Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:દરેક જણ ઈચ્છે છે કે તેને કોઈ સાંભળે પણ સાંભળનાર મળતું નથી

    12 hours ago

    હસમુખ પટેલ 20વર્ષ પહેલાંની વાત છે. મારા એક પોલીસ હેડ કોન્સ્ટેબલે મને રાત્રે દસ વાગ્યે ફોન કર્યો. ત્રણેક અઠવાડિયાં પહેલાં તેમની પુત્રી ભાગી ગઈ હતી. આ ઘટનાથી તેઓ દુઃખી હતા. હું મદદ કરીશ એમ મેં તેમને કહ્યુ. તેમણે કહ્યું, “મદદ માગવા મેં ફોન નથી કર્યો. મારે આપની સાથે વાત કરી મન હળવું કરવું હતું.’ મારી સાથે કામ કરનાર એક કર્મચારીએ પોતાનું હૈયું ઠાલવવા મને યોગ્ય ગણ્યો. તેથી મને આનંદ થયો. દરેક માણસ ઈચ્છે છે કે તેને કોઈ સાંભળે પણ સાંભળનાર મળતું નથી. બાળક નાનું હોય ત્યારે તેના કાલા-ઘેલા શબ્દો સાંભળી આપણે રાજી થતા હોઈએ છીએ. તેનાથી પ્રોત્સાહિત થઈ તે ઝડપથી બોલતા શીખે છે. શાળાએ જતું બાળક ભાતભાતની ફરિયાદ લઈ શાળાએથી પાછું આવે છે, “પેલાએ મારી પેન્સિલની અણી તોડી નાખી, તેણે મારું રબર લઈ લીધું, પેલો મને ચીડવે છે’ ઇત્યાદિ. માતા જવાબ આપે છે, “તો તારે શિક્ષકને કહી દેવું હતું ને’ અથવા તો ‘તેણે તને માર્યું તો તારે પણ સામે મારી દેવું હતું ને.’ વાસ્તવમાં બાળક પોતાની તકલીફોના ઉકેલ માટે માતાને કહેતું નથી હોતું. તે તો પોતાના શાળાના અનુભવ મા સાથે વહેંચવા માગે છે. શાળાથી આવેલું બાળક ભાતભાતની વાતો કરે એનો અર્થ એ થયો કે શાળાનું વાતાવરણ સારું છે. બાળક સમાજ સાથે જીવતાં શીખી રહ્યું છે. આવા સમયે માતાએ માત્ર સાંભળવાનું છે, ઉકેલો આપવાના નથી. બાળક વધુ ને વધુ વાત કરે તે સારું અને જેટલું બોલવું પડે તેટલું જ બોલવાનું છે. તરુણાવસ્થામાં બાળક માતા-પિતાને બદલે મિત્રો સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. તે મા-બાપ સાથે પહેલાં જેટલી વાત કરતું નથી. તેમની સાથે રહેવાનું ઓછું પસંદ કરે છે. આ તબક્કામાં માતા-પિતાને બાળકની ચિંતા થાય છે. બાળક વધુ વ્યવસ્થિત થાય તેવું ઈચ્છે છે. પરિણામે વધુ સલાહ અને ઉપદેશ આપે છે. બાળક સલાહ સાંભળવાનો ડોળ કરે છે પણ સાંભળતું નથી. માતા-પિતાનો આદર નહીં કરતું હોય તો સાંભળવાનો ડોળ પણ નહીં કરે, તેને આવી સલાહમાં રસ નથી તેમ મોઢા ઉપર કહી દેશે. આ સમયમાં બાળકની સુરક્ષા સચવાય તેવું ઇચ્છતાં મા-બાપ બોલવાને બદલે સાંભળવામાં ધ્યાન આપશે તો બાળકના જીવનમાં શું ચાલી રહ્યું છે તેની તેમને ખબર પડશે. તો જ તેઓ તેમાં કંઈ કરી શકશે. તેઓ તરુણ બાળકોનાં માતા-પિતા બનવાને લાયક હશે તો આ ઉંમરે પણ શાળાએથી આવેલું બાળક પોતાની વાતો ઊલટભેર કહેશે. શાળાએથી આવેલ તરુણ પોતાની વાત કરે ત્યારે મોટા ભાગની માતાઓ; ગણવેશ બદલી ધોવા નાખવા, તેની વસ્તુઓ ઠેકાણે મૂકવા, તેને શું જમવું છે તેની વાત કરતી હોય છે. આ સમયે બાળકને માતા-પિતાની સેવા નહીં, તેમના શ્રવણની જરૂર હોય છે. જો ઘરમાં પ્રેમ અને સંવાદનો માહોલ હશે તો કોલેજે જતું યુવા-સંતાન પણ માતા-પિતા સાથે વાત કરતું રહેશે. આવા સંવાદનો અભાવ જ ભાગીને થતા લગ્નમાં પરિણામે છે. જો ઘરમાં સાંભળવાનો માહોલ ન હોય તો સંતાન પોતાના પસંદગીના પાત્રની વાત માતા-પિતાને કરશે નહીં અને કરશે તો પણ તેની વાતમાં રહેલ સત્ય મા-બાપ સાંભળશે નહીં. પતિ-પત્નીના સંબંધમાં પણ શ્રવણનું ખૂબ જ મહત્ત્વ છે. બે જુદા વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિઓની માનસિક જરૂરિયાત જુદી જુદી હોવાની. એકબીજાને સાંભળીને જ સમજી શકાય. સાંભળવું એટલે સમજવું. સાંભળવું એટલે પ્રેમ કરવો. ઘણીવાર પ્રેમ હોય પણ વ્યક્ત થતો નથી. સાંભળવું તે પ્રેમ વ્યક્ત કરવાની એક મહત્ત્વની રીત છે. આજની ભાગદોડમાં આપણી પાસે વડીલો માટે સમય હોતો નથી. ભાતભાતના પ્રશ્નો પૂછી તેઓ પોતાની હાજરી પુરાવતાં હોય છે. બહારથી આવેલ પોતાના સંતાનને, એણે ખાધું કે નહીં તેવું પૂછનાર માતા-પિતા વાસ્તવમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. જીવનમાં મોટી સફળતા મેળવનાર વ્યક્તિને મનમાં થાય કે હું નાનો કીકલો થોડો છું તેથી આવા પ્રશ્નો પૂછે છે. વાસ્તવમાં માતા-પિતા માટે તો આપણે નાના કીકલા જ રહેવાના. આવું પૂછનાર કોઈ વડીલ જીવતું હોય તેવું સદભાગ્ય બધાના નસીબમાં હોતું નથી. આપણને બોલતા શીખવવામાં આવે છે પરંતુ સાંભળવાનું ક્યારેય શીખવવામાં આવતું નથી. આપણું વક્તૃત્વ સુધારવા આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ પરંતુ શ્રવણ શીખવા કોઈ પ્રયત્ન કરીએ છીએ? આપણને થાય છે કે ભાષણો આપવાથી લોકોને પ્રેરણા મળે છે, ભાષણ તો દુનિયા બદલવાનું માધ્યમ છે. પણ વાસ્તવમાં તો દુનિયા તો શ્રવણથી જ બદલાય છે, કારણ કે શ્રવણ સંબંધોનું સબરસ છે. તે સંબંધોમાં મીઠાશ લાવે છે. સંબંધો જ જીવનને જીવવા જેવું બનાવે છે, ઘરને પરિવાર બનાવે છે. સંબંધો જ કાર્યસ્થળે પરિણામ લાવે છે. સંબંધથી મોટું કોઈ સાધન નથી. સંબંધમાં સારી રીતે જીવવાના પ્રયાસથી મોટી કોઈ સાધના નથી, જે શ્રવણના માધ્યમથી જ થાય છે. આવી શ્રવણસાધનાની શક્તિ આવે તેવી કુદરતને પ્રાર્થના! }
    Click here to Read More
    Previous Article
    મૉન્ટાજ:ડીસીઃ દાસ અને ચંદ્રાનું પાગલપન!
    Next Article
    મજાતંત્ર:ભેળસેળથી થતા ફાયદા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment