Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…

    17 hours ago

    ધ્રુવ બોરીસાગર જેનું કામ જ ચાવવાનું છે એવો એક ચવાઈ ગયેલો વિષય છે - દાંત. આમ તો હાથીને ચાવવાના અને દેખાડવા દાંત અલગ હોય છે. હાથી પાસેથી આ હુન્નર માણસ પણ સારી રીતે શીખી ગયો છે એટલે દાંત પર ચોસઠ લેખ લખી શકાય. માણસને પોસાય તો રસોઈ કરવા તો ઠીક પણ, મોંમાં કોળિયા મૂકવા માટે પણ ચાકર રાખે. ચાકર મોંમાં કોળિયા મૂકી દે ખરો, પણ પછી ચાવવું તો જાતે જ પડે છે. નંદીએ શંકરભગવાનનો સંદેશો પહોંચાડવામાં કરેલી (એકવાર નહાવું, ત્રણ વાર ખાવું!) આ ગરબડમાં દાંતનું કામ વધી ગયું. આપણે જીવવા માટે ખાતા નથી પણ, ખાવા માટે, સૉરી, જમવા માટે જીવીએ છીએ. (ઑફિસમાં ‘કટકી’ના અથાણા સાથે ખાવાનું હોવાથી ખાધેલું ગળે ઉતારવા કે પચાવવા દાંતની જરૂર પડતી નથી. એટલે જ કદાચ રોકડને Liquid Asset કહેવામાં આવે છે!) સામાન્ય રીતે જીભ ઝઘડો થવાનું કારણ બનતી હોય છે. (જીભ જેટલી લાંબી, એટલો ઝઘડો લાંબો) ઝઘડામાં બોલાચાલીથી આગળનું સ્ટેપ મારામારી હોય છે, જેનું શુભમુહૂર્ત હંમેશાં લાફાથી થાય. અઢી કિલોના હાથનો બહાર પડેલો લાફો અંદર બત્રીસે કોઠે દીવા પ્રગટાવે છે. સારું છે કે હજુ સુધી જીભનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું નથી. બાકી બધા ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ વખતે ડોનર કોણ છે? એ જોવામાં આવતું નથી, પરંતુ જીભના ટ્રાન્સપ્લાન્ટ પહેલા દાંતને ચોક્કસ ચિંતા થાય કે ડોનર કોણ છે – બેન છે, નેતા છે કે ઘરરખ્ખુ પતિ છે? (વપરાશ ઓછો થયેલો હોવાથી છેલ્લાવાળાની જીભની માગ વધુ હોવાની!) જેમ જેમ ઉંમર વધે એટલે પોતાનાં અંગોને જોઈને માણસને ગાવાનું મન થાય ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ’ દાંત બહુ સ્વમાની હોય છે, આવા કડવાં વેણ સાંભળવાં ન પડે એટલે ઉંમર વધતાં દાંત પડી જાય છે. દાંત પડે એટલે ચોકઠું ફિટ કરાવવું ફરજિયાત બને છે. ચોકઠું લગ્નનું હોય કે મોઢાનું - ફિટ થયું તો થયું, નહીંતર જીવીએ ત્યાં સુધી સખળડખળ! ખાટું ખાવાથી દાંત અંબાઈ જાય છે, એ સાચું, પરંતુ જેમને આંબવા એટલે કે સમજવા અઘરા છે એવાં બહેનો, ખાટું ખાય તો પણ એમના દાંત અંબાતા નથી. (દુશ્મનના દાંત ખાટા કરે એ અલગ બાબત છે!) સામાન્ય રીતે બહેનોને ખાટું અને તીખું વધારે ભાવે છે અને ભાઈઓને ગળ્યું વધારે ભાવે છે. એનો અર્થ, ભાવવાને સ્વભાવ સાથે સીધો સંબંધ છે! જડબાની છેલ્લી દાઢને ડહાપણની દાઢ એટલે કહેવામાં આવે છે, કારણ કે એ માણસમાં પરિપક્વતા આવ્યા પછી આવે છે. (જાડેરી જાન જોડીને ધામધૂમથી જેને લેવા ગયા હતા એ પરીના આવ્યા પછી એમના દ્વારા પતિમાં રોપવામાં આવતા ગુણને ‘પરિપક્વતા’ કહેવામાં આવે છે!) ખરેખર તો આ દાઢને ‘દોઢ ડહાપણ’ની દાઢ કહેવી જોઈએ, કારણ કે એ દોઢડાહ્યા માણસની જેમ આડી, ત્રાંસી ઊગે છે. દાઢ સડી જવાનું કારણ, માણસ ઘણાંને દાઢમાં રાખે છે! ગિજુએ એના ડેન્ટિસ્ટ મિત્રને ભોળાભાવે પૂછ્યું : “ઊંઘમાં મારા દાંત કચકચે એને રોગ કહેવાય?” મિત્રએ જવાબમાં એટલું જ કહ્યું, “જેને દિવસ દરમિયાન શ્વાસ લેવામાં ગૂંગળામણ થતી હોય, મોં ખોલવાની જૂજ તક મળતી હોવાથી જેની વાત, દલીલ કે તર્કને વાચા ન મળતી હોય, દાંત કચકચાવીને પોતાનો ગુસ્સો ઠાલવી ન શકતા હોય, એને ઊંઘમાં દાંત કચકચતા હોય છે.” ગિજુ પરણેલો હોવાથી લાંબી વાતને પણ તરત સમજી ગયો. મનમોહક પુરુષ પણ પરણ્યા પછી ‘મનમોહન’ બની જતો હોવાથી એમનામાં આ તકલીફ વધુ જોવા મળે છે. ડેન્ટિસ્ટ પાસે ગયેલા દરેક દર્દી પોતાની જાતને કૃષ્ણ સમજતા હોય છે. ડેન્ટિસ્ટ જેવું મોં ખોલવાનું કહે એટલે દર્દીને એમ જ લાગે છે કે મારા મોઢામાં ડેન્ટિસ્ટને બ્રહ્માંડ દેખાશે! દાંતની સારવારમાં જો ડેન્ટિસ્ટ કહે કે બ્રિજ બનાવવો પડશે કે રૂટ કૅનાલ કરવી પડશે તો અકાળે તૂટી પડતા બ્રિજ અને કૅનાલમાં પડતાં ગાબડાંના છાપામાં દરરોજ આવતા સમાચારને કારણે દર્દીને ધ્રાસકો પડે છે. ડૉક્ટરને ગભરાયેલા દર્દીને ભરોસો આપવો પડે છે “અમે માલસામાનની ગુણવત્તા કે જરૂરી જથ્થામાં ચોરી નહીં કરીએ એટલે ચિંતા ન કરો.” સારું છે કે ‘એક સાથે એક દાંત ફ્રી પાડી દેવામાં આવશે’ એવી ક્યારેય જાહેરાત કરવામાં નથી આવતી નહીંતર, જેના ત્રણ દાંતમાં સડો થયો હોય એવા અમદાવાદીને આ સ્કીમનો પૂરો લાભ ન લઈ શક્યાનો જીવનભર વસવસો રહેશે. આઇસ ક્યૂબ ખોતરવાની (સળી કરવાની) ટેવ હોય તો બે દાંત વચ્ચે તો ઠીક, પણ બે માણસ વચ્ચે પણ જગ્યા થતાં સડો પેસે છે!
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:પ્રશ્નોમાં છુપાયેલા જવાબની જુબાની…
    Next Article
    થેન્ક યૂ:વાંચવું એટલે વાવવું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment