ વેઠીને પણ એમણે સંશોધનનો ‘પહેલો આસ્વાદ’ લીધો. પૃથ્વીસિંહ સાથેના ભૂતકાળને લીધે, છૂપી પોલીસ એમના પર નજર રાખતી હતી. ત્યાંથી આવી સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અધ્યાપક થયા. અહીં ચાર વર્ષ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, કમળાશંકર ત્રિવેદી જેવા વિદ્વાનોનો લાભ મળ્યો. દરમિયાન એ ડૉ. હોમી ભાભાના સંપર્કમાં હતા. ‘ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ’ની સ્થાપના થતાં ગાણિતિક ભૌતિકીમાં સંશોધક તરીકે જોડાયા. ડૉ. ભાભા સાથે રોજ બે-ત્રણ કલાક ચર્ચા થતી. એ સમયગાળો નવું નવું જાણવા-શીખવાનો હતો. મુંબઈમાં એ સમયે ઘર મળવું મુશ્કેલ હતું એટલે એક વર્ષ પછી મુંબઈ છોડ્યું. એ જ સમયે વિદ્યાનગરમાં નવી શરૂ થયેલી વિઠ્ઠલભાઈ પટેલ કૉલેજમાં માસિક 400ના પગારે નોકરી મળી. અહીં આચાર્ય ડોલરરાય માંકડ પાસેથી પ્રાચીન કાળગણના વિશેના સંશોધન અને સંસ્થા વહીવટનો અનુભવ મળ્યો. એમણે લખ્યું છે, ‘વિદ્યાનગરમાં ગાળેલાં એ સાડા સાત વર્ષ દરમિયાન મારામાં સ્વતંત્ર વિચાર કરવાની અને ગણિતના, શિક્ષણના કે જીવનના કોઈ પણ પ્રશ્ન પર મૌલિક ચિંતન કરી નિર્ણયો બાંધવાની ટેવ ઊભી થઈ અને તે માટે મુખ્યત્વે વિદ્યાનગરનું આ નવસર્જનમય વાતાવરણ કારણભૂત હતું એમ અત્યારે સ્પષ્ટ લાગે છે.’ અહીં એમણે વિદ્યાર્થીઓને અનેક રમતો માટે તૈયાર કર્યા. એ જ સમય દરમિયાન એમનું શોધપત્ર ઓપેનહાઇમર (પહેલો પરમાણુ બૉમ્બ બનાવનાર ‘મેનહટન પ્રોજેક્ટ’ના વડા)ને મોકલ્યું. જે વાંચી એ ખુશ થયા અને ‘ફિઝિકલ રિવ્યૂ’માં પ્રકાશિત થયું. એક શોધપત્ર ‘નેચર’માં પ્રગટ થયું. પ્રકાશિત તારકોના ગુરુત્વાકર્ષણ વિશેના એમના સંશોધન (વૈદ્ય મેટ્રિક) વિશ્વમાં ઠીક ઠીક જાણીતા થયા. વિદ્યાનગરથી અંજળ ખૂટતાં ગુજરાત કૉલેજમાં જોડાયા. થોડા સમય પછી રેક્ટર થયા અને હૉસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસે જ સહકારી ધોરણે રસોડું શરૂ કરાવ્યું. ‘દૂધનો નિતાર વિદ્યાર્થીને અને તરનું ઘી સાહેબને!’ પરંપરા બંધ કરી. થોડો સમય એમ. એન. કૉલેજ, વિસનગરમાં આચાર્ય રહ્યા. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં ગણિત વિભાગ શરૂ થતાં એમાં પ્રોફેસર બન્યા. ગુજરાત ગણિત મંડળની સ્થાપના કરી. દાયકાઓથી ચાલ્યા આવતા ગણિતના અભ્યાસક્રમોમાં સુધારા કર્યા. ગણિતના શિક્ષકો માટેના તાલીમ વર્ગો ચલાવ્યા. ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીની સત્તાવીસમી અખિલ ભારતીય ગણિત પરિષદ, ગુજરાત યુનિવર્સિટીના યજમાન પદે યોજી. એની બચતમાંથી ‘સુગણિતમ્’ની શરૂઆત કરી. અમેરિકાની ‘વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી’એ એક વર્ષ માટે પ્રોફેસર તરીકે ભણાવવા આવવા નિમંત્રણ આપ્યું. ત્યાં સિમ્પોઝિયમમાં ઓપેનહાઇમર, સિંજ, પેપાપેત્રુ, વ્હીલર જેવા વૈજ્ઞાનિકો સાથે રૂબરૂ મળવાનું થયું. ભારત આવી ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ થયા. આમ છતાં પોતાના વર્ગો લેવાનું ક્યારેય ન ચૂક્યા. ‘શિક્ષણના સતયુગમાં ડોકિયું’ નામે આ પુસ્તકની પ્રસ્તાવનામાં ધીરુભાઈ ઠાકર લખે છે, ‘આ નાનકડું પુસ્તક એ ગણિતના શિક્ષકની ઘડતરકથા છે. 31 વર્ષ (1940-1971) વર્ગશિક્ષણ કર્યું તે દરમિયાન પોતાને થયેલા વિવિધ અનુભવોની વાત તેમણે અહીં નિખાલસ ભાવે કહી છે. કોરી પાટી ઉપર શરૂ કરેલું અધ્યાપન કાર્ય તેમણે આપસૂઝથી, ઠોકર ખાઈને તેમજ સજ્જતા વધારતા જઈને કેવું ઉત્તમ કોટીનું બનાવ્યું તેનો વિકાસક્રમ અહીં મૂકેલી તેમની કેફિયતમાં ઊપસે છે. વિદ્યા અને વિદ્વત્તાના દુકાળ જેવી આજની પરિસ્થિતિમાં ડૉ. વૈદ્ય જેવા તેજસ્વી શિક્ષક અને સંનિષ્ઠ સંશોધકથી ગુજરાતનું મોં ઊજળું રહ્યું છે.’
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:નકશામાં નામ બદલી નાખવાથી શું ફરક પડે?
    Next Article
    દેશી ઓઠાં:માયા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment