Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:દેવાધિદેવ મહાદેવના દાસ કદી ન ઉદાસ

    6 hours ago

    હરદ્વાર ગોસ્વામી એક શિવભક્તનો દરરોજ સાંજે મંદિરે જવાનો ઉપક્રમ હતો. મંદિરમાં રોજ સંતો માટે ભોજન બનતું, એ પહેલાં થાળ રૂપે શિવને ધરાવવામાં આવતું. એ ભોજન બનાવવામાં એ શિવભક્ત રોજ મદદ કરતો હતો. ક્યારેક લોટ બાંધે, ક્યારેક રોટલી વણે, શાક સમારે, ક્યારેક શાક વઘારે... જે પણ કામ સોંપવામાં આવે એ ખંતથી કરે. કામ કરતાં કરતાં હંમેશાં એ શિવભજન ગાતો. શિવભક્ત મજૂરીકામ કરતો. સામાન્ય માણસ હતો, પણ એની ભક્તિ અસામાન્ય હતી. આર્થિક મદદ તો કરી શકતો ન હતો, પણ તન અને મનથી હંમેશાં સેવા કરવા તત્પર રહેતો. એક દિવસ મજૂરી કરીને સીધો મંદિર પહોંચ્યો. ઘરે જઈને નહાઇ-ધોઈને કપડાં બદલીને આવે તો મોડું થઈ જાય અને સેવાનો લાભ મળી શકે નહીં. શિવભક્ત ઝડપથી મંદિરના રસોડામાં પહોંચ્યો. એનાં મેલાંઘેલાં કપડાં જોઈ પૂજારીએ એને રસોડામાંથી બહાર જવા કહ્યું. શિવભક્ત કશું બોલ્યા વગર નીકળી ગયો. બહાર કાઢ્યો એનું દુઃખ નહોતું લાગ્યું, પણ સેવા ન થઈ શકી એની પીડા હતી. એને થયું કે મંદિરમાં દર્શન કરીને ઘરે જાઉં, પણ પાછો વિચાર આવ્યો કે મેલાં કપડાં જોઈ પૂજારી પાછી ના પાડશે તો? ભારે હૈયે બહારથી દર્શન કરી ઘર તરફ ગયો. એ જ દિવસે પૂજારીને સ્વપ્નમાં શિવ આવ્યા અને કહ્યું, ‘આજનું ભોજન ફિક્કું હતું. બહાર કરતાં ભીતરની સ્વચ્છતા વધુ અગત્યની છે.’ પૂજારીની આંખ ખૂલી ગઈ. તેઓ શિવની ગર્ભિત વાત સમજી ગયા. અડધી રાતે પૂજારી મંદિરની બાજુમાં રહેતા મજૂરના ઘરે પહોંચ્યા અને મજૂરની માફી માગી. શિવની પૂજા-અર્ચના સાચા હૃદયથી કરો તો બીજા વિધિ-વિધાનની જરૂર રહેતી નથી. શિવ સહજ અને સરળ છે, એટલે એમને સહજ અને સરળ ભક્તો ગમે છે. શિવપ્રાપ્તિનું પ્રથમ પગથિયું આડંબરનો છેદ છે અને અંતિમ પગથિયું સરળતા છે. સાચા ભક્તોનું સન્માન કરવાથી શિવ પ્રસન્ન થાય છે. દેવાધિદેવ શિવનાં આઠ મહત્ત્વનાં સ્વરૂપો છે, જેમાં અખિલ બ્રહ્માંડનો સમાવેશ થાય છે. આથી તેમનું ‘અષ્ટમૂર્તિ’ નામાભિધાન અનેક અર્થછાયાઓ ઊભી કરે છે. મહાકવિ કાલિદાસે તેમના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ નાટકના નાન્દી શ્લોકમાં અષ્ટમૂર્તિની મંગલ પ્રાર્થના કરી છે. જે સર્જનહારનું પહેલું સર્જન છે તે જળ, શિવની પ્રથમ મૂર્તિ છે. જે વિધિપૂર્વક હોમાયેલાં દ્રવ્યોને દેવ પાસે લઈ જાય છે તે અગ્નિ તેમની બીજી મૂર્તિ છે. જે યજમાન સ્વરૂપ છે તે ‘હોત્રી’ તેમની ત્રીજી મૂર્તિ છે. અન્ય બે મૂર્તિઓ જે કાળખંડોનું નિર્માણ કરે છે, એટલે કે દિવસ અને રાત્રિ બનાવે છે એવા સૂર્ય ચોથી અને ચંદ્ર પાંચમી મૂર્તિ છે. આકાશ એ છઠ્ઠી મૂર્તિ, પૃથ્વી સાતમી મૂર્તિ અને વાયુ ભગવાન શિવની આઠમી મૂર્તિ છે. કાલિદાસે ‘વિક્રમોર્વશીયમ્’ નાટકના નાન્દી શ્લોકમાં શિવનું સ્વરૂપ આલેખતાં કહ્યું છે, ‘વેદાંતમાં જેને પરમપુરુષ કહ્યા છે, જે આકાશ અને પૃથ્વીમાં વ્યાપ્ત છે અને બીજા કોઈ દેવોને લાગુ ન પાડી શકાય તેવો ‘ઈશ્વર’ શબ્દ માત્ર તેમને માટે જ પ્રયોજી શકાય છે. વળી મુમુક્ષુ સાધકો પોતાના પ્રાણોનું નિયમન કરી, તેમને પોતાના અંતરમાં અનુભવે છે; આવું આ શિવત્વ સ્થિર ભક્તિથી સુલભ અને મંગલકારી છે!’ અન્ય એક કવિ કહે છે, ‘શિવસ્વરૂપ સંસારની ઉત્પત્તિનું નિમિત્ત છે, વળી સંસારરૂપ પણ છે. કારણ કે પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન વગેરે સંસારના પદાર્થો એનાં જ સ્વરૂપ છે. છતાં એ પરમતત્ત્વ સંસારથી પર પણ છે.’ अहिभूषणोऽपि अभयद: सुकलितहालाहलोऽपि यो नित्य :| दिग्वसनोऽपि अखिलेश: तं शशधरशेखरं वन्दे|| તે શિવ સાક્ષાત્ કાળસમાન નાગરાજ વાસુકીનાં આભૂષણ ધારણ કરે છે, છતાં અભય આપનારા છે. સ્વયં હળાહળ ઝેરનું પાન કરી ગયા છે, છતાં અવિનાશી અને અમર છે. દિગંબર છે—એટલે કે પહેરવા વસ્ત્ર નથી, તેમ છતાં અખિલ ભુવનના અધિપતિ છે અને સ્મશાનમાં વસનારા હોવા છતાં પરમ પવિત્ર એવા ચંદ્રશેખર ભગવાન શંકર વંદનીય છે. એક વખત કૈલાસ પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાંબાજી રમવા બેઠાં હતાં. રમત ખૂબ રસાકસીભરી જામી હતી. ત્યાં જ વચ્ચે પાર્વતીજીને કંઈક યાદ આવતાં ભોળાનાથને પૂછી બેઠાં, ‘સ્વામી, તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તે મને કહો.’ ભોળાનાથે પાસા ફેંકતાં કહ્યું, ‘હા, મને ખ્યાલ છે. એક વાર નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી. ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારી ખૂબ પ્રશંસા કરી હતી. એ વખતે તમે પણ ત્યાં હાજર હતાં. તમે મારી પ્રશંસા સાંભળી અને મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું.’ ભોળાનાથ આગળ કહે છે, ‘ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સખીને કહી. સખીએ બધી ચિંતા છોડી વનમાં જવાનો પ્રસ્તાવ મૂક્યો. એ પછી તમે વનમાં ગયાં. ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો હતો. એ માટીમાંથી રમતાં રમતાં તમે એક પાર્થિવ શિવલિંગ બનાવી દીધું. ત્યારબાદ તેની પૂજા કરવા તમે કેવડો, બીલીપત્ર વગેરે લાવ્યાં અને ભક્તિભાવે શિવલિંગ પર ચઢાવ્યાં. એ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો. એ દિવસે તમે અન્ન-જળનો ત્યાગ કરી કઠોર વ્રત કર્યું અને ભૂખ્યા પેટે મારી આરાધના કરી. આથી હું પ્રસન્ન થયો અને વરદાન માગવા કહ્યું. ત્યારે તમે વિનમ્ર ભાવે એટલું જ કહ્યું કે, ‘હે ભોળાનાથ, જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને સાચા મનથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો.’ તમારા એ વ્રત અને તપના પ્રભાવથી તમારા પિતાજી પણ સંમત થયા અને થોડા દિવસમાં એમણે તમારાં લગ્ન મારી સાથે કરાવ્યાં. દૂરથી શિવમંદિરની ધજાનો ફરકાટ જોતાં જ આંખ અને અંતરને શાતા વળે છે. ગર્ભગૃહ સુધી પહોંચતાં તો આખું અસ્તિત્વ તેજોમય થઈ જાય છે. એક જુદી જ દિવ્ય દુનિયામાં પ્રવેશ થાય છે. ચિત્ત ચૈતન્ય વ્યોમમાં વિલસવા લાગે છે. શિવલિંગ પર જળધારા જાણે ગંગા સાથે સીધું અનુસંધાન સાધતી અનુભવાય છે! સુગંધના અર્ધ્ય સામે બગીચો પણ પાણી ભરે... શિવલિંગના સંસ્પર્શથી પાપ નષ્ટ થાય છે અને પુણ્ય પ્રજ્વલિત થાય છે. એક વાર એક માણસ શિવજીની સાંજની આરતી પૂર્ણ થઈ ત્યારે મંદિરે પહોંચ્યો. પૂજારીએ પૂછ્યું, ‘દરરોજ તમે સાંજની આરતીમાં સમયસર આવી જાઓ છો, આજે કેમ મોડું થયું?’ તે માણસે કહ્યું, ‘રસ્તામાં એક વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું કે મારા ગાડાનું પૈડું ઊતરી ગયું છે, જરા ચડાવી આપશો? મેં હસતાં હસતાં કહ્યું કે જરા શું કામ, પૂરેપૂરું ચડાવી આપું! પૈડું ચડાવ્યા બાદ કપડાં મેલાં થયાં હોવાથી ઘરે જઈ બદલીને આવ્યો, એમાં મોડું થઈ ગયું.’ પૂજારીએ કહ્યું, ‘તો પછી મંદિરે આવીને તમે ખોટો ધક્કો ખાધો; આજની સાચી પૂજા તો તમારી રસ્તામાં જ થઈ ગઈ હતી.’ એક શાયરે કહ્યું છે: ‘પૂજા સબકી એક સી, અલગ અલગ હર રીત; મસ્જિદ જાયે મૌલવી, કોયલ ગાયે ગીત.’ મંદિરની ધૂપસળીની સુગંધ દરેક દુઃખી હૃદય સુધી પહોંચાડે એ જ સાચો ધર્મ. શિવની અનાયાસ પૂજા પણ ફળદ્રૂપ બની જાય છે. શિવ અજન્મા અને અનંત છે. શિવતત્ત્વ આભથી ઊંચું અને પાતાળથી ગહન છે. એ પ્રકાશમાં નહીં, પણ અંધકારમાં મળશે; મહાલયોમાં નહીં, પણ ઉજ્જડતામાં શિવ મળશે. એની ઊંચાઈને પામવા માટે વિચારોને હિમાલય જેવી ઊંચાઈ આપવી પડે. મૃત્યુને પણ મોહક કરી દેનારા મહાદેવનો મહિમા અપાર છે. આવજો... ‘જીવન એક ફૂલ છે, પ્રેમ એની સુગંધ છે.’ – વિક્ટર હ્યુગો }
    Click here to Read More
    Previous Article
    साड़ी में मोटा दिखता है पेट? Stylist ने बताए बल्ज छिपाने के आसान तरीके, इस तरह पहनने से दिखेंगी स्लिम
    Next Article
    લક્ષ્યવેધ:શંકાઓ વચ્ચે સફળતાનો શંખનાદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment