Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:શંકાઓ વચ્ચે સફળતાનો શંખનાદ

    7 hours ago

    થોડાં વરસો પહેલાં ગુજરાત સરકારમાં ‘સ્પીપા’નું સિવિલ સર્વિસ સ્ટડી સેન્ટર ચાલુ રાખવું કે કેમ એ અંગે અવઢવ ચાલી રહી હતી. ધાર્યાં પરિણામ નહોતાં મળી રહ્યાં. કોઈ કોઈ વરસે એક બે ઉમેદવારો સફળતા મેળવી રહ્યા હતા. પરિણામ ઉત્સાહજનક નહોતું. ભરચોમાસે આભે મીટ માંડીને બેઠેલા ખેડૂતની આંખમાં નિસાસા અને નિરાશાનો તાપ વાગે એવી સ્થિતિ. અવઢવના એ વરસમાં અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામના યુવાન અને ખેડૂતપુત્ર પ્રવીણ સોલંકીએ ‘સ્પીપા’માં પ્રવેશ મેળવ્યો. દસમા ધોરણ સુધી ગામડાની શાળામાં જ અભ્યાસ કર્યા બાદ અગિયાર-બારનો અભ્યાસ અમદાવાદ અને ગાંધીનગરમાં કર્યો. મહેસાણાથી કોલેજ કરી અને અમદાવાદની બી. કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમ. બી. એ. ‘ગુજરાત યુનિવર્સિટી’ની હોસ્ટેલથી કોલેજના રસ્તામાં રોજ તેઓ એક સ્ટડી સેન્ટરનું બોર્ડ જોતા- એ. ડી. શોધન આઈ. એ. એસ. ટ્રેનિંગ સેન્ટર. સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમા સ્થાપિત આ સ્ટડી સેન્ટર નેવુંની શરૂઆતમાં બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ પાછળથી સ્વ-સંચાલિત બનીને શરૂ થયું. એ વખતે પ્રવીણભાઈને સિવિલ સેવા વિશે અંદાજ નહોતો. ટ્રેનિંગ સેન્ટરનું બોર્ડ જોઈને કુતૂહલવશ તેઓ અંદર ગયા. નોટિસ બોર્ડ પર પરીક્ષાની માહિતી હતી. તેમને રસ પડ્યો. થોડી વધુ તપાસ કરી. અમુક પ્રશ્નો જોયા. તેમને થયું, ‘આ કરી શકાય એમ છે.’ સિવિલ સેવા પરીક્ષાની તૈયારીના વિચારને સામાન્ય રીતે મિત્રો કે પરિવાર તરફથી પહેલીવારમાં ટેકો મળતો નથી. પરીક્ષાનું ગણિત સમજનારા જાણે છે કે અખિલ ભારતીય સ્તરની આ પરીક્ષામાં સફળતાનો દર એક ટકાથી પણ ઓછો છે. બહુ જ મોટું જોખમ. ગુજરાતીઓ આ પરીક્ષામાં બહુ કાઠું નથી કાઢતા એવા હવાલા અને આપણે ત્યાં બીજા ઘણા કામધંધા છે - એવી બધી દલીલો આજે પણ કેટલાય મિત્રવર્તુળો અને કોલેજોની પાસેની ચાની કીટલીઓ પાસે થતી જ હોય છે. પ્રવીણભાઈ પણ એ દલીલોના દાવાનળમાંથી પસાર થયા. જાતે જ તૈયારી શરૂ કરી. જૂનાં પ્રશ્નપત્રોના અભ્યાસના આધારે સિવિલ સેવા પરીક્ષા શું માગે છે તે સમજ્યા. કેવા પ્રશ્નો પૂછાય છે તેની સમજ શું વાંચવું અને કેવી રીતે વાંચવું એ તરફ લઇ જાય. ધોરણ સાતથી બારની તત્કાલીન સી. બી. એસ. ઈ.નાં પુસ્તકો તેમણે વાંચ્યા. પ્રશ્નપત્રોનું વિશ્લેષણ વાંચન પ્રક્રિયામાં ઉપયોગી નીવડ્યું. એ જ વર્ષે ‘સ્પીપા’ની પ્રવેશ પરીક્ષા આપી અને તેમાં પણ પ્રવેશ મેળવી લીધો. ‘સ્પીપા’માં અલગ અલગ વિષયોના વર્ગો ચાલતા. પ્રવીણભાઈ એ વર્ગોમાં અભ્યાસ કરતા અને બાકીનો સમય વાંચવામાં અને ગ્રૂપ ડિસ્કશનમાં વિતાવતા. તત્કાલીન પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તેમણે ગુજરાતી સાહિત્ય અને ઇકોનોમિક્સને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યા. અર્થશાસ્ત્ર સ્કૂલના દિવસોથી તેમનો ગમતો વિષય રહ્યો હતો. ઉપરાંત બી. બી. એ. અને એમ. બી. એ. દરમિયાન આ વિષયનો અભ્યાસ કર્યો હોવાથી તેમણે પોતાના મુખ્ય વૈકલ્પિક વિશે તરીકે તેને પસંદ કર્યો. પ્રવીણભાઈએ પરીક્ષાની રણનૈતિક સમજ મેળવી હતી. તેઓ પરીક્ષા પદ્ધતિને ખૂબ જ સારી રીતે સમજ્યા હતા. એટલે જ પહેલા પ્રયાસમાં જ પ્રીલિમિનરી અને મેન્સનો કોઠો વીંધી નાખ્યો. પહેલા પ્રયાસમાં જ તેઓ પર્સનાલિટી ટેસ્ટના દરવાજે પહોંચી ગયા. ગુજરાતના ગામડાનો એક છોકરો દિલ્હીના ધોલપુર હાઉસમાં બેઠો હતો. પ્રવીણભાઇને તેમની પૃષ્ઠભૂમિમાંથી સવાલો પૂછવામાં આવ્યા. સિવિલ સેવામાં કેમ જોડાવા માગો છો અને જો જોડાશો તો શું કરશો - તે પ્રકારના સવાલો. પ્રવીણભાઇએ જવાબોમાં જાહેરસેવાને પ્રાથમિકતા આપી. તેમણે પોતાના ગામનની શાળા અને આરોગ્ય સેવાઓની સ્થિતિ વર્ણવી. ઇન્ટરવ્યૂ પેનલે પૂછ્યું કે આપ જો એ જિલ્લાના ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ બનો તો શું પગલાં લો? પ્રવીણભાઇએ કોઠાસૂઝથી જવાબ આપ્યા. ઓગણીસ મહિનાની કલાકોની મહેનત પરિણામના દિવસની રાહ જોઈ રહી હતી. પહેલા જ પ્રયાસમાં પર્સનાલિટી ટેસ્ટ સુધી પહોંચેલા પ્રવીણભાઇને પરિણામના દિવસે આસપાસના લોકો આમ તો આશ્વાસનરૂપી વાતો જ કરી રહ્યા હતા, પણ બધાના જ આશ્ચર્ય વચ્ચે પ્રવીણ ખોડાભાઈ સોલંકી ઓલ ઇન્ડિયા રેન્ક 66 સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. એક પરિણામે બધા જ પ્રશ્નોનો અંત લાવી દીધો. ‘સ્પીપા’માં ઉત્સવનો માહોલ હતો. એ સ્ટડી સેન્ટરને જાણે નવજીવન મળી ગયું! સરકારી અવઢવ પર પૂર્ણવિરામ લાગી ગયું. પ્રવીણ સોલંકીને ગુજરાત કેડર આઇ. એ. એસ. મળી. તેમનો લક્ષ્યવેધ પોતાની પરિસ્થિતિ પર પ્રશ્ન કરવાને બદલે પોતાની જાત પર ભરોસો રાખીને સપનાની કેડીએ સતત ચાલવાની પ્રેરણા આપે છે. }
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:દેવાધિદેવ મહાદેવના દાસ કદી ન ઉદાસ
    Next Article
    અક્ષરનો અજવાસ:હું શિક્ષક શિક્ષક થાઉં તો ઘણું!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment