Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:ટાઇમ મશીન વગરની સમયયાત્રા

    14 hours ago

    જયેશ દવે ભૂતકાળ કે ભવિષ્યના કોઈ સ્થળે પહોંચી જવું અને પરત આવવું તે ટાઇમ મશીન દ્વારા શક્ય બની શકે. પરંતુ ખુદ સમય જ કોઈ ખેલ કરે તો મશીન વગર પણ આ રોમાંચક અનુભવ થઈ શકે છે. આવો જ કંઈક રહસ્યમય ખેલ વિશ્વમાં આપણી જાણ બહાર થતો રહે છે અને તેમાંના કેટલાકના આપણે સાક્ષી બનીએ છીએ. ટાઇમ સ્લિપની આવી ઘટના અંગે વિજ્ઞાન કહે છે કે, યુનિવર્સ ફોર ડાયમેન્શનનો 4D બ્લોક છે. આ બ્લોકમાં કોઈ નાનીસરખી સળ પડે, કોઈ સંજોગોમાં અલ્પ વળાંક આવે કે પછી ઊર્જા સ્તરમાં કોઈ ફેરફાર થાય ત્યારે સમયની એક ફ્રેમમાં બીજી ફ્રેમની ઝલક દેખાય છે. આવી અનેક ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓમાં આકસ્મિક રીતે ભૂતકાળ કે ભવિષ્યમાં પહોંચી જવાનું બનતું હોય છે, પરંતુ આવું આવાગમન સહજ રીતે કરનાર એક વ્યક્તિનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે અને તે છે નારદ મુનિ. પુરાણકથાઓમાં નારદ મુનિ તમામ યુગમાં જોવા મળે છે. તેઓ આ સમયયાત્રા સહજ રીતે કરતા હતા તેવું કહી શકાય. આજે પણ તેઓ આ કાળખંડમાં ઉપસ્થિત થયા હોય તેવી સંભાવના સાવ નકારી ન શકાય, કારણ કે તેઓ ટાઇમ મશીન વગર સમયયાત્રા કરતા તો આજે પણ તેમની ઉપસ્થિતિ શક્ય છે. પુરાણોમાંની આ કથા કાલ્પનિક લાગી શકે, પરંતુ આપણી આસપાસની અનેક ઘટનાઓ આવી સમયયાત્રાના પુરાવા આપે છે. નારદ મુનિ પોતાની ઇચ્છા પ્રમાણે એકથી બીજા કાળખંડમાં પહોંચી જતા. આવી વિશિષ્ટ શક્તિ સામાન્ય માણસમાં હોતી નથી, છતાં ક્યારેક સામાન્ય માણસ સાથે પણ આવી અસામાન્ય ઘટના બનતી હોય છે. ટાઇમ સ્લિપ — સમયયાત્રાની આવી જ એક ઘટના ઓક્સફર્ડની બે પ્રાધ્યાપિકાઓ સાથે બની હતી, જે ખૂબ ચર્ચિત રહી છે. 10 ઓગસ્ટ, 1901નો તે સમય હતો. ઑક્સફર્ડ યુનિવર્સિટીની બે પ્રાધ્યાપિકા શાર્લોટ ઍન મોબર્લી અને એલેનોર જોર્ડન ફ્રાન્સના પ્રવાસે ગઈ હતી. બંને વર્સાય પેલેસની મુલાકાત લઈ ત્યાંના બગીચામાં લટાર મારી રહી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને અજંપાભરી શાંતિ છવાઈ ગઈ. બંને કશું સમજે-વિચારે ત્યાં સુધીમાં તો નાટકમાં સેટ બદલાય તે રીતે આજુબાજુનું વાતાવરણ બદલાઈ ગયું. બગીચાનું આખું કલેવર બદલાઈ ગયું અને 18મી સદીના ફ્રાન્સના સૈનિકો તેમજ તે સમયનાં વસ્ત્રોમાં સજ્જ લોકો દેખાવા લાગ્યા. તેમણે એક સ્ત્રીને બગીચામાં બેસીને ચિત્ર દોરતી પણ જોઈ. ત્રણ-ચાર મિનિટ પછી ફરી બધું યથાવત્ થઈ ગયું. તેમની સાથે બગીચામાં હતા તે પ્રવાસીઓ દેખાવા લાગ્યા, પૂર્વવત્ અવાજ આવવા લાગ્યો અને બધું જ સામાન્ય થઈ ગયું. બંને મહિલાઓ શિક્ષણવિદ્ હતી, તેથી તર્ક અને આધારથી સમગ્ર ઘટનાને મૂલવીને એક અઠવાડિયા પછી ઇંગ્લેન્ડ પરત ફર્યા બાદ આ અંગે નોંધ લખી. આ નોંધ બંનેએ અલગ-અલગ લખી હતી. તેમાં કેટલીક બાબતો અલગ હતી, જ્યારે મૂળ ઘટના અને વિગતો એકસરખી હતી. બંને મહિલાઓએ 18મી સદીના વર્સાયને જોયું, અનુભવ્યું અને તે પણ ટાઇમ મશીન વગર! ટાઇમ સ્લિપની મોટા ભાગની ઘટનાઓમાં કોઈ એક સ્થળ પર એક કે બે વારથી વધુ વખત ઘટનાઓ બની નથી, પરંતુ ઇંગ્લેન્ડના જ એક શહેરમાં 1990થી સતતપણે આવી ઘટનાઓ બની છે. ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરની બોલ્ડ સ્ટ્રીટ આ માટે જાણીતી છે. અહીં ભૂતકાળમાં પહોંચી ગયાનો અનુભવ અનેક લોકોએ કર્યો છે. જોકે અહીં ટાઇમ સ્લિપમાં ફેરફાર 50-60 વર્ષનો જ અનુભવાયો છે. બોલ્ડ સ્ટ્રીટની ઘટનાઓ પૈકી સૌથી વધુ આધારભૂત ઘટના 1996ની છે. ફ્રેન્ક નામનો પોલીસ ઑફિસર અહીં પોતાની પત્ની કૅરોલ સાથે ખરીદી કરવા નીકળ્યો હતો. ફ્રેન્ક સીડી ખરીદવા માટે રોકાયો અને કૅરોલ પુસ્તક ખરીદવા માટે બોલ્ડ સ્ટ્રીટમાં બુક શૉપ તરફ ગઈ. થોડા સમય પછી ફ્રેન્ક પત્નીને મળવા બોલ્ડ સ્ટ્રીટ તરફ વળ્યો. તે સ્ટ્રીટમાં પ્રવેશ્યો ત્યારે અચાનક વાતાવરણ પલટાઈ ગયું. રસ્તો અને દુકાનો 50 વર્ષ પહેલાંના સમયનાં થઈ ગયાં! રોડ પર 1945-50ના સમયની કાળી ગાડીઓ દોડતી જોવા મળી. આશ્ચર્યમાં ડૂબી ગયેલા ફ્રેન્કે કપડાંની દુકાન ‘ક્રિપ્પ્સ’ જોઈ અને તેની બહાર ‘કલપાન’ નામ લખેલી ડિલિવરી વાન ઊભી હતી. તેણે દુકાન ‘ક્રિપ્પ્સ’નો દરવાજો ખોલી અંદર પ્રવેશવા પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો ખોલતાં જ જાણે ફરી વર્તમાન સમયનાં કમાડ ખૂલી ગયાં અને બધું જ પૂર્વવત્ થઈ ગયું! પોલીસ ઑફિસર ફ્રેન્કે જ્યારે આ વાત કરી ત્યારે તેની સત્યની ચકાસણી કરવામાં આવી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણે જે જગ્યાએ ‘ક્રિપ્પ્સ’ દુકાનની વાત કરી હતી તે જગ્યાએ 1944માં આ જ નામની દુકાન હોવાના અને તે સમયે ‘કલપાન’ નામની ડિલિવરી સર્વિસ પણ ચાલતી હોવાના ઐતિહાસિક પુરાવા મળ્યા! ફ્રેન્કના આ અનુભવ ઉપરાંત અન્ય લોકોએ પણ બોલ્ડ સ્ટ્રીટમાં ટાઇમ સ્લિપ અનુભવીને જૂની ટ્રામ સેવા, વિક્ટોરિયન સમયની દુકાનો તેમજ તે સમયના ભાવ લખેલા બોર્ડ વગેરે જોયાના દાવા કર્યા છે. ભૂતકાળ અને ભવિષ્ય બંને એકસાથે અસ્તિત્વમાં હોવાની અને તે સમયમાંથી સંદેશાઓ મળ્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આ રસપ્રદ વાત કરીશું આવતા અંકે.
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:મિટિંગમાં છું, પછી કૉલ કરું…
    Next Article
    દેશ-વિદેશ:ચીનનું ‘ડમ્પિંગ સુનામી’: વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment