Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:નકશામાં નામ બદલી નાખવાથી શું ફરક પડે?

    18 hours ago

    લલિત ખંભાયતા અમે નકશામાં કોઈ નામ દર્શાવવા માટે જે-તે દેશની સરકારના દસ્તાવેજોનો સહારો લઈએ છીએ. અમને ‘ધ યુ. એસ. જિયોગ્રાફિકલ નેમ્સ ઈન્ફર્મેશન સિસ્ટમ (GNIS)’ તરફથી જાણ મળી કે ‘લેક ઓન્ટારિયો’ હવે ‘લેક અમેરિકા’ તરીકે ઓળખાશે. માટે અમે પણ મેપ્સમાં એ ફેરફાર કર્યો છે. અલબત્ત, અમેરિકામાં રહેતા લોકો નકશો જોશે તો એને લેક અમેરિકા લખેલું દેખાશે. કેનેડાના લોકો નકશો જોશે તો એને લેક ઓન્ટારિયો દેખાશે (કેમ કે કેનેડાના સરકારી દસ્તાવેજોમાં એ નામ છે). અને એ બંને દેશો સિવાયના લોકો જોશે તો એને બંને નામ નકશામાં જોવા મળશે.' *** ઓગસ્ટના અંતે ‘ગૂગલ મેપ્સ’માં અમેરિકા-કેનેડાની સરહદે આવેલા ‘લેક ઓન્ટારિયો’નું નામ ‘લેક અમેરિકા’ થઈ ગયું. એ પછી અમેરિકાની ટીકા તો થતા થઈ સાથે સાથે ગૂગલ મેપ્સની પણ થવા લાગી. માટે ઉપર જે વિગતો લખી છે એ ખુલાસો ‘ગૂગલ’એ પોતાના બ્લોગ પર રજૂ કર્યો છે. જો નામ માત્ર અમેરિકાના સત્તાવાર નકશા, દસ્તાવેજોમાં બદલ્યું હોત તો અમેરિકા-કેનેડા સિવાય કોઈને એમાં રસ પડ્યો ન હોત. પણ નામ ‘ગૂગલ મેપ્સ’માં બદલ્યું એટલે આખા જગતનું ધ્યાન પડ્યું. હકીકત એ છે તકે ‘ગૂગલ મેપ્સ’માં એ સરોવરનું નામ ‘અમેરિકા-કેનેડા વૈમનસ્ય જળાશય’ કરી નાખવામાં આવે તોય બેય દેશને ફરક ન પડે, કેમ કે આંતરરાષ્ટ્રીય સંબધો માટે ‘ગૂગલ મેપ્સ’ માન્ય નથી હોતા. ‘ગૂગલ મેપ્સ’નો વ્યાપક ઉપયોગ થાય છે કેમ કે એ આમ જનતાને સરનામું બતાવે છે. દરેક દેશની સરકાર તો પોતાના નકશા વિભાગ પાસે તૈયાર થતા નકશા જ માન્ય રાખે છે. અને કોઈ દેશ વધારે તાકતવર હોય તો પડોશી દેશની ભૂમિ પોતાનામાં બતાવી નાખે તો પણ તેનો વિરોધ નથી થતો. ‘ગૂગલ મેપ્સ’ની વિટંબણા એ છે કે આખી દુનિયા તેને વાપરે છે માટે એમાં થતો ફેરફાર જગતની આંખે ચડ્યા વગર રહેતો નથી. અમેરિકા કેનેડાની સરહદે આવેલું ‘લેક ઓન્ટારિયો’ (કે પછી ટ્રમ્પ ચાહકો માટે ‘લેક અમેરિકા’) 19 હજાર ચોરસ કિલોમીટરનું (આખા અમદાવાદ જિલ્લા કરતાં બેગણાથીય વધારે મોટું) છે. જગવિખ્યાત નાયગરા નદીનું પાણી એમાં ઠલવાય છે. ઉત્તર અમેરિકાના પાંચ મોટાં સરોવરમાં તેનો સમાવેશ થાય છે. અમેરિકાના છેડે એ ન્યૂયોર્ક રાજ્યને સ્પર્શે છે એટલેય એનું મહાત્મ્ય વધી જાય છે. નામ બદલો અભિયાન જાન્યુઆરી, 2025માં ટ્રમ્પ સરકારે અમેરિકાના દક્ષિણે આવેલા ‘મેક્સિકોના અખાત’નું નામ બદલીને ‘અમેરિકાનો અખાત (ગલ્ફ ઓફ અમેરિકા)’ કરી નાખ્યું હતું. એ તો પંદર-સોળ લાખ ચોરસ કિલોમીટરનો સમુદ્રી વિસ્તાર છે. અમેરિકાએ પ્રભુત્વ બતાવવા નામ બદલ્યું, અમેરિકી સરકારના દસ્તાવેજોમાં નામ બદલ્યું. એટલે ‘ગૂગલ મેપ્સ’, બ્રિટાનિકા વગેરેમાં પણ ‘ગલ્ફ ઓફ મેક્સિકો/ગલ્ફ ઓફ અમેરિકા’ એમ સંયુક્ત લખાતું થયું. મેક્સિકોનાં મહિલા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામ ઘણી વાર ટ્રમ્પને ‘થાય એ કરી લેજો’ એવું કહી ચૂક્યાં છે. નામ પરિવર્તન મુદ્દે પણ તેમણે શિંગડાં ભરાવ્યાં. મેકિસિકોમાં ‘ગૂગલ મેપ્સ’ સામે કેસ થયો અને હજુય ચાલે છે. અમેરિકાના અલાસ્કામાં પર્વત શિખર છે. 2015માં ઓબામા સરકારે સ્થાનિક ભાષા મુજબ ‘માઉન્ટ દીનાલી’ નામ કરી દીધું હતું. સવા વીસ હજાર ફીટથીય વધારે ઊંચું એ અમેરિકાનું સર્વોચ્ચ શિખર છે. જાન્યુઆરી, 2025માં એનું નામ બદલી ‘માઉન્ટ મેકિનલી’ કરી દેવાયું. પણ એ શિખર અમેરિકાનું જ છે એટલે એનું નામ છગનભાઈ રાખો કે મગનભાઈ દુનિયાને ખાસ ફરક પડતો નથી. કોઈ દેશ પોતાના જ વિસ્તારના નામ બદલે તો તેની ચર્ચા આંતરિક થાય. ભારતમાં નામ બદલાય ત્યારે એના રાજકીય સહિતના વિવાદ થતા રહે છે. ભારતને બરબાદ કરનારા અંગ્રેજોના નામે એટલે જ તો દેશમાં આજેય ઘણાં સ્થળો છે. નામકરણ : મેડ ઈન ચાઈના ચીનના નકશામાં જોઈએ તો આપણા અરુણાચલ રાજ્યને એ નિયમિત રીતે પોતાનું ગણાવે છે. ત્યાંના પ્રદેશોને પણ ચીની નામ આપી રાખે છે. પરંતુ નકશામાં ફેરફાર કરવાથી ઈતિહાસ-ભૂગોળ બદલી શકતી નથી. અરુણાચલને તો ચીન દક્ષિણ તિબેટ તરીકે ઓળખે છે. હકીકત એ છે કે તિબેટ પોતે જ ચીનનું નથી, ચીને 1969માં બથાવી પાડેલું છે. અમેરિકા સહિતના દેશો અરુણાચલને ભારતનો જ પ્રદેશ ગણાવે છે (કેમ કે છે જ) માટે ચીનનો વિરોધ ખાસ ચાલતો નથી. નામ બદલાવો નહીંતર નાશ પામશો 1969માં બે દેશો નદીમાં રહેલા એક ટાપુ માટે સામસામા આવી ગયા. ટાપુનો વિસ્તાર માંડ પોણો ચોરસ કિલોમીટર હતો. ઉસુરી નદીના ટાપુનું નામ એક દેશ મુજબ ‘ઝેનબાઓ’ હતું, બીજા દેશે ‘દામન્સી’ દ્વીપ કર્યું. વાત વણસતી વણસતી વટે પહોંચી. એક દેશના સૈનિકોએ ટાપુ પર હુમલો કરી દીધો. સામે પક્ષેથી પણ હુમલો આવ્યો. હાથાપાઈથી શરૂઆત થઈ અને છેવટે સામસામે આયુધો ખડકાવાં લાગ્યાં. ભય એટલો બધો વધી ગયો કે દેશના પાટનગરમાં રહેતા ટોચના નેતાઓને સલામત સ્થળે ખસેડવાની વિચારણા થવા લાગી. પોણો ચોરસ કિલોમીટરના ટાપુની બબાલ બહુ મોટી થઈ. દુનિયાને ડર લાગવા લાગ્યો કેમ કે બંને દેશો પરમાણુ રાષ્ટ્રો હતાં! માર્ચ મહિનામાં શરૂ થયેલી માથાકૂટ છેવટે છ મહિના પછી સપ્ટેમ્બરમાં પૂરી થઈ. બંને પક્ષે સૈનિકો મરાયા હતા. નુકસાન પણ થયું હતું. પણ છેવટે મામલો થાળે પડ્યો. નાના ટાપુ માટે મોડી લડાઈ લડનારા એ બે દેશો એટલે રશિયા અને ચીન. થોડાં વર્ષો પછી રશિયાએ સત્તાવાર રીતે એ ટાપુ ચીનનો હોવાનું સ્વીકારી લીધું એટલે વાત હવે કાગળ પર પણ પૂરી થઈ ચૂકી છે. અલબત્ત, નામ બદલવા જેવા મુદ્દે દર વખતે દેશો સામસામે નથી આવી જતાં. બહુ બહુ તો શાબ્દિક બોલાચાલી અને કાગળિયા લખી લખી થાકે પણ લડવાનું પસંદ નથી કરતાં. જેમ કે… { ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનો પાતળો દરિયાઈ પટ્ટો ‘ઈંગ્લિશ ચેનલ’ તરીકે ઓળખાય છે. અલબત્ત, ‘ઈંગ્લિશ ચેનલ’ તરીકે ઓળખાય છે કેમ કે અંગ્રેજોએ આખા જગત પર રાજ કર્યુ. ફ્રાન્સ એને ‘લા માનચે (La Manche)’ તરીકે ઓળખે છે. બંને દેશોને એ મુદ્દે કોઈ વાંધો નથી. નકશામાં બેય નામ ચાલે છે અને વૈશ્વિક સંસ્થાઓય બેય નામ માન્ય ગણે છે. { રશિયા, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈરાન અને અઝરબૈજાન વચ્ચે ‘કાસ્પિયન સમુદ્ર’ આવેલો છે. જોકે, ઈરાનને એે નામ મંજૂર નથી. ઈરાન એને ‘મઝાન્દારાન સમુદ્ર’ અથવા ‘ખઝાર સમુદ્ર’ તરીકે ઓળખે છે. ઈરાનને જે નામ રાખવું હોય એ રાખે, કોઈએ ખાસ વિરોધ કર્યો નથી, કેમ કે ઈરાનના નામ ઇરાન બહાર કોઈ જાણતુંય નથી. { ઈરાન-અમેરિકા યુદ્ધનું રણમેદાન સમુદ્ર છે. હોર્મુઝની ખાડીથી અંદરનો ભાગ ઈરાન-સાઉદી વચ્ચેનો દરિયાઈ વિસ્તાર છે. ઈરાનનું પ્રાચીન નામ ‘પર્શિયા’ એટલે એ અખાત ‘પર્શિયા (ઈરાન)ના અખાત’ તરીકે ઓળખાય છે. 1953થી રાષ્ટ્રસંઘ સહિતના વૈશ્વિક નકશાઓમાં એ જ નામ છે. એ અખાતના સામે છેડે સાઉદી જેવો ધરખમ દેશ છે. કતાર, યુએઈ, કુવૈત, બહેરિન જેવા સમૃદ્ધ દેશો પણ છે. એમનું કહેવું છે કે આ અખાતનું નામ ‘અરેબિયન ગલ્ફ’ છે. માટે અમે એ નામે જ ઓળખીશું. 2010માં એ બબાલ વધી ત્યારે ઈરાને એરલાઈન્સ કંપનીઓને ધમકાવીને કહ્યું હતું કે તમારા નકશામાં અરેબિયન અખાત નામ હશે તો વારો પાડી દઈશું. પછી વૈશ્વિક નકશા સંસ્થાઓએ બંને નામ દર્શાવાની શરૂઆત કરી. { આજે માત્ર ટેકનોલોજીની વાતો કરતું જાપાન એક સમયે પૂર્વ એશિયામાં ફાટ્યું ફરતું હતું. ચીન જેવા ચીનને તલવારની અણીએ તાબામાં રાખતું હતું. એ જાપાનના કાંઠે આવેલા સમુદ્રને જાપાને ‘સી ઓફ જાપાન’ નામ આપ્યું. વર્ષો સુધી એ નામ ચાલ્યું. 1992મા દક્ષિણ કોરિયાએ રાષ્ટ્રસંઘમાં રાવ કરી કે આ જળવિસ્તાર તો બે હજાર વર્ષથી ‘ઈસ્ટ સી (પૂર્વી સમુદ્ર)’ તરીકે ઓળખાય છે. માટે એ નામ જ હોવું જોઈએ. નામ મુદ્દે અસહમત બંને પક્ષો આવા છૂંછાં જેવા મુદ્દે ન લડવા અંગે સહમત છે. { ઓન્ટારિયો નાનું પડે એવું 29,600 ચોરસ કિલોમીટરનું સરોવર આફ્રિકામાં આવેલું ‘ન્યાસા’ છે. સરોવરનો એક આખો કાંઠો આફ્રિકી દેશ માલાવીને સ્પર્શે છે. સામે કાંઠે ટાન્ઝાનિયા-મોઝામ્બિક છે. માલાવીએ 1960ના અરસામાં સંસદમાં ખરડો પસાર કર્યો કે આ સરોવર હવેથી ‘લેક માલાવી’ તરીકે ઓળખાશે. ટાન્ઝાનિયા-મોઝામ્બિકે તેનો વિરોધ કર્યો છે. પક્ષકાર દેશો તળાવના શાંત પાણીમાં નામનો કાંકરો નાખીને લડવા માંગતા નથી. એટલે અત્યારે તો બેય નામ ચાલે છે. *** લદ્દાખનો કેટલોક ભાગ ચીન ‘અક્સાઈ ચીન’ તરીકે ઓળખાવે છે. ભારત વાંધો ઉઠાવે તો ક્યારેક એવું કહે કે અમારે નકશા સુધારવાના બાકી છે. રશિયાએ યુક્રેન તાબાના ક્રિમિયા પર હુમલો કરી પોતાનો પ્રદેશ બનાવી દીધો છે. નકશા મુજબ પણ ક્રિમિયા હવે રશિયાનો જ ભાગ છે. સિરીયાનો પહાડી પ્રદેશ ‘ગોલાન હાઈટ્સ’ને ઈઝરાયેલ પોતાનો ગણાવે છે. જગતના ઈતિહાસમાં નામ બદલવાના આવા ઘણાય કિસ્સા છે. ક્યારેક નામ બદલ્યું છે, ક્યારેક બદલવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે અને ક્યારેક બદલી નાખીને પોતાનો ભાગ પણ બનાવી દેવાયો છે. }
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:કપ-રકાબી
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:શિક્ષકની ઘડતરકથા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment