Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાત સુરોના સરનામે જે હંમેશા મળતા એ આજે આથમી ગયા':લતા મંગેશકર-આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર; સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન

    11 hours ago

    ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ સંગીત શૈલીથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સંગીતનો એક વિરાટ સુવર્ણ યુગ અસ્ત થયો છે. વર્ષ 1967માં અમદાવાદ ખાતે નયનાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા ગૌરાંગ વ્યાસની અંતિમયાત્રા અમદાવાદના તેમના નિવાસસ્થાનથી નીકળી હતી.તેઓ પંચમહાભૂતમાં વિલીન થતાં સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પિતાની છાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર સંગીત પરંપરા ઊભી કરનાર ગૌરાંગ વ્યાસ પોતાની અમર રચનાઓ દ્વારા ગુજરાતની સામૂહિક સ્મૃતિમાં સદા જીવંત રહેશે. દિગ્ગજ સંગીતકારની અંતિમ વિદાયની 4 તસવીર PM-CMએ શ્રદ્ધાંજલિ અર્પી ‘મને પ્રફુલ્લ દવે બનાવવામાં ગૌરાંગભાઈનો બહુ મોટો ફાળો’ પ્રફુલ દવેએ જણાવ્યું હતું કે, મણિયારો તો પહેલાં પણ હતો, પ્રફુલ્લ દવે પણ ત્યારે જ હતો પણ 1974માં લાખો ફુલાણી રેકોર્ડિંગ કરીને એણે અમને બંનેને વિશ્વભરમાં પ્રખ્યાત કરી દીધાં. નખશિખ નાગર સદગ્રુહસ્થ અને અજાતશત્રુની એમની ઇમેજ મારા માનસ પટ પર કાયમ રહી છે. જતું કરી દેવુ, સહન કરી લેવુ, પરાણે ઘુસવુ નહી વગેરે સદગુણોથી એમણે પોતાના વ્યક્તિત્વને શણગારેલું જ રાખ્યું હતું. અંગત રીતે કહું તો મને પ્રફુલ્લ દવે બનાવવામાં ગૌરાંગભાઈનો બહુ મોટો ફાળો છે એ વાત હું બહુ ગૌરવ સાથે કહી શકું. ગૌરાંગભાઈનું નામ ક્યારેય ભૂસાશે નહીં: શ્યામલ મુનશી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જાણીતા ગાયક અને સંગીતકાર શ્યામલ મુનશીએ જણાવ્યું હતું કે, ગૌરાંગભાઈ સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધોને યાદ કરતા ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌરાંગ વ્યાસ સાથે તેમના સંબંધો માત્ર સંગીત પૂરતા સીમિત નહોતા પરંતુ બાળપણથી જ એક પરિવાર જેવા ગાઢ સંબંધો હતા. શ્યામલજીએ ગૌરાંગ વ્યાસની સંગીત યાત્રા અને તેમની અદભુત પ્રતિભાને બિરદાવતા કહ્યું કે, તેઓ ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ સંગીતના એક અત્યંત શક્તિશાળી, વર્સેટાઇલ અને જીનિયસ કંપોઝર હતા. તેમણે ભૂતકાળની યાદો વાગોળતા ઉમેર્યું કે, તેઓ જ્યારે પણ કોઈ નવું કમ્પોઝિશન બનાવતા ત્યારે સૌથી પહેલા હાર્મોનિયમ પર સંભળાવતા હતા. તેમની સાથે સંગીતની અનેક યાદગાર ક્ષણો વિતાવી છે. ગૌરાંગ વ્યાસના સંગીત ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન વિશે વાત કરતા શ્યામલજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યાં સુધી લોકો ગુજરાતી સંગીત સાંભળતા રહેશે ત્યાં સુધી ગૌરાંગભાઈનું નામ ક્યારેય ભૂસાશે નહીં. તેમના જેવા ગુણીજન કલાકાર ફરી મળવા મુશ્કેલ: સંજય ઓઝા દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જાણીતા ગાયક સંજય ઓઝાએ સ્વર્ગસ્થ સંગીતકાર ગૌરાંગ વ્યાસ સાથેની પોતાની યાદો તાજી કરી હતી. ગૌરાંગજીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા સંજય ઓઝાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સુગમ સંગીત, ગીત, ભજન, ગરબા અને ગઝલ જેવા તમામ ક્ષેત્રોમાં મુરબ્બી ગૌરાંગ ભાઈનું પ્રદાન અજોડ અને અમૂલ્ય રહ્યું છે. તેમના જેવા ગુણીજન કલાકાર ફરી મળવા મુશ્કેલ છે, કારણ કે તેઓ સૌના અતિ પ્રિય હતા અને તેમણે સમગ્ર ગુજરાતમાં એક આખી સંગીત ઇન્ડસ્ટ્રી તૈયાર કરી હતી. એક સમય એવો હતો જ્યારે રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એટલે માત્ર મુંબઈ ગણાતું, પરંતુ તેમણે અમદાવાદ અને ગુજરાતમાં સંગીતનો મોટો વ્યાપ ઉભો કર્યો. ગૌરાંગ વ્યાસ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા સંજયભાઈએ જણાવ્યું કે, તેમણે સાથે મળીને અનેક ટીવી સિરિયલો, ડોક્યુમેન્ટરીઝ અને સુગમ સંગીતના ગીતો કર્યા છે. તેમણે ગાયેલા જાણીતા ગીતો જેવા કે 'એક પાટણ શહેરની નાર પદમણી', 'અમદાવાદનો રિક્ષાવાળો', 'અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો', 'જીવન પુષ્પના પાને પાને પાંગરે રે માણસાઈ', 'હું તો સુતી' અને 'આટા પાટા અમદાવાદ' જેવા લોકપ્રિય ગીતોમાં ગૌરાંગજીનું સંગીત હતું. ગૌરાંગ વ્યાસનું જવું એ માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સંગીત જગત માટે ન પૂરી શકાય તેવી અતિશય મોટી ખોટ છે. જોકે, તેમણે આપેલું અદ્ભુત સંગીત અને ગીતો થકી તેઓ કાયમ આપણી વચ્ચે જીવંત રહેશે અને આ ગીતો ગાઈને તેમને જીવંત રાખવું એ જ હવે તમામ કલાકારોની ફરજ છે. અવિનાશ વ્યાસ પછીની પરંપરાનું બહુ મોટું અને ઉજળું નામ: કવિ અંકિત ત્રિવેદી કવિ અંકિત ત્રિવેદીએ કહ્યું કે ગુજરાતી સંગીતનો એક સુવર્ણ યુગ આજે આથમી ગયો, અમારી વચ્ચેથી વિદાય થઈ ગયો. સાત સુરોના સરનામે જે હંમેશા મળતા હતા એ આજે આથમી ગયા. અમારા બધા માટે એક આ ક્યારેય ન પુરાય એવી ખોટ છે. ગુજરાતી સંગીતને એની ઉચ્ચતમ ક્વોલિટી સાથે બીજી ભાષાઓને પણ છાજે એના કરતાં પણ ઉત્તમ રીતે બીજી ભાષાના ગાયકો, સંગીતકારો પણ ગુજરાતી સંગીતને પ્રેમ કરે, એની નોંધ લે એવા ઉત્તમ સ્વરકાર ગૌરાંગ વ્યાસ છે. અવિનાશ વ્યાસ પછીની પરંપરાનું બહુ મોટું અને ઉજળું નામ. અમારા બધા માટે આજે સાચું કહું તો કોઈ શબ્દો જ નથી, શબ્દના વ્યક્તિ હોવા છતાં પણ. એમના દિવંગત આત્માને માત્ર ને માત્ર મૌનાંજલિ. પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી ગુજરાતી ચલચિત્રસંગીત તથા સુગમસંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર. સંગીતના ક્ષેત્રમાં પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી છે. પિતાનું નામ અવિનાશ અને માતાનું નામ વસુમતી. ગળથૂથીમાંથી સંગીતના સંસ્કાર પ્રાપ્ત કરેલ ગૌરાંગ પાંચ વર્ષની વયે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડતા. મુંબઈની પોદાર હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા લીધો. વ્યાવસાયિક કારકિર્દી મુંબઈની ખંડેલવાલ એન્જિનિયરિંગ કંપનીથી શરૂ કરી, પરંતુ લાંબો સમય તેમાં રહ્યા નહિ અને કેવળ સંગીતને જ સમર્પિત રહ્યા. ગુજરાતી ચલચિત્ર ‘લીલુડી ધરતી’માં પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે તેઓ જોડાયા અને શ્રેષ્ઠ સંગીતકારનો સહિયારો એવૉર્ડ તેમણે મેળવ્યો. પિતાની સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે સંગીત આપ્યું આ પછી ‘ઉપર ગગન વિશાળ’માં પણ તેમનું સહિયારું સંગીત હતું, જે વખણાયું. પિતાની સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે સંગીત આપ્યું, જેને લોકપ્રિયતા મળી. 1976માં ‘લાખો ફૂલાણી’માં તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે સર્વપ્રથમ વાર સંગીત આપ્યું, જેમાં ગીતરચના અવિનાશ વ્યાસની હતી. આ ફિલ્મમાં એક રમૂજી ગીત માટે તેમણે હિન્દી ફિલ્મજગતના લોકપ્રિય પાર્શ્ર્વગાયક કિશોરકુમારના કંઠનો ઉપયોગ કર્યો હતો. પાર્શ્ર્વગાયક પ્રફુલ્લ દવેને આ ફિલ્મમાં પ્રથમ વાર તેમણે તક આપી ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’ ગીત ગવડાવ્યું. 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હિન્દી ફિલ્મ જગતના મશહૂર પાર્શ્ર્વગાયકો આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર, ભૂપેન્દરસિંઘ વગેરેના કંઠનો ગુજરાતી ચલચિત્રોમાં ઉપયોગ કર્યો. ‘પારકી થાપણ’નું કન્યાવિદાય-ગીત ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ પાર્શ્ર્વગાયિકા લતા મંગેશકર પાસેથી ગવડાવ્યું, જેની તરજ એટલી તો સરસ હતી કે લતાજીએ ગાયેલું એ ગીત લોકજીભે ચઢ્યું. તેમણે 2004 સુધીમાં લગભગ 100 ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. કેતન મહેતા દ્વારા નિર્મિત ‘ભવની ભવાઈ’(1981)માં તેમનું સંગીત યાદગાર બની રહ્યું. શ્રેષ્ઠ સંગીત માટેના 11 પુરસ્કારો મળ્યા ફિલ્મની સાથે તેમને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત થયું. ગુજરાતી ફિલ્મોમાં પ્રયોગશીલ-સંગીતકાર તરીકે તેમને સર્વાધિક કીર્તિ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત માટેના લગભગ 11 પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે. લોકસંગીત અને ભજનસંગીતના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં પણ તેમનું સીમાચિહ્નરૂપ પ્રદાન છે. ગુજરાતના સુપ્રસિદ્ધ ગીત-કવિઓ-ગઝલકારોની રચનાઓનાં 500થી વધુ સ્વરાંકનો તેમણે કર્યાં છે જે એક વિક્રમ ગણાય છે. આ ઉપરાંત ગુજરાતી રાસ-ગરબાને પોતાના સ્વરનિયોજનથી તેમણે લોકપ્રિય બનાવ્યાં છે. નૃત્યનાટિકા, ટેલિવિઝન-શ્રેણીઓ, લોકસંગીત અને ભજનસંગીતના ક્ષેત્રમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 1961માં અમદાવાદમાં ગુજરાતી સુગમ સંગીતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલી ‘શ્રુતિ’ સંસ્થાના તેઓ રાહબર રહ્યા છે. એચ.એમ.વી.એ તેમના સંગીત-નિર્દેશન હેઠળ ‘શ્રવણમાધુરી’ અને ‘સાગરનું સંગીત’ રેકૉર્ડ્ઝ તૈયાર કરી હતી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ‘ગીત રે ગીત’ શ્રેણીમાં પણ તેમનું સંગીત છે. પરંપરા અને પ્રયોગશીલતાની દૃષ્ટિએ ગુજરાતી ગીત-સંગીતને તેમણે લોકપ્રિય બનાવ્યું છે અને કલાત્મક રૂપ પણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લોકમેળામાં ખાણીપીણીમાં ફૂડ કલરની મિલાવટથી કેન્સરનું જોખમ:રાજકોટના રેસકોર્સ મેદાનમાં અખાદ્ય પોટેટો ચિપ્સ, પોટેટો ટ્વિસ્ટર, તેલનો નાશ કરાયો: મહિલાએ કહ્યું - અહીં ભોજન આરોગવું તે મોતને નોતરું આપવા સમાન
    Next Article
    વડોદરા ખાતે 17 સપ્ટેમ્બરે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાશે:4 જિલ્લાના 1000થી વધુ અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારોને રોજગારની તક મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment