Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:હું શિક્ષક શિક્ષક થાઉં તો ઘણું!

    7 hours ago

    જયેન્દ્રસિંહ જાદવ શિક્ષક દિન આવ્યો ને ગયો પણ ખરો! કૅલેન્ડરનું પાનું ફરી ગયું અને 5મી સપ્ટેમ્બરનો ઔપચારિક ઉત્સવ પણ પૂરો થઈ ગયો. પરંતુ, આ દિવસ માત્ર ઉજવણી બનીને પસાર થઈ જવા છતાં, વાસ્તવમાં તે શિક્ષકના શિક્ષકત્વના સ્વમૂલ્યાંકનનો એટલે કે આત્મનિરીક્ષણનો એક પવિત્ર અવસર બની રહેવો જોઈએ. આધુનિક ભારતના મહાન તત્ત્વચિંતક અને શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આ જન્મદિન આપણને એ વિચારવા પ્રેરિત કરે છે કે આજનો શિક્ષક એ વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે શિક્ષક તરીકે ઊભેલો માણસમાત્ર માહિતીનો ખેપિયો છે કે પછી કોઈ જીવંત ચેતનાનો જ્યોતિર્ધર? કેટલાક માણસો સૂકા ઘાસ જેવા હોય છે, જે ભારામાં બંધાઈ શકે છે, ઝટ ઝટ બળી શકે છે, પરંતુ ભીંજાઈ નથી શકતા. સાચો અને સારો શિક્ષક ક્યારેય સૂકા ઘાસ જેવો ન હોઈ શકે; તેણે તો સ્નેહની વર્ષામાં ભીંજાવાનું છે અને પેઢીઓને ભીંજવવાની છે. ડૉ. રાધાકૃષ્ણનની દૃષ્ટિએ તો એક મહાન શિક્ષક સદીઓમાં ક્યારેક જ જન્મે છે અને એ મહાનતા એના ભાષણોમાં નહીં પણ એના જીવંત આચરણમાં હોય છે; તે પહેલાં પોતે જીવે છે અને પછી અન્યોને જીવતાં શીખવે છે. તેનાથી આગળ જઈને રાધાકૃષ્ણનજીએ આધ્યાત્મિકતા પરના એક વ્યાખ્યાનમાં તો એમ કહ્યું હતું કે સાચો શિક્ષક એ છે જે ભગવાનના અસ્તિત્વને માત્ર બુદ્ધિથી નહીં, પરંતુ પોતાના સમગ્ર અસ્તિત્વથી સ્વીકારે અને વર્ગખંડમાં બેઠેલા દરેક બાળકમાં એ પરમતત્ત્વનાં દર્શન કરે. વિલિયમ આર્થર વૉર્ડે બહુ માર્મિક વાત કરી છે કે, ‘સાધારણ શિક્ષક માત્ર કહે છે, સારો શિક્ષક સમજાવે છે, ઉત્તમ શિક્ષક માર્ગદર્શન આપે છે, પરંતુ શ્રેષ્ઠ શિક્ષક પ્રેરણા આપે છે.’ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સાચા શિક્ષકને વ્યાખ્યાયિત કરતાં કહેતા કે શિક્ષક હોવું એ એક અત્યંત ઉમદા વ્યવસાય છે જે વ્યક્તિના ચારિત્ર્ય, ક્ષમતા અને ભવિષ્યને ઘડવાનું પવિત્ર કાર્ય કરે છે. આધુનિક શિક્ષણજગતમાં ક્રાંતિ લાવનાર અને ‘સમરહિલ’ જેવી બાળકેન્દ્રી મુક્ત શાળાના સ્થાપક એ. એસ. નીલે બાળકેળવણીના બાઇબલ સમાન પુસ્તકમાં શિક્ષક વિશે કહ્યું છે કે, ‘સારો શિક્ષક માત્ર જ્ઞાન જ આપતો નથી, પણ તે બાળકને સ્નેહ અને સ્વીકૃતિ આપે છે.’ આજે આ સ્નેહ અને સ્વીકૃતિ કશે ખોવાયાં હોય એમ લાગે છે. અભ્યાસક્રમ પૂરો કરવાની લાયમાં અભ્યાસનો આખો ક્રમ જ ખોરવાઈ ગયો છે. પ્રત્યેક પ્રાણીમાં કેળવણી માટેનો એક લય છે, જેના સીધા તાર પ્રકૃતિ સાથે સંધાયેલા છે. માત્ર મનુષ્ય જ આ પ્રકૃતિગત લયને ખોરવવા માટે શિક્ષણના ઔપચારિક તંત્રને વધુ ને વધુ વિકસાવી રહ્યો હોય એમ લાગે છે. જ્યારે પણ બાળકેળવણીની વાત આવે છે, ત્યારે ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટનું સ્મરણ અનાયાસે જ થઈ આવે છે. ગિજુભાઈએ એક લેખમાં એમ કહેલું કે, ‘જેનું ધાર્મિક જીવન શિક્ષણજીવન સાથે એકતાર થઈ જાય છે, જેની સર્વ ધાર્મિક ક્રિયા શિક્ષણક્રિયામાં ઓતપ્રોત થઈ જાય છે, જે પોતાનું આધ્યાત્મિક ધ્યેય પવિત્ર શિક્ષણકાર્યની સફળતામાં નિહાળે છે તે જ મનુષ્ય શિક્ષક થવાને યોગ્ય છે.’ જે શિક્ષકને પોતાના વર્ગના તમામ વિદ્યાર્થીઓનાં નામ મોઢે આવડે છે અને દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને નામથી જ બોલાવે છે તે મારે મન ‘વિષ્ણુસહસ્રનામ’નો સાચો પાઠ છે. જે શિક્ષક પોતે વર્ગખંડમાં આખેઆખો ઓગળી જાય છે તેને ‘નિર્વાણષટ્કમ્’ ગોખવાની જરૂર ખરી? જે શિક્ષક પોતે બાળકો પર સતત વહાલનો અભિષેક કરતો રહે તે એક દિવસ શિવમંદિરે અભિષેક કરવાનું ચૂકી જાય તો પણ પરમાત્મા વધુ રાજી થાય છે. શિક્ષકની ઉપાસનાપદ્ધતિનો આરાધ્ય બાળક હોય તો પરમાત્માને ‘દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી અખિયાં પ્યાસી…’ ગાવાની જરૂર રહેતી નથી; તેના માટે તો દરેક બાળકમાં ઘનશ્યામનું દર્શન હોય છે. દુનિયા ક્યારેક આવા શિક્ષકોને પાગલ પણ કહે છે. આજે શીખવા અને શીખવવા માટે પાગલ શિક્ષકોની જરૂર છે. વૈજ્ઞાનિકોએ આવું પાગલપન અપનાવ્યું છે ત્યારે તો જગતને આટલી સુખ-સુવિધાની પ્રાપ્તિ થઈ છે. પાગલપણામાંથી જ ભૂગોળ અને ખગોળનું જ્ઞાન વિકસ્યું છે. આવા પાગલપણાથી જે વંચિત હોય તેને શિક્ષક થવાનો અધિકાર ખરો? શિક્ષકની સામે આજે ઘણા પડકારો છે. તેમાંનો એક પડકાર ટેક્નૉલૉજી છે. આજના ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના પ્રચંડ વિસ્ફોટના યુગમાં માહિતી કોઈની ખાનગી જાગીર રહી નથી. જો શિક્ષક પોતાની જાતને માત્ર પાઠ્યપુસ્તકનાં પાનાં ઊથલાવી માહિતી આપનાર ગણશે, તો તે ટેક્નૉલૉજી સામે હારી જશે. આજના શિક્ષકનું સાચું કૌશલ્ય ગોખણપટ્ટી કરાવવામાં નહીં, પણ ‘ગૂગલ’ જે નથી આપી શકતું તે આપવામાં છે; અને તે છે સંવેદના, વિવેકબુદ્ધિ અને સત્ય-અસત્ય વચ્ચેનો ભેદ પારખવાની દૃષ્ટિ. આ દૃષ્ટિ જ શિક્ષકમાં રહેલા કૃષ્ણત્વને અને વિદ્યાર્થીમાં રહેલા અર્જુનત્વને જગાવે છે. પરંતુ આજના શિક્ષકના ભાગ્યમાં જ્ઞાનયોગ કરતાં કર્મયોગ વધુ હોય તેમ લાગે છે. શિક્ષક પાસે કરાવાતાં અનેક કામો શિક્ષણને એક બહુઆયામી પણ નિરર્થક એવો ઉદ્યોગ બનાવે છે. એટલે જ ક્યારેક શિક્ષકને એમ થાય છે કે ‘હું શિક્ષક શિક્ષક થાઉં તો ઘણું!’ જો મારે આજના સમયમાં નૂતન કેળવણીની પાંચ ફરજોનું ‘પંચામૃત’ પીરસવાનું હોય તો તે કંઈક આવું હોય: મારી પ્રથમ ફરજ એ રહેશે કે હું મારા વિદ્યાર્થીઓના હૃદયમાં માતૃભાષાનો દીવો પ્રગટાવીશ, કારણ કે માતૃભાષા એ જ વ્યક્તિની સાચી આંખ છે અને તેના થકી જ મૌલિક વિચારોનો જન્મ થાય છે. બીજી મહત્ત્વની ફરજ એ છે કે હું તેમને માત્ર માહિતીના ગુલામ બનાવવાને બદલે, તેમનામાં માનવીય સંવેદનાઓ અને નૈતિક મૂલ્યોનું ચારિત્ર્યનિર્માણ કરીશ, જેથી તેઓ વિશ્વનાગરિક બની શકે.મારી ત્રીજી ફરજ એ હશે કે હું આધુનિક ડિજિટલ યુગની ટેક્નૉલૉજીને હસતા મુખે અપનાવીશ, પરંતુ એ નિર્જીવ યંત્રો વચ્ચે મારા વિદ્યાર્થીઓના ‘માંહ્યલા’ને ધબકતો રાખવાની સંવેદનશીલતા ક્યારેય ચૂકવા દઈશ નહીં. ચોથા અમૃત તરીકે હું ગિજુભાઈના ‘દિવાસ્વપ્ન’ને આત્મસાત કરીશ અને વર્ગખંડમાં સર્જનાત્મકતા, બાળકેન્દ્રી પ્રવૃત્તિઓ અને નિખાલસતાને પ્રાધાન્ય આપીશ, જ્યાં ભૂલો નિષ્ફળતા નહીં પણ શીખવાની સીડી બની રહેશે. પાંચમી સૌથી મૂલ્યવાન ફરજ એ રહેશે કે હું મારામાં રહેલા જિજ્ઞાસુ ‘વિદ્યાર્થી’ને ક્યારેય મરવા નહીં દઉં. શિક્ષક એ આજીવન અધ્યેતા છે, અને જ્યાં સુધી શિક્ષક પોતે સતત નવું શીખતો રહેશે, ત્યાં સુધી જ તે પોતાના વર્ગખંડમાં વિસ્મયનું પરોઢ રચી શકશે. આ પંચામૃતના આચરણથી જ જીવનનો દરેક શ્વાસ ખરા અર્થમાં અસ્તિત્વનો ઉત્સવ બની શકશે. અંતે, શિક્ષણ કરતાંય ચારિત્ર્ય વધુ મહાન છે. - હર્બર્ટ સ્પેન્સર }
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:શંકાઓ વચ્ચે સફળતાનો શંખનાદ
    Next Article
    અમલપિયાલી:ઉત્કટ પ્રેમની અસાધારણ પરંતુ સુરમ્ય લીલા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment